Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-43

'તું બધાની સાથે ફોડી લઇશ એટલો વિશ્વાસ છે. તારી રીતે પ્રયત્ન ચાલુ રાખજે.'

  • પ્રકાશન તારીખ25 Aug 2018
  •  

પ્રકરણઃ 43
સુભાષને
આટલો રેચ આપવાની જરૂર હતી અને એ કામ સરસ રીતે પતી ગયું એના સંતોષ સાથે વિભાકર આરામથી કાર ચલાવી રહ્યો હતો. સુભાષે ટ્રાફિક ઝૂંબેશની વાત કરેલી એ ધ્યાનમાં હતી એટલે એણે વ્યવસ્થિત રીતે સીટબેલ્ટ પહેરી લીધો હતો. આ કામ નિરર્થક અને કંટાળાજનક લાગતું હતું. હાઇવે પર જરૂરી છે, પણ શહેરના ટ્રાફિકમાં સીટબેલ્ટની કોઇ જરૂર નથી એવું એ માનતો હતો અને સામાન્ય સંજોગોમાં સીટબેલ્ટને અડતો પણ નહોતો. પરંતુ, તમારી પાસે ખિસ્સામાં રોકડા પચીલ લાખ રૂપિયા હોય એ સમયે કોઇ નાના કોન્સ્ટેબલ સાથે પણ પંગો ના લેવાય એ સચ્ચાઇ સ્વીકારીને સીટબેલ્ટ પહેર્યો હતો.

'તું આવ્યો ત્યારે મારે ફોનાફોની ચાલુ હતી એટલે મેં તને બેસવાનું કહેલું પણ તારેય કોઇનો ફોન આવ્યો અને તુ ગૂમ થઇ ગયો.'

શાહીબાગ અન્ડરબ્રીજમાંથી બહાર આવ્યા પછી ટ્રાફિકથી બચવા માટે કમિશ્નરની ઓફિસ અગાઉ એણે દેવજીપુરા તરફ કાર વાળી. દધીચિ બ્રીજ પરથી વાડજ અને ઉસ્માનપુરા અંડરબ્રીજના રસ્તે એ આગળ વધ્યો એ છતાં ભયાનક કંટાળાજનક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો.


સવારે ગોધાવી જવા નીકળ્યો ત્યારેથી અત્યાર સુધી સતત વ્યસ્ત રહ્યો હતો એટલે અત્યારે ઓફિસ જવાને બદલે સીધા બંગલે જ પહોંચી જવાનું એણે વિચાર્યું અને કારને સેટેલાઇટ રોડ તરફ ભગાવી.


ડ્રોઇંગરૂમમાં અલકા અને ભાવિકા સોફા પર બેઠા હતા. એમની સામે કાશીબા કાર્પેટ પર બેસીને કંઇક બોલી રહ્યા હતા. વિભાકર સવારે ઘરમાંથી નીકળ્યો ત્યારે કોઇએ એને જોયો નહોતો. અત્યારે એ આવ્યો એટલે પેલા ત્રણેય આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા.
'આજે તો તમારે વટ પડે છે, વિભાભાઇ!' અલકાએ હસીને પૂછ્યું. 'કોઇ પાર્ટીમાં ગયા હતા?'
હાશ કહીને કશો જવાબ આપ્યા વગર વિભાકર સામેના સોફા પર ફસડાઇ પડ્યો હોય એમ આરામથી બેઠો.


'મોટીબહેનને જવાબ તો આપો, ભાઇ! ક્યાં ગયા હતા?' ભાવિકાએ પણ પ્રશ્રનું પુનરાવર્તન કર્યું.
'સાચં કહું? એક કન્યા જોવાગયેલો પણ એ ગાંડીએ ના પાડી. કહે કે આ અંકલ ના ચાલે!'
બધા હસી પડ્યા. કાશીબાએ ઊભા થઇને વિભાકરને પાણી આપ્યું. 'મમ્મીનો શોક છે એટલે કોઇ પાર્ટી- બાર્ટીમાં જવાનો તો સવાલ જ નથી. તમને બધાને ખબર છે કે આવા વાઘા પહેરાવનો મને કંટાળો આવે છે પણ આજે એક જગ્યાએ રોલો પાડવાનો હતો એટલે વેશ કાઢવો પડ્યો.' વિભાકરે ખુલાસો કર્યો અને બીજી બે- ચાર હસીમજાકની વાતો ભાભીઓ સાથે કરીને એ ઊભો થઇને પોતાના રૂમમાં ગયો. નાહીને કપડાં બદલ્યા પછી એણે હળવાશ અનુભવી.


થોડી વારમાં હરિવલ્લભદાસ, આદિત્ય અને ભાસ્કર પણ આવી ગયા. બધા સાથે જમવા બેઠા.
'તું આવ્યો ત્યારે મારે ફોનાફોની ચાલુ હતી એટલે મેં તને બેસવાનું કહેલું પણ તારેય કોઇનો ફોન આવ્યો અને તુ ગૂમ થઇ ગયો.' હરિવલ્લભદાસે વિભાકર સામે જોયું.


'એક અરજન્ટ કામ આવી ગયું એટલે ભાગવું પડ્યું.' આટલું કહીને વિભાકર અટકી ગયો. એણે આગળ કંઇ કહ્યું નહીં એટલે કોઇએ એને પૂછ્યું નહીં. બાપ અને દીકરાઓ વચ્ચે આવી સમજણ હતી કે એકબીજાને બીનજરૂરી કે વધારે પડતી પૂછપરછ નહીં કરવાની. કંઇ કહેવા જેવું હશે તો એ વ્યક્તિ બાકીના ત્રણેયને જણાવી જ દેશે એવો પરસ્પર વિશ્વાસ હતો.
જમવાનું ચાલુ હતું. ગોરધન મહારાજ દરેકને ગરમ રોટલી પહોંચાડી રહ્યો હતો.


'આજે ગોધાવીનો આંટો પાર્ટલી સફળ રહ્યો.' બધાની સામે જોઇને વિભાકરે માહિતી આપી. 'એ જમીન પર પચાસ ટકા માલિકી હકનો દાવો કરનાર પ્રભાતસિંહ મજાના માણસ છે. એમની સાથે ટ્યુનિંગમાં વાંધો નહીં આવે. પેલા બંને ભાઇઓ સાથે પણ એકાદ અઠવાડિયામાં મિટિંગ ગોઠવી કાઢીશ.' એણે આત્મવિશ્વાસથી ઉમેર્યું. 'એ કોકડું એવી રીતે ગૂંચવાયેલું છે કે આપણા સિવાય બીજા કોઇની હિંમત નહીં ચાલે.' એણે હસીને હરિવલ્લભદાસ સામે જોયું. 'તમે કહેલું એટલે સંઘવી શેઠ પાસેથી જ આ પ્રભાતસિંહનો કોન્ટેક્ટ નંબર લીધેલો. એ સંઘવીને તો આ જ બાપુએ દસ જ મિનિટમાં ભગાડી મૂકેલો.'


'તું બધાની સાથે ફોડી લઇશ એટલો વિશ્વાસ છે. તારી રીતે પ્રયત્ન ચાલુ રાખજે.' બાપે સલાહ આપી.
બીજી આડીઅવળી વાતો વચ્ચે જમવાનું પૂરું થયું. હરિવલ્લભદાસ ડ્રોઇંગરૂમમાં બેઠા. ત્રણેય ભાઇઓ પોતપોતાના રૂમમાં ગયા.


ભારે ભોજન અને દિવસભરનો થાક એને લીધે વિભાકર પલંગમાં આડો પડ્યો. સવારે અને સાંજે ભોજન પછી વીસ- પચીસ મિનિટ આડા પડવાનો એનો નિયમ હતો. ઓફિસમાં હોય ત્યારે પણ બપોરના ભોજન પછી ટેબલ પર માથું ઢાળીને એ પંદરેક મિનિટનું ઝોકું ખાઇ લેતો.
અર્ધો કલાકના આરામ પછી વિભાકર ઊભો તયો અને લેપટોપ ચાલુ કર્યું. પોતાના જેવો દેખાતો લંડનનો એ માણસ કોણ હશે? એ જિજ્ઞાસા સાથે એણે સર્ચ કરીને લંડનના ઇ- પેપરની યાદી મેળવી.


મનમાં સળવતા કુતૂહલના કીડાને શાંત રાખવાનું કામ વિભાકર માટે પણ અશક્ય હતું. લેપટોપ ચાલુ કરતા અગાઉ એક સેકન્ડ માટે તો એને પણ એવો વિચાર આવેલો કે ફરગેટ ઇટ! બાવીસ વર્ષની લંડનવાસી કન્યાએ ચહેરામાં લીગર મળતાપણું જોયું અને દેકારો માચવી દીધો, પણ તારે એમાં ઊંડા ઊતરીને શું કાંદા કાઢવાના છે? તારે જેવા ભળતા ચહેરાવાળો માણસ લંડનમાં ખૂન કરે કે ખજાનો લૂંટે, એમાં તારે ખાંખાખોળા કરવાની શું જરૂર છે?


આવો વિચાર તો આવેલો, પણ જિજ્ઞાસા જીતી ગઇ. લેપટોપના સ્ક્રીન પર લંડનના ઇ- પેપરની યાદી હાજર હતી. ધ ગાર્ડિયન, ટ્રિનિટી મિરર, ડેઇલી મિરર, ધ પીપલ, ધ સન, લોકલ વર્લ્ડ, સીટી એ.એમ., લંડન પોસ્ટ, ધ ટેલિગ્રાફ, લંડન ન્યૂઝ... યાદી બહુ લાંબી હતી.


ગયા મહિનાની છવ્વીસની તારીખની ઘટના હતી એટલે સત્યાવીસમી તારીખ પછીના પેપર્સ વાંચવાના હતા. એક પચી એક ટેબ્લોઇડની વેબસાઇટ ખોલીને એમાં જૂની તારીખનું અખબાર વાંચવા માટે આર્કાઇવ્ઝમાં જવું પડે.


સીટી એ.એમ.ના આર્કાઇવ્ઝમાં પહેલા જ પ્રયત્ને એ સમાચાર જડી ગયા. સત્યાવીસમી તારીખના બીજા અખબારમાં પણ એ સમાચાર હતા. તુલનાત્કમ રીતે એણે જોયું તો લોકલ વર્લ્ડ નામના ટેબ્લોઇડવાળાએ આ ઘટનાને સૌથી મોટી જગ્યા ફાળવી હતી એટલે સત્યાવીસમી તારીખ પછીના એકએક દિવસના એ ટેબ્લોઇડના સમાચારમાંથી જ કંઇક વિશેષ માહિતી મળશે એવી વિભાકરે ધારણા કરી.


ક્રોનર સ્ટ્રીટના કોફી શોપમાં એક માણસ પોતના શિકારની રાહ જોઇને રોડ ઉપર નજર રાખીને બેઠો હતો. રસ્તા પરથી પસાર થતાં પોતાના ટાર્ગેટને જોઇને એ ઝડપથી બહાર આવ્યો. પેલા માણસની નજીક જઇને પોઇન્ટ બ્લેન્કથી એની ખોપરીમાં ગોળી ધરબી દીધી અને પછી દોડીને જાણે હવામાં ઓગળી ગયો!


આ પ્રકારના સમાચાર બધા ટેબ્લોઇડમાં હતા પણ લોકલ વર્લ્ડમાં એ કોફી શોપના ફોટોગ્રાફ સાથે વધુ વિગતો હતી. જેનું ખૂન થયું હતું એ વ્યક્તિ ઇન્ડિયન હતી અને ટુરિસ્ટ વિઝા પર લંડનમાં આવેલી હતી!


આટલી વિગર જાણ્યા પછી વિભાકરની જિજ્ઞાસા વધુ તીર્વ બની. ફરી વાર એક પછી એક ટેબ્લોઇડના પાનાં ફેરવીને એકએક લીટી વાંચીને એ ઊંડો ઊતર્યો.


પોઇન્ટ બ્લેન્કથી ખોપરીમાં ગોળી વાગવાથી એ માણસ ઓન ધ સ્પોટ મરી ગયો હતો. પચાસેક વર્ષના એ માણશનું નામ- ઠામ પોલીસે એના પાસપોર્ટ પરથી શોધી કાઢ્યું હતું. નામ હરિપ્રસાદ મિશ્રા અને સરનામું ભારતના ઉત્તરપ્રદેશનું મેરઠ સીટી!


મરનાર વ્યક્તિ જો લંડનની જ હોત તો વિભાકરની જિજ્ઞાસા આટલી તીવ્ર ના બનતી, પણ આ ઘટનાના છેડા તો ભારત સુધી લંબાતા હતા એટલે પૂરી એકાગ્રહતાથી એ લેપટોપના સ્ક્રીન પર ઝૂકીને ખાંખાખોળા કરી રહ્યો હતો.


એ કન્યાએ પોતાને જોઇને જે ચીસ પાડી હતી એના ભણકારા હજુ કાનમાં પડઘાતા હતા. એ છોકરીએ જે વાત કહી હીત એ ઘટના તો સાવ સાચી હતી. હોઠ બીડીને વિભાકર આગળની તારીખોના અખબાર ફંફોળી રહ્યો હતો. ખૂનીનું વર્ણન કે એના વિશેની વિગતો જાણવા માટે એ હવે તલપાપડ બન્યો હતો.


ગુનાખોરીના સમાચારને સૌથી વધુ જગ્યા લોકલ વર્લ્ડ ટેબ્લોઇડમાં જ અપાતી હતી એટલે હવે વિભાકરે એના પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.


ઘટનાના ચોથા દિવસના અખબારમાં ફરી વાર એ ખૂનકેસને ખાસ્સી જગ્યા મળી હતી. કોફીશોપના માલિક પાસેથી મેળવેલી માહિતી અને સીસીટીવીના ઝાંખા ફૂટેજના આધારે પોલીસના સ્પેશિયલ આર્ટિસ્ટે ખૂનીનો સ્કેચ બનાવ્યો હતો. આખા સ્ક્રીન પર એ સ્કેચ ઝૂમ કરીને જોતી વખતે વિભાકરના હૃદયના ધબકારાની ગતિ વધી ગઇ હતી. એ કન્યાએ ચીસ અમસ્તી જ નહોતી પાડી! ખૂનીનો ચહેરો મહદઅંશે પોતાના ચહેરા સાથે સામ્યતા ધરાવતો હતો!


ગજબ કહેવાય! વિભાકરનું મગજ ચકરાઇ ગયું હતું. લેપટોપના સ્ક્રીન પર ચમકતા એ સ્કેચ સામે એ તારી રહ્યો. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક એંગલથી લીધેલા આપણા ફોટામાં આપણે આપણી જાતને ઓળખવામાં ભૂલ કરીએ છીએ. એ વિચારતો હતો. સ્કેચ જોઇને કોઇ ત્રીજી તટસ્થ વ્યક્તિ જ સાવ સાચો અભિપ્રાય આપી શકે.

પેલા માણસની નજીક જઇને પોઇન્ટ બ્લેન્કથી એની ખોપરીમાં ગોળી ધરબી દીધી અને પછી દોડીને જાણે હવામાં ઓગળી ગયો!

એ સ્કેચની ઝૂમ કરેલી ઇમેજને ડેસ્કટોપ પર સેવ કરીને મૂકી દીધા પછી વિભાકરે આગળની તારીખો ખંખોળવાનું શરૂ કરી દીધું. એ ખૂની પકડાયો કે નહીં એ સમાચાર જાણવાની ઉત્કંઠા એટલી તીવ્ર બની હતી કે એક પછી એક ટેબ્લોઇડના છેક આજની તારીખ સુધીના બધા સમાચાર ઉપર એણે નજર ફેરવી લીધી. આ બધી કસરતમાં રાતના ત્રણ વાગી ચૂક્યા હતા એટલે શરીર થાક્યું હતું. ખૂની હજુ સુધી પકડાયો નહોતો એની હતાશા સાથે એ પલંગમાં આડો પડ્યો.


સવારે બ્રશ કરીને એણે રૂમનું બારણું ખોલીને ચારે બાજુ નજર ફેરવી. ભાસ્કરની પુત્રી ભૈરવી ડાઇનિંગ ટેબલ પર બેસીને દૂધ પીતી હતી.


'હેય ભૈરુ! કમ હીયર.' વિભાકરે બૂમ પાડીને એને બોલાવી એટલે દૂધનો ગ્લાસ હાથમાં લઇને એ દોડતી આવી. 'અંદર આવ, એક વસ્તુ બતાવું.'


લેપટોપ ખોલીને વિભાકરે પેલો સ્કેચ બતાવ્યો. ભૈરવી એકીટશે એ સ્કેચ સામે તાકી રહી.
'વાઉ! ઇટ્સ વન્ડરફૂલ, વિભાકાકા! તમારું આટલું સરસ પેઇન્ટિંગ કોણે બનાવ્યું.?' સુખદ આશ્ચર્ય સાથે એ ભોળાભાવે બોલતી હતી અને વિભાકર સ્તબ્ધ હતો!
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP