Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-42

‘બંને સમયે તમારી બાંધી મુઠ્ઠી મેં જાળવી છે પણ હવે આવા પરાક્રમનું વિચારશો તો હું સાળો- બનેવીનો સંબંધ ભૂલી જઇશ.’

  • પ્રકાશન તારીખ24 Aug 2018
  •  

પ્રકરણઃ 42
‘હું
આવું નહીં ત્યાં સુધી સુભાષકુમારને રોકી રાખજે. એમનો મિત્ર આવે તો એને પણ બેસાડી રાખજે.’ બહુ સ્પષ્ટ શબ્દોમાં શાલિનીને સૂચના આપી હતી, એટલે વિભાકર નિશ્ચિંત હતો કે સાવકી બહેન એના આદેશનું પાલન કરશે. એ છતાં, ગિલિન્ડર સુભાષનો હવે કોઇ ભરોસો ના કરાય. એ વિચાર સાથે એ ઝડપથી કાર ભગાવી રહ્યો હતો. શહેરનો ટ્રાફિક વીંધીને ઝડપથી શાહીબાગ પહોંચવાનું હતું એટલે સહેજ ઊંધો રસ્તો લઇને એ વાસણા પહોંચ્યો અને ત્યાંથી રિવરફ્રન્ટનો રસ્તો પકડ્યો કે જેથી ટ્રાફિક ના નડે. રિવરફ્રન્ટના રોડ પરથી એ ડફનાળા પહોંચી ગયો અને ત્યાંથી સુભાષકુમારનો બંગલો બે જ મિનિટના અંતરે હતો.

બનેવી તરીકે આજ સુધી એમનું પૂરું માન સન્માન જાળવ્યું છે, પરંતુ આજે કદાચ ઉગ્ર બનીને એમને ધમકાવવા પડશે. પોતાની જવાબદારી અને મોભાનું ભાન ના હોય એવા માણસને પાઠ ભણાવવામાં વાંધો નહીં.

પપ્પાને આ વાતનો અણસાર સુદ્ધાં નથી. આદિત્ય અને ભાસ્કરને અગાઉની ઘટનાની વાત કરેલી પણ આ નવા ચેપ્ટરની શરાફ પાસેથી વ્યાજે પચીસ લાખ રૂપિયા લીધાની જાણકારી નથી. પોતે એકલા હાથે જ આ મામલો સંભાળીને સુભાષને સીધો કરી દેવાનો હતો. બંગલાના ગેટ સુધી વિભાકર એ જ વિચારતો હતો. બનેવી તરીકે આજ સુધી એમનું પૂરું માન સન્માન જાળવ્યું છે, પરંતુ આજે કદાચ ઉગ્ર બનીને એમને ધમકાવવા પડશે. પોતાની જવાબદારી અને મોભાનું ભાન ના હોય એવા માણસને પાઠ ભણાવવામાં વાંધો નહીં.

વિભાકરે ડોરબેલ વગાડી એટલે શાલિનીએ બારણું ખોલ્યું. 'અરે વિભા! યે ક્યા?' વિભાકરને જોઇને એણે આશ્ચર્યથી પૂછ્યું. 'કોઇના મેરેજમાં ગયેલો?'

સવારે ગોધાવી જતી વખતે રજવાડી જોધપુરી કોટ, સોનાની જાડી ચેઇન, લકી એ બધું પહેરેલું. વળી ત્યાં ચાંદલાની વિધિ પછી ગોરમહારાજે કપાળમાં ચાંદલો કરેલો એ પણ અકબંધ હતો એટલે શાલિનીને નવાઇ લાગી.

'મમ્મીનો શોક છે ત્યાં સુધી મેરેજમાં જવાનો તો વિચાર પણ ના કરાય.' વિભાકરે ખુલાસો કર્યો. 'પણ આજે એક પાર્ટી પાસે રોલો પાડવાનો હતો એટલે આ ડ્રેસ પહેર્યો. એ ભાઇને તાબડતોબ સાળાને ત્યાં ચાંદલાનો પ્રસંગ સાચવવા જવાનું હતું એટલે મિત્રભાવે ડ્રાઇવરની ફરજ બજાવવી પડી.' આટલી વારમાં સુભાષનાં દર્શન ના થયાં એટલે વિભાકરને ધ્રાસકો પડ્યો. 'સાહેબ ક્યાં છે? મેં તને ફોન પર તો કહેલું.'

'તારા ફોનની મેં એમને હજુ વાત જ નથી કરી. બહારનું જમવાનું ફાવતું નથી અને એસિડિટીનો પ્રોબ્લેમ છે એટલે નાહી-ધોઇને તૈયાર થયા પછી કહે કે જમીને જ જઇશ. એટલે હું ફટાફટ રસોઇ બનાવતી હતી. પ્રશાંત કે પરિધિ ઘરમાં નથી એટલે એ પોતે જ એક્ટિવા લઇને એસિડિટીની ગોળી લેવા ગયા છે, બસ, બે મિનિટમાં આવતા જ હશે. તું આરામથી બેસ.' બહેને અધિકારથી કહ્યું. 'જમવામાં પણ તારે એમની કંપની આપવી પડશે.'

'ના ભૈ, ના.' વિભાકરે એની સામે હાથ જોડ્યા. 'બપોરે પાર્ટીના યજમાનોએ એટલું દાબીને જમાડ્યું છે કે પેટમાં જગ્યા જ નથી.' બહેન બોલતી હતી એ દરમિયાન વિભાકરની આંખ ઘરના નિરીક્ષણમાં રોકાયેલી હતી. સામે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. પલંગ પર પડેલી સૂટકેસ હજુ બંધ કરવાનું કામ બાકી હતું. વિભાકર એની સામે એકીટશે તાકી રહ્યો.

પ્રવીણ ઠક્કરે રજેરજની માહિતી આપી હતી. એણે સુભાષની ઇચ્છા મુજબ પચીસ લાખ રૂપિયા રોકડા બે બે હજારની નવી નોટના બંડલમાં જ આપ્યા હતા. એ સાડા બાર પેકેટ્સ સુભાષે આ બેગમાં જ તળિયે મૂક્યા હશે એવું વિભાકરે અનુમાન કર્યું.

'તું કહેતી હતીને કે એમનો કોઇ ભાઇબંધ લેવા આવવાનો છે. એ હજુ નથી આવ્યો?'

'એ પણ બસ હવે આવતો જ હશે. એમણે જમીને જવાનું નક્કી કર્યું એટલે પેલાને ફોન કરી દીધેલો.' ઉત્સાહથી ચમકતા ચહેરે શાલિનીએ વિભાકર સામે જોઇને માહિતી આપી. 'હજુ કોઇને વાત નથી કરી, પણ તું આવ્યો એટલે પહેલી તને વાત કરું છું. સુભાષ એના ત્રણ પાર્ટનર જોડે નવો ધંધો શરૂ કરવાનો છે. એ ત્રણેય તો ચાર- ચાર કરોડ રોકવાના છે અને સુભાષે તો ખાલી દિમાગ લડાવીને મહેનત કરવાની છે, તોય ચોથો ભાગ મળશે. એની બુદ્ધિની કદર કરવાવાળા ભાગીદાર મળી ગયા એ અમારું નસીબ.' એણે ફરીથી વિભાકરને આગ્રહ કર્યો. 'અમસ્તો તો તું આવતો નથી. આજે આવ્યો છે તો એમની સાથે જમવું જ પડશે. એસિડિટી છે એટલે સાદું જ બનાવ્યું છે. સાવ મોળું શાક અને ખીર તૈયાર છે. બસ, ગરમ રોટલી ઉતારું એટલી વાર છે.'

'જમવા માટે ફરી ક્યારેક આવીશ.' વિભાકર સોફા પરથી ઊભો થયો. 'સરસ મજાની ચા પીવડાવી દે ત્યાં સુધીમાં મોઢું ધોઇને હું આ ચાંદલો ભૂંસી નાખું.' ઝડપથી પગ ઉપાડીને એ સીધો સામે બેડરૂમમાં ઘૂસ્યો અને બાથરૂમનું બારણું ખોલ્યું. શાલિની રસોડામાં ગઇ.

વિભાકર ફ્રેશ થઇને આવ્યો અને સોફામાં બેઠો એ જ વખતે શાલિની ચા લઇને આવી. વિભાકરે કપ હોઠે અડાડ્યો ત્યાં જ હાંફળો ફાંફળો સુભાષ ઘરમાં પ્રવેશ્યો. વિભાકરને જોઇને એને નવાઇ લાગી. 'વોટ એ ગ્રેટ સરપ્રાઇઝ! આજે સૂર્ય કઇ બાજુ ઊગ્યો?'

'સૂર્ય તો સ્થિર જ હોય છે, સાહેબ! આપણે અને આપણી આ પૃથ્વી ગોળ ગોળ ઘૂમે છે.' વિભાકરે હસીને જવાબ આપ્યો અને પૂછ્યું. 'તમે બહારથી આટલું ટેન્શન લઇને કેમ આવ્યા?'

'અરે ભાઇ, એસિડિટીની ટેબ્લેટ લેવા એક્ટિવા લઇને ગયો હતો ને ચાર રસ્તા પાસે ટ્રાફિકની ઝૂંબેશ ચાલતી હતી એટલે પોલીસનું ટોળું ઊભું હતું. પકડ્યો અને કહે કે હેલ્મેટ કેમ નથી પહેરી? લાયસન્સ બતાવો. અહીં ટાઇમની કટોકટી હતી એટલે દસ મિનિટ માથાકૂટ કરીને સોની નોટ પકડાવીને ભાગ્યો. એસિડિટીની ગોળી એકસો સત્તર રૂપિયામાં પડી!' આટલી કથા કહીને એણે વિભાકરને પૂછ્યું. 'તમે આજે અહીં ક્યાંથી?'

'આ તરફ નીકળેલો એટલે થયું કે બહેન- બનેવીની ખબર પૂછી લઉં. શાલુએ કહ્યું કે તમારે ક્યાંક બહાર જવાની ઉતાવળ છે અને જમવાનું બાકી છે. તમે આરામથી જમી લો, હું બેઠો છું.'

ત્યાં સુધીમાં શાલિનીએ ડાઇનિંગ ટેબલ પર પતિ માટે થાળી પીરસી દીધી હતી. 'ચાલો, જમવા.' સુભાષે આગ્રહ કર્યો. વિભાકરે નકારમાં માથું ધુણાવીને હાથ જોડ્યા. 'મેં બહુ આગ્રહ કર્યો પણ વિભો એક વાર ના પાડે એ પછી એની હા ક્યારેય ના થાય.' શાલિનીએ પતિને સમજાવ્યું.

સુભાષે ઝડપથી જમી લીધું અને ઘડિયાળ સામે જોયું. એ જમતો હતો એ દરમિયાન વિભાકર મોબાઇલ સાથે રમતો હતો.

'સોરી હોં.' સુભાષે ક્ષમા માગી. 'મારે બહાર જવાની ઉતાવળ હતી એટલે જમવા બેસવું પડ્યું. તમારે એકલા બેસી રહેવું પડ્યું.'

'મોબાઇલ એમાંય સ્માર્ટ ફોન આવી ગયા પછી કોઇ માણસ ક્યારેય એકલો પડતો જ નથી. આખી દુનિયા એની મુઠ્ઠીમાં જ હોય છે.' વિભાકરે હસીને કહ્યું. 'મારે પણ ઉતાવળ છે.' શાલિની રસોડામાં હતી. એને સંભળાય નહીં એટલા ધીમા અવાજે વિભાકરે કહ્યું. 'તમને ભૂખ્યા રાખવાની ઇચ્છા નહોતી, એટલે જમવા માટે સમય આપ્યો. હું જે કહીશ એ સાંભળ્યા પછી ગળે કોળિયો નહીં ઊતરે એ જાણું છું એટલે તમને જમાડી દીધા.' એનો અવાજ વધુ ધીમો થયો. 'કાર સુધી મૂકવા આવો. ત્યાં શાંતિથી વાત કરીએ.'

ડઘાઇ ગયેલા સુભાષના ચહેરા પર ગૂંચવાડો હતો. એની સામે નજર કર્યા વગર વિભાકરે રસોડામાં જઇને શાલિનીને આવજો કહી દીધું અને કાર તરફ આગળ વધ્યો. આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ સુભાષ એની પાછળ આવ્યો.

'એસિડિટી છે, એટલે પ્રવાસમાં પ્રોબ્લેમ થશે.' કારનો ટેકો દઇને વિભાકર આરામથી ઊભો રહ્યો અને સુભાષને સમજાવ્યું. 'બેડરૂમમાં એસી ચાલુ કરીને આરામથી ઊંઘી જાવ. તમારે ક્યાંય જવાનું નથી.'

સુભાષના ચહેરા પર ગૂંચવાડો વધ્યો. 'હું કંઇ સમજ્યો નહીં.' એ ધીમેથી બબડ્યો.

'બધુંય સમજાઇ જશે. કોટના ખિસ્સામાંથી સુભાષનો ચેક અને પ્રોમિસરી નોટ કાઢીને વિભાકરે એના હાથમાં આપી. 'હવે સમજણ પડી?'

ચેક અને પ્રોમિસરી નોટ જોયા પછી અને વિભાકરનો ધીમો પણ કરડાકી ભરેલો અવાજ સાંભળીને સુભાષ થથરી ગયો હતો. સસલું સિંહ સામે તાકે એમ એ વિભાકર સામે તાકી રહ્યો.

'શાલુ સાંભળે નહીં એટલે ધીમા અવાજે બોલું છું પણ એને તમારે જરાયે હળવાશથી લેવાનું નથી.' વીંધી નાખે એવી નજરે સુભાષની આંખોમાં આંખો પરોવીને વિભાકરે આદેશ આપ્યો. 'ભીલાડવાળો આખો પ્રોજેક્ટ ભૂલી જાવ. તમારા નામે ફાર્મા યુનિટ લીઝ પર લઇને એ લોકો તમને બલિનો બકરો બનાવી રહ્યા છે એટલુંય ભાન નથી? હરિવલ્લભદાસ શેઠનો જમાઇ આવા ધંધમાં હાથ નાખે? જસ્ટ ફોર યોર ઇન્ફર્મેશન. તમે કોઇનું ખૂન કરીને મારી પાસે આવશો તો તમને નિર્દોષ છોડાવવામાં મને તકલીફ નહીં પડે, પણ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પાસે કોઇનું કશુંય નથી ચાલતું એ તો ખબર છેને? તમે સળિયા પાછળ જાવ તો પાછળ શાલુનું શું? પ્રશાંત અને પરિધિનાં ભવિષ્યનું કંઇ વિચારતા કેમ નથી? ડ્રગ્ઝના કારોબારીનાં સંતાન તરીકે એ બંને સમાજ સામે કઇ રીતે ઊભા રહેશે? બાપ જેલમાં જાય એ સંતાનોને ગમે?'

ભયાનક કરડાકી સાથે વિભાકર એક શ્વાસે બોલી રહ્યો હતો. સુભાષ થીજી ગયો હતો.

'લિસન.' વિભાકરે આગળ કહ્યું. 'જેની સાથે તમારે ભીલાડ જવાનું હતું એ હમણાં તમને લેવા આવશે. એને ફોન કરીને ના પાડી દો. બીજા જે પાર્ટનર છે એમાંથી કોઇ તમારા ઉપર જોર કે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કરે તો જરાયે સંકોચ વગર એ ભાઇનો અતોપતો મને આપી દેજો. એમને સીધા કરી દેવાની તમારા સાળામાં તાકાત છે.'


અવાજની કરડાકી ઓછી કરીને વિભાકરે નરમાશથી સમજાવ્યું. 'શાલુ, પ્રશાંત અને પરિધિનો વિચાર કરીને તમને બચાવી રહ્યો છું. આ વાતની પપ્પા, આદિત્ય કે ભાસ્કરને ખબર નથી અને જાણ થશે પણ નહીં. જે તમારો બિઝનેસ છે એમાં મહેનત કરીને એ વધારો. એના માટે મદદની જરૂર હોય તો અમે ત્રણેય ભાઇઓ મદદ કરવા તૈયાર છીએ, પણ પૈસા માટે આવો શોર્ટકટ ક્યારેય વિચારતા નહીં.'

અવાજની નરમાશ ગૂમ થઇ ગઇ અને ફરીથી સખ્તાઇનો રણકો આવી ગયો. 'બંને સમયે તમારી બાંધી મુઠ્ઠી મેં જાળવી છે પણ હવે આવા પરાક્રમનું વિચારશો તો હું સાળો- બનેવીનો સંબંધ ભૂલી જઇશ. પપ્પા, શાલુ, આદિત્ય અને ભાસ્કરની હાજરીમાં મારો હાથ ઊપડી જાય તો એમાં વાંક મારો નહીં, તમારો હશે. અન્ટરસ્ટેન્ડ?'

'તમને ભૂખ્યા રાખવાની ઇચ્છા નહોતી, એટલે જમવા માટે સમય આપ્યો. હું જે કહીશ એ સાંભળ્યા પછી ગળે કોળિયો નહીં ઊતરે એ જાણું છું એટલે તમને જમાડી દીધા.'

કાળાધબ્બ ચહેરા સાથે સુભાષે હકારમાં માથું હલાવ્યું.

'તમારી નફટાઇને પણ દાદ આપવી પડશે. તેરમાના દિવસે તમારું તેર લાખનું દેવુ ચૂકવી આપ્યું એમાં તો તમારી હિંમત ઊઘડી ગઇ! ભીલાડના પ્રોજેક્ટ માટે પચીસ લાખની ઉધારી કરી?'

હડહડતા ધિક્કાર સાથે સુભાષ સામે જોઇને વિભાકરે કહ્યું. 'પચીસ લાખની એ પ્રોમિસરી નોટ અને ચેક હવે ફાડી નાખજો. પ્રવીણ ઠક્કરને મેં ચૂકવી દીધા છે.'

ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઇચ્છા હોય એમ સુભાષ નીચું જોઇને ઊભો હતો.

'આટલી સમજાવટ પીછી પણ તમને ભીલાડ જવાની ઇચ્છા ના થાય એવી ગોઠવણ કરવી પડે છે.' હળવાશથી મોં મલકાવીને વિભાકરે સુભાષના ખભે હાથ મૂક્યો. 'મને પચીસ લાખ પાછા આપવાનું ટેન્શન પણ ના રાખતા. સજ્જનને શોભે નહીં એવું કામ કર્યું છે એ છતાં એનો અફસોસ નથી.' જોધપુરી કોટના ઉપસેલાં ખિસ્સાંઓ બતાવીને વિભાકરે કહ્યું. 'તમારી બેગમાંથી એ પચીસ લાખ મેં લઇ લીધા છે. ન રહે બાંસ, ન બજે બાંસુરી.'

ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ સુભાષ હચમચી ઊઠ્યો હતો એની સામે નજર કર્યા વગર વિભાકરે કાર સ્ટાર્ટ કરી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP