Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-26

'સ્વર્ગવાસી સ્વજન વિશે ઘસાતું ના બોલાય એ સમજું છું, એ છતાં, વિભાની દશા જોઇને ક્યારેક હૈયું કકળી ઉઠે ત્યારે નથી રહેવાતું.'

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

પ્રકરણઃ 26

'તમે પપ્પાજીને કઇ રીતે સમજાવશો?' અલકાએ આશ્ચર્યથી પૂછયું. 'એમને તો એમની દીકરી ઉપર અપાર હેત છે.'

હું શાલિની અને સુભાષકુમારના પ્લાનમાં પંચર પાડી દઇશ એવું વિભાકરે કહ્યું કે તરત આદિત્ય, અલકા, ભાસ્કર અને ભાવિકાચારેય ખુશ થઇ ગયા હતા. અલકાએ વિભાકરને પૂછ્યું એ વખથે ભાવિકા બીજું વિચારી રહી હતી.

‘દોઢ કરોડ રૂપિયા પડાવવા માટે બહેન- બનેવી પપ્પાને બાટલામાં ઉતારવાનો પ્લાન બનાવે છે એવું તમે કહ્યું એટલે તરત નક્કી કરી નાખ્યું કે આવી ચાલબાજી ચાલવા ના દેવાય. એમને અટકાવવા કે પપ્પાને સમજાવવા એ બે વિકલ્પ છે.’

'વિભાકરભાઇ, તમે પપ્પાજીને સમજાવશો કે ડાયરેક્ટ એ બંટી- બબલીને બૂચ મારી દેશો?' એણે પૂછ્યું.

સવાલ અલકા અને ભાવિકાએ પૂછ્યા હતા, પણ વિભાકર એનો શું જવાબ આપે છે એ સાંભળવા માટે આદિત્ય અને ભાસ્કર પણ ઉત્સુકતાથી તાકી રહ્યા હતા.

'સાચું કહું તો મેં કશું વિચાર્યું નથી.' એ ચારેયની સામે જોઇને વિભાકરે સ્પષ્ટતા કરી. 'દોઢ કરોડ રૂપિયા પડાવવા માટે બહેન- બનેવી પપ્પાને બાટલામાં ઉતારવાનો પ્લાન બનાવે છે એવું તમે કહ્યું એટલે તરત નક્કી કરી નાખ્યું કે આવી ચાલબાજી ચાલવા ના દેવાય. એમને અટકાવવા કે પપ્પાને સમજાવવા એ બે વિકલ્પ છે. શાલુદીદી અને સુભાષકુમારને રોકવા હોય તો કઇ રીતે રોકવા? પપ્પાને સાચી હકીકતનું ભાન કરાવીને પૈસા ના આપે એ માટે સમજાવવા કઇ રીતે? આ બંનેમાંથી એકેય વિકલ્પ વિશે કંઇ જ વિચાર્યું નથી.' એના અવાજમાં આત્મવિશ્વાસનો રણકાર ઉમેરાયો. 'એ છતાં ખાતરી આપું છું કે આ કામ કરી બતાવીશ. પપ્પા એમને પૈસા નહીં આપે એ મારી ગેરંટી.' એણે મનોમન ગણતરી કરી. 'એ લોકો શનિવારે પપ્પાને મળવાને છે. ત્યાં સુધીનો સમય આપણા હાથમાં છે એટલે થોડીક મથામણ કરીશ તો રસ્તો જડી જશે.'

અલકાએ ડ્રાયફ્રૂટ ભરેલો બાઉલ ટિપોઇ પર મૂક્યો હતો એમાંથી બે પિસ્તા અને એક બદામ લઇને વિભાકરે મોંમાં મૂકી. ચાવતી વખતે એ ગંભીર બનીને કંઇક વિચારી રહ્યો હતો. 'તમારા ચારેયની સામે એક ફરિયાદ છે.' વારાફરતી બંને બાઇઓ અને ભાભીઓ સામે જોઇને એણે કહ્યું. 'પપ્પા વિલ બનાવવાનું વિચારે છે એ વાતની ખબર અલકાભાભીને અને ભાવિકાભાભીને હતી.' એણે આદિત્ય અને ભાસ્કર સામે જોયું. 'પપ્પાએ બંનેની હાજરીમાં નિર્ધાર જાહેર કરેલો, એટલા એમના થકી તમને બંનેને પણ આ માહિતી મળી ચૂકી હશે. આવી ગંભીર બાબતની જાણકારી તમારા ચારેય પાસે હોય એને હું સાવ અંધારામાં હોઉં ત્યારે મને કેવું લાગે?' વિભાકરે જમણો હાથ આદિત્ય અને ભાસ્કર સામે લંબાવ્યો. 'સાવકો તો સાવકો, પણ હું તમારો મોટો ભાઇ છું. આ માહિતી મને પહોંચાડવાની તમામ ફરજ હતી. સોરી ટુ સે... તમે બંને તમારી ફરજ ચૂકી ગયા.!'

'એમાં તમારે આટલા દુઃખી થવાની જરૂર નથી.' એમની સામે જોઇને વિભાકર હસી પડ્યો. 'મારું સદનસીબ કહો કો બદનસીબ પણ હું એકલો છું. તમારા બંનેના આ પ્રતિનિધિઓ ચોવીસેય કલાક બંગલામાં હાજર હોય એટલે એમને તમામ ગતિવિધિની જાણકારી મળતી રહે અને એનાથી તમે પણ માહિતગાર રહો. મને કોણ કહે? કાશીબા કે ઘરના અન્ય કોઇપણ નોકરચાકર સાથે પરિવારના કોઇ સભ્યના વર્તન વિશે હું ક્યારેય ચર્ચા નથી કરતો.'

બીજી બદામ મોંમાં મૂકીને એણે બધાની સામે જોયું. 'તમે ચારેય સમજદાર છો, એ છતાં, મોટભાઇ તરીકે સલાહ આપું છું કે કોઇપણ વ્યક્તિના વર્તન વિશેની ચર્ચા હાથ નીચેના માણસો સાથે કદી નહીં કરવાની. અમુક પરિવારમાં મેં જોયેલું છે કે આવી કુટેવને લીધે સંબંધો વણસી જાય છે. રસોઇયાને નાના ભાઇ પ્રત્યે તિરસ્કાર હોય. એનું કારણ પણ મામુલી હોય. એને બસો- પાંચસોની જરૂર હોય અને નાના ભાઇએ ના આપ્યા હોય. પોતાની દાઝ કાઢવા માટે એ મોટા ભાઇ અને મોટા ભાભીને મસકા મારે અને નાના વિશે સાચી-ખોટી વાતો ઉપજાવીને એ બંનેના કાનમાં ઝેર રેડે. એ પતિ-પત્ની કાચા કાનના હોય અને નોકર પાસેથી નાનાની ખરાબીઓ સાંભળવામાં એમને લિજ્જત આવતી હોય તો એનું ખરાબ પરિણામ આવે.' એણે આદિત્ય અને ભાસ્કરને સમજાવ્યું. 'કોઇ મહત્ત્વની વાત કે ધ્યાન આપવા જેવી ઘટના બને ત્યારે આપણે તરત જ એકબીજાને જાણ કરી દેવાની.'

એણે છેલ્લી બદામ મોંમાં મૂકી અને હળવે રહીને ઊભો થયો. 'દોઢ કરોડની ચિંતા ના કરતાં. મોટી બહેનને માઠું ના લાગે એ રીતે કોઇ ઉપાય શોધી કાઢીશ.'

સડસડાટ સીડી ઊતરીને એ ડ્રોઇંગરૂમમાં આવ્યો ત્યારે હરિવલ્લભદાસ અને જિતુભાઇ સોફા ઉપર બેઠા હતા. 'ભાસ્કર ઉપર જ છે ને?' હરિવલ્લભદાસે પૂછ્યું. વિભાકરે માથું હલાવીને હા પાડી. 'એને નીચે બોલાવ.' હરિવલ્લભદાસે કહ્યું કે તરત વિભાકરે મોબાઇલ જોડ્યો. બીજી જ મિનિટે ભાસ્કર ત્યાં આવી ગયો.

'ગોરમહારાજનો આદેશ આવી ગયો.' હરિવલ્લભદાસે ભાસ્કરને સૂચના આપી. 'ઉત્તરક્રિયામાં તારે બેસવાનું છે એટલે એમણે યાદ કરાવ્યું કે આજે દસમો દિવસ છે. વિધિમાં બેસવા માટે તારે મૂંડન કરાવવું પડશે.' સમજદાર બાપ તરીકે એમણે ઉમેર્યું. 'એમણે એમના વિધિવિધાન મુજબ આવું કહ્યું, એ છતાં મારા તરફથી કોઇ દુરાગ્રહ નથી. આજના સમયમાં ઘણાં સંતાનો આ માથું નથી મૂંડાવતા. આમાં કંઇ હાર્ડ અને ફાસ્ટ નથી. તું માથું મૂંડાવીશ એટલે મંજુલાનો આત્મા રાજી થશે એવી વાતમાં મને વિશ્વાસ નથી. 'ઉત્તરક્રિયાની વિધિનો આ પરંપરાગત હિસ્સો છે, એ છતાં એ અનિવાર્ય નથી. આ મુદ્દે તું તારી મરજીનો માલિક. વિચાર કરીને તારી ઇચ્છા હોય તો આજે મૂંડન કરાવજે. જરૂરી ના લાગતું હોય તો ના કરાવતો. મને કોઇ વાંધો નથી.'

ટુ બી ઓર નોટ ટુ બી જેવી દ્વિધામાં અટવાઇને ભાસ્કર ઊભો હતો. શું કરવું જોઇએ એનો નિર્ણય લેવામાં એ અટવાયો હતો મદદની આશાએ એણે વિભાકરની સામે જોયું. એણે વિભાકરની સામે જોયું એટલે હરિવલ્લભદાસ અને જિતુભાઇ પણ એ બંનેની સામે જોઇ રહ્યા.

'પહેલી વાર કે છેલ્લી વાર જિંદગીમાં આવો પ્રસંગ તો એક જ વાર આવે, ભાઇ!' એની નજીક જઇને વિભાકરે એના ખભે હાથ મૂક્યો. 'જ્યારે આ વિધિ નક્કી થઇ હશે ત્યારે એની પાછળ કંઇક તો તર્કબદ્ધ કારણ હશે. અત્યારે આ બધું અર્થ વગરનું લાગે છે. એ છતાં, જો બીજી તમામ વિધિ કરવાની હોય તો પછી આટલા માટે બાકી ના રાખવું જોઇએ.' એણે સમજાવ્યું. 'વિધિમાં આવશે એ બધા લોકોને આંગળી ચીંધવાની એક તક મળશે. મંજુબાના દીકરાને મૂંડન કરાવવામાં પણ શરમ આવી એવું બોલનારા લોકો પણ હશે. તારી સાથે પપ્પાનું પણ ખરાબ દેખાશે.'

આટલું કહીને એ વિચારવા માટે અટક્યો. 'એમના પેટે મેં જન્મ નહોતો લીધો. એ છતાં, મંજુબા મારી પણ મા તો હતી જ ને? તને એકલાને સંકોચ થતો હોય તો આઇ એમ રેડી. હું તને કંપની આપીશ. વિચારી જો. ઇચ્છા હોય તો હું કાર સ્ટાર્ટ કરું. આપણે બંને સાથે મૂંડન કરાવીને ફટાફટ પાછા આવી જઇએ. ગેટ રેડી.'

હવે ભાસ્કરના ચહેરા પર ગૂંચવાડો કે દ્વિધા નહોતી. પોતાની સાથે વિભાકર પણ મૂંડન કરાવવા તૈયાર થઇ ગયો એ એના માટે સુખદ આશ્ચર્યની ઘટના હતી.

'ઓ.કે. હું બે મિનિટમાં આવું.' આટલું કહીને ભાસ્કરે સીડી તરફ પગ ઉપાડ્યો. વિભાકરે હસીને હરિવલ્લભદાસ સામે જોયું. પોતાના વાળનું બલિદાન આપવાની તૈયારી દર્શાવીને વિભાકરે જે રીતે ભાસ્કરને મૂંડન માટે તૈયાર કર્યો એ જોઇને એ ખુશ હતા. જિતુભાઇ પણ આદરભાવથી વિભાકર સામે જોઇ રહ્યા હતા.

'સામાન્ય રીતે હું શરત નથી મારતો.' વિભાકરે હસીને જિતુભાઇ સામે જોયું. 'એ છતાં, તમારે આખા પગારની શરત મારવી છે? મારા આ બંને નાના ભાઇઓની રગેરગનો પરિચય છે. એ બંને ક્યારે શું કરશે એનું અનુમાન કરવાની આવડત છે મારી પાસે. બોલો, મારવી છે શરત? ભાસ્કર ઉપર જઇને આદિત્યને વાત કરશે કે વિભાદાદા પણ મારી સાથે મૂંડન કરાવવાના છે. એ સાંભળીને આઇ એમ શ્યોર કે આદિત્ય પણ અમારી સાથે જોડાઇ જશે. પાંચ જ મિનિટમાં ચુકાદો આવી જશે. બોલો મારવી છે શરત?'

'તને પહોંચી વળવામાં મારો પનો ટૂંકો પડે.'

જિતુભાઇએ વિભાકર સામે હાથ જોડ્યા. 'તારું જજમેન્ટ એટલું જોરદાર હોય છે કે શરત મારવાનું જોખમ ના લેવાય.'

વિભાકર શાંતિથી અદબ વાળીને ઊભો હતો. જિતુભાઇ અને હરિવલ્લભદાસ હવે ઉત્સુકતાથી સીડી સામે તાકી રહ્યા હતા. ભાસ્કર એકલો આવશે કે આદિત્ય એની સાથે આવશે એ જાણવાની જિજ્ઞાસા બંનેના ચહેરા પર તરવરતી હતી.

વિભાકરની ધારણા સાચી પડી. ભાસ્કરની સાથો સાથ આદિત્ય પણ નીચે આવ્યો. 'હું પણ મૂંડન કરાવીશ.' પોતાના નિર્ણયની પપ્પાને જાણ કરીને એણે હસીને વિભાકર સામે જોયું. 'ટુ પ્લસ વનની જેમ કોઇ સલૂનવાળાએ એવી જાહેરાત નથી કરીને કે બે ઉપર એક ફ્રી! એવું કોઇ સલૂન ધ્યાનમાં હોય તો ત્યાં જઇએ.' એની વાત સાંભળીને બધા હસી પડ્યા.

એ ત્રણેય ગયા. એમની પીઠ જ્યાં સુધી દેખાઇ ત્યાં સુધી હરિવલ્લભદાસ એ તરફ તાકી રહ્યા.

'આ છોકરો કઇ માટીનો બનેલો છે એ જ સમજાતું નથી.' વિભાકર વિશે બોલતી વખતે એમના અવાજમાં સાચી લાગણી છલકાતી હતી. 'મને તો બીક હતી કે ભાસ્કર મૂંડન નહીં કરાવે. પણ વિભો એ રીતે હુકમના પાનાં ઊતર્યો કે ભાસ્કરની સાથે આદિત્ય પણ તૈયાર થઇ ગયો!' એમણે જિતુભાઇ સામે જોયું. 'આમ તો ભગવાનમાં બહુ શ્રદ્ધા નથી, પણ આ મુદ્દે બે હાથ અને ત્રીજું મસ્તક ઝુકાવીને ઇશ્વરનો આભાર માનું છું. વિભાકર એના સાવકા ભાઇઓની જે રીતે સંભાળ રાખે છે એ જોઇને ક્યારેક તો હૈયું ભરાઇ આવે છે.' દસેક સેકેન્ડ આંખો બંધ કરીને એ ભૂતકાળમાં ખોવાઇ ગયા. આંખો ખોલીને એમણે મંજુલાની છબી સામે અછડતી નજરે જોયું. 'વિભો સાડા ત્રણ- ચાર વર્ષનો હતો ત્યારે એની નવી મા બનીને મંજુ આ ઘરમાં આવેલી. મા વિનાના એ માસુમ ફૂલને ઉછેરવામાં મંજુએ કોઇ કસર નહોતી છોડી. આ મારી સાવકી મા છે એવું વિભાને ક્યારેય લાગવા નથી દીધું એ એની મહાનતા.' ફરીથી આંખો બંધ કરીને એમણે નિરાશાથી માથું ધુણાવ્યું.

‘મારું સદનસીબ કહો કો બદનસીબ પણ હું એકલો છું. તમારા બંનેના આ પ્રતિનિધિઓ ચોવીસેય કલાક બંગલામાં હાજર હોય એટલે એમને તમામ ગતિવિધિની જાણકારી મળતી રહે અને એનાથી તમે પણ માહિતગાર રહો. મને કોણ કહે?’

'આજે પાછલી ઉંમરે એક જ વાતનો પારાવાર પસ્તાવો થાય છે.' એ ભીના અવાજે બોલતા હતા. જિતુભાઇ સહાનુભૂતિથી સાંભળતા હતા. 'આદિત્ય અને ભાસ્કર એમના બીબી-બચ્ચાં સાથે જલસાથી રહે છે અને મારો વિભો બિચારો સાવ એકલો!' એમના અવાજની નિરાશા વધુ ઘેરી બની.

'ઓગણપચાસ વર્ષની ઉંમરે પણ વટનો કટકો બનીને વિભાકર એકલો છે, એ જોઇને જીવ બળે છે.' એમણે ફરીવાર મંજુલાની છબી સામે નજર કરી.

'સ્વર્ગવાસી સ્વજન વિશે ઘસાતું ના બોલાય એ સમજું છું, એ છતાં, વિભાની દશા જોઇને ક્યારેક હૈયું કકળી ઉઠે ત્યારે નથી રહેવાતું.' અચાનક એમના અવાજમાં કડવાશ ઉભરાઇ આવી.

'પોતાનો મનસૂબો પૂરો કરવા મંજુએ મેલી રમત આદરીને ખતરનાક ખેલ પાડ્યો એમાં આ મારો દીકરો કુંવારો રહી ગયો! મેં ચૂપચાપ તમાશો જોયો એટલું હું પણ ગુનેગાર તો ખરો જ!'

હરિવલ્લભદાસ હૈયું ઠાલવી રહ્યા હતા.

જિતુભાઇ સ્તબ્ધ બનીને સાંભળતા હતા.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP