Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-36

‘સંપત્તિ એવી ચીજ છે કે એની પાસે લોહીના સંબંધો પણ પાણીથીયે પાતળા બની જાય છે...’

  • પ્રકાશન તારીખ18 Aug 2018
  •  

પ્રકરણઃ36

'મારે કોઇ ઉતાવળ નથી.' હરિવલ્લભદાસે બેસવાનું કહ્યું એટલે વિભાકર પાછો એમના પલંગમાં બેસી ગયો. 'બોલો, શું કામ હતું?'

'શાલુ અને સુભાષકુમાર કાલે બપોરે જતા રહેવાનાં છે.' હરિવલ્લભદાસનો અવાજ થાકેલો હતો. શાલુ એ કહેવા આવી ત્યારે મેં એને કહ્યું કે હજુ થોડા રોકાઇ જાવ. પણ એ ના માની. કહે કે ત્યાં ઘર ગધાડે ચડ્યું હશે.'

'શાલુને આમેય એના દિયર- દેરાણી સાથે સાપ-નોળિયા જેવો સંબંધ છે. ત્યાં કંઇક છાસમાં છાંટો પડ્યો હોય એટલે ઝઘડવા માટે જલ્દી જવાની ઉતાવળ હોય એવું બની શકે.'

કશો જ પ્રતિભાવ આપ્યા વગર વિભાકર એમના ચહેરા સામે તાકી રહ્યો.

'કાલે તો હજુ શનિવાર થશે. એ પછી રવિવારની રજા આવશે એટલે છેક સોમવારે જાય તોય ચાલે. એ છતાં, આ છોકરી આટલી ઉતાવળ કેમ કરે છે એ સમજાતું નથી.' એમણે યાદ કરીને ઉમેર્યું. 'એ પછી સુભાષકુમાર આવ્યા. એમનો ચહેરો પણ સાવ નિચોવાઇ ગયો હોય એવો ફિક્કો લાગતો હતો.' આંખો ઝીણી કરીને બાપે દીકરા સામે જોયું. 'ઘરમાં કોઇને એ બંનેની સાથે કંઇ થયું છે? ભાગવાની આટલી ઉતાવળ કેમ કરે છે?'

જવાબની આશાએ એ વિભાકરની સામે તાકી રહ્યા હતા, પણ વિભાકર હોઠ બીડીને જ બેઠો હતો. એ કંઇ બોલ્યો નહીં એટલે હરિવલ્લભદાસે બોલવાનું ચાલુ રાખ્યું.

'તારા થકી કોઇ પ્રોબ્લેમ ના થાય એટલી ખાતરી છે. આદિત્ય કે ભાસ્કર પણ કંઇ બોલે એવા નથી. બાકી રહ્યા અલકા અને ભાવિકા. એમાં અલકા એકદમ ઠરેલ અને સમજદાર છે, ભાવિકાનો કોઇ ભરોસો નહીં. નણંદ સાથે એણે કોઇ નાદાનિયત કરી હોય એ શક્ય છે.' પોતાની ધારણાનું પોતે જ ખંડન કરતા હોય એમ એમણે ઉમેર્યું. 'આમ તો એ હોંશિયાર અને ચાલાક છે. આવા પ્રસંગે પિયરમાં આવેલી નણંદને એ પરેશાન ના કરે.'

'અલકાને અને ભાવિકાને ભૂલી જાવ.' બાપાના ગળે ઊતરી જાય એવો જવાબ વિભાકરે વિચારી લીધો હતો. ‘મોતનો મલાજો જાળવવા જેટલી માનવતા એ બંને ભાભીમાં છે. શાલુબહેન અને સુભાષકુમારની પરેશાની એમના ખુદના પ્રોબ્લેમને લીધે હશે. એ બંને માણસ વચ્ચે કંઇક બોલવાનું થયું હોય એને લીધે બંને ઉચાટમાં આવી ગયાં હોય એવું બને.' સહેજ અટકીને એણે હરિવલ્લભદાસને સમજાવ્યું. 'શાલુને આમેય એના દિયર- દેરાણી સાથે સાપ-નોળિયા જેવો સંબંધ છે. ત્યાં કંઇક છાસમાં છાંટો પડ્યો હોય એટલે ઝઘડવા માટે જલ્દી જવાની ઉતાવળ હોય એવું બની શકે.'

હરિવલ્લભદાસ વિભાકરના ચહેરા સામે તાકી રહ્યા હતા. પૂરી નિર્દોષતાથી વિભાકર નિશ્ચિંત બનીને બેઠો હતો. પોતે જે તર્ક સમજાવ્યો હતો એના પર એ મુસ્તાક હતો.

'વન સાઇડેડ વિચારીને હું દુઃખી થતો હતો એટલે એ છેડાનો વિચાર મગજમાં આવ્યો જ નહીં. હરિવલ્લભદાસે નિખાલસતાથી કબૂલાત કરી. 'તેં બત્તી કરી કે તરત ભાન થયું. શાલુને હજાર વાર સમજાવ્યું છે કે દિયર- દેરાણી તારાં દુશ્મન નથી. એમની જોડે સંબંધ સાચવીને શાંતિથી જીવવાની શિખામણ આપું છું, પણ માને કોણ?' એ ખુલાસો કરતા હતા ત્યારે વિભાકર મનોમન હરખાતો હતો. તોપનું નાળચું બીજી દિશામાં વાળી દેવાનું કામ સરળતાથી પતી ગયું હતું.

'એમને જવું જ હોય તો પછી આગ્રહ કરીને રોકવાનો કોઇ અર્થ નથી.' હરિવલ્લભદાસે હાર સ્વીકારી લીધી. 'ભીખાજીને કહેજે કે એમની બધી ચીજવસ્તુઓ સાચવીને પહોંચાડી દે.'

વિભાકરે હકારમાં માથું હલાવ્યું. હરિવલ્લભદાસ હવે બીજી કોઇ વાત યાદ કરી રહ્યા હોય એવું એમના ચહેરા ઉપરથી વિભાકરને લાગ્યું.

'એકાદ- બે દિવસમાં તારી નવરાશે ગોધાવી જઇ આવજે. જમીનનો એ ટૂકડો છોડવા જેવો નથી.'

'એ નાનો ટૂકડો નથી, પાંસઠ એકર જમીન છે.' એમની વાત સાંભળીને વિભાકરે તરત જવાબ આપ્યો. 'સોનાની લગડી જેવી જમીન છે, પણ પ્રોબ્લેમ એવો પેચીદો છે કે મામલો ખૂન- ખરાબા સુધી પહોંચી શકે. વાત બજારમાં આવી એ પછી કારની ડેકીમાં નોટોની થપ્પી લઇને એક પછી એક ચાર શેઠિયા દોડેલા પણ કથા સાંભળીને લીલા તોરણે પાછા આવેલા.'

પિતાએ ગર્વથી દીકરા સામે જોયું. 'એટલા માટે જ તને યાદ કરાવ્યું. ગૂંચ ઉકેલવાની આવડત તારા જેટલી એમાંથી કોઇની પાસે નથી.' એમણે હસીને ઉમેર્યું. 'તારા જેવી કારીગરી તો મનેય નથી આવડતી. અલબત્ત, જમીનની પરખમાં ઇશ્વરની મારા ઉપર મહેરબાની છે.' ત્યાં જઇને જમીન ઉપર બે મિનિટ ઉઘાડા પગે ચાલુ કે તરત જમીન મને જવાબ આપે. વીસ કે પચીસ ડગલાં ભરું ત્યાં જ અંતરાત્માનો અવાજ આવી જાય. એમાં આજ સુધી ક્યારેય ખોટો નથી પડ્યો. સાવ સસ્તામાં મળતી હોય એવી ઘણી જમીન મેં જવા દીધી છે. મેં ના લીધી એ પછી બીજા જેણે લીધી હોય એણે દેવાળું કાઢવાની નોબત આવી હોય એવું પણ બન્યું છે. દરેક જમીનનો પોતપોતાનો પ્રભાવ હોય છે.'

એમની પરખની આ સચ્ચાઇ વિભાકરે દરેક કિસ્સામાં જોયેલી હતી એટલે એણે આદરભાવથી ડોકું હસાવીને સમંતિ આપી.

'ગોધાવીના એ ખેતરમાં દસ ડગલાં ચાલ્યો ત્યાં જ અંતરાત્માએ અનુમતિ આપી દીધી કે કોઇ પણ કિંમતે પણ આ ખેતરને છોડાય નહીં.' એમણે વિભાકર સામે જોયું. 'હવે શું કરવું એ તારે વિચારવાનું.'

'તમે કહ્યું એ પછી મેં મારી રીતે તપાસ કરેલી.' વિભાકરે વિગતવાર સમજાવ્યું. 'કોર્ટ મેટર પેન્ડિંગ છે એને તો પહોંચી શકાય, પણ અગાઉ એ ખેતરના શેઢા પર તલવારો પણ ખેંચાયેલી છે. મૂળ એ જમીન મોબુભા વાઘેલાની. એમના બે દીકરા દિલુભા અને જામભા. જામભા ફોરેસ્ટ ઓફિસર હતા એટલે એ વઘઇ, આહવા કે જાંબુઘોડા જ્યાં ટ્રાન્સફર થાય ત્યાં ફેમિલી સાથે રહેતા હતા. એટલે એ દરમિયાન દિલુભા અને એમના બંને દીકરાઓએ આ જમીન ઉપર કબજો જમાવી દીધો. દિલુભા અને જામભા તો ભગવાનના ધામમાં પહોંચી ગયા, પણ એ પછી એમનાં સંતાનો વચ્ચે જે ડખો છે એ પણ વિચિત્ર છે.'

હરિવલ્લભદાસ ધ્યાનથી સાંભળતા હતા. વિભાકર યાદ કરીને ધીમે ધીમે સમજાવતો હતો. 'ગોધાવીની તાસીર અલગ છે. ખોબા જેવડા આ ગામમાં ચાલુ નોકરીવાળા અને રિટાયર્ડ થયેલા એંશીથી એકસો પોલીસવાળા રહે છે! એનાથીયે વિચિત્ર વાત તો હસવું આવે એવી છે. એક ઘરમાંથી એક ભાઇ પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને એનો સગો ભાઇ જિલ્લામાંથી તડીપાર થયેલો હોય આવા કિસ્સાની ગોધાવીમાં નવાઇ નથી. જમીનના ભાવ ઉંચકાયા પછી અનેક ધીંગાણાં પણ થયેલાં છે. સમજાવટથી મામલો પતે નહીં એ ધીંગાણાની પોલીસમાં ફરિયાદ થાય.'

ટિપોઇ પરથી ગ્લાસ લઇને વિભાકરે પાણી પીધું. હરિવલ્લભદાસને પણ પહેલા પૂછેલું પણ એમણે ના પાડી.

'આમ જુઓ તો જમીનનો કબજો અત્યારે દિલુભાના બંને દીકરાઓ પાસે છે. એમાં જિતુભા મોટા. પોલીસ ઇન્સ્પેક્ટર હતા, ગયા વર્ષે રિટાયર થયા છે. એટલે વહીવટ એ સંભાળે છે. જિતુભાથી નાના વિજયસિંહ વિજુભા અત્યારે જિલ્લામાંથી તડીપાર થયેલા છે. એ વિજુભાએ જિતુભાને ધમકી આપેલી છે કે મને પૂછ્યા વગર જમીનના મામલે કંઇ કરશો તો ધારિયાં ઊડશે. એ બે સગા ભાઇ વચ્ચે આ વિખવાદ છે અને લટકામાં, જામભાના દીકરાએ કોર્ટમાં કેસ કરેલો છે કે જમીનમાં હું પણ સીધી લીટીનો વારસદાર છું.'

આટલી કથા સમજાવીને વિભાકરે પિતા સામે જોયું. 'આમાં કયો છેડો પકડીને ગૂંચ ઊકેલવી એ વિચારું છું. તમે કહ્યું એટલે ગોધાવી જઇ આવીશ. જિતુભાને મળીશ. એ ત્રણેય ભાઇઓ સાથે બેસે તો કોઇક રસ્તો નીકળે. તડીપાર વિજુભા ક્યારેક રાતના સમયે ગામની મુલાકાત લે છે. એ જિતુભા સાથે બોલવાનું ટાળે છે. જામભાના દીકરાએ તો આ બંને ભાઇઓ સાથેનો સંબંધ જ કાપી નાખ્યો છે.'

આખી વાત સાંભળીને હરિવલ્લભદાસ ઊંડા વિચારમાં ડૂબી ગયા હતા. 'ગોધાવીની એ જમીન આપણા હાથમાં આવે કે ના આવે પણ તેં જે કથા કહી એ સાંભળ્યા પછી મને બીજો વિચાર આવે છે.' એમનો અવાજ ગંભીર બન્યો. 'જર, જમીન ને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરુ એ કહેવત સનાતન સત્ય છે. દરેક સમજદાર માણસે પોતાની હયાતીમાં જ સંતાનો માટેનો હિસ્સો નક્કી કરીને એની કાયદેસર વહેંચણી માટે વિલ કરી રાખવું જોઇએ. સંપત્તિ એવી ચીજ છે કે એની પાસે લોહીના સંબંધો પણ પાણીથીયે પાતળા બની જાય છે. જંગલની ઝૂંપડીમાં રહેતા સાધુઓ લંગોટી માટે લડાઇ કરે એવા સમયમાં સગા ભાઇઓ વચ્ચે સંપ જળવાઇ રહેશે એવી આશા ના રખાય.'

એમણે વિભાકર સામે જોઇને પૂછ્યું. 'હૈયે હાથ મૂકીને જવાબ આપ. મારી વાત ખોટી છે?'

વિભાકર એમની સામે તાકી રહ્યો. 'જો તમે અમારા ત્રણેય ભાઇઓ વિશે આવું વિચારતા હો તો તમારી વાત સો ટકા ખોટી છે.' એણે આત્મવિશ્વાસથી કહ્યું. 'મારો સ્વભાવ તમે નથી જાણતા? હજુ તો તમે અડીખમ છો. દસ કે પંદર વર્ષ પછી તમારી ગેરહાજરીમાં પણ અમારા ત્રણેય વચ્ચે કોઇ વિખવાદ નહીં થાય એ મારી ગેરંટી.'

‘જમીન ઉપર બે મિનિટ ઉઘાડા પગે ચાલુ કે તરત જમીન મને જવાબ આપે. વીસ કે પચીસ ડગલાં ભરું ત્યાં જ અંતરાત્માનો અવાજ આવી જાય...’

હરિવલ્લભદાસ હસી પડ્યા. ઇશારાથી એમણે પાણી માગ્યું એટલે વિભાકરે ગ્લાસ એમના હાથમાં આપ્યો. ગ્લાસ ખાલી કરીને વિભાકરના હાથમાં પાછો આપતી વખતે એ ફરીથી હસી પડ્યા.

'અરે, ગાંડા, તું પરણ્યો નથી એટલે આવી ગેરંટી આપવાની તારામાં હિંમત છે. આદિત્ય કે ભાસ્કર સાથે આવી ચર્ચા કરવાનું હું ટાળું છું. એ બંને સરળ અને સજ્જન છે. એકબીજા માટે એમને લાગણી છે એ કબૂલ. પણ મારી હયાતી ના હોય ત્યારે એમના સંબંધોની મીઠાશ માટે એમણે અલકા અને ભાવિકા ઉપર આધાર રાખવો પડશે. મારી વાત સમજાય છે તને? મેં તો અનેક કુટુંબમાં જોયું છે. વ્યવસ્થિત વિલ બનાવ્યા વગર કુટુંબનો મોભી મરી જાય એ પછી ધૂળ જેવી વાતમાં પણ દેરાણી- જેઠાણી વચ્ચે તલવાર ખેંચાતી હોય છે! મારા કાન સરવા છે અને ઘરમાં નજર પણ ફરતી હોય છે. અલકા અને ભાવિકામાં આવી સ્ત્રીસહજ નબળાઇ છે અને મેં અનેક વાર જોયું છે. એમના સંબંધોની ગાંઠ કાયમ માટે મજબૂત રહેશે એવી મને શ્રદ્ધા નથી.'

સહેજ અટકીને એમણે ઉમેર્યું. 'મિલકના ગૂંચવાડામાં તમારા સંબંધો સચવાઇ રહે એ માટે વ્યવસ્થિત વિલ બનાવવું એ એક જ ઉપાય છે, મારી પાસે.'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP