Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-33

‘આ રિવોલ્વરમાંથી ગોળી છૂટે ત્યારે આખો ઓરડો હચમચી ઊઠે એવો ધડાકો થાય, પણ આ મફલરને લીધે માત્ર લવિંગિયા ફટાકડા જેવડો જ અવાજ આવે.’

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

પ્રકરણઃ 33

પ્રશાંત દોડતો જઇને બારણું બંધ કરી આવ્યો. આવીને પરિધિની પાસે એ ઊભો રહી ગયો. જાણે મોટું પરાક્રમ કરવાનું હોય એવો રોમાંચ એ બંનેના ચહેરા પર ઝળકતો હતો અને આંખોમાં જિજ્ઞાસા તરવરતી હતી. હરિવલ્લભદાસ તિજોરી પાસે ઊભા હતા અને એ જાણે જાદૂનો ખેલ દેખાડવાના હોય એટલી ઉત્સુકતા સાથે આ બંને એમની સામે ઉત્સુકતાથી તાકી રહ્યા હતા.

'વર્ષો પહેલાં એ એક વાર ચોર આવ્યા, એ પછી આ રમકડું ખરીદેલું.' પેલા બંને અધીરા થયા હતા એની પરવા કર્યા વગર હરિવલ્લભદાસ આખો ઇતિહાસ સમજાવી રહ્યા હતા. 'ખરીદ્યા પછી ક્યારેય એનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી. એ છતાં, દર ત્રણ વર્ષે એની સર્વિસ કરાવવી પડે છે અને લાયસન્સ પણ સમયસર રિન્યૂ કરાવવું પડે છે.'

'ખરીદ્યા પછી ક્યારેય આ રિવોલ્વરનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી. એ છતાં, દર ત્રણ વર્ષે એની સર્વિસ કરાવવી પડે છે અને લાયસન્સ પણ સમયસર રિન્યૂ કરાવવું પડે છે.'

'નાનાજી, પ્લીઝ.' પ્રશાંતની ધીરજ ખૂટી. ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં એણે રિવોલ્વર જોયેલી પણ આજે ખુદ પોતાના નાનાજી પાસેની રિવોલ્વર તદ્દન નજીકથી જોવા માટે એ ઉતાવળો બન્યો હતો.

હરિવલ્લભદાસે તિજોરીનું બારણું ખોલ્યું તિજોરીની પાસે જ એમણે એક ટેબલ મુકાવી રાખેલું હતું કે જેથી તિજોરી ખોલ્યા પછી એમાંથી કોઇ વસ્તુ કાઢવી હોય તો ટેબલ પર એ આસાનીથી મૂકી શકાય. અંદર ઊંડે મૂકેલો દાગીનો બહાર કાઢવો હોય તો એની ઉપર મૂકેલો માલ-સામાન મૂકવા માટે પણ ટેબલ ઉપયોગી હતું.

'એ વખતે લાયસન્સ મળ્યું અને આ રિવોલ્વર ખરીદાઇ ગઇ. બાકી, અત્યારે આવી રિવોલ્વર માત્ર ટોચના પોલીસ અધિકારીઓ અને લશ્કરી અધિકારીઓ પાસે જ રાખવાની સત્તા છે.' ટેબલ પર રિવોલ્વર મૂકીને એ બોલ્યા. 'એનું નામ જ પોલીસ સ્પેશિયલ છે. પોઇન્ટ ફોર્ટી ફાઇવ.'

પેલા બંને અહોભાવ અને આશ્ચાર્યથી રિવોલ્વર સામે તાકી રહ્યા હતા. વીસ વર્ષનો પ્રશાંત અને અઢાર વર્ષની પરિધિ બંને ભાઇ- બહેને એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. કાળા લોખંડનું એકદમ આકર્ષક છતાં ખતરનાક હથિયાર માત્ર દોઢ ફૂટ દૂરથી જોવાનો રોમાંચ એ અનુભવી રહ્યા હતા.

'આ ચેમ્બર, આ ટ્રિગર અને આ સેફ્ટી કેચ.' રિવોલ્વર હાથામાં લઇને હરિવલ્લભદાસે બાળકોને જાણકારી આપી. 'નાળચાના છેડે સાયલન્સર લગાડેલું છે. આમ તો આ રિવોલ્વરમાંથી ગોળી છૂટે ત્યારે આખો ઓરડો હચમચી ઊઠે એવો ધડાકો થાય, પણ આ મફલરને લીધે માત્ર લવિંગિયા ફટાકડા જેવડો જ અવાજ આવે.'

'નાનાજી, પ્લીઝ, 'હાથ લંબાવીને પ્રશાંત કરગર્યો. 'હું કશું નહીં કરું. એક મિનિટ મારા હાથમાં આપોને. પ્લીઝ.'

હરિવલ્લભદાસ એના ચહેરા સામે તાકીને પીગળી ગયા. 'લે માત્ર હાથમાં પકડીને જોઈ લે.'

પ્રશાંતે ગર્વથી પરિધિ સામે જોયું. હરિવલ્લભદાસના હાથમાંથી રિવોલ્વર એણે પોતાના હાથમાં લીધી. ઠંડા કાતિલ સ્પર્શથી એના ચહેરાની રોનક બદલાઇ ગઇ. ફિલ્મી હીરોની સ્ટાઇલમાં રિવોલ્વર પકડીને એણે તરત પરિધિને કહ્યું. 'પરિ, ફટાફટ એક સેલ્ફી લઇ લે.'

હરિવલ્લભદાસે હાથ લંબાવીને બીજી જ સેકન્ડે એના હાથમાંથી રિવોલ્વર પાછી લઇ લીધી. પ્રેમથી એના માથામાં ટપલી મારી. 'ગાંડા, તારો એ ફોટો વાઇરલ થાય તો તકલીફ થઇ જાય. આ રમકડું નથી.'

રિવોલ્વરને પાછી તિજોરીમાં મૂકીને હરિવલ્લભદાસે તિજોરી બંધ કરી. 'હવે બોલો નાનાનું બીજું કોઇ કામ છે?' એ સોફા પર બેઠા એટલે પ્રશાંત અને પરિધિ એમની આજુબાજુમાં ગોઠવાઇ ગયાં. આકાશ, ભૌમિક, આકાંક્ષા અને ભૈરવી એ ચારેય કેવી કેવી અંચઇ કરે છે એની ફરિયાદ કરવાનું એમણે શરૂ કર્યું.

બંને સંતાન રિવોલ્વર જોવા ગયાં હતાં ત્યારે ગેસ્ટરૂમમાં વગર રિવોલ્વરે ભડાકા થઇ રહ્યા હતા. વિભાકરે જે લપડાક મારી હતી એની કથા શાલિનીને કહેતી વખતે સુભાષ ધૂંધવાયેલો હતો.

'એ માણસે જાણે હિપ્નોટિઝમ કર્યું હોય એ રીતે મને લપેટમાં લઇ લીધો. અહીં મંડપમાં પ્રેમથી કહ્યું કે એક અરજન્ટ કામ છે. એ પછી એણે કાર સ્ટાર્ટ કરી અને એના તેવર બદલાઇ ગયા. એક સાળો બનેવીને આવી ભાષામાં ઓર્ડર કઇ રીતે કરી શકે? પણ એણે એ ધાક વાપરીને મને પેરેલાઇઝ્ડ કરી નાખ્યો! જાણે કશું બોલવાની મારામાં શક્તિ જ નહોતી બચી. એ મને પ્રવીણ ઠક્કરને ત્યાં પકડી ગયો. એ શરાફે તો રીતસર વિભાકરની આરતી ઉતારવાનું શરૂ કરી દીધું. વિભાકરે એને ચેક આપી દીધો એટલે મારી પ્રોમિસરી નોટ અને ચેક પેલાએ પાછા આપ્યા. એ લેવા મેં હાથ લંબાવ્યો પણ મારી સામે આંખો કાઢીને વિભાકરે એ લઇને ખિસ્સામાં મૂકી દીધા.'

આ બધું યાદ કરીને બોલતી વખતે પણ જાણે ગળું સૂકાતું હોય એમ સુભાષે પાણ પીધું. એ વિરામ બાદ એણે પત્ની સામે જોયું. 'ત્યાંથી નીકળ્યા પછી તારા ભાઇએ ખરો ખેલ શરૂ કર્યો. આંખોમાં આંખો પરોવીને જાણે જાદૂ કરતો હોય એમ વારંવાર બોલતો રહ્યો કે આ સિવાય બીજા કોઇનું દેવું માથા ઉપર છે? ચૂકવી દેવાની પૂરી તૈયારી સાથે એ ચેકબુક બતાવીને માથામાં હથોડા મારતો હોય એ રીતે પૂછતો હતો. મેં કંટાળીને હાથ જોડીને કહી દીધું કે બીજું કોઇ દેવું નથી. છેક બંગલે આવ્યા ત્યાં સુધી એ શાણો શાંત બેસી રહ્યો. અહીં પહોંચ્યા પછી કારમાંથી ઊતરીને ચાલતી વખતે એણે કચકચાવીને ઘા માર્યો. કહે કે દેવું તો છે નહીં એટલે પપ્પાને મળીને દોઢ કરોડનો ડ્રામા કરવાની જરૂર નથી..!'

હાથની મુઠ્ઠીઓ વાળીને નાક ફૂંગરાવીને એણે ગુસ્સાથી ધ્રૂજતા અવાજે શાલિનીને કહ્યું 'આ તારા ભાઇએ આપણા પ્લાનની પથારી ફેરવી નાખી! હું એને નહીં છોડું. ચાન્સ મળશે ત્યારે એને ખબર પાડી દઇશ!'

'પહેલી વાત તો એ કે આ પ્લાન આપણો નહોતો, માત્ર તમારો હતો.' શાલિનીએ ઠંડકથી કહ્યું. 'મને તો એમાં પરાણે ખેંચી હતી. તમારા પ્લાનનું સૂરસૂરિયું થઇ ગયું એમાં વાંક તમારો છે. મેં તમને હજાર વાર ચેતવેલા કે વિભાથી ચેતતા રહેજો. તમારે એની સાથે જવાની જરૂર નહોતી. કોઇક બહાનું કાઢીને છટકી ગયા હોત તો આ નોબત ના આવતી.'

'તું ડબલ ઢોલકીની જેમ બંને બાજુ બોલે છે.' સુભાષ અકળાયો. 'તેં જ કહેલું કે વિભાને સાચવી લેજો. તારી સલાહ માનીને એને સાચવ્યો, એના હુકમનું પાલન કર્યું એમાં ફસાઇ ગયો.' સહેજ વિચારીને એણે પત્ની પાસે પોતાની શંકા રજૂ કરી. 'દોઢ કરોડના દેવાની વાત તો તેં અલકા અને ભાવિકાને જ કરી હતી. એમાંય અલકાએ તો તને સલાહ આપેલી કે શનિવારે પપ્પાજીને મળજો. વિભાકરને તો આ વાતની ખબર જ નહોતી. અચાનક એ પિક્ચરમાં કઇ રીતે આવી ગયો?'

'એ બધા એકના એક છે. અલકાએ આદિત્યને અને ભાવિકાએ ભાસ્કરને વાત કરી હશે. એ પછી એ ચારેયની મિટિંગ મળી હશે. બાપની બેસુમાર દોલતમાંથી દીકરી દોઢ કરોડ ઓછા કરે એ કઇ રીતે સહન થાય એમનાથી? આપણી સામે કે પપ્પાની સામે બોલવાની એ ચારમાંથી એકેયની હિંમત નથી એટલે સંકટમોચક તરીકે એમણે વિભાકરને વાત કરીને આ ગાળિયો એના ગળામાં પહેરાવી દીધો હશે.'

પતિના ખભે હાથ મૂકીને પત્નીએ સમજાવ્યું. 'વિભો દિલાવર છે. ધારો કે આપણે સીધી એને જ વાત કરી હોત તો કદાચ એ પપ્પા પાસેથી દોઢ કરોડ અપાવી દેતો. પણ તમે પ્લાન બનાવીને મને કહ્યું કે ભાભીઓ પાસે વાત રમતી મૂકે. મેં તમારી વાત માની પણ ભાભીઓના ગળે આ વાત ના ઊતરી એટલે એ ચારેય જણાએ ભેગા થઇને વિભાને ભરમાવ્યો હશે, ચાવી ચડાવી હશે કે બહેન-બનેવી બનાવટ કરે છે. એમની ઉશ્કેરણીથી વિભાએ કેસ હાથમાં લીધો હશે. એ જેટલો સારો છે એટલો જ ખતરનાક છે. એ શિયાળ જેવો લુચ્ચો અને કિંગ કોબ્રા જેવો ઝેરીલો મહારથી છે. એની પાસે આખું નેટવર્ક છે. એણે તમારી કુંડળી મેળવીને ખણખોદ શરૂ કરી હશે અને પેલા શરાફ સુધી પહોંચી ગયો.' ફિક્કું હસીને એણે ઉમેર્યું.

'એ શરાફનું દેવું વિભાએ ચૂકવી આપ્યું એટલો વકરો થયો એમ માનીને રાજી થવાનું. બીજી એક વાત ધ્યાનથી સાંભળી લો. ભવિષ્યમાં પણ વિભા જોડે પંગો લેવાનું ના વિચારતા. એમાં નુકસાન આપણું જ થશે. તમારા અસલી ગુનેગાર તો પેલા ચાર છે એ હકીકત સમજો. વિભો દિલાવર છે અને તાકાતવાળો છે એટલે પેલા લોકોએ સાચું- ખોટું ભરમાવીને એને બલિનો બકરો બનાવ્યો.'

વિચારવા માટે થોડી વાર અટકીને એ બબડી. 'મારી વાત યાદ રાખજો. આદિત્ય અને ભાસ્કર મારા સગા ભાઇ છે, વિભો સાવકો ભાઇ છે, એ છતાં, ક્યારેક આપણા ઉપર સાચી તકલીફ આવશે ત્યારે પેલા બંનેની કોઇ ગેરંટી નહીં, પણ વિભો સો ટકા પડખે ઊભો રહેશે.'

ગેસ્ટરૂમમાં દીકરી- જમાઇ વચ્ચે આ વાતો ચાલી રહી હતી એ વખતે આદિત્યના રૂમમાં પણ બધા વિભાકરની રાહ જોઇને બેઠા હતા. અલકા અને ભાવિકા પલંગમાં બેઠાં હતાં. આદિત્ય અને ભાસ્કર સોફા ઉપર હતા. ભાસ્કરે ફોન કર્યો ત્યારે વિભાકરે પાંચ મિનિટમાં આવવાનું કહેલું એટલે એ ચારેયની નજર બારણાં સામે જ હતી.

‘આદિત્ય અને ભાસ્કર મારા સગા ભાઇ છે, વિભો સાવકો ભાઇ છે, એ છતાં, ક્યારેક આપણા ઉપર સાચી તકલીફ આવશે ત્યારે પેલા બંનેની કોઇ ગેરંટી નહીં, પણ વિભો સો ટકા પડખે ઊભો રહેશે.’

વિભાકર ઓરડામાં આવ્યો. ચારેયની સામે નજર રહે એ રીતે ખુરસી ગોઠવીને બધાની વચ્ચે બેસીને એણે પૂછ્યું. 'અત્યારે મહાસમિતિની મિટિંગ કેમ ગોઠવી છે?'

'વિભાભાઇ, સિદ્ધપુર ગયેલા ત્યારે પેલા અઘોરીએ શાપ આપેલો કે ટૂંક સમયમાં જ તમારે બીજો અસ્થિકુંભ લઇને આવવું પડશે. એ તમને યાદ છે ને?'

એ ચારેય વતી અલકાએ વાત શરૂ કરી. 'એ પછી હમણાં ડૉક્ટર દિનુકાકા એમની સાથે એક સિદ્ધપુરુષને લઇને આવેલા.' ધીમે ધીમે એ આખી વાત કહીને અલકાએ ચિંતાતુર નજરે વિભાકર સામે જોયું. 'આવી બે બે અમંગળ આગાહીઓ સાંભળ્યા પછી ફફડાટ થાય છે. આપણા ફેમિલી ઉપર કોઇ આફત તો નહીં આવેને?'

એની વાત વિભાકરે શાંતિથી સાંભળી. બધાના ગંભીર ચહેરાઓ ઉપર નજર ફેરવીને એણે અલકાને પૂછ્યું. 'મૃત્યુના ઓળાઓ આ બંગલામાં ઘૂમરાય છે. કોઇકનો જીવ લેવા માટે યમદૂતો આંટા મારે છે એવું જ એ સ્વામીજીએ કહેલુંને?'

જવાબમાં માત્ર અલકાને બદલે ચારેય જણાએ ડોકું હલાવીને હા પાડી.

'ડોન્ટ વરી. તમારે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.' એ ઊભો થઇ ગયો. બધાની સામે ચપટી વગાડીને એણે કહ્યું. 'એનો ઉપાય મારી પાસે છે.'

એણે આટલું કહ્યું એટલે આઠેય આંખો પ્રશ્રનાર્થ નજરે એની સામે તાકી રહી હતી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP