Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-35

'સુભાષકુમાર એવા જોખમી ધંધામાં હાથ નાખી રહ્યા છે કે જેમાં બે જ અંજામ શક્ય છે. જેલના સળિયા ગણવા પડે અથવા મરવું પડે.'

  • પ્રકાશન તારીખ17 Aug 2018
  •  

પ્રકરણઃ 35
વિભાકરે જે કહ્યું એ સાંભળીને આદિત્ય, અલકા, ભાસ્કર અને ભાવિકા ચોંકી ઊઠ્યાં હતાં.

'બહુ ભરોસાપાત્ર માણસો પાસેથી માહિતી મળી છે એટલે એની સચ્ચાઇમાં શંકા નથી.' વિભાકરે પોતાના શબ્દોનું પુનરાવર્તન કર્યું. 'ઓછી મહેનતે વધુ કમાણી કરવાની ધૂનમાં સુભાષકુમાર એવા જોખમી ધંધામાં હાથ નાખી રહ્યા છે કે જેમાં બે જ અંજામ શક્ય છે. જેલના સળિયા ગણવા પડે અથવા મરવું પડે.'


નિરાશાથી માથું ધૂણાવીને એ બબડ્યો. 'પોતે શેઠ હરિવલ્લભદાસનો જમાઇ છે એનું પણ એ જડભરતને ભાન નથી. દીકરો વીસ વર્ષનો છે અને દીકરી અઢાર વર્ષની છે, ઘરમાં એમના ઉપર ધ્યાન આપવાને બદલે એ માણસ પૈસાની ભૂખમાં હડકાયો થયો છે. બિચારી શાલુને તો પતિના આ પરાક્રમનો અણસાર પણ નહીં હોય.'

'એ શું કરવાના છે?' અલકાએ અધીરાઇથી પૂછ્યું. 'ડ્રગ્ઝ જેવી નશીલી ટેબ્લેટ્સ અહીં બનાવીને અમેરિકા મોકલી આપવાની.' વિભાકરે સમજાવ્યું.

'એ શું કરવાના છે?' અલકાએ અધીરાઇથી પૂછ્યું.

'ડ્રગ્ઝ જેવી નશીલી ટેબ્લેટ્સ અહીં બનાવીને અમેરિકા મોકલી આપવાની.' વિભાકરે સમજાવ્યું. 'દક્ષિણ ગુજરાતની અમુક ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં આ જોબવર્કનું કામ વર્ષોથી ચાલે છે. વિક્રમ ગોસ્વામી નામનો આંતરરાષ્ટ્રીય ગઠિયો એનો સૂત્રધાર છે. એ પોતે જુદા જુદા દેશમાં ભાગતો ફરે છે પણ એનું નેટવર્ક પાવરફુલ છે. ખોબા જેવડી નાનકડી બંધ પડેલી દવાની ફેક્ટરી હોય એમાં મેન્ડ્રેક્ષ જેવી ટેબ્લેટ બનાવડાવીને એ બ્રાઝિલ કે બીજા કોઇ દેશમાં મોકલે અને ત્યાંથી અમેરિકા પહોંચાડે.'

એનો અવાજ ગંભીર બન્યો. 'એક વાર એની સાથે જોડાયા પછી માણસ ફસકી જાય કે ફૂટી જાય તો એનો ધંધો ચોપટ થઇ જાય. એટલે આવી ગદ્દારી કરનારને એ મરાવી નાખે છે. છેલ્લાં દસેક વર્ષમાં આ રીતે એણે ત્રણ હત્યા કરાવેલી છે.'

'એ સુભાષકુમારને કઇ રીતે ભટકાઇ ગયો?' આદિત્યનો પ્રશ્રન સાંભળીને આટલા ટેન્શન વચ્ચેય વિભાકર હસી પડ્યો.


'સુભાષકુમારની હેસિયત એટલી ઊંચી નથી કે ઇન્ટરનેશલન ગુંડો ગોસ્વામી એમની સાથે વાત કરે. એ ગોસ્વામીનો ચોથા કે પાંચમા નંબરનો ફોલ્ડરિયો આવું કામ સંભાળતો હોય. નગરશેઠના વંડામાં જેટલા પણ હોલસેલ દવાના વેપારી છે એમના ઉપર એ નજર રાખે. જરૂરિયાતવાળા માણસને પારખવામાં એ ભૂલ ના કરે. પૈસા માટેનો હડકવા કોને વધારે છે એ જાણીને એવા માણસને જ પકડે. સુભાષકુમારનો કારોબાર એ માર્કેટમાં જ છે એટલે એમને પકડીને પેલાએ ગોળનું ગાડું બતાવ્યું હશે. ભીલાડ કે એવી કોઇ દક્ષિણ ગુજરાતની બંધ પડેલી નાની ફેક્ટરી લીઝ ઉપર લઇને ત્યાં આવી નશીલી ટેબ્લેટનું પ્રોડક્શન કરાવવાનું કામ કોઇ એક માણસથી ના થઇ શકે. ચારેક ભાગીદાર ભેગા થઇને આવું સાહસ કરી શકે. એ ચારમાંથી ત્રણ પૈસા રોકે. પૈસા રોકવાવાળા ગમે તે ફિલ્ડના હોય તો ચાલે.'

ચારેય શ્રોતાઓ ધ્યાનથી સાંભળતા હતા. એમની સામે જોઇને વિભાકરે ઉમેર્યું. 'અત્યારે જે પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે એમાં દવાના ધંધાવાળા તરીકે સુભાષકુમાર ફાઇનલ છે. બાકીના ત્રણ કોણ છે એ હજુ ખબર નથી.'

'હવે તાળો મળ્યો.' ભાવિકાએ યાદ કરીને કહ્યું. 'મંજુબાના અવસાનના અઠવાડિયા અગાઉ શાલુદીદી સાથે વાત થયેલી ત્યારે વાત વાતમાં એમણે કહેલું કે શેઠ તો ધંધાના કામે ભીલાડ અને ઉમરગામ બાજુ ફરવા ગયા છે.'

'આ નવા ધંધામાં રોકવા માટે પૈસા જોઇતા હશે એટલે દોઢ કરોડનું નાટક કર્યું.' અલકાએ તર્ક લડાવ્યો. 'થોડી ઘણીયે મૂડી તો જોઇએને? એ સિવાય કોણ ભાગીદાર બનાવે?'

‘આમાં આપણે હવે કરવાનું છે શું?' આદિત્યે બધાની સામે જોઇને કહ્યું. 'ગમે તેમ કરીને પણ સુભાષકુમારને અટકાવવા તો પડશેને?'


'તમે ત્રણેય ભાઇઓ સાથે મળીને જે નક્કી કરવું હોય એ કરજો, પણ એમાં શાલુદીદીને વચ્ચે ના લાવતા.' ભાવિકાએ તરત ચેતવણી આપી. 'શાલુદીદીને ત્યાં એમના દિયર- દેરાણી જોડે ઊભા રહ્યેય નથી બનતું. પરાણે ત્યાં રહેવું પડે છે. સુભાષકુમાર જોડે ધૂળ જેવી વાતમાંય વાંધો પડે કે તરત એ અહીં આવી જાય છે. એ પછી રિસામણાં- મનામણાંનું નાટક ચાલે. આ મુદ્દે જો એમને ઝઘડો થશે તો એ લાંબો ચાલશે અને એ અહીં આવીને ધામા નાખશે. મંજુબા જીવતા હતા ત્યાં સુધી એ દીકરીના નખરાં સહન કરતા હતા પણ હવે એ નહીં ચાલે.'

સહેજ અટકીને એણે ખુલાસો કર્યો. 'દીકરી બાપના ઘેર આવે એમાં ભાભીઓને કોઇ વાંધો ના હોય, હોવો પણ ના જોઇએ. પણ અહીં આવીને શાલુદીદી સખણાં નથી રહેતા. જાત જાતની સળી કરીને લાકડાં લડાવવાની એમને ટેવ છે.' એણે અલકા સામે જોયું. 'ઇશ્વરની મહેરબાની છે કે મારે અને મોટી બહેનને સારું બને છે, બાકી એમને તો વિખવાદ કરાવીને વિકૃત આનંદ મળે છે. કોઇ ના મળે તો કાશીબા અને ગોરધન મહારાજ વચ્ચે પણ ઝઘડો કરાવે!'

'ભાવિકાની વાત સાચી છે. હવે તો મંજુબા નથી એટલે એ વધુ વટ મારીને ઘરનું વાતાવરણ ડહોળી નાખશે.' અલકાએ દેરાણીની વાતને સમર્થન આપ્યું.

'ઓ.કે.' વિભાકરે બંને ભાભીઓની લાગણીને માન આપ્યું. 'અમે જે કંઇ કરીશું એમાં શાલુ પિક્ચરમાં નહીં આવે. એને ખબર પણ ના પડે એનું ધ્યાન રાખીશું.'


કાંડા ઘડિયાળ સામે નજર કરીને એ ઊભો થયો. 'કાલે બપોરે જમ્યા પછી એ ચારેય વિદાય લેવાના છે. એમને વિદાય આપ્યા પછી વિચારવામાં વધુ મોકળાશ રહેશે. સુભાષકુમારનો આ પ્રોજેક્ટ આમ તો હજુ હવામાં છે એટલે એકાદ- બે દિવસમાં કંઇ ખાટુંમોળું નથી થવાનું.'

એ રૂમની બહાર નીકળ્યો એટલે ભાસ્કર અને ભાવિકા પણ ઊભાં થયાં.

એ બધા ગયા પછી ઓરડામાં આદિત્ય અને અલકા એકલાં પડ્યાં. આદિત્યે ટીવી પર સમાચાર ચાલુ કર્યા. આઇસક્રીમના ખાલી બાઉલ ભેગા કરીને અલકા કિચનમાં મૂકી આવી.


'વિભાલાલને મારે સમજાવવું પડશે.' ટીવીના સ્ક્રીન પરથી નજર હટાવીને આદિત્યે પત્ની સામે જોયું. 'આ વાત ગંભીર છે એટલે પપ્પાના ધ્યાન ઉપર તો લાવવી જ જોઇએ. બહેન- બનેવીના સંબંધનો મામલો છે એટલે હેન્ડલ વિથ કેરની જેમ કાળજી રાખવી પડશે. આજે તેં જોયું? સુભાષકુમારનું મોઢું કેવું ઊતરેલું કઢી જેવું થઇ ગયું હતું?'


'વિભાભાઇએ એને બરાબરનો લબડધક્કે લીધો હશે એ ઉપરાંત, મોઢામાં આવેલો દોઢ કરોડનો કોળિયો ઝૂંટવી લીધો એટલે એ હસતું મોઢું કઇ રીતે રાખે.?' અલકાએ સત્ય સમજાવ્યું. 'સાળો આવી ફિલમ ઉતારશે એની બનેવીને તો કલ્પના જ ના હોયને?'

'તારી વાત સાચી, પણ ડ્રગ્ઝના ધંધાવાળી વાત પપ્પાના ધ્યાન ઉપર લાવવી જોઇએ કે નહીં? તને શું લાગે છે?'


'તમે ત્રણેય ભાઇઓ હળીમળીને ચર્ચા કરીને ફાઇનલ નિર્ણય કરજો. તમારે તમારા મનની વાત કહી દેવાની એ પછી બંને શું કહે છે એ સાંભળવાનું. ભાસ્કરભાઇ ઓછું બોલે છે, પણ એ વિચારે છે વધારે.' એણે હસીને કહ્યું. 'આજે વિભાભાઇએ વાત કહી એટલે ભાસ્કરભાઇ આખી રાત એ વિચારના ચકરાવામાં અટવાયા કરશે. ભાવિકાએ જ મને કહેલું કે એમને વિચારવાયુ થઇ જાય છે!'

આદિત્ય પણ હસી પડ્યો.

એ વખતે વિચારમાં ડૂબેલા ભાસ્કરની સામે ઊભી રહીને ભાવિકા પૂછતી હતી. 'મેં કહ્યું એ બરાબર હતુંને? એ શાલુડી અહીં ધામા નાખીને આપણા ઘરમાં કકળાટ કરાવે એ કઇ રીતે ચાલે? મંજુબા એને પંપાળતા હતા પણ હું કે મોટી બહેન એવા નવરા નથી. મોટી બહેન બિચારી ભલી છે એટલે મોઢું ના ખોલ્યું પણ મેં તો બધાની વચ્ચે કહી દીધુંને કે જે કરવું હોય એ કરજો, પણ શાલુબહેન રિસાઇને અહીં આવી જાય એનું ના કરતા.' ભાસ્કરનો ખભો પકડીને એણે કહ્યું. 'જવાબ તો આપો. મેં બરાબર સ્ટેન્ડ લીધુંને?'


'યુ આર રાઇટ.' પોતાના વિચારોમાંથી બહાર નીકળીને ભાસ્કરે પત્નીની વાતમાં સંમતિ આપી. 'એમની હાજરીથી ઘરમાં કંકાસ થતો હોય તો એ ના આવે એ જ ઉત્તમ.'


'તમને ખબર નથી. એમણે તો સળી કરીને કાશીબા અને ગોરધન મહારાજની વચ્ચે ઝગડો કરાવેલો.' ઉત્સાહમાં આવીને ભાવિકાએ આખા પ્રસંગનું વર્ણન પતિને સંભળાવી રહી હતી.

એ વખતે વિભાકર હરિવલ્લભદાસના રૂમમાં બેઠો હતો. સીડી ઊતરીને એ પોતાના ઓરડા તરફ આગળ વધતો હતો ત્યારે હરિવલ્લભદાસના રૂમની લાઇટ ચાલુ હતી અને બારણું ખુલ્લું હતું. એમનો પલંગ એવી રીતે ગોઠવાયેલો હતો કે એ ટેકો દઇને પલંગમાં બેઠા હોય ત્યારે ખુલ્લા બારણામાંથી બહારનું બધું જોઇ શકે.


'વિભા.' હરિવલ્લભદાસે હળવેથી બૂમ પાડી એટલે વિભાકર એમના રૂમમાં ગયો. બંને ઓશિકાનો ટેકો દઇને પગ લંબાવીને પલંગમાં બેઠા હતા. સામે ટીવી ચાલુ હતું.

'કોણ જાણે કેમ આજે થાકી ગયો.' એમનો અવાજ ઢીલો હતો. 'મંજુને ગયે આજે તેર દિવસ થઇ ગયા. આ તેર તેર દિવસનો થાક આજે અત્યારે ભેગો થયો હોય એવું લાગે છે.'

'એ શાલુડી અહીં ધામા નાખીને આપણા ઘરમાં કકળાટ કરાવે એ કઇ રીતે ચાલે? મંજુબા એને પંપાળતાં હતાં, પણ હું કે મોટી બહેન એવાં નવરાં નથી.'

એ બોલતા હતા ત્યારે વિભાકરની નજર આખા ઓરડામાં ફરતી હતી. 'તમે આરામ કરો.' એમની બાજુમાં પડેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાના જૂના આલ્બમ સામે જોઇને એણે ઉમેર્યું. 'આ ઉંમરે તો વિચારવાનો પણ થાક લાગે. સતત એખ જ વિચારમાં મગજ રોકાયેલું રહે એ પણ સારું નહીં. જે ગુમાવ્યું એની પીડામાં જ મન પરોવાયેલું રહે તો થાક લાગે જ. જે ગયું એ ગયું એમ માનીને હવે શું કરવાનું છે એ નક્કી કરવાનું.'

એમના બંને ખભા પર પોતાના મજબૂત હાથ મૂકીને વિભાકરે સમજાવ્યું. 'કશુંય વિચાર્યા વગર આરામથી આંખો બંધ કરીને ઊંઘી જાવ.'
હરિવલ્લભદાસ હસી પડ્યા. એમના ફિક્કા હાસ્યામાં વેદના હતી. 'મગજમાં ભગવાને એવી કોઇ ઓન-ઓફની સ્વિચ તો આપી નથી. સ્વીચ બંધ કરીએ કે તરત વિચાર અટકી જાય એવું તો છે નહીં.'

વિભાકરે જવા માટે પગ ઉપાડ્યા હતા પણ બાપે હાથ પકડીને એને પોતાની પાસે બેસાડી દીધો. 'ભાગે છે ક્યાં?' એમણે ઢીલા અવાજે કહ્યું. 'તારું એક કામ હતું એટલે તો તને બોલાવ્યો.'
(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP