Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-41

‘લંડનમાં મારો હમશકલ કોણ હશે? એણે કોનું ખૂન કર્યું હશે?’

  • પ્રકાશન તારીખ23 Aug 2018
  •  

પ્રકરણઃ 41

'જી... જી... સાહેબ.' વિભાકરની હેસિયત અને સ્વભાવ પ્રવીણ ઠક્કરે પારખી લીધાં હતાં. આ માણસ ભવિષ્યમાં ગમે ત્યારે મદદ કરશે એવી એને પૂરી શ્રદ્ધા હતી એટલે એકદમ નમ્ર બનીને એણે જવાબ આપ્યો. 'સુભાષભાઇને હું મેસેજ મોકલી દઉં છું એટલે એ તો દોડીને આવી જશે. એમનો કોરો ચેક અને પ્રોમિસરી નોટ આપને ક્યાં પહોંચાડું?'

'અત્યારે બહાર છું પણ એકાદ કલાકમાં ઓફિસે પહોંચી જઇશ. તમારે પૈસા કઇ રીતે જોઇએ છે? ચેક કે કૅશ? તમે કહો એ રીતે ગોઠવણ કરી આપીશ.'

'દોઢેક કલાક પછી હું જ આવું છું.' એણે હસીને ઉમેર્યું. 'એ દિવસે તમે મારી ઓફિસમાં ચા નહોતી પીધી પણ હું તો ચા પીવા માટે જ આવીશ.'

'અત્યારે બહાર છું પણ એકાદ કલાકમાં ઓફિસે પહોંચી જઇશ. તમારે પૈસા કઇ રીતે જોઇએ છે? ચેક કે કૅશ? તમે કહો એ રીતે ગોઠવણ કરી આપીશ.'

'આવો.' વાત પૂરી કરીને વિભાકરે ડ્રાઇવિંગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. નજર રસ્તા ઉપર રાખીને પણ પ્રભાતસિંહ સરવા કાને પોતે શું બોલી રહ્યો છે એ સાંભળી રહ્યો હતો એ વિભાકરના ધ્યાનમાં હતું. એટલે આખી વાતચીત દરમિયાન કેટલી રકમ છે એનો પોતે ઉલ્લેખ નહોતો કર્યો.

'આ કામ અણધાર્યું આવી ગયું એટલે આપને આપની બંગલીમાં ઉતારીને મારે ભાગવું પડશે.' પ્રભાતસિંહ સામે જોઇને વિભાકરે સ્પષ્ટતા કરી. 'હવે વાત રહી પેલા ખેતરની. કોઇ પણ સંજોગોમાં એ મારે ખરીદવાનું જ છે એટલે આપણે સાથે મળીને રસ્તો શોધીશું. અભિમાન નથી કરતો પણ હું સાથે હઇશ એમાં આપને ફાયદો જ થશે.' કાર ગોધાવી ગામમાં પ્રવેશી ચૂકી હતી.

પ્રભાતસિંહની ડેલી પાસે વિભાકરે કાર ઊભી રાખી. 'આજનો દિવસ રોમાંચક રહ્યો.' એમની સાથે હાથ મિલાવીને વિદાય લેતી વખતે વિભાકરે કહ્યું. 'અલબત્ત, પેલી દીકરીએ ચીસ પાડી ત્યારે બે મિનિટ માટે તો પરસેવો છૂટી ગયો હતો પણ આપના સહકારથી બધું સરસ રીતે પતી ગયું. જાડેજાબાપુ તરીકે જોડે લઇ જઇને આપ ભરપેટ જમાડીને જલસો કરાવી દીધો.' છેલ્લે હસીને તાકીદ કરી. 'હવે પછી આપને ક્યાંય કોઈ પ્રોગ્રામમાં જવાનું ના હોય એ દિવસે સવારમાં ફોન કરી દેજો હું આવી જઇશ.'

'ફોનનું ડબલું પણ મળી ગયું.' પ્રભાતસિંહ હસી પડ્યો. 'અમારા ઘરવાળા એમના ભાઇ સાથે જવા માટે રાત્રે એટલા ઉતાવળા થઇ ગયા હતા કે ભૂલમાં મારો મોબાઇલ પણ એમની બેગમાં મુકાઇ ગયો હતો હવે, બે- ચાર દિવસમાં જ આપને બોલાવીશ. અહીં આ ડેલીમાં જ વાતો કરીશું અને સાથે જમીશું પક્કા?'

'સો ટકા પક્કા!' વિભાકરે વચન આપ્યું, ફરીવાર હાથ મિલાવીને 'જય માતાજી' કહ્યું અને કાર સ્ટાર્ટ કરી.

બોડકદેવમાં 'આલિશાન' કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવ્યું ત્યારે એ ચાર માળના બિલ્ડિંગનું લોકેશન જોઇને શોરૂમ બનાવવા માટે કે ઓફિસ માટે અનેક લોકો તૈયાર હતા. બાર વર્ષ અગાઉ એ રોડ આજના જેવો ઝળહળતો નહોતો. એ વખતે હરિવલ્લભદાસે સોનેરી નિર્ણય લીધો હતો. આવતી કાલે આ પ્રોપર્ટીનો ભાવ શું હશે એનો એમને અંદાજ આવી ગયો હતો. એને લીધે આખો ચોથો માળ પોતાની ઓફિસ તરીકે રાખીને બાકીનું બધું ભાડે આપ્યું હતું. એકેય યુનિટ વેચ્યું નહોતું. ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ હતો અને બીજો સાડીનો. ત્રીજા યુનિટામાં જાણીતી ફાસ્ટફૂડની ફ્રેન્ચાઇઝી હતી. પહેલે અને બીજા માળે કુલ બાર ભાડવાત હતા. પ્રોપર્ટીનું મૂલ્ય તો અનેકગણું વધી ગયું હતું અને કુલ પંદર ભાડવાત પાસેથી મબલક ભાડું મળતું હતું.

ગોધાવીથી ઓફિસ સુધીના આખા રસ્તે વિભાકરનું મગજ વિચારોના આટાપાટામાં જ અટવાયેલું રહ્યું. લંડનથી આવેલી પેલી છોકરી જે બોલતી હતી એમાં કોઇ બનાવટ નહોતી. એ બાપડી ખરેખર ગભરાઇ ગઇ હતી. લંડનમાં મારો હમશકલ કોણ હશે? એણે કોનું ખૂન કર્યું હશે? ખૂન કર્યા પછી એ સમયે તો એ ભાગી ગયો હતો, પણ એ પછી એ પકડાયો હશે કે હજુ સુધી આઝાદ હશે? સવાલો અને માત્ર સવાલો વચ્ચે એકેયનો જવાબ તો ક્યાંથી જડે? વિભાકરે વિચાર્યું કે કારમાં બેસીને ડ્રાઇવિંગ કરતી વખતે જવાબ નહીં મળે. જિજ્ઞાસા એટલી તીવ્ર હતી કે એ ખૂની વિશે જાણ્યા વગર જંપ વળે એવું નહોતું.

ગૂગલનો વિચાર મગજમાં ચમક્યો એની સાથે જ એણે ધરપત અનુભવી. મોબાઇલના નાનકડા સ્ક્રીન પર મજા નહીં આવે. રાત્રે લેપટોપ પર મચી પડીશ. લંડનના એકેએક ટેબ્લોઇડ દૈનિકની વેબસાઇટ પર માગો એ તારીખનું અખબાર વાંચવા મળે એવી આર્કાઇવ્ઝની સગવડ તો હશે જ. તારીખ ખબર છે એટલે એ તારીખ પછીના દસ- બાર દિવસનાં તમામ અકબારો ફેંદવાથી સો ટકા સાચી માહિતી મળી જશે. જો ખૂની પકડાઇ ગયો હશે તો એની તસવીર પણ છાપામાં હશે જ થોબડું જોવા મળી જશે.

લંડનની એ ઘટના વિશે લેપટોપ ને ગુગલોનો ઉપાય સૂઝ્યો એ પછી એ વિચારમાંથી વિભાકરનું મગજ નવરું તો થયું પણ એવી નવરાશ એના નસીબમાં નહોતી.

પ્રવીણ ઠક્કરે ફોન ઉપર જે કહ્યું એ સાંભળ્યા પછી હવે બહેન- બનેવીના વિચારમાં મગજ રોકાઇ ગયું. શાલિનીને તો એના પતિ સુભાષકુમારના આ પરાક્રમનો અણસાર પણ નહીં હોય. બંગલામાંથી વિદાય લીધી કે તરત સુભાષકુમાર ધંધે લાગી ગયા શરાફ પાસેથી વ્યાજે લીધેલા બાર લાખનું દેવું સાળાએ ચૂકતે કરાવી આપ્યું એટલે હવે હિંમત ખૂલી ગઇ. એ જ શરાફ પાસેથી પચીસ લાખ વ્યાજે માગતી વખતે એમને એ વિચાર નથી આવતો કે એ શરાફ સાળાને વાત કરશે! ગરજવાનને અકક્લ ના હોય એ કહેવત એમણે સાબિત કરી આપી.

આ પચીસ લાખનું એ કરશે શું? વિભાકરના વિચારની દિશા બદલાઇ. મેન્ડ્રેક્સ જેવી ટેબ્લેટના કાળા કારોબારમાં આ રકમ રોકવાની હશે. ભીલાડની કોઇ બંધ પડેલી ફાર્મા ફેક્ટરીમાં સેટિંગ થઇ ગયું હોય એ શક્ય છે. ત્યાં એક સાથે આ રકમ ચૂકવવાની જરૂર ઊભી થઇ હોય તો જ એ આવી ઉધારી કરે.

તકલીફ એ હતી કે નશીલી દવાઓના આ ધંધામાં સુભાષની સાથે કોણ કોણ છે એની માહિતી મેળવવાનું કામ સરળ નહોતું. એ મહારથીઓનું મૂડી રોકાણ તો અનેકગણું હશે. પોતાની નીચ બુદ્ધિ અને પૈસાની તાકાત ઉપર એ લોકો સુભાષકુમારને ગાળિયો પહેરાવી રહ્યા છે. ભાંડો ફૂટે અને પોલીસ સકંજો કસે ત્યારે પેલા લોકો આસાનીથી હાથ અધ્ધર કરી દે. ફેક્ટરી લીઝ પર લેનાર તરીકે સુભાષકુમારનું નામ ઓફિશિયલી રેકોર્ડ ઉપર હોય એટલે કોઇ પણ સંજોગોમાં એ છટકી ના શકે. હું જે વિચારી શકું છું એ બાબત વિચારવાની અક્કલ સુભાષકુમાર પાસે નહીં હોય? કે પછી પૈસાની લાલસામાં એ આવું કશું વિચારી શકતા નહીં હોય.

ઓફિસના ગેટ પાસે વિભાકરે કાર રોકી. આજે તો હરિવલ્લભદાસ પણ ઓફિસે આવ્યા હતા એટલે ડ્રાઇવર ભીખાજી હાજર હતો. સિક્યોરિટી ગાર્ડ સાથે એ વાતોમાં લીન હતો. વિભાકરની કાર જોઇને એ દોડી આવ્યો. વિભાકર કારમાંથી નીચે ઊતર્યો અને ભીખાજી કારને પાર્કિંગ પ્લોટ તરફ લઇ ગયો.

ચોથે માળ સૌથી મોટી ચેમ્બર હરિવલ્લભદાસની હતી. એ પછી જે ત્રણ ચેમ્બર્સ હતી એ એકસરખી હતી. વિભાકર, આદિત્ય અને ભાસ્કર માટે અલગ અલગ ચેમ્બર બનાવી હતી. એ છતાં, મોટા ભાગે તો ત્રણેય ભાઇઓ એક ચેમ્બરમાં જ સાથે બેસતા હતા. ત્રણેય ભાઇ ગમે તે સમયે ઓફિસમાં આવે ત્યારે સૌથી પહેલા પપ્પાની ચેમ્બરમાં જવાનો વણલખ્યો નિયમ હતો. ચેમ્બરમાં જો હરિવલ્લભદાસ હાજર ના હોય તો પણ એમની રિવોલ્વિંગ ચેરની પાછળ એમની પિતાજીની વિશાળ છબી લટકતી હતી. એ દાદાની છબીને પ્રમાણ કર્યા સિવાય ઓફિસ કામ શરૂ નહીં કરવાનું એ પ્રથા ત્રણેય ભાઇઓ ધાર્મિકતાપૂર્વક નિભાવતા હતા.
હરિવલ્લભદાસ પણ જ્યારે આવે ત્યારે સૌથી પહેલાં એમના પિતાજીની છબી સામે મસ્તક ઝુકાવતા.

વિભાકર મોટી ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે હરિવલ્લભદાસ ફોન ઉપર કોઇની સાથે વાત કરી રહ્યા હતા. દાદાજીની છબીને વંદન કરીને વિભાકર અદબ વાળીને ઊભો રહ્યો. આરામથી બેસ, મારે વાત લાંબી ચાલશે. આંખોના ઇશારાથી જ પિતાએ પુત્રને સૂચના આપી.

વિભાકર ખુરસીમાં બેઠો એ પછી બીજી મિનિટે એનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર પ્રવીણ ઠક્કરનું નામ જોઇને એ હળવેથી ઊભો થઇને ચેમ્બરમાંથી બહાર નીકળ્યો.

'બોલો.' વિભાકરે પૂછ્યું. 'ક્યાં છો તમે?'

'તમારી બિલ્ડિંગના ગેટ પાસે આવી ગયો છું.' ઠક્કરે કહ્યું. 'પેલું કામ પતી ગયું. સાહેબ આવીને વહીવટ કરી ગયા.'

'નો પ્રોબ્લેમ. લિફ્ટમાં ચોથે માળ આવી જાવ.' એને સૂચના આપીને વિભાકર મલક્યો. આ શરાફો કલાકે કલાકે વ્યાજની ગણતરી કરનારા હોય છે. સુભાષકુમારને પચીસ લાખ આપીને તરત મારતે ઘોડે મારી પાસે આવી ગયો!

આદિત્ય અને ભાસ્કર પણ એ સમયે ઓફિસમાં હતા. એ બંને આદિત્યની ચેમ્બરમાં બેઠા હતા. વિભાકર બહાર એન્જિનિયર અશોકની પાસે ઊભો રહ્યો કે જેથી પ્રવીણ ઠક્કર આવે તો એને સીધો જ પોતાની ચેમ્બરમાં લઇ જવાય.

પ્રવીણ ઠક્કર આવ્યો. ઓફિસની ભવ્યતા સામે નજર ફેરવતો ફેરવતો એ વિભાકર સુધી પહોંચ્યો.

'આવો.' વિભાકર એને ચેમ્બરમાં લઇ ગયો અને પટાવાળાને પાણી અને ચા માટે સૂચના આપી.

'સમયની મારામારી છે, એ છતાં જાતે જ આવ્યો.' પ્રવીણે કહ્યું. 'એ બહાને આપના દર્શન પણ થઇ જાય.'

સુભાષે લખી આપેલી પ્રોમિસરી નોટ અને તારીખ વગરનો સહી કરેલો ચેક એણે વિભાકરના હાથમાં આપ્યો.

'મારે તમને શું આપવાનું છે? કેશ કે ચેક?' વિભાકરે પૂછ્યું.

'ચેક.' એણે કહ્યું કે તરત ટેબલના ડ્રૉઅરમાંથી ચેકબુક કાઢીને વિભાકરે એને પચીસ લાખનો ચેક લખીને આપી દીધો.

લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે એ હિન્દી અને ડફણાં વગર ગધેડું સીધું ના ચાલે. એ ગુજરાતી એમ બંને કહેવત યાદ કરીને એણે નિર્ણય કરી લીધો હતો.

ચા પીધા પછી એ રવાના થયો ત્યાં સુધીમાં વિભાકરે પૂરેપૂરો વિચાર કરી લીધો હતો. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે એ હિન્દી અને ડફણાં વગર ગધેડું સીધું ના ચાલે. એ ગુજરાતી એમ બંને કહેવત યાદ કરીને એણે નિર્ણય કરી લીધો હતો. પ્રવીણ ગયો એ પછી પાંચ જ મિનિટમાં એ નીચે ઊતર્યો. ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને સુભાષનો નંબર જોડ્યો.

મોબાઇલ શાલિનીએ ઉઠાવ્યો. 'બોલો વિભા, શું કામ હતું?' એણે કહ્યું. 'તારા બનેવી બાથરૂમમાં છે.'

'એમનું એક કામ છે એટલે આવું છું.' વિભાકરે એવું કહ્યું કે તરત શાલિનીએ માહિતી આપી. 'જરા જલ્દી આવજે, ભાઇ એ એમના કોઇ ભાઇબંધ જોડે સુરત બાજુ ક્યાંક જવાના છે એની ધડાધડીમાં છે.'

ભીલાડ જવા માટે સુભાષ તૈયારી કરી રહ્યો છે એનો ખ્યાલ આવ્યો એટલે વિભાકરે શાલિનીને કહ્યું. 'વીસ- પચીસ મિનિટમાં જ તારા ઘેર આવી જઇશ. એમનો ભાઇબંધ આવી જાય તો એને પણ બેસાડી રાખજે. હું આવું નહીં ત્યાં સુધી એમણે ક્યાંય જવાનું નથી.' રણકતા અવાજે શાલિનીને આદેશ આપીને વિભાકરે કાર સ્ટાર્ટ કરી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP