Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-39

‘અસલ સૂર્યવંશી રાજવી માની શકાય એવી પ્રતિભા આપના મોઢા પર ચમકે છે.’

  • પ્રકાશન તારીખ21 Aug 2018
  •  

પ્રકરણઃ 39


'આપને મસકો મારવા માટે નથી કહેતો, એવી મારે કોઇ ગરજ પણ નથી, એ છતાં મનમાં જે છે એ બોલી નાખું છું.' વિભાકરે કાર ચાલુ કરી એ પછી એની સામે જોઇને પ્રભાતસિંહે બોલવાનું શરૂ કર્યું. 'આપ કરોડપતિ છો, એ વાત બાજુ પર મૂકો. અમદાવાદના અનેક શેઠિયાઓને હું મળ્યો છું. આજે આપને પહેલી વાર મળ્યો કે તરત એવું લાગ્યું કે આપના ચહેરાની ખુમારી એ બધાથી સાવ અલગ છે. અસલ સૂર્યવંશી રાજવી માની શકાય એવી પ્રતિભા આપના મોઢા પર ચમકે છે.'

એ બોલતો હતો ત્યારે સંઘવીના શબ્દો વિભાકરના કાનમાં પડઘાતા હતા. એ માણસ ડ્રામેબાજ છે!

‘જેને જોઇને મનમાં એની મેળે જ રાજીપો ઊગે એવા દોસ્તાર પણ આજકાલ ક્યાં મળે છે? નર્યા સ્વાર્થના સંબંધ અને બીજાના હકનું ઝૂંટવી લેવાની નાગાઇ જોઇને જીવ બળે છે.’

વિભાકરનો ચહેરો જાણે વાંચી લીધો હોય એમ પ્રભાતસિંહે હસીને કહ્યું. 'ખરેખર, સાચું કહું છું. મારી આંખો શકરાબાજ જેવી છે. કાચી સેકન્ડમાં સામા માણસનો તાગ મેળવી લઉં.' સહેજ અટકીને એણે ઉમેર્યું. 'દેખાવ ઉપરથી મેં જજમેન્ટ લીધું અને વર્તન ઉપરથી આપે એ પૂરવાર કરી આપ્યું. મારી મુશ્કેલી પારખીને આ દોઢ કરોડની ગાડી સાથે આપે સમય ફાળવવાની જે દિલાવરી દેખાડી એવી ઉદારતા શેઠિયામાં તો ભાગ્યે જ જોવા મળે! એમાંય, સામા માણસના સ્વમાનને ઠેસ ના પહોંચે એ રીતે વગર માગ્યે જ આવી મદદ કરવાની ખાનદાની ક્ષત્રિયના લોહીમાં જ હોય.'

આ માણસ નાટક નથી કરતો. સંકટ સમયે પોતે મદદ કરી એ બદલ એ ખરા હૃદયથી બોલી રહ્યો છે. પ્રભાતસિંહના નિરીક્ષણ પછી વિભાકરને ખાતરી થઇ ગઇ.

'મારું મોસાળ ગારિયાધાર.' વિભાકરે એના ગળે ઊતરે એવો ખુલાસો કર્યો. 'નાનો હતો ત્યારે દરેક વેકેશનમાં ત્યાં જ હતો. ત્યાંના દરબારોના દીકરાઓ મારા જિગરી દોસ્તાર થઇ ગયેલા. એ બધાનાં ઘેર પણ ઘણીવાર જતો હતો. એ દોસ્તારોના પરિવારના બધા વડીલો પણ ગામના ભાણિયા તરીકે મને ઓળખે અને સાચવે. એ બધાની ખુમારી અને ખાનદાની જોઇને એ ઉંમરે ઘણું શીખેલો. મારા ઘડતરમાં એ વાતાવરણે પાયાના પથ્થરનું કામ કરેલું.' વિભાકરે હસીને ઉમેર્યું. 'માતાજીની મહેરબાનીથી એ ખુમારી અને ખાનદાનીના સંસ્કાર આજ સુધી અડીખમ છે.'

'તમને માની ગયો!' પ્રભાતસિંહે કાનની બુટ પકડી. 'આપણો જમીનનો સોદો થાય કે ના થાય એ તો ઉપરવાળાના હાથમાં છે, પણ આપની સાથે ભાઇબંધીની મજા આવશે. જેને જોઇને મનમાં એની મેળે જ રાજીપો ઊગે એવા દોસ્તાર પણ આજકાલ ક્યાં મળે છે? નર્યા સ્વાર્થના સંબંધ અને બીજાના હકનું ઝૂંટવી લેવાની નાગાઇ જોઇને જીવ બળે છે.'

સહેજ અટકીને એણે વિભાકરને પૂછ્યું. 'આપને બે દીકરા હોય અને આપના ખિસ્સામાં સો રૂપિયા હોય તો એ બંને વચ્ચે કઇ રીતે વહેંચો?'

'કોઇ સવાલ જ નથી. બંનેને પચાસ- પચાસ આપી દેવાના.' વિભાકરે રસ્તા ઉપર નજર રાખીને જ જવાબ આપ્યો. 'અડધા અડધા આપી દો એટલે વાર્તા પૂરી.'

'બસ. આ સીધીસાદી વાત જે લોકો નથી સમજતા એમની સામે મારે લડવાનું છે.' પ્રભાતસિંહે કથા સમજાવી. 'પાંસઠ એકરનો એ ટૂકડો મારા દાદાબાપુ મોબુભા વાઘેલાએ ખરીદેલો. એમના વારસદાર બે દીકરા. એક મારા બાપુ જામભા અને બીજા મારા કાકાબાપુ દિલુભા. એટલે કાયદેસર રીતે એ જમીનના બે ભાગ પડે. અડધો મારા બાપુનો અને અડધો કાકાબાપુનો. એ બંને વડીલો તો દેવલોકમાં પહોંચી ગયા. સીધી લીટીના વારસદાર તરીકે મારા બાપુ જામભાનો હિસ્સો એટલે કે અડધો ભાગ મને મળે અને કાકાબાપુ દિલુભાનો ભાગ એમના દીકરાઓને મળે. હું એકનો એક છું એટલે મારે કોઇ ભાગિયો નથી. કાકાબાપુના બંને દીકરાઓએ એકબીજાની સામે તલવાર ખેંચેલી છે એની સાથે મારે કોઇ લેવાદેવા નથી, પણ મારો હક ડૂબાડવા માટે એ બંને એક બનીને હલકાઇ ઉપર ઊતરી આવ્યા છે.' અવાજમાં પીડા સાથે એણે આગળ કહ્યું. 'મારા બાપુ ફોરેસ્ટ ઓફિસર હતા એટલે અમે લોકો ગોધાવીથી બહાર જ રહેલા. મારા બાપુનો કાકાબાપુ ઉપર પૂરો ભરોસો હતો એટલે ક્યારેય ખુલાસો પૂછ્યો નહીં. ધીમે ધીમે જમીનની કિંમત વધતી ગઇ એની સાથે માણસોની નાગાઇ પણ વધતી ગઇ. કાકાબાપુના બેઉ દીકરાઓ એવું કહે છે કે આ પૂરેપૂરી જમીન અમારી છે!'

રસ્તા ઉપર નજર કરીને એણે કહ્યું. 'આ ચાર રસ્તેથી ડાબી બાજુ. પાંચ મિનિટમાં ઇયાવા- વાસણા આવી જશે.' એણે હસીને ઉમેર્યું. 'આવી મોંઘી ગાડી જોઇને સાસરીમાં મારો વટ પડી જશે.'

'મારી કાર જોયા પછી વટ પાડવા માટે તો બુલેટમાં પંચરનું નાટક નથી કર્યું ને?' વિભાકરે હસીને પૂછ્યું.

એનો પ્રશ્ન સાંભળીને પ્રભાતસિંહ ખડખડાટ હસી પડ્યો. પછી બીજી જ સેકન્ડે એના ચહેરાની ચમક બદલાઇ ગઇ. 'મજાકમાં પૂછો છો કે સિરિયસલી?' એણે કરડાકીથી પૂછ્યું.

'સો ટકા મજાક.' એના બદલાયેલા તેવર જોઇને વિભાકરે સમજાવ્યું. 'આપે દોસ્તીનો હાથ લંબાવ્યો એટલે દોસ્ત તરીકે મજાક મસ્તી કરવાનો અધિકાર મેં મેળવી લીધો.'

'તો વાંધો નહીં, જલસા કરો.' હસીને આટલું કહ્યા પછી એણે ગંભીરતાથી કહ્યું. 'અમારી ખાનદાની અને ખમીરની મેં વાતો કહી, પણ હાલના સંજોગોમાં દાદાગીરી અને નાગાઇની કથા પણ સમજવા જેવી છે. પ્રસંગમાં જવા માટે આપની આ આલિશાન કાર મારે જો જોઇતી જ હોત તો હું શું કરતો? એક ઓરડામાં ચા પીવાના બહાને આપને અંદર બોલાવીને એ ઓરડો બહારથી બંધ કરીને આ ગાડી લઇને નીકળી જતો. ત્યાં પ્રસંગ પતાવીને આવ્યા પછી ઓરડો ખોલીને ચાવી આપના હાથમાં પકડાવીને થેંક્યુ કહી દેતો!'

પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલા વિભાકરને જોઇને એણે બેફિકરાઇથી કહ્યું. 'આવો ખેલ કરવાની આવડત અને જિગર પણ છે મારામાં. મજાક નથી કરતો. આવું કર્યું હોત તો બે કલાક ઓરડામાં પૂરાઇ રહેવું પડતું. એ પછી મારા પર પોલીસ કેસ કરવાનું વિચારો તોય કોઇ પરિણામ ના આવે. આખા ગોધાવીમાંથી કે ઇયાવા- વાસણામાંથી એકેય સાક્ષી ના મળે! કઇ ગાડીને કયા શેઠ? અમને તો કંઇ ખબર જ નથી એવું બધા કહે તો પોલીસ શું કરે?'

ડઘાઇ ગયેલા વિભાકરના બરડામાં પ્રેમથી ધબ્બો મારીને એણે કહ્યું. 'આવી નાગાઇ આવડે છે, પણ ભાઇબંધો માટે તો જીવ આપી દેવા તૈયાર છું. ભવિષ્યમાં પણ આવી મજાક કરું તો એમાં ગભરાઇ નહીં જવાનું.'

'ગભરાઇ નથી ગયો, માત્ર આશ્ચર્યનો આંચકો લાગેલો.' વિભાકરે ઠંડકથી કહ્યું. 'મારું નિરીક્ષણ કરીને આપે જ કહેલુંને કે વટના કટકા જેવો રજવાડી રૂઆબ છે. ઓરડામાં પૂરવાનો પ્રયત્ન કર્યો હોત તો મારી રાજવી તાકાત પણ જોવા મળતી.' વિભાકરે હસીને પોતાના બાવડાના સ્નાયુ બતાવીને કહ્યું.

'હું અભિમાન નથી કરતો ને આપ ખોટું ના લાગડતા, બાપુ! એવો દુષ્ટ વિચાર આપના દિમાગમાં આવ્યો હોત તો પિક્ચર સાવ અલગ હોત. અહીં આપના રાણીસાહેબ અને સાળાસાહેબ રાહ જોઇને કંટાળી ગયા હોત, હું અમદાવાદ મારા બંગલામાં આરામથી બેઠો હોત અને બંધ બારણાં સામે તાકીને કોઇ છોડાવવા આવે એની રાહ જોઇને આપ સાહેબ ઓરડામાં પૂરાયેલા હોત! સ્વરક્ષણ માટે જરૂરી હોય ત્યારે શારીરિક તાકાત વાપરવાની આડત અને હિંમત બંને જોરદાર છે!'

આંખો પહોળી કરીને પ્રભાતસિંહે વિભાકરના કસાયેલા શરીર સામે જોયું અને પછી હસી પડ્યો. 'ચાલો, મજાક મસ્તીનો પિરીયડ પૂરો થયો. ગામ આવી ગયું. આગળ જે પહેલી ગલી આવે ત્યાં ટર્ન મારો.'

ડાબી બાજુ જે ગલી આવી એમાં વિભાકરે કારને ઘુસાડી. 'સીધા જ આગળ જવાનું છે. છેલ્લે જે સૌથી મોટી ડેલી આવે ત્યાં ઊભી રાખજો.' પ્રભાતસિંહે સૂચના આપી. એ બોલી રહે ત્યાં સુધીમાં તો કાર ડેલી સુધી પહોંચી ગઇ હતી. શણગારેલો દરવાજો ખુલ્લો હતો. ડેલીની બહાર ઢોલ અને શરણાઇના સૂર રેલાઇ રહ્યા હતા.

કાર ઊભી રહી કે તરત ડેલીમાંથી આખું ટોળું જમાઇરાજને સત્કારવા માટે બહાર આવી ગયું. મોડું થયું હતું એટલે એ લોકો રાહ જોઇને જ બેઠા હતા. વડોદરાથી કન્યાપક્ષવાળા બધા મહેમાનો પણ આવી ગયા હતા.


પ્રભાતસિંહના સાળા, સાસુ અને સસરા આશ્ચર્યથી વિભાકર સામે તાકી રહ્યા હતા. પ્રભાતસિંહે વિભાકરને એ બધાનો પરિચય કરાવ્યો. 'આ મારા ભાઇબંધ છેલ્લી ઘડીએ આવી ગયા એમાં નીકળવાનું મોડું થઇ ગયું.' એ બધાની સામે જોઇને પ્રભાતસિંહે ઓળખાણ આપી. 'કચ્છમાં ભૂજથી આગળ વરખડી સ્ટેટ છે ત્યાંના રાજકુંવર છે. અત્યારે અમદાવાદમાં રહીને આ જાડેજાસાહેબ કન્સ્ટ્રક્શનનો કારોબાર સંભાળે છે.'

આવી ઓળખાણ આપતાં અગાઉ પેલા લોકોને ખ્યાલ ના આવે એ રીતે પ્રભાતસિંહે વિભાકર સામે આંખ મિંચકારી હતી. સંઘવી સાવ સાચું કહેતો હતો. વિભાકરે વિચાર્યું. આ માણસ જબરો ડ્રામેબાજ છે!


ડેલીના વિશાળ ચોકમાં ખુરસીઓ ઉપરાંત ગાદલાં - તકિયા સાથે ખાટલાઓ પણ ગોઠવેલા હતા. પરંપરાગત રજવાડી શૈલીથી જમાઇનું અને એમના મિત્રનું સ્વાગત કરવામાં આવ્યું. બંને આરામથી ગાદલાં પર બેઠા. વિક્રમસિંહના સાળાએ લંડનથી પધારેલા વેવાઇનો પરિચય કરાવ્યો. ગોરમહારાજે વીસેક મિનિટમાં જ ચાંદલાની વિધિ પતાવી દીધી. ઉપસ્થિત તમામ મહેમાનોના કપાળમાં ચાંદલો કરીને ચોખા ચોંટાડ્યા. ગોળ-ધાણા ખવાયા અને બંને વેવાઇઓએ એકબીજાને ભેટીને નવા સંબંધ ઉપર મહોર મારી દીધી.

વિક્રમસિંહના સાળાના પુત્રે ડિઝાઇનર ઝભ્ભો અને સુરવાળ ઉપર ભરતકામવાળો ખેસ નાખ્યો હતો. લંડનથી આવેલી કન્યાએ ભપકાદાર ચણિયાચોળી તો પહેલી હતી, પણ માથે ઓઢ્યું હતું અને નીચું જોઇને બેઠી હતી. બંનેની જોડી મેઇડ ફોર ઇચ અધર જેવી લાગતી હતી.

વિધિ પૂરી થયા પછી એ બંને વારાફરતી બધા વડીલોને પગે લાગી રહ્યા હતા. આશીર્વાદની સાથે વડીલો એ બંનેના હાથમાં રોકડ રકમ પણ આપી રહ્યા હતા.

'કચ્છમાં ભૂજથી આગળ વરખડી સ્ટેટ છે ત્યાંના રાજકુંવર છે. અત્યારે અમદાવાદમાં રહીને આ જાડેજાસાહેબ કન્સ્ટ્રક્શનનો કારોબાર સંભાળે છે.'

'બાપુ, આપ એ બંનેને કેટલા કેટલા આપવાના છો?' માત્ર પ્રભાતસિંહ જ સાંભળી શકે એટલા ધીમા અવાજે વિભાકરે પૂછ્યું અને પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલા પ્રભાતસિંહને ધીમેથી સમાજાવ્યું. 'આપ જે આપો એનાથી મોટી રકમ મારાથી ના અપાય એટલે પૂછું છું.'

વિભાકરની સમજદારી જોઇને વિક્રમસિંહના હોઠ મલક્યા. 'બંનેને હજાર-હજાર.' એમણે ધીમેથી કહ્યું.

બધાને પગે લાગતાં લાગતાં એ બંને અહીં આવ્યાં. બંનેએ ઝૂકીને પ્રભાતસિંહનો ચરણસ્પર્શ કર્યો. આશીર્વાદ આપીને પ્રભાતસિંહે બંનેને હજાર હજાર રૂપિયા આપ્યા.

વરરાજાએ ઝૂકીને વિભાકરનો ચરણસ્પર્શ કર્યો વિભાકરે એના હાથમાં પાંચસોની નોટ આપી. કન્યાએ નીચું જોઇને જ ચરણસ્પર્શ કર્યો. બીજી પાંચસોની નોટ વિભાકરે હાથમાં તૈયાર જ રાખી હતી. કન્યાએ હળવે રહીને ગરદન ઊંચી કરી અને પૈસા લેવા માટે હાથ લંબાવ્યો. એ વખતે લાંબી પાંપણ ઉઠાવીને એણે વિભાકરની સામે જોયું. વિભાકરનો ચહેરો જોઇને જાણે પથ્થરની મૂર્તિ હોય એમ એ થીજી ગઇ. વિભાકર સામે તાકેલી આંખોમાં ગભરાટ છવાયો હતો અને મોં પણ ખુલ્લું જ રહી ગયું હતું. બીજી જ સેકન્ડે એણે એવી તીણી ચીસ પાડી કે ડેલીમાં બેઠેલા બધા ઊભા થઇ ગયા!
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP