Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-37

'પંદર વર્ષ સુધી આ મજબૂત કિલ્લાનો એકેય કાંગરો ખરવાનો નથી એ મારી ગેરંટી!'

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

પ્રકરણઃ 37

'નિરીક્ષણ કરવાની આવડત હોય તો નાની નાની વાતો ઉપરથી પણ માણસને પારખી શકાય.' હરિવલ્લભદાસે વિભાકર સામે જોયું. પોતે અલકા અને ભાવિકા વિશે જે કહ્યું એ એના ગળે નથી ઊતર્યું એવું એમને લાગ્યું એટલે એમણે ફોડ પાડ્યો. 'એ દેરાણી- જેઠાણીના સંબંધોમાં અત્યારે કડવાશ નથી. એ છતાં, સ્ત્રીસહજ ઇર્ષા તો એ બંનેના મનમાં છે. એમના વ્યવહારમાં મેં આ જોયેલું છે. હું ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો હોઉં ત્યારે જો આદિત્યનો આકાશ કે આકાંક્ષા આવીને મારી સોડમાં ભરાય તો એ દૃશ્ય જોઇને ભાવિકાનો ચહેરો તરત બદલાઇ જાય. મારા ઓરડામાં પલંગ પર બેસીને ભાસ્કરના ભૌમિક અને ભૈરવી સાથે હસી-મજાકની વાતો કરીને ગમ્મત કરતો હોઉં અને અલકા ત્યાંથી પસાર થાય તો આ દૃશ્ય જોઇને એની આંખ ચમકે. આવી અનેક ઘટનાઓ જોયા પછી આ તારણ પર આવ્યો છું.' એમણે હસીને વિભાકર સામે જોયું. 'તેં ઘર વસાવ્યું નથી એટલે બૈરાની બબાલ કેટલી ખતનાક હોય છે એનો તને ખ્યાલ નથી. તારી તો આખી વાત જ અલગ છે. બાકી, અલકા અને ભાવિકા એ બંનેના મગજમાં એક વિચાર એકસરખી રીતે જ આવતો હશે. ત્રણેય ભાઇઓમાં મારો પતિ જ સૌથી હોંશિયાર છે. એ મહેનત કરીને તૂટી મરે છે, ગધ્ધાવૈતરું કરે છે, અને બાકીના બંને ભાઇ તો જલસા કરે છે! તું પરણ્યો હોત તો તારી પત્નીની મનોદશા પણ આવી જ હોત. સંયુક્ત કુટુંબ હોય અને ધંધો પણ સંયુક્ત હોય ત્યારે આવું જ બને. એ પરિવારની બધી પુત્રવધૂઓ એવા ભ્રમથી પીડાતી હોય છે કે મારો વર સૌથી વધુ મજૂરી કરે છે પણ બીજાઓને એની કદર નથી!'

‘સંયુક્ત કુટુંબ હોય અને ધંધો પણ સંયુક્ત હોય ત્યારે આવું જ બને. એ પરિવારની બધી પુત્રવધૂઓ એવા ભ્રમથી પીડાતી હોય છે કે મારો વર સૌથી વધુ મજૂરી કરે છે પણ બીજાઓને એની કદર નથી!’

આટલાં વર્ષોના અનુભવના નિચોડ રૂપે એ બોલી રહ્યા હતા એટલે એમની સચ્ચાઇ વિશે વિભાકરના મનમાં કોઇ શંકા નહોતી.

'આ બધુંય વિચાર્યા પછી નક્કી કરી નાખ્યું છે કે તમારા ત્રણેય વચ્ચે કોઇ વિખવાદ ના થાય એ માટે વ્યવસ્થિત વિલ બનાવી નાખીશ. એ પછી ગમે ત્યારે આંખ મિંચાઇ જાય તો પણ તમારે કોઇ ઉપાધિ નહીં.'


એમણે આંખો બંધ કરીને કંઇક વિચાર્યું. પછી આંખો ખોલીને વિભાકર સામે જોયું. 'દરેકને એમની પારિવારિક જવાબદારી મુજબનો હિસ્સો કઇ રીતે આપવો એ બધું વિચારવાનું બાકી છે. આપણા સોલિસીટર ત્રિવેદીને મળવા બોલાવેલો, પણ એ એના દીકરાને મળવા અમેરિકા ગયો છે. પંદરેક દિવસ પછી એ પાછો આવવાનો છે. એ આવશે એટલે એની સાથે બેસીને ડ્રાફ્ટ ફાઇનલ કરી નાખીશ.' એમણે હસીને ઉમેર્યું.


'એ પંદર દિવસ દરમિયાન મને કંઇ થવાનું નથી એટલી શ્રદ્ધા છે.'

'દિવસ નહીં, વર્ષની વાત કરો.' વિભાકરે એમના ખભે હાથ મૂક્યો. 'પંદર વર્ષ સુધી આ મજબૂત કિલ્લાનો એકેય કાંગરો ખરવાનો નથી એ મારી ગેરંટી!' આ ગંભીર વાત બદલવા માટે એણે ફરીથી ગોધાવીની જમીનનો મુદ્દો યાદ કરાવ્યો. 'તમે સલાહ આપો. ગોધાવીના એ ખેતરમાં દાવો કરનાર ત્રણ પાર્ટી છે. એક રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એનો સગો ભાઇ જે તડીપાર છે અને ત્રીજો એમના કાકાનો દીકરો કે જેણે કોર્ટમાં કેસ કરેલો છે. આ ત્રણ નમૂનાઓ પૈકી પહેલો કોને પકડવો?'

'હુકમનો એક્કો આમ તો કેસ કરનારના હાથમાં કહેવાય. પેલા બંને કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી એક કશું કરી ના શકે. કેસ કરનાર ધારો કે એક કોર્ટમાં હારી જાય તો પણ એ ઉપલી કોર્ટમાં અને તાકાત હોય તો છેક સુપ્રીમ કોર્ટ સુધી ટક્કર લઇને પેલા બંનેને બાંધી રાખે.' અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ એમણે વિભાકરનો હાથ પોતાના હાથમાં જકડી લીધો. ' સાંભળ, સંઘવી બિલ્ડર્સવાળા સુરેશ સંઘવીએ મારી જેમ વિચારીને એ હીરોનો સંપર્ક સાધવા પ્રયત્ન કરેલો. પણ સુરેશ કાચો પડ્યો એટલે કંઇ ફાઇનલ નહોતું થયેલું. એક કામ કર. કાલે એ સંઘવીને મળ. આપણા માટે એને લાગણી છે. ભૂતકાળમાં મેં એને મદદ કરેલી છે એટલે એ તને સાચી માહિતી આપશે. એની વાત સાંભળ્યા પછી શું કરવું એનો તને ખ્યાલ આવી જશે. બીજું કશું કર્યા વગર કાલે એને પકડ.'

'શ્યોર.' એમને ખાતરી આપીને વિભાકર હળવે રહીને ઊભો થયો. 'વધુ પડતા વિચાર કર્યા વગર આરામથી ઊંઘી જાવ. ઓપરેશન ગોધાવીની જવાબદારી મારી.'

ઓરડામાંથી બહાર નીકળતી વખતે એણે લાઇટ પણ બંધ કરી દીધી પછી કાંડા ઘડિયાળમાં જોયું. બાર વાગીને દસ મિનિટ થઇ હતી. પોતાના રૂમમાં જવાને બદલે એ બંગલાની બહાર નીકળ્યો. રસ્તાની બંને તરફ હારબંધ ફૂલ છોડ હતા. અત્યારે ચાલતી વખતે એની આછી સુવાસનો અનુભવ થતો હતો. સેટેલાઇટ રોડ પર બંગલાનો મુખ્ય ગેટ ખાસ્સો દૂર હતો. વીસ- પચીસ દિવસે આવી રીતે એકાદ વાર ત્યાં જઇને સિક્યોરિટી ગાર્ડનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાની વિભાકરની આદત હતી.

એ ગેટ પાસે પહોંચ્યો ત્યારે મેઇન ગેટ અને માણસની અવરજવર માટેની નાની ડોકાબારી બંને વ્યવસ્થિત રીતે બંધ જ હતાં. મુચ્છડ સિક્યોરિટી ગાર્ડ એની નાનકડી કેબિનમાં બેસીને તમાકુ મસળી રહ્યો હતો. વિભાકરને જોઇને એ તરત ઊભો થઇ ગયો અને હાથમાંથી તમાકુ નીચે ફેંકી દીધી.

'ભલા માણસ, આ તમાકુ મફત આવે છે?' વિભાકરે હસીને એને ઠપકો આપ્યો. 'આખી રાત જાગીને એકલા બેસી રહેવાનું હોય એટલે આવી કોઇ આદત ના હોય તો જ નવાઇ લાગે. હવે પછી આ રીતે ખોટો શરમમાં ના રહેતો.' એણે સલાહ આપી. 'મોઢામાં દબાવીને લાંબો સમય રાખવાની નહીં. કરન્ટ આવી જાય એટલે પાંચ-દસ મિનિટમાં કાઢી નાખવાની. સમજ્યો?'

પેલાએ રાજી થઇને હકારમાં માથું હલાવ્યું. 'રસોડામાંથી મહારાજ ચા તો પૂરતી આપે છેને?' વિભાકરના પ્રશ્નના જવાબમાં પેલાએ ફરીથી હકારમાં માથું હલાવીને કેબિનમાં પડેલા થરમોસ તરફ આંગળી ચીંધી.


ત્યાંથી પાછા બંગલામાં આવતી વખતે વિભાકર સુભા, વિશે વિચારી રહ્યો હતો. જયરાજ અને જયંતીએ દવા બજારમાં રખડીને જે માહિતી મેળવી હતી એમાં પ્રવીણ ઠક્કરની વાત પાકા પાયે હતી. પરંતુ સુભાષ ડ્રગ્ઝ માટે ભીલાડ કે એ તરફની કોઇ ફેક્ટરી લીઝ ઉપર લેવાનો છે એવી વાત માત્ર ઊડતા સમાચાર જેવી જ હતી. જયરાજ અને જયંતીને એ વાતની પૂરી ખાતરી નહોતી. એ પ્રોજેક્ટમાં સુભાષના સાગરીત કોણ હશે એના વિશેની માહિતી આસાનીથી મળે એ શક્ય નહોતું. સુભાષની નાણાકીય લેવડદેવડ કોની સાથે છે એ જાણકારી પ્રમાણમાં સરળ હતી એટલે વાયા વાયા સંપર્કોથી એ શોધી શકાયું પણ મેન્ડ્રેક્સનો મામલો સાવ જુદો હતો. એ ઊડતી વાતનો છેડો મેળવવા માટે પોતે જ મહેનત કરવી પડશે એ નિર્ધાર સાથે એ પલંગમાં આડો પડ્યો.

સવારે ચા પીધા પછી એણે સુરેશ સંઘવીને ફોન જોડ્યો. 'આજે તમારી ચા પીવાની ઇચ્છા છે.' વિભાકરે આવું કહ્યું એટલે સંઘવીએ નમ્રતા બતાવી. 'વિભાશેઠ, તમારે કામ હોય તો હુકમ કરો. હું આવી જઇશ.'

'મારી લાઇફમાં એક નિયમ રાખ્યો છે. મારે કોઇનું કામ હોય તો મારે ત્યાં જવાનું અને કોઇને મારું કામ હોય તો એણે મારી પાસે આવવાનું. અગિયાર વાગ્યે ઓફિસે જઇશ. એ પછી બાર સાડા બારની વચ્ચે તમને મળવા આવીશ. ફાવશેને?'

'ચોક્કસ પધારો શેઠિયા!'

ફોન મૂકીને વિભાકર જિમમાં ઘૂસ્યો. આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવીની સાથે આજે તો પ્રશાંત અને પરિધિ પણ ત્યાં આવ્યાં હતાં. 'મામા, આજે તો અમે લોકો શાહીબાગ જઇશું. છેલ્લો દિવસ છે એટલે જિમનો લાભ લેવા આવ્યો.' પ્રશાંતે આવું કહ્યું એટલે વિભાકરે એના માથામાં ટપલી મારી. 'ડોબા, એક દિવસમાં કોઇ ફેર ના પડે. એક કામ કર. જો ખરેખર ઇચ્છા હોય અને રેગ્યુલર જવાની તૈયારી હોય તો ત્યાં પોલીસ કમિશ્નર ઓફિસની પાસે નવું જિમ બન્યું છે, ત્યાં ફી ભરી દે.' પગથી માથા સુધી પ્રશાંતનું નિરીક્ષણ કરીને એ હસી પડ્યો. 'તું ફીના પૈસા ના બગાડતો. દસ દિવસમાં જ તારો ઉત્સાહ ઓસરી જશે અને પૈસા માથે પડશે. અમદાવાના મોટા ભાગના જિમમાં આવું જ બને છે. દેખાદેખીમાં લોકો પૈસા ફેંકી દે છે. તારે ટ્રાયલ માટે અઠવાડિયું જવું હોય તો હું ફોન કરીશ એટલે એ લોકો પૈસા નહીં લે. ટ્રાયલ પછી જો રેગ્યુલર જવાની પૂરી તૈયારી હોય તો મને કહેજે. હું તારી ફી ભરાવી દઇશ.'

'પક્કા?' પ્રશાંતે તરત પૂછ્યું. 'તમે સ્પોન્સર કરશો?'

'શ્યોર. તું રેગ્યુલર જઇશ તો મને આનંદ થશે.' બધાં બાળકોને ધંધે લગાડીને વિભાકરે પોતાની કસરત શરૂ કરી.

એ સંઘવીની ઓફિસે ગયો ત્યારે સંઘવીએ બહુ ઉષ્માથી એને આવકાર્યો. ચા પીધા પછી વિભાકર સીધો મૂળ વાત પર આવ્યો. 'ગોધાવીમાં લોચો શું છે?' એણે પૂછ્યું. 'જામભાના દીકરાએ તમારી સાથે કોઇ ડીલ કેમ ના કર્યું?'

‘એ નાટકીયાએ ધડ દઇને પૈસા માગ્યા. કહે કે અત્યારે ઉચ્ચક દોઢ કરોડ આપી દો તો તમે નચાવો એમ નાચું. કોઇ પણ જાતના લખાણ વગર એ માણસને દોઢ કરોડ રૂપિયા રોકડા આપવાની મારી જિગર નહોતી...’

'મારો પનો ટૂંકો પડ્યો.' સંઘવીએ નિખાલસતાથી કહ્યું. 'જામભાના દીકરા પ્રભાતસિંહે એ જમીન માટે કેસ કર્યો છે અને એની વાતમાં દમ છે. પણ પ્રભાતસિંહ નૌટંકી જેવો છે. ડાયરામાં જાય ત્યાં હજારો રૂપિયા ઉડાડે એવો રંગીન માણસ છે. એ છાતી ઠોકીને કહે છે કે આ જમીનમાંથી અડધો હિસ્સો એનો, અને બાકીનો અર્ધો ભાગ પેલા બે ભાઇને મળશે. મેં એ હીરોને સમજાવ્યું કે કેસ પાછો ખેંચી લે અને ત્રણેય સાથે બેસીને સોદો કરો. એ નાટકીયાએ ધડ દઇને પૈસા માગ્યા. કહે કે અત્યારે ઉચ્ચક દોઢ કરોડ આપી દો તો તમે નચાવો એમ નાચું. કોઇ પણ જાતના લખાણ વગર એ માણસને દોઢ કરોડ રૂપિયા રોકડા આપવાની મારી જિગર નહોતી એટલે મેં માંડી વાળ્યું.' આટલું કહીને એણે પૂછ્યું. 'તમને એ જમીનમાં રસ છે?' છે સોનાનો ટૂકડો પણ કામ જોખમવાળું છે. ત્રણ ખેલાડી સામે ઝઝૂમવાનું છે.'

'નો પ્રોબ્લેમ. કામ અઘરું છે પણ પપ્પાની ઇચ્છા છે એટલે જોખમ લેવા તૈયાર છું. સાધારણ કામ તો બધા કરે પ્રોબ્લેમેટિક મામલો હાથમાં લેવાની મને આદત છે. એમાં કસરત કરવાની મજા આવે અને દલ્લો પણ દિલથી મળે.' એણે સંઘવી સામે જોયું. 'એ પ્રભાતસિંહનો નંબર આપો.'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP