Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-21

‘વેલડન!’ શાલિનીને બિરદાવીને સુભાષે પૂછ્યું. ‘દોઢ કરોડની વાત સાંભળીને તારી બંને ભાભીઓ તો ડઘાઈ ગઈ હશે. એમનો પ્રતિભાવ કેવો હતો?’

  • પ્રકાશન તારીખ03 Aug 2018
  •  

પ્રકરણઃ21

‘શરૂઆતમાં તો મેં રકમનો ફોડ પાડ્યા વગર એમ જ કહેલું કે તકલીફ બહુ મોટી છે, બંગલો ગીરે મૂકવો પડશે...’ શાલિનીએ પતિને માહિતી આપી. ‘ભાવિકા લુચ્ચી છે. વાત સાંભળીને એણે મીઠી મીઠી સલાહ આપી. અલકાભાભીના મનમાં પાપ નથી. એમણે સીધું પૂછ્યું કે કેટલી રકમનો પ્રોબ્લેમ છે? મેં કહ્યું કે દોઢ કરોડ. ભાવિકા મનોમન ભડકી ગઈ હશે પણ એ મૂંગી રહી. અલકાભાભીએ ધરપત આપીને તરત કહ્યું કે હરિવલ્લભદાસનાં દીકરી-જમાઈ માટે આ કંઈ મોટી રકમ નથી. એમણે સામેથી જ કહ્યું કે તેરમાની વિધિ પતી જાય એ પછી તમે બંને પપ્પાજીને મળજો. મારી અવઢવ દૂર કરવા એમણે કહ્યું કે બાપ પાસે હાથ લંબાવવાનો દીકરીને અધિકાર છે.’

‘હરિવલ્લભદાસનાં દીકરી-જમાઈ માટે દોઢ કરોડ કંઈ મોટી રકમ નથી. એમણે સામેથી જ કહ્યું કે તેરમાની વિધિ પતી જાય એ પછી તમે બંને પપ્પાજીને મળજો. બાપ પાસે હાથ લંબાવવાનો દીકરીને અધિકાર છે.’

‘સરસ...’ સુભાષે તરત કહ્યું. ‘શુક્રવારે બધા વિધિમાંથી પરવારે એ પછી શનિવારે સાંજે વાત કરીશું.’ એણે હસીને ઉમેર્યું. ‘બંને ભાભીઓ સાથે વાત કરવાનું કામ સરળ હતું. પણ તારા પપ્પાનો આઈક્યુ બહુ ઊંચો છે. પૈસા આપતા અગાઉએ મારી ઉલટતપાસ લેશે. કઈ રીતે રજૂઆત કરવી એ માટે મારે પાકા પાયે તૈયારી કરવી પડશે...’ એણે દહેશત વ્યક્ત કરી. ‘એમાંય તારા ત્રણેયભાઈઓ હાજર હશે તો મુસીબત!’

‘એની ચિંતા ના કર...’ પત્નીએ પતિને ધરપત આપી. ‘આપણે વાત કરતા હોઈએ અને પપ્પા સાંભળતા હોય ત્યારે એ લોકો હાજર હોય તો પણ ત્રણમાંથી એકેય મોં ના ખોલે. આપણી વાત પૂરી થાય એ પછી પણ આ મુદ્દો એવો છે કે પપ્પાને સલાહ આપવાની કોઈ હિંમત ના કરે...’ સહેજ વિચારીને એણે પતિ સામે જોયું. ‘જો પપ્પા સામેથી સલાહ માગે... જો કે આવી શક્યતા સાવ ઓછી છે. છતાં, જો એ સૂચન કે સલાહ માત્રે તો આદિત્ય અને ભાસ્કર શું કરશે એ મને ખબર છે. એ બંને મારા સગાભાઈ છે એમની રગેરગનો મને પરિચય છે. પપ્પા જે બોલ્યા હશે એ એમણે ધ્યાનથી સાંભળ્યું હશે અને એમનો રણકો પારખીને એમની ઈચ્છા જાણી લીધી હશે. પપ્પાનો વિચાર પોઝિટિવ હશે તો એ બંને હા પાડશે. પપ્પાની અનિચ્છા લાગેશે તો એ બંને પમ ના પાડશે, પપ્પાની હામાં હા કહેશે...’

લગીર અટકીને એણે આગળ કહ્યું. ‘વિભો મારો સાવકો ભાઈ છે, મારાથી ચાર વર્ષ મોટો છે. એ સ્વતંત્ર સમજશક્તિ ધરાવે છે. ધારો કે પપ્પા ના પાડે અને વિભાને જેન્યુઈન કેસ લાગે તો પપ્પા સામે તલવાર ખેંચવાની એનામાં હિંમત છે... ટૂંકમાં, બંને સગાભાઈઓ પપ્પાની ઈચ્છા મુજબ વર્તશે અને એના મનનું ધાર્યું કરશે...’

એણે સુભાષને રસ્તો બતાવ્યો. ‘આવી કોઈ કડાકૂટ ના થાય એ માટે એ ત્રણેય હાજર ના હોય ત્યારે જ આપણે પપ્પાને મળીશું. એ એકવાર યસ કહી દે એ પછી ત્રણમાંથી એકેય આડો નહીં આવે એ મારી ગેરંટી. વિભાની પણ એ રીતે ચિંતા નહીં કરવાની.’

‘વેરી ગુડ. ક્યારેક તું બુદ્ધિનો ચમકારો દેખાડે છે.’

સુભાષે હસીને શાલિનીના બરડામાં ધબ્બો માર્યો. ‘હવે માત્ર એક જ કામ કરવાનું. પરમકૃપાળુ પરમાત્મા તારા પપ્પાને સદબુદ્ધિ આપે એ માટે પ્રાર્થના કરવાની!’

વળ ખાધેલી નાગણની જેમ ટટ્ટાર થઈને શાલિનીએ આંખ ફેરવીને પતિ સામે જોયું. ‘પપ્પા પાસે તો સદબુદ્ધિ છે જ, તમારે તમારી જાત માટે જ આવી પ્રાર્થના કરવાની જરૂર છે, સાહેબ! દીકરી થઈને બાપની સાથે છેતરપિંડી કરતી વખતે અંતરાત્મા ડંખે છે, પણ તમારા ધંધા એવા છે કે મનેકમને પત્ની તરીકે તમારી પડખે ઊભા રહેવું પડે છે.’ અવાજમાં પીડા સાથે એણે સ્પષ્ટતા કરી. ‘દોઢ કરોડ રૂપિયા મારા પપ્પા માટે તો કાનખજૂરાના એક પગ જેટલી રકમ ગણાય એટલે તમારા કાવતરામાં સાથ આપું છું. મારો બાપ સાધારણ સ્થિતિનો હોત તો તમારી આવી ચાલબાજીમાં ભાગીદાર ના બનતી-સમજ્યા મિસ્ટર?’

‘બધુંય સમજું છું, મેડમ!’ શાલિનીને છંછેડાયેલી જોઈને સુભાષ ઘસી ખઈ ગયો. તલવાર મ્યાન કરીને એણે હાર સ્વીકારી લીધી. ‘દેવપુરુષ જેવા સસરા સાથે આવું છળકપટ ના કરાય એ સમજું છું પણ મરતા ક્યા ના કરતા? સજ્જડ ભીંસમાં આવ્યો છું એટલે સસરાના શરણ સિવાય કોઈ ઉપાય નથી...’ ઓરડાની લાઇટ બંધ કરીને એણે વચન આપ્યું. ‘ધીસ ઈઝ ફોર ધ લાસ્ટ ટાઇમ... હવે પછી આવો કોઈ ખેલ નહીં કરું...’ પલંગમાં આડા પડતાં અગાઉ એણે છેલ્લી સૂચના આપી. ‘પણ મેં કહ્યું એ તું ભૂલતી નહીં. સવારમાં યાદ કરીને પ્રશાંત અને પરિધિને અહીં બોલાવી લેજે. એ બંને નજર સામે હશે તો નાનાજીને વિલમાં એમનું નામ લખવાનું યાદ રહેશે. આ બે-ચાર દિવસ એ બંને આંખ સામે દેખાયા કરશે તો શેઠ હરિવલ્લભદાસના હૈયામાં હેમરિંગ થયા કરશે...’

મહેમાનો માટેના ઓરડામાં સુભાષ અને શાલિની વચ્ચે આ ચર્ચા ચાલતી હતી એ સમયે પહેલે માળ આદિત્ય અને અલકાના રૂમમાં પણ પતિ-પત્ની વચ્ચેનો સંવાદ ચાલુ હતો.

‘મંજુબાના સારા કામની જવાબદારી પપ્પાજીએ મને સોંપી દીધી...’ એ આખા પ્રસંગનું વર્ણન કરતી વખતે અલકાના ચહેરા પર આનંદ છલકાતો હતો. એ પછી બીજી વાત કહેતી વખતે એના અવાજમાં સહાનુભૂતિ ભળી. ‘શુક્રવારે બારમા-તેરમાની વિધિનું ગોર મહારાજે પપ્પાજી જોડે નક્કી કર્યું એ જ વખતે વિભાકરભાઈ ત્યાં આવ્યા. એમણે મંજુબાના પેટે જનમ તો નથી લીધો પણ તમારા ત્રણેય ભાઈઓમાં મંજુબા સાથે સૌથી વધુ સમય વીતાવ્યો છે એ ચારેક વર્ષના હતા ત્યારે મંજુબા એમની સાવકી મા બનીને આ બંગલામાં આવ્યા. પછી શાલુબહેનનો જન્મ થયો અને એ પછી તમે અને ભાસ્કરભાઈ પધાર્યા.’ આમ, કદાચ એ રીતે વિચારીને એમણે પપ્પાજીને કહ્યું કે સરાવવાની અને એ બધી વિધિમાં હું બેસીશ. પણ પપ્પાજીએ ચોખ્ખી ના પાડી. તું મંજુબાનો સગો દીકરો નથી એવું તો ના કહ્યું પણ કહ્યું કે વિધિમાં તો આદિત્ય કે ભાસ્કર જ બેસશે. વિભાકરભાઈના ચહેરા પરની પીડા પારખીને પપ્પાજીએ હસીને વાત વાળી લીધી અને હસીને કહ્યું કે તનેય તક મળશે, મારી પાછળની વિધિમાં તું બેસજે...’

એનો અવાજ વધુ ગંભીર બન્યો. ‘એક વાત કહું?’

પપ્પાજી અડીખમ હોવાનું નાટક કરે છે, બાકી અંદરથી તો એ ભાંગી પડ્યા છે. એમના મગજમાં પણ મૃત્યુની ફડક પેસી ગઈ છે. કહેતા હતા કે દેહનો શો ભરોસો છે? દસેક દિવસમાં વિલ બનાવી નાખીશ એવું પણ એમણે કહ્યું.’

‘આ ઘટનાને સ્મશાન વૈરાગ્ય કહેવાય. એનો ઊભરો થોડો સમય ટકે...’ આદિત્યે પત્નીને સમજાવ્યું. ‘નજીકના આપ્તજનનું અવસાન થાય ત્યારે માણસના મગડમાં થોડા દિવસ સુધી જીવનની ક્ષણભંગુરતાના જ વિચારો ઘૂમરાય. સમય વીતે અને રૂટિન લાઇફ શરૂ થઈ જાય એટલે આપ મેળે જ મગજ ઠેકાણે આવી જાય...’ એણે હસીને ઉમેર્યું. ‘પપ્પાની તબિયત આલાગ્રાન્ડ છે, બીપી નથી કે નથી ડાયાબિટિસ, જલસાથી જીવે છે એટલે હજુ પંદર-વીસ વર્ષે એમને કોઈ વાંધો નહીં આવે...’

આદિત્ય આ બધું બોલતો હતો એ સાંભળતી વખતે અલકાના કાનમાં સ્વામી હરિહરાનંદના શબ્દો પડઘાતા હતા. મૃત્યુના દેવતાને આ એક જીવથી તૃપ્તિ નથી મળતી... બીજા કોઈ પર તરાપ મારવા માટે યમદૂતો બંગલામાં ધૂમી રહ્યા છે... આ આખી વાત પતિને કહેવી કે નહીં? મનમાં જબરજસ્ત મથામણ ચાલતી હતી. એ સંઘર્ષ વચ્ચે સસરાની શીખામણ યાદ આવી અને હોઠ સુધી ધસી આવેલા શબ્દોને એણે પ્રયત્નપૂર્વક રોકી લીધા. એ વાતને હૈયાના અગોચર ખૂણામાં ધરબી દીધા પછી એણે નણંદનું પ્રકરણ ઉખાળ્યું.

‘મમ્મીનો પન્નાનો જે હાર છે એના ઉપર શાલુબહેનની નજર છે...’ ભાવિકાએ કઈ રીતે ચાલાકીપૂર્વક શાલિનીના જૂઠાણાનો જડબાતોડ જવાબ આપ્યો એ આખી કથા કહ્યા પછી એણે પતિ સામે જોયું.

‘શાલુબહેનને સસરામાં સુખેથી રહેતા નથી આવડતું. એમનો ધંધો અને રસોડું બધુંય સંયુક્ત છે અને દિયર-દેરાણી સાથે એમને બારમો ચંદ્રમા છે એવી તો એમની કાયમી ફરિયાદની તમને ખબર છે પણ આજે એ નવું લાવ્યા...’

અલકાનો અવાજ ગંભીર બન્યો. ‘એમણે કહ્યું કે દિયરની ડફોળાઈને લીધે ધંધામાં બહુ મોટી-દોઢ કરોડની ખોટ ગઈ છે અને દેવું ચૂકવવા માટે બંગલો ગીરે મૂકવો પડશે...’

એની વાત સાંભળીને આદિત્ય હસી પડ્યો. ‘લો કર લો બાત... કહેતા ભી દિવાના ને સુનતા ભી દિવાના! અરે અલકાદેવી! દોઢ કરોડની ખોટ જાય એટલો મોટો તો એમનો કારોબાર જ ક્યાં છે?...’ એણે અલકાને સમજાવ્યું. ‘સુભાષકુમાર ગિલીન્ડર છે. પપ્પા પાસેથી પૈસા પડાવવાનો આ એમનો પેંતરો છે...’ એણે નિરાશાથી માથું ધૂણાવ્યું. ‘બહેન-બનેવી નૌટંકી કરે છે, છતાં આપણાથી કંઈ બોલાય એવું નથી. પપ્પાની એ લાડકી દીકરી છે. દીકરી-જમાઈની દર્દભરી દાસ્તાન સાંભળીને પપ્પા પીગળી જાય અને પૈસા આપવા તૈયાર થઈ જાય તો પણ મારાથી આડો હાથ ના દેવાય. એમનાં કર્યાં એ ભોગવશે એમ સમજીને મોઢું બંધ રાખવાનું. બાપ-દીકરીના મામલામાં વચ્ચે દખલ નહીં દેવાની...’

એ બોલતો હતો ત્યારે અલકા એના ચહેરા સામે એકીટશે તાકી રહી હતી. એ અટક્યો કે તરત એણે પૂછ્યું. ‘એ લોકો ધૂતારાની જેમ ધૂતી જાય તો પપ્પાનું ધ્યાન દોરવાની તમારી ફરજ નથી? આ બધું તિકડમ છે એટલું તો કહેવાય ને?’

‘ના...’ આદિત્યે નકારમાં નાથું ધુણાવ્યું. અવાજમાં છલકાતી પીડાને સંતાડ્યા વગર એણે સમજાવ્યું. ‘કોઈ અજાણ્યો કે પારકો માણસ આવી ચાલાકી કરવા આવે તો ચલાવી ના લેવાય. એવા ચીટરને પાઠ ભણાવી દઉં, પણ મોટી બહેન જ મેલી રમત રમે એમાં શું કરી શકાય? સગી બહેન શેતાનિયત કરે તો એને કઈ સજા આપવાની? દીકરી પ્રત્યેની લાગણીથી ભીંજાઈને બાપ ભૂલ કરે તો એને ભાઈ તરીકે કઈ રીતે અટકાવવી?...’ લગીર અટકીને એણે ભૂતકાળ યાદ કર્યો. ‘અઢી વર્ષ અગાઉ આવી જ વાર્તા સાથે એ બંટી-બબલી પપ્પાને મળવા આવ્યાં હતાં.

બદમાશી કરીને બાપાને બત્રીસ લાખના બાટલામાં ઉતારી ગયા હતા. ટૂકડે ટૂકડે પાછા આપી દઈશું એવું એ સમયે કહેલું. આજની તારીખ સુધીમાં બસો રૂપિયાયે પાછા નથી આપ્યા!’

‘તમે આ બધું કઈ રીતે ચલાવી લો છો?’ અલકાએ વેધક નજરે પતિ સામે જોયું. ‘પૈસા આપીને મૂરખ બનાવાનું?’

‘સંબંધોના આટાપાટામાં બેવકૂફ બનીને પણ સંબંધો સાચવવા પડે, છેતરાઈ રહ્યા છીએ એની ખાતરી હોવા છતાં મૂરખ બનીને મન મનાવવું પડે...’ સમજદાર પતિ તરીકે એણે પત્નીને બીજા દૃષ્ટિકોણથી સમજાવ્યું. ‘શાલિની અને સુભાષકુમારને પૈસાની ભૂખ છે અને જરા જુદી રીતે વિચારીએ બાપની મિલકતમાં દીકરીને પણ હિસ્સો તો મળવો જ જોઈએને? મોટું મન રાખીને આપણે એમ માનવાનું કે એ આ રીતે ટૂકડે ટૂકડે એનો ભાગ મેળવી રહી છે...’ એણે હતાશાથી માથું ધુણાવ્યું. ‘મોટી બહેન થઈને માંગણની જેમ વર્તે તો એને રોકવાનું પણ શરમજનક લાગે...’

સહેજ વિચારીને એણે પત્નીને ધરપત આપી.‘આ વખતે બાપા પૈસા આપી દેશે તો એમને રોકવાનું મારું ગજું નથી. અલબત્ત, આપણે મૂરખ નથી એ વાત સુભાષકુમારના ધ્યાન ઉપર તો લાવવી જ પડશે. એ કુમારને હું લબડધક્કે લઈશ. બીજીવાર હાથ લંબાવવાની એ હિંમત ના કરે એવો કોઈક ચમત્કાર તો બતાવીશ જ!’

‘સંબંધોના આટાપાટામાં બેવકૂફ બનીને પણ સંબંધો સાચવવા પડે, છેતરાઈ રહ્યા છીએ એની ખાતરી હોવા છતાં મૂરખ બનીને મન મનાવવું પડે...’

‘તમે એકલા અળખામણા ના થતા.’ અલકાએ પતિને સલાહ આપી. ‘પપ્પાજી પૈસા આપે અને વિભાકરભાઈ કે ભાસ્કરભાઈ કોઈ વાંધો ના લે તો પછી તમેય મોઢું બંધ રાખડજો. શાલુબહેન અને સુભાષકુમાર જોડે જેટલી માથાકૂટ ઓછી કરવી પડે એટલું વધારે સારું. એ બંને ક્યારે હલકાઈ ઉપર ઊતરી આવે એનો કોઈ ભરોસો નહીં...’

અંધકાર વચ્ચે અચાનક પ્રકાશનું કિરણ દેખાયું હોય એમ અલકાની આંખ ચમકી. જમણા હાથની પહેલી આંગળી પતિ સામે લંબાવીને એણે રસ્તો બતાવ્યો. ‘એક કામ કરો... એ બંને તો શનિવારે પપ્પાજીને મળવાનાં છે. તમે કાલે જ વિભાકરભાઈ જોડે શાંતિથી વાત કરીને એમને વિશ્વાસમાં લો. સુભાષ અને શાલિની દોઢ કરોડના દલ્લા માટે તૈયારી કરી રહ્યા છે એ વાત સમજાવીને આ આખો કેસ એમને સોંપી દો. એમની સામે બોલવાની કોઈની તાકાત નથી. એ અવાજ કરશે એટલે બહેન-બનેવી ઠરી જશે. મારી વાત ખોટી છે?’

‘તારી વાત સો ટકા સાચી. પણ....’ આદિત્યે માથું ખંજવાળ્યું. ‘વિભાકરને કેસ સોંપવામાં એક તકલીફ છે...’
(ક્રમશઃ)
jayesh.adhyaru@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP