Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-34

‘જો ભાઇ, હું તારી સામે ઊભો છું. સાવ એકલો છું. હટ્ટોકટ્ટો છું એટલે મારા લોહીથી તારું ખપ્પર પણ છલકાઇ જશે’

  • પ્રકાશન તારીખ16 Aug 2018
  •  

પ્રકરણઃ 34

એનો ઉપાય મારી પાસે છે એવું વિભાકરે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું એટલે આદિત્ય, અલકા, ભાસ્કર અને ભાવિકા આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા હતા. ખુરસીમાંથી ઊભો થઇને એ આટલું બોલીને અટકી ગયો એટલે ભાવિકાએ અહોભાવથી કહ્યું, ‘તમારી પાસે કંઇક રસ્તો હશે એવી ખાતરી હતી એટલે તો તમને બોલાવ્યા. ઉપાયમાં શું કરવાનું છે?’

'તમારે લોકોએ કંઇ જ કરવાનું નથી. હું એકલો ફોડી લઇશ.' મોં મલકાવીને એ આવું બોલ્યો એટલે આદિત્યે તરત પૂછ્યું. 'તું એકલો શું કરીશ?'

'સ્વામીજીએ કહ્યું એ મુજબ મૃત્યુના ઓળાઓ અને યમદૂતો આપણા બંગલામાં ચકરાવા મારે છે. રાઇટ? આજે રાત્રે અને એ પછી રોજ રાત્રે બાર વાગ્યા પછી હું પણ બંગલામાં આંટા મારીશ.’

'સ્વામીજીએ કહ્યું એ મુજબ મૃત્યુના ઓળાઓ અને યમદૂતો આપણા બંગલામાં ચકરાવા મારે છે. રાઇટ? આજે રાત્રે અને એ પછી રોજ રાત્રે બાર વાગ્યા પછી હું પણ બંગલામાં આંટા મારીશ. તમારા રૂમની બહારના પેસેજમાં, સીડી ઉપર, ડ્રોઇંગ રૂમમાં અને રસોડામાં પણ ચક્કર મારીશ. આંખો સાબદી રાખીને વટથી ફરીશ. મોતના ઓળાઓ કે એકાદ યમદૂત જો દેખાઇ જશે યા એ મને જોઇ જશે તો તરત એને પકડીશ.'

તદ્દન સાહજિકતાથી એ બોલતો હતો અને એ જે બોલતો હતો એ સાંભળીને પેલા ચારેય હવે ગૂંચવાડાભરી નજરે એકબીજાની સામે તાકી રહ્યા હતા.

'યમદૂત જો પકડાઇ જશે તો એને સમજાવીશ કે જો ભાઇ શેઠ હરિવલ્લભદાસ તો આ બંગલાના મોભી છે, એમના ઉપર નજર ના બગાડતો. આ આદિત્ય અને ભાસ્કર ઉપર એમનાં બૈરા-છોકરાંની જવાબદારી છે એટલે એમને એડતો નહીં. લેડિઝ અને બાળકો ઉપર તો તારે દયા કરવી જ પડશે.'

બધાની સામે મોં મલકાવીને એણે આગળ કહ્યું. 'એ યમદૂતને કહીશ કે જો ભાઇ, હું તારી સામે ઊભો છું. સાવ એકલો છું. મારી પાછળ રોવાવાળું કોઇ નથી. હટ્ટોકટ્ટો છું એટલે લોહીથી તારું ખપ્પર પણ છલકાઇ જશે. હાથ જોડીને એને કહીશ કે બીજા કોઇને તકલીફ આપવાની જરૂર નથી. બધા વતી હું એક તૈયાર છું. મને ઊંચકીને બેસાડી દે અને ભગાવ તારા પાડાને! આઇ એમ રેડી!'

ખડખડાટ હસીને એ પાછો ખુરસીમાં બેસી ગયો, પણ પેલા ચારેય સ્તબ્ધ હતા. હસવામાં કોઇએ એને સાથ ના આપ્યો.

'વિભાભાઇ, આજે આવું બોલ્યા એ બોલ્યા, બાકી હવે પછી ક્યારેય આવું ના બોલતા, પ્લીઝ.' અલકાના અવાજમાં સાચી લાગણી છલકાતી હતી. 'મૃત્યુની વાતમાં આવી મજાક ક્યારેય ના કરાય. અમને દુઃખ થાય એવી મશ્કરી શા માટે કરો છો?'

એના લાગણીભીના અવાજમાં ફરિયાદ ઉમેરાઇ. 'તમે એકલા છો એવું કે માનો છો? તમને સારું લગાડવા નથી કહેતી, એવી મારે જરૂર પણ નથી, પણ જે સચ્ચાઇ છે એ જ કહું છું. આ ઘરમાં રહેતી તમામ વ્યક્તિઓને તમારા માટે માન છે. બધાય તમને પોતાના જ માને છે. તમે એકલા છો ને પાછળ રોવાવાળું કોઇ નથી એવા તમારા શબ્દો કાળજામાં વાગે છે, પીડા થાય છે.' આંખમાં ઝળઝળિયાં સાથે અલકાએ વિભાકર સામે હાથ જોડ્યા. 'મહેરબાની કરીને આવું ક્યારેય વિચારતા પણ નહીં. પપ્પાજી જેટલું જ તમારા માટે માન છે.' ગળે ડૂમો ભરાયો એટલે એ આગળ બોલી ના શકી.

'મોટીબહેનની વાત સો ટકા સાચી છે, વિભાભાઇ!' ભાવિકાએ પણ જેઠાણીની લાગણીને ટેકો આપ્યો. 'તમે આવું બોલો તો અમને દુઃખ થાય. અમે બધા તમારા જ છીએને? ક્યારેક તમે અઠવાડિયું બહારગામ જાવ ત્યારે આ ચારેય છોકરાઓ રોજ તમને યાદ કરે છે એ ખબર છે તમને? આદિત્ય અને ભૌમિક તો સાવ ઓશિયાળા થઇ જાય છે તમારા વગર. તમારું આવું સ્થાન છે અને તમારી જાતને તમે એકલા માનો છો?'


વિભાકર નીચું જોઇને ચૂપચાપ સાંભળતો હતો.

'મને કે ભાસ્કરને આવી રીતે બોલતા આવડતું નથી પણ આ બંનેએ જે કહ્યું એ અમારા મનની જ વાત છે.' આદિત્યે ઊભા થઇને વિભાકરના ખભે હાથ મૂક્યો. 'અમારી લાગણીને ઠેસ પહોંચે એવું હવે પછી ક્યારેય ના બોલતો.'

'સોરી... સોરી... સત્તર વાર સોરી...' વિભાકરે તરત પોતાની ભૂલ સ્વીકારી લીધી. વારાફરતી બધાની સામે જોઇને એણે ખુલાસો કર્યો. 'અમંગળ આગાહીની બીક તમારા મનમાં ઘૂસી ગઇ હતી એ કાઢવા માટે આ કોમેડી ડ્રામા કરવા ગયો પણ મારી મૂર્ખામીને લીધે એની ટ્રેજેડી થઇ ગઇ! હું તમારો છું અને તમે બધાય મારા છો એ વાત તો પથ્થરની લકીરની જેમ હૈયામાં ચિતરાયેલી છે. મજાકમાં પણ આવું બોલીને તમારી લાગણી દુભાવી એ બદલ ખરા હૃદયથી માફી માગું છું.'

એણે અલકા સામે જોયું. 'ભાભી, તમારા ફ્રીજમાં લીલા નાળિયેરના આઇસક્રીમનો સ્ટોક રાખો છો એ મારા ધ્યાનમાં છે. થોડો થોડો ખવડાવી દો તો વાતાવરણ હળવું થઇ જશે.' એણે હસીને આવું કહ્યું એટલે અલકા તરત ઊભી થઇ. ભાવિકા પણ મદદ કરવા ગઇ.

'આવી આગાહીને હસી કાઢવાની.' આઇસક્રીમનો બાઉલ હાથમાં લઇને વિભાકરે એ ચારેયને સમજાવ્યું. 'જન્મ લેનાર દરેક માટે મૃત્યુ અનિવાર્ય છે. કઇ પળે અને કયા સ્થળે એ આપણને ભેટવા આવશે એની કોઇનેય ખબર નથી હોતી. એ અનિશ્ચિતતાને લીધે જ આપણે ડરીએ છીએ. મૃત્યુ અંગે કોઇ માણસની કોઇ આગાહી ક્યારેય સાચી ના પડે.' એણે અલકા અને ભાવિકા સામે જોયું. 'તમને બંનેને ખાસ કહું છું મગજમાંથી આ આગાહીનો કચરો સાફ કરી નાખો. જે થવાનું હોય એ થાય એમ માનીને જ જીવવાનું.'

આઇસક્રીમનો બાઉલ ફટાફટ ખાલી કરીને એણે બધાની સામે જોયું. 'મારા બાળપણની વાત મેં અગાઉ તમને કહી છે કે નહીં એ ખ્યાલ નથી, પણ અત્યારે વાત નીકળી છે એટલે એ બધું યાદ આવી ગયું.'

'મેં ક્યારેય નથી સાંભળી.' ભાવિકાએ તરત કહ્યું. 'મારી મમ્મી નિર્મળા- નિમુ સાવ ગભરૂ અને ભોળી હતી.' બંને મામાઓ પાસેથી સાંભળેલી વાતોનું સંકલન કરીને વિભાકર બોલતો હતો. 'મંજુબા જેવી સ્માર્ટ અને ચાલાક એ નહોતી. ગારિયાધાર જેવા નાના ગામમાં ઉછરેલી એટલે પરણીને અહીં આ બંગલામાં આવી ત્યારેય શહેરમાં સુદામો ભૂલો પડ્યો હોય એવી એની દશા હતી. મારો જન્મ થવાનો હતો ત્યારે અહીંથી બધાનો એવો આગ્રહ હતો કે નિમુએ અમદાવાદમાં જ રહેવું જોઇએ. અહીં જેવી તબીબી સવલતો ત્યાં ગામડામાં નહી મળે. પણ મારા મોસાળ પક્ષના બધાની વિચારસણી જૂનવાણી. એ લોકોએ જીદ કરી કે પહેલી ડિલિવરી તો પિયરમાં જ થાય. એ રીતે એ લોકો નિમુને ત્યાં લઇ ગયાં. ગારિયાધારના લોકોને હોસ્પિટલની સુવિધા માટે પાલિતાણા કે ભાવનગર લાંબા થવું પડે. મારો જન્મ પાલીતાણાની હોસ્પિટલમાં થયો.'


સહેજ અટકીને એણે યાદ કર્યું. 'અત્યારે મારું શરીર જોઇને કોઇને કલ્પના પણ ના આવે એવી નાજુક દશા હતી મારી નાનપણમાં હું આઠ મહિનાનો થયો ત્યાં સુધી ગારિયાધરમાં જ અમે મા- દીકરો રોકાઇ રહેલાં એનું કારણ મારી વારંવારની બીમારી. મારાં નાના-નાની અને બંને મામાઓને ખૂબ ઉચાટ રહેતો હતો. જીદ ઉપર આવીને મારી મમ્મીને એ ગારિયાધાર લાવેલા અને એમાં જો મને કંઇક થઇ જાય તો અહીં મોઢું બતાવવું ભારે પડી જાય એવી એમને બીક હતી. એ આઠ મહિનામાંથી છ એક મહિના તો હું હોસ્પિટલમાં જ રહેલો એવું મામાએ કહેલું. એમાંય એક વાર ખૂબ તાવ આવ્યો અને આંચકી શરૂ થઇ એ પછી ડૉક્ટરે હાથ અધ્ધર કરીને કહી દીધેલું કે ભગવાને આપેલું આ ફૂલ પાછું ભગવાન પાસે જવાની તૈયારીમાં છે. મારી નાની દિવસની એક લિટર ચા પીતી હતી. ડૉક્ટરે મારા જીવવાની આશા છોડી દીધી ત્યારે મારી નાનીએ ચાની બાધા લીધી અને મને ખોળામાં રાખીને પાંચ કલાક બેસી રહી. જાણે કોઇ ચમત્કાર થયો હોય એમ તાવ ઊતરી ગયો, આંચકી બંધ થઇ અને હું બચી ગયો. ખુદ ડૉક્ટર પણ સુખદ આશ્ચર્ય અનુભવતા હતા કે આ છોકરો કઇ રીતે બચી ગયો?'

ઓરડાની દીવાલ સામે તાકીને વિભાકર બોલતો હતો. 'મૃત્યુની સાવ નજીક જઇને હું પાછો આવ્યો કારણ કે મારે જીવવાનું હતું. ડૉક્ટરે આશા છોડી દીધી હતી એ છતાં પ્રબળ જિજીવિષાના જોર પર હું જીવી ગયો. એ પછી મારાં નાનીએ જીવ્યા ત્યાં સુધી ચા નહોતી પીધી.' બધાની સામે નજર કરીને વિભાકરે આગળ કહ્યું. 'સમજણો થયો અને મામાઓ પાસેથી આ વાત સાંભળી એ પછી મનમાંથી મૃત્યુનો ડર ભૂંસાઇ ગયો. મરવાની જરાયે બીક નથી લાગતી. મરવાનું નિશ્ચિત હતું એવી કટોકટીના સમયે પણ જીવી ગયેલો તો પછી હવે ગભરાટ શાનો? પાંચ મહિનાનો હતો ત્યારે મોત સામે ટક્કર લઇને વિજેતા બનેલો એ પછી નીડર બની ગયો.'

મૂળ વાત ઉપર આવતાં અગાઉ એ થોડી વાર અટક્યો. 'મારી વાત સમજો. વર્ષોના અનુભવી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની આગાહી પાંચ મહિનાની ઉંમરે મેં ખોટી પાડેલી અને આજે બાવા- સાધુના બકવાસથી ડરવાનું? પ્લીઝ, એ અમંગળ આગાહીના વાત તમારા મગજમાંથી ભૂંસી નાખજો. આપણે બધા સાથે છીએ અને એમાંથી કોઇ ઓછું નહીં થાય.'

બધાના ચહેરા પર હળવાશ પથરાયેલી જોઇને વિભાકરે હસીને ઉમેર્યું. 'આ આગાહીના ચક્કરમાં તમે લોકો મને સોંપેલું કામ ભૂલી ગયા હો એવું લાગે છે. દોઢ કરોડના ડ્રામાને અટકાવવાનો હતોને? તમને બધાને જાણીને આનંદ થશે કે એ નાટકનું મંગળાચરણ થાય એ અગાઉ એનો ધી એન્ડ આવી ગયો છે!'

‘તમે લોકો મને સોંપેલું કામ ભૂલી ગયા હો એવું લાગે છે. દોઢ કરોડના ડ્રામાને અટકાવવાનો હતોને? તમને બધાને જાણીને આનંદ થશે કે એ નાટકનું મંગળાચરણ થાય એ અગાઉ એનો ધી એન્ડ આવી ગયો છે!'

નાટકીય ઢબે આટલું કહ્યા પછી એણે ધીમે ધીમે આખી કથા સમજાવી. સુભાષને કઇ રીતે કારમાં લઇ ગયો ત્યાંથી શરૂ કરીને છેલ્લા ઝાટકા સુધીનું વર્ણન કરીને એ હસી પડ્યો. 'શૂળીનું વિઘ્ન સોયથી ટળી ગયું. દોઢ કરોડના નુકસાનને બદલે માત્ર તેર લાખમાં તોડ થઇ ગયો!'

આદિત્ય, અલકા, ભાસ્કર અને ભાવિકા એ ચારેય સુખદ આશ્ચર્ય અને અહોભાવથી વિભાકર સામે તાકી રહ્યાં હતાં.

વિભાકર હવે ગંભીર હતો. 'સુભાષકુમાર વિશે રજેરજની માહિતી મેળવવા માટે મેં મારા માણસોની પાસે જબરદસ્ત મહેનત કરાવી હતી. એમાંથી જે જે જાણવા મળ્યું એના ઉપરથી ચિંતામાં વધારો થયો છે. અગાઉ તો માત્ર આપણા દોઢ કરોડની ઉપાધિ હતી, પણ સુભાષકુમારના ધંધા વિશે જાણ્યા પછી મને શાલિની અને એનાં બંને બાળકોની ચિંતા થાય છે.'

એનો અવાજ વધુ ગંભીર બન્યો. 'ઓછી મહેનતે વધુ પૈસા કમાવાની ઘેલછામાં એ એવા ધંધામાં ઝંપલાવવાનું વિચારે છે કે જેમાં બે જ પરિણામ આવી શકે. મોત અથવા જેલ!'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP