Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-40

‘આ માણસ ખૂની છે. ગયા મહિને એક્ઝેક્ટ કહું તો ગઇ છવ્વીસમી તારીખે ક્રોનર સ્ટ્રીટમાં આ માણસે હત્યા કરી હતી.'

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

પ્રકરણઃ40
વિભાકરનો
ચહેરો જોઇને લંડનથી આવેલી એ કન્યાએ જે ભયાનક ચીસ પાડી એને લીધે બધા ઊભા થઇ ગયા. કન્યાનો બાપો દોડીને ત્યાં આવી ગયો. 'કલ્પનાબેટા, શું થયું?' દીકરીના ખભે હાથ મૂકીને એણે પૂછ્યું.

વિભાકરનું મગજ ચકરાઇ ગયું હતું. ડેલીમાં હતા એ ત્રીસેક પુરુષો વીંધી નાખે એવી નજરે એની સામે તાકી રહ્યા હતા. કલ્પનાની ચીસ સાંભળીને ઓસરીમાં બેઠેલી ગરાસણીઓ પણ નીચે આવીને પુરુષોની સાથે ઊભી હતી. વિભાકર જાણે કોઇ ગુનેગાર હોય એમ એ બધા પણ ઉચાટ અને ધિક્કારથી એની સામે જોઇ રહ્યા હતા. પ્રભાતસિંહે વિભાકર સામે જોઇને પૂછ્યું. 'વાત શું છે?' કંઇ સમજણ નહોતી પડી એટલે વિભાકર જવાબ શું આપે?

'આ જ ચહેરો, આવી જ તીક્ષ્ણ આંખો અને પોપટની ચાંચ જેવું પતલું નાક અને હોઠ બીડવાની સ્ટાઇલ પણ સેઇમ!'

આ તરફ કલ્પનાને એના પિતા પૂછી રહ્યા હતા. એ બાપડી એટલી ગભરાયેલી હતી કે ચકળવકળ આંખે વિભાકર સામે તાકી રહી હતી પણ ફફડાટને લીધે બોલી શકતી નહોતી. એક બહેન દોડીને પાણીનો ગ્લાસ લઇને આવ્યા અને કલ્પાનાને આપ્યો. બે ઘૂંટડા પાણી પીધા પછી કલ્પના એના પિતાની વધુ નજીક સરકી. આધાર ઝંખતી હોય એમ એમના હાથ એણે પોતાના હાથમાં જકડી લીધા.

'હી ઇઝ ધ કિલર.' પાંચેક સેકન્ડ પછી હિંમત ભેગી કરીને કલ્પનાએ પિતાને કહ્યું અને વિભાકર તરફ જમણો હાથ લંબાવીને ધ્રૂજતા અવાજે બોલી. 'પપ્પા, આ માણસ ખૂની છે. ગયા મહિને એક્ઝેક્ટ કહું તો ગઇ છવ્વીસમી તારીખે ક્રોનર સ્ટ્રીટમાં આ માણસે હત્યા કરી હતી.' અત્યારે પણ એ દૃશ્ય આંખ સામે દેખાતું હોય એમ એ બબડી. 'મારી ફ્રેન્ડ જુલીનો એ દિવસે બર્થ ડે હતો, એટલે એક્ઝેક્ટ તારીખ યાદ છે. હું અને જુલી ક્રોનર સ્ટ્રીટમાં એક કોફી શોપમાં બેઠાં હતાં ત્યારે આ માણસ અમારી સામેના ટેબલ પર જ બેઠો હતો. રોડ પર કોઇને જોઇને એ એકદ ઊભો થઇને ભાગ્યો. રોડ પરથી પસાર થતા પેલા માણસને એણે ગોળી મારી અને પછી ચિત્તાની ઝડપે ભાગી ગયેલો!'

હાશ! એની કથા સાંભળીને વિભાકરના હૃદયના ધબકારા શાંત થયા. કોઇ ભળતા ચહેરાવાળા માણસને જોઇને આ કન્યા બખેડો કરી રહી છે, એ જાણીને એણે ધરપત અનુભવી.

'માણસને ઓળખવામાં તમે ભયાનક ભૂલ કરી છે, દીકરા!' વિભાકરે એ બાપ - દીકરીની પાસે જઇને કલ્પનાને કહ્યું. 'લંડન તો હું આઠ વર્ષ અગાઉ આવેલો. એ પછી ક્યારેય લંડનમાં પગ નથી મૂક્યો. એમાંય તમે કહો છો એ ક્રોનર સ્ટ્રીટ તો મેં સ્વપ્નમાં પણ નથી જોઇ.' વિભાકરે શાંતિથી સમજાવ્યું. 'ભળતો ચહેરો જોઇને તમને ભ્રમ થયો અને અહીં બધાને ઉચાટમાં નાખ્યા.'

'નો.' કલ્પનાએ નકારમાં માથું ધુણાવ્યું. પછી ફરીથી પપ્પાનો હાથ પકડી લીધો. 'રોડ પર નજર રાખીને એ એવી રીતે બેઠો હતો કે જુલીએ હળવેથી કોમેન્ટ પણ કરેલી કે આ માણસ શિકારી કૂતરાની જેમ ટાંપીને બેઠો છે.' પપ્પાને આટલું કહીને એણે વિભાકર સામે જોયું. 'આ જ ચહેરો, આવી જ તીક્ષ્ણ આંખો અને પોપટની ચાંચ જેવું પતલું નાક અને હોઠ બીડવાની સ્ટાઇલ પણ સેઇમ!'

'વડીલ, દીકરીબાની સો ટકા ભૂલ થાય છે.' હવે પ્રભાતસિંહે મોં ખોલ્યું. 'આ સાહેબ તો અમદાવાદમાં રહે છે. કોઇનું ખૂન કરવા માટે રિવોલ્વર લઇને એ લંડન શા માટે આવે?' કલ્પનાની સામે જોઇને એણે ઉમેર્યું.

'દીકરીબા, ચહેરાનું થોડું ઘણું મળતાપણું જોઇને ક્યારેક નજરને ભ્રમ થઇ જાય એ કબૂલ, પણ અમારા જેવા વડીલ ખાતરી આપે ત્યારે એ તમારે માનવું જોઇએ.' અવાજમાં લગીર સખ્તાઇ ઉમેરીને એણે સમજાવ્યું.


'આપણી આંખની ગેરસમજ થાય પણ એને સાચી માનીને કોઇ આબરૂદાર માણસના માથે આવો ખોટો આરોપ ના મુકાય.'

એણે વેવાઇ સામે જોયું. 'વડીલ, આ જાડેજાસાહેબ મારા મહેમાન છે એનું હું પરાણે એમને લાવ્યો છું. આઠ વર્ષ અગાઉ એ લંડન ગયેલા, એ પછી એ ત્યાં ગયા જ નથી એ સચ્ચાઇ દીકરીબાને સમજાવો. આપણી નજર કાચી પડે એમાં મહેમાનની આબરૂના કાંકરા ના કરાય. જવાબદાર જમાઇ તરીકે હું ખાતરી આપું છું કે આ જાડેજાસાહેબ એ દિવસે તો અમદાવાદમાં જ હતા. જ્યારે હું આવું કહું એ પછી આ પ્રકરણ લંબાવવાનો કોઇ અર્થ નથી. મિત્ર છે એટલે આ સાહેબ ખોટું નહીં લગાડે, પણ પૂરી ખાતરી વગર કોઇનાયે ઉપર આવો આરોપ ના મુકાય.'

'બેટા, ક્યારેક સગી આંખે દેખાય એ પણ સાચું નથી હોતું.' દીકરીના ખભે હાથ મૂકીને બાપે સમજાવ્યું. 'તમને દૃષ્ટિભ્રમ થયો છે. અમદાવાદમાં હોય એ વ્યક્તિ એ જ સમયે લંડનમાં ક્યાંથી હોય? મગજ શાંત કરીને ધ્યાનથી વિચારો. આવા માંગલિક અવસરે આપણી ગેરસમજને લીધે પ્રોબ્લેમ ઊભો ના કરાય.' એમના અવાજમાં આદેશનો રણકાર ભળ્યો. 'તમારી મૂર્ખામીને લીધે એમના માનમરતબાને ઠેસ પહોંચી છે એ આપણને શોભે? ભૂલ કબૂલ કરીને એમને સોરી કહી દો.'

'માફી માગવાની કોઇ જરૂર નથી. મને જરાયે ખોટું નથી લાગ્યું.' બધાની સામે જોઇને વિભાકરે આટલું કહ્યું અને પછી કલ્પના સામે નજર કરી. 'હું સીધોસાદો બિઝનેસમેન છું. કોઇનું ખૂન કરવાનું વિચારી પણ ના શકું. મગજમાંથી આ ભ્રમ ખંખેરી નાખો.' એ હસી પડ્યો. 'આજની તારીખે તમારી જિંદગીમાં નવો રંગ ઉમેરાયો છે એટલો એન્જોય યોર લાઇફ!'

પ્રભાતસિંહે એમના સાળા સામે જોયું. 'આ પ્રકરણ પતી ગયું છે અને મહેમાનોને ભૂખ લાગી છે. એ બંદોબસ્ત કરો.' બાજુની ડેલીમાં જમણવારની વ્યવસ્થા કરી હતી. ટેબલ ખુરસી પર બેસવાનું હતું અને પીરસવા માટે સ્વયંસેવકો ખડે પગે ઊભા હતા. થોડી વાર માટે વાવાઝોડું આવ્યા પછી બધું શાંત થઇ જાય એણ હવે હસીખુશીનું વાતાવરણ હતું. આગ્રહ કરીને મહેમાનોને જમાડવા માટે પ્રભાતસિંહના સાળા ખુદ સ્વયંસેવકો સાથે જોડાઇ ગયા હતા.

'આજે જમવાની ખરેખર મજા આવી.' વિભાકરે પ્રભાતસિંહને કહ્યું. 'બૂફેમાં હાથમાં પ્લેટ લઇને જમવાની જરાયે મજા ના આવે, એ છતાં સંબંધ સાચવવા માટે બધે જવું પડે છે.'

'અમારી બાજુ ગામડાંઓમાં હજુ પીરસવાની પ્રથા છે એ સારું છે. એમાં હવે અમુકને બુફેના અભરખા થાય છે.'

જમવાનું પત્યા પછી થોડી વાર બધાની સાથે વાતો કરીને પ્રભાતસિંહે વિદાય માગી. સાળો- બનેવી પરસ્પર ગળે મળ્યા અને વિભાકરે કાર સ્ટાર્ટ કરી.

'આપને જે તકલીફ પડી એ બદલે મારે આપની માફી માગવી જોઇએ.' ગામમાંથી બહાર નીકળ્યા પછી પ્રભાતસિંહે નિખાલસતાથી કહ્યું. 'લંડનથી આવેલી એ દીકરીએ લોચો મારીને આપને લબડધક્કે લઇ લીધા!'

'ચાલ્યા કરે.' એટલું કહીને વિભાકર અટકી ગયો થોડી વાર વિચાર્યા પછી રસ્તા પરથી નજર હટાવીને એણે પ્રભાતસિંહ સામે જોયું. 'એ દીકરીએ જે કહ્યું એ સાંભળ્યા પછી મગજ ચકરાઇ ગયું છે. રહી રહીને એક જ વિચાર આવે છે. આ મહિનામાં પાંચ- છ દિવસનો સમય કાઢીને લંડનની મુલાકાત લેવી પડશે.'

'ત્યાં જઇને શું કરશો?' પ્રભાતસિંહે તરત પૂછ્યું.

'એ દીકરી જે આત્મવિશ્વાસથી વર્ણન કરતી હતી એ સાંભળ્યા પછી જિજ્ઞાસા વધી ગઇ છે. તારીખ અને સ્ટ્રીટનું નામ મારા મગજમાં કોતરાઇ ગયું છે. ત્યાંની પોલીસ પાસે કોઇ જૅક લગાવીને જો શક્ય હોય તો વીડિયો રેકોર્ડિંગ ચૅક કરીશ. મામલો મર્ડરનો છે એટલે પોલીસે વીડિયો ફૂટેજ સો ટકા સાચવી રાખ્યા હશે. ત્યાં મારો હમશકલ કોણ છે એની તપાસ તો કરવી પડેને?'

પ્રભાતસિંહ ખડખડાટ હસી પડ્યો. 'અરે, મોટાભાઇ! આવી મૂર્ખામી ના કરતા. કલ્પના દીકરીએ જે આત્મવિશ્વાસથી આપની સામે આંગળી ચીંધી એના ઉપરથી એટલું તો નક્કી કે એ ખૂનીનું થોબડું થોડું ઘણું પણ આપને મળતું આવે એવું હશે. મારી વાત સમજો. અહીં આ દીકરીએ શંકા રજૂ કરી અને અમે લોકોએ વાત સંભાળી લીધી, પણ આપ લંડન જઇને વીડિયો ફૂટેજ જોવા માગો અને એ વખતે એ જોઇને ત્યાંની પોલીસને જો આ દીકરીના જેવી ધૂન ચડે તો? આપ જ ખૂની છો એમ કહીને ધડ દઇને એ ધોળિયાઓ કહી દે કે યુ આર અન્ડર એરેસ્ટ! ખૂની માનીને એ ધોળિયાઓ જેલમાં ખોસી દે તો ચેપ્ટર લાંબું થઇ જાય.'

આ દલીલ સાંભળીને વિભાકર હસી પડ્યો. 'આપની ચિંતા વ્યાજબી છે, પણ એ તારીખે હું ઇન્ડિયામાં હતો એવો મજબૂત પુરાવો મારી પાસે છે એટલે વાંધો ના આવે.'

'એ બધી તો પછીની વાત છે. એક વાર પકડીને પૂરી દે એટલે આપણે તો ઉપાધિ ને? ઝેરનાં પારખાં કરવાની કોઇ જરૂર ખરી?' પ્રભાતસિંહના અવાજમાં સમજદારી હતી.' આ વિચાર મગજમાંથી કાઢી નાખો, સાહેબ!'

'યુ આર રાઇટ.' મગજ ઉપર એ વિચારે કબજો તો પૂરેપૂરો જમાવી દીધો હતો એ છતાં, પોતાની સલાહની અવગણના કરી છે એવું પ્રભાતસિંહને ના લાગે એ માટે વિભાકરે કહી દીધું. 'અહીં લાંબા સુધી જવું હોય તો સમયની મારામારી નડે છે તો પછી લંડન સુધી ક્યાં લાંબા થવાનું?' એણે હસીને પ્રભાતસિંહ સામે જોયું. 'આઇડિયા કેન્સલ!'

'આ મને ગમ્યું.' પ્રભાતસિંહે રાજી થઇને કહ્યું. 'હવે મૂળ વાતની ચર્ચા કરીએ. જે પાંસઠ એકર જમીન છે, એ લોકેશન આપે જોયું છે ખરું?'

વિભાકરે નકારમાં માથું ધુણાવ્યું. 'મેં એ જમીન નથી જોઇ પણ પપ્પાએ જોઇ છે અને એમની જ ઇચ્છા છે. એ ઇચ્છા વ્યક્ત કરે એને હું આદેશ માનું છું.'

'એ જમીન કૅનાલ પાસે છે.' પ્રભાતસિંહના અવાજમાં પારદર્શક નિખાલસતા છલકાતી હતી. 'અમારા ત્રણેય ભાઇઓ વચ્ચેના ઝઘડાનું પરિણામ શું આવશે એ હું જાણતો નથી. આપની સાથે આજે પહેલી જ મુલાકાતમાં મજા પડી ગઇ એટલે જે હકીત છે એ જ કહીશ. અમારા અંટસ સિવાય બીજી પણ એક ઉપાધિ એ જમીનમાં છે.'

એ આગળ કંઇ બોલે એ અગાઉ વિભાકરનો ફોન રણક્યો. કારની ગતિ ઘટાડીને એણે સ્ક્રીન પર નંબર જોયો. ચોખાબજારના પેલા શરાફ પ્રવીણ ઠક્કરનું નામ જોઇને એને આશ્ચર્ય થયું. કદાચ એ માણસને તાત્કાલિક મોટી રકમની જરૂર હશે એ વિચારની સાથે એણે ફોન ઉઠાવ્યો. 'બોલો પ્રવીણભાઇ.'

‘ત્યાંની પોલીસ પાસે કોઇ જૅક લગાવીને જો શક્ય હોય તો વીડિયો રેકોર્ડિંગ ચૅક કરીશ. મામલો મર્ડરનો છે એટલે પોલીસે વીડિયો ફૂટેજ સો ટકા સાચવી રાખ્યા હશે. ત્યાં મારો હમશકલ કોણ છે એની તપાસ તો કરવી પડેને?’

'બે મિનિટ વાત થઇ શકે એવું છે?' પ્રવીણે સમજદારી દેખાડી. 'શ્યોર. બોલો.'

'એ દિવસે તમે તમારા બનેવી સાથે આવેલા અને હિસાબ સરભર કરી ગયા પણ દસ મિનિટ અગાઉ સુભાષકુમારનો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે આપને જાણ કરવી જોઇએ.'

'શું કામ હતું એ સાહેબને?' વિભાકરે પૂછ્યું. 'એમને તાત્કાલિક પચીસ લાખની જરૂર છે એટલે ફોન પર કરગરીને કહ્યું કે મારા સાળાને વાત ના કરતા પણ ગોઠવણ કરી આપો. એમણે આવું કહ્યું એટલે પોઝિશન જોવાના બહાને મેં કહી દીધું કે કલાક પછી વાત કરો. એક વાર તમે પિક્ચરમાં આવી ગયા અને મને વિશ્વાસમાં લીધો એટલે કોઇ પણ ડીલિંગ કરતા અગાઉ તમને પૂછવાની મારી ફરજ ગણાય.' લગીર અટકીને પ્રવીણ ઠક્કરે પૂછ્યું. 'બોલો, મારે શું કરવાનું છે? પૈસા આપું કે ના આપું?'

એ બોલતો હતો એ દરમિયાન વિભાકરે જવાબ વિચારી લીધો હતો. 'નો પ્રોબ્લેમ.' એણે હસીને સમજાવ્યું. 'તારીખ વગરનો ચેક અને પ્રોમેસરી નોટ લઇને એમને પૈસા આપી દો. એ પછી એ મસાલો લઇને મારી પાસે આવી જાવ, અથવા કોઇ વિશ્વાસુ માણસને મોકલો. પૈસા હું ચૂકવી આપીશ. એ સાહેબને આ વાત કરવાની જરૂર નથી, એમને પૈસા આપીને રાજી કરી દો.'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP