Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-20

મંજુદેવીના મૃત્યુનો સંતાપ હજુ ઓસર્યો નથી ને આપ આવી અમંગળ આગાહી કરો છો?’

  • પ્રકાશન તારીખ02 Aug 2018
  •  

સ્વામી હરિહરાનંદના શબ્દો હજુયે ડ્રોઇંગ રૂમમાં પડઘાતા હતા. 'આ દેવીને તમારી પાસેથી આંચકી લીધા પછી પણ મૃત્યુના દેવતાને સંપૂર્ણ તૃપ્તિ નથી થઇ. આ ઓરડાની દીવાલો આર-પાર યમરાજના પાર્ષદોની હાજરી વરતાય છે. અહીંની હવામાં મૃત્યુના ઓળાઓ ઝળૂંબી રહ્યા છે.'

'આપના કુટુંબના કલ્યાણ માટે પરમેશ્વરને પ્રાર્થના સિવાય બીજો કોઇ ઉપાય મારા હાથમાં નથી. સિત્તર વર્ષની મારી તપસ્યાની સિદ્ધિ દાવ પર લગાવીને હું જીવાત્માને બચાવી લેવા ખરા હૃદયથી કરગરીશ.’

હિંમતલાલ, જીવણભાઇ અને દિનકરભાઇ ડઘાઇ ગયા હતા. હરિવલ્લભદાસ સ્તબ્ધ હતા. અલકા, ભાવિકા અને શાલિની ફફડી ગયાં હતાં. સ્વામી હરિહરાનંદ સાથે ડૉક્ટર દિનકરભાઇને જ વિશેષ પરિચય હતો અને એમના પ્રયત્નોથી જ એ અહીં આવ્યા હતા. અહીં આવીને એ જે બોલ્યા એ સાંભળીને હિંમતલાલે ઠપકાભરી આંખે એમની સામે જોયું. અલ્યા દિનુ, આ સંતને તું સાંત્વના આપવા માટે બોલાવી લાવ્યો, પણ એમણે તો પથારી ફેરવી નાખી! માનસિક શાંતિ આપવાને બદલે આખા પરિવારની ઊંઘ ઉડાડી દીધી! આંખોથી જ એમણે દિનુભાઇને ધમકાવી નાખ્યા.

દિનુભાઇએ આગળ વધીને સ્વામીજીના પગ પકડી લીધા. 'ગુરૂદેવ! આવું ના બોલો...' એ કરગર્યા. ‘મંજુદેવીના મૃત્યુનો સંતાપ હજુ ઓસર્યો નથી ને આપ આવી અમંગળ આગાહી કરો છો? આનો કોઇ ઉપાય તો હશને? આપ તો જ્ઞાની છો. વિપત્તિની વાત તો કરી, પણ એને રોકવાનો રસ્તો તો બતાવો.’

સ્વામીજી નાના બાળક જેવું હસી પડ્યા. ‘જિંદગીમાં ક્યારેય જુઠ્ઠું બોલ્યો નથી, ખોટો દિલાસો આપવાની આદત નથી. જે ધૂંધળાં દૃશ્યો દેખાયાં એ કહી દીધું. મારા જ્ઞાનની આ મર્યાદા છે. જે દેખાય એ બોલી નાખ્યા વગર મનમાં ધરબી રાખું તો સાધુત્વ લાજે.' જાણો માફી માગતા હોય એ રીતે એમણે હરિવલ્લભદાસ સામે જોયું. ‘આપને ગભરાવવાનો મારો આશય નથી. લેભાગુની જેમ અષ્ટમપષ્ટમ ઉપાય બતાવીને તમને ખંખેરવાનો ખેલ મને નથી આવડતો. ડૉક્ટર સાહેબના આગ્રહને માન આપીને અહીં આવ્યો. આપના ઘરનું એક ગ્લાસ પાણી, એનાથી વિશેષ કંઇ ના ખપે.’

ગભરાયેલી અલકા ઊભી થઇ. સ્વામીજીના પગ પર મસ્તક મૂક્યું અને પછી બે હાથ જોડીને એમની સામે ઊભી રહી. 'સ્વામીજી, આપના જેવા પવિત્ર આત્માના આશીર્વાદથી પરિસ્થિતિ બદલાઇ શકે. આપ એવી આશિષ આપો કે આવનારી હોનારત અટકી જાય. આપના જેવા સમર્થ ગુરૂ આટલું તો કરી શકેને?'

'આપના કુટુંબના કલ્યાણ માટે પરમેશ્વરને પ્રાર્થના સિવાય બીજો કોઇ ઉપાય મારા હાથમાં નથી. દસ વર્ષની ઉંમરે ઘર છોડીને હિમાલયની દિશા પકડી હતી.' એમના અવાજમાં પારદર્શક નિખાલસતાનો રણકાર હતો. 'સિત્તર વર્ષની મારી તપસ્યાની સિદ્ધિ દાવ પર લગાવીને હું જીવાત્માને બચાવી લેવા ખરા હૃદયથી કરગરીશ. ઉપરવાળાએ જે નિર્માણ કર્યું હોય એ બદલવા માટેની પ્રાર્થના એ એક રીતે તો એના કામમાં દખલ કરી કહેવાય. એ છતાં, હું મારી રીતે મથામણ કરીશ.'

હરિવલ્લભદાસ, ભાવિકા, અલકા અને શાલિનીની સામે જોઇને એમણે ઉમેર્યું. 'તમે બધાં પણ તમારા ઇષ્દેવને પ્રાર્થના કરજો. કુળદેવી પાસે ખોળો પાથરજો. એનાથી વિશેષ કોઇ પ્રયત્ન કરવાનું શક્ય નથી. નસીબ, નિયતિ, પ્રારબ્ધ, તકદીર કહો કે અંગ્રેજીમાં ડેસ્ટિની શબ્દ વાપરો, એ તમામમાં એક જ સનાતન સત્ય સમાયેલું છે, જે પળે જે થવાનું હોય એ થઇને જ રહે છે, એમાં ફેરફાર કરવાનું કોઇ કાળા માથાના માનવીનું ગજું નથી.'

સોફા પરથી હળવે રહીને ઊભા થતી વખતે એમણે હિંમતભાઇ, દિનુભાઇ અને જીવણલાલ સામે જોયું. 'આપના આ મિત્ર ઉપર લક્ષ્મીજીની કૃપા છે. મેં જે કહ્યું એની બહાર ચર્ચા ના કરતા. શેઠને આપત્તિમાંથી ઉગારવા માટે લેભાગુઓનું ટોળું ટાંપીને જ બેઠું હશે.' હરિવલ્લભદાસ અને ત્રણેય સ્ત્રીઓને સમજાવ્યું. 'પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો ચમત્કાર ક્યારેક ઉપરવાળો કરતો હોય છે. એ માટે પ્રાર્થના અને માત્ર પ્રાર્થના જ બાજી પલટી શકે. એ એક માત્ર ઉપાય તમારી પાસે છે.'

એમણે પગ ઉપાડ્યા એટલે હરિવલ્લભદાસ, અલકા, ભાવિકા અને શાલિનીએ ફરી વાર વંદન કરીને એમને વિદાય આપી. પેલી ત્રિપુટીએ પણ સ્વામીજીની સાથે વિદાય લીધી.

'આ દિનકર ડૉક્ટર છે, પણ ડોબો છે.' એ લોકો દેખાતા બંધ થયા એટલે હરિવલ્લભદાસ સોફા ઉપર બેઠા. પગ ઉપર પગ ચડાવીને એમણે ખુમારીથી કહ્યું. 'એ મહારાજે જે કહ્યું એ બધુંય મગજમાંથી ભૂંસી નાખો. ભ્રમિત અવસ્થામાં કોઇને ચિત્ર-વિચિત્ર વિચારોને લીધે કાલ્પનિક દૃશ્યો દેખાય, એને લીધે આપણે ચિંતા કરવાની જરૂર નથી.' અલકા, ભાવિકા અને શાલિનીના ચહેરા પર હજુય ભય અને ગભરાટ છલકાતો હતો એ જોઇને એમણે હસીને ઉમેર્યું. ' આપણું સદનસીબ એટલું કે એ ધર્માત્મા ધૂતારો નહોતો. કદાચ જ્ઞાની હશે એટલે આપણને હચમચાવી મૂકે એવી ભયાનક આગાહી કરીને એણે એના જ્ઞાનનું પ્રદર્શન કર્યું. આપણને ગભરાવી નાખ્યા પછી એણે સાચી સાધુતા દેખાડી. વિપત્તિનો ઉપાય કરવાની વિધિ કરવા માટે સવા લાખ રૂપિયા માગ્યા નહીં એટલી એની મહેરબાની!'

સહેજ વિચારીને એમણે તાકીદ કરી. 'તમને ત્રણેયને ખાસ કહું છું. નાટકનું નાનકડું દૃશ્ય જોયું હતું એમ માનીને આ બધું ભૂલી જવાનું. મેં તો આવા કંઇક નમૂનાઓ જોયા છે. સામેના માણસે ગભરાવી દો... ભય બતાવીને પૈસા પડાવવાની એમની સ્ટાઇલ હોય છે.'

'પપ્પા, બધાને એક લાકડીએ ના હાંકો.' શાલિનીએ તરત પ્રતિભાવ આપ્યો. 'આ સ્વામીજીનું વ્યક્તિત્વ તો એકદમ નિર્મળ અને પવિત્ર હતું. એમની આંખો જોઇને આંધળો વિશ્વાસ મૂકવાનું મન થઇ જાય. સાચું કહું છું. એમની વાતને મજાકમાં ના લેવાય.' જાણે ટેકો માગતી હોય એમ એણે અલકા સામે જોયું . 'ભાભી, તમે શું માનો છો?'

'એમણે જે કહ્યું એ સાંભળીને મારા તો ધબકારા વધી ગયા છે.' અલકાએ ધ્રૂજતા અવાજે કબૂલાત કરી. 'પપ્પાજીને તો પહેલેથી જ કોઇ સાધુ-સંત ઉપર શ્રદ્ધા નથી. મારી વાત અલગ છે. ખોટું નથી બોલતી. સ્વામીજીનો પ્રભાવ એવો હતો કે અનાયાસે જ ચરણસ્પર્શ કરવા દોડી ગયેલી.' એણે ઠાવકાઇથી સસરાને સમજાવ્યું. 'આવા સિદ્ધ પુરુષ કહે એમાં કંઇક તો સચ્ચાઇ હોયને?' વળી, એમણે કંઇ માગ્યું નથી. માત્ર પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો છે.' એણે શાલિની અને ભાવિકા તરફ જોયું. 'સાચું કહું? આવી અમંગળ આગાહી સાંભળ્યા પછી ગભરાટ થાય છે. એમનો આદેશ આંખ-માથા પર ચડાવીને મેં તો મનમાં ને મનમાં જાપ શરૂ કરી દીધા છે. આમેય ઇશ્વરને પ્રાર્થના કરવામાં ખોટું શું છે? એમાં કોઇ નુકસાન તો છે નહીં. તમારે જે કરવું હોય એ કરજો, પણ મેં તો મારી રીતે મનોમન પ્રાર્થના શરૂ કરી દીધી છે.'

'મોટી બહેન, હું પણ તમારી જેમ જ કરીશ.' ભાવિકાએ જેઠાણીને ટેકો આપ્યો.

'તારે કોઇ બાધા-આખડી નથી રાખવાની?' શાલિની કંઇ બોલી નહીં એટલે હરિવલ્લભદાસે હસીને એને પૂછ્યું.

'પપ્પા, બધી વાતમાં મજાક સારી નહીં.' દીકરીએ પિતાને ટકોર કરી. 'સ્વામીજી આ ઓરડામાં ચક્કર મારતા હતા ત્યારે એમનો ચહેરો તંગ હતો અને એ સમયે અચાનક વાતાવરણમાં ભાર ભાર હોય એવું લાગતું હતું. આટલી ગંભીર વાતને આ રીતે મજાકમાં ના લેવાય.'

'ઓ.કે. બાબા ઓ.કે. તમારે ત્રણેયને જે કરવું હોય એ કરો. એની સામે મને કોઇ વાંધો નથી.' હરિવલ્લભદાસે ત્રણેયની સામે જોયું. 'પ્લીઝ, આ વાત આપણા ચાર પૂરતી જ મર્યાદિત રાખવાની છે. તમારે તમારા પતિદેવને પણ આવી ગાંડા જેવી આગાહી વિશે કંઇ કહેવાનું નથી.' એમના રણકતા અવાજમાં આદેશ ઉમેરાયો. 'એ લોકોને ઉચાટમાં નાખવાની કોઇ જરૂર નથી. વિભાકરની વાત અલગ છે. એ મારા જેવો છે. આદિત્ય, ભાસ્કર અને સુભાષકુમારને ગભરાવી દેવાની મૂર્ખામી ના કરતા.' લગીર અટકીને વિચારતી વખતે એમના હોઠ પર સ્મિત ફરક્યું. 'સ્વામીજીએ ડેસ્ટિની વિશે શું કહ્યું? જે પળે જે થવાનું હોય એ થઇને જ રહેશે. તો પછી એને અટકાવવા માટે ઉધામા કરીને દુઃખી શા માટે થવાનું? કમ વોટ મે. જે થવાનું હોય એ થશે. ખોટી ચિંતા નહીં કરવાની. સમજણ પડી?'

એમનો સત્તાવાદી અવાજ સાંભળ્યા પછી આ ત્રણેય પાસે હકારમાં માથું હલાવ્યા સિવાય કોઇ વિકલ્પ નહોતો.

'એક બીજી વાત પણ સાંભળી લો.' હરિવલ્લભદાસ આટલું બોલ્યા એ જ વખતે ધડધડાટ સીડી ઊતરીને આકાશ, ભૌમિક, આકાંક્ષા અને ભૈરવી ત્યાં આવ્યાં. ચારેય બાળકોના આગમનને લીધે હરિવલ્લભદાસે વાતનો વિષય બદલ્યો. સાંજે રસોઇમાં શું બનાવવનું છે એ પૂછવા માટે ગોરધન મહારાજ પણ અલકા અને ભાવિકાની સામે ઊભો રહ્યો.

ડ્રોઇંગરૂમમાંથી જે સીડી ઉપરના માળે જતી હતી એની પહોળાઇ પંદર ફૂટની હતી. આરસની એ સીડીની બંને તરફની પડદીઓ પણ કલાત્મક થાંભલાઓવાળી હતી. ડ્રોઇંગરૂમની છત બે માટે જેટલી ઊંચી હોવાથી એની ભવ્યતા કોઇ ફિલ્મી સેટ જેવી જાજરમાન લાગતી હતી. સીડી ચડીને ઉપર જઇએ એટલે જમણી તરફ ત્રણ ઓરડાઓ હતા અને ડાબી તરફ ચાર. જમણી તરફનો પહેલો રૂમ આદિત્ય અને અલકાનો હતો. ડાબી બાજુનો પહેલો રૂમ ભાસ્કર અને ભાવિકાનો હતો.

રાત્રે બધા સાથે જમે પછી ડ્રોઇંગરૂમમાં થોડી વાર વાતો કરવા બેસે એવી આ કુટુંબની પરંપરા હતી. શુક્રવારની વિધિ અંગે થોડી ચર્ચા વિચારણા પછી બધા પોતપોતાના ઓરડામાં ગયા. ગ્રાઉન્ડ ફ્લોર પર હરિવલ્લભદાસનો અને એ પછી વિભાકરનો રૂમ હતો. એ પછી બે રૂમ મહેમાનો માટે હતા. એમાંથી એક રૂમમાં અત્યારે શાલિની અને સુભાષકુમાર રહેતા હતા. એ બે રૂમ પછી જે વિશાળ ઓરડો હતો એને વિભાકરે જિમમાં ફેરવી નાખ્યો હતો.

પોતાના રૂમમાં પહોંચ્યા પછી શાલિની કપડાં બદલતી હતી. પલંગમાં પગ લંબાવીને સુભાષ ટીવીને ચેનોલ મચડી રહ્યો હતો.

'મમ્મીનો પન્નાનો હાર મારા નસીબમાં નથી.' શાલિનીના અવાજમાં પરાજયની પીડા હતી. આખા દિવસની ઘટનાઓનો અહેવાલ આપવા માટે એ પતિની પાસે પલંગમાં બેઠી. ' સરસ રીતે વાત તો શરૂ કરી પણ ભમરાળી ભાવિકાએ મારાથીયે વધુ પાવરફુલ સ્ટોરી સંભળાવી દીધી, પણ અંતે તો બધા લટકી ગયા.'

ટીવીના સ્ક્રીન પરથી નજર હટાવીને સુભાષે પત્ની સામે જોયું. 'પપ્પાએ ફટ દઇને વટહુકમ બહાર પડાી દીધો કે મમ્મીના દાગીનાનો બધો વહીવટ એ પોતે જ કરશે.' એ બીજા મુદ્દા પર આવી. 'મમ્મી ગરીબોને છાનીમાની મદદ કરતી હતી એ પ્રકરણ આજે બહાર આવ્યું. એ પ્રવૃત્તિ સામે પપ્પાને વાંધો નહોતો એટલે એમણે એ હવાલો અલકાડીને સોંપી દીધો. એ મુદ્દે મેં ભાવિકાને સળી કરી પણ એ જોગમાયા જાળમાં ના ફસાઇ. જેઠાણીની એ એક નંબરની ચમચી છે.'

થોડી વાર અટકીને એ લગીર ગંભીર બની. 'હવે સાંભળ. મમ્મીના આકસ્મિક અવસાનથી પપ્પાની આંખ ઊઘડી ગઇ છે. ગમે તે પળે ગમે તે બની શકે એ ફડકાથી એમણે કહ્યું કે, દસેક દિવસમાં હું વિલ બનાવી નાખીશ.'

સુભાષ તરત પલંગમાં બેઠો થઇ ગયો. 'એ વિલ બનાવવાનું ગંભીરતાથી વિચારે છે?'

'માત્ર થૂંક ઉડાડવા માટે પપ્પા ક્યારેય નથી બોલતા. એમણે કહ્યું એટલે એ વિલ બનાવી નાખશે.' શાલિનીએ આત્મવિશ્વાસથી કહ્યું. 'કોને શું આપવું એ કમઠાણ અત્યારે એમના મગજમાં ઘૂંટાતું હશે.' સહેજ વિચારીને એણે પોતાની ધારણા રજૂ કરી. 'વિભો વાંઢો છે અને બાકીના બંને ભાઇઓ બચરવાળ છે એટલે પપ્પા એ બધું પણ ગણતરીમાં લેશે.'

'સ્વામીજી આ ઓરડામાં ચક્કર મારતા હતા ત્યારે એમનો ચહેરો તંગ હતો અને એ સમયે અચાનક વાતાવરણમાં ભાર ભાર હોય એવું લાગતું હતું. આટલી ગંભીર વાતને આ રીતે મજાકમાં ના લેવાય.’

'એક કામ કર.' સુભાષે એને હુકમ કર્યો. 'કાલે સવારે ભૂલ્યા વગર ફોન કરીને પ્રશાંત અને પરિધિને અહીં બોલાવી લે. એ બંને સતત આંખ સામે દેખાતા રહેશે તો ડોસાને યાદ રહેશે કે મોટી દીકરીનાં સંતાનો પણ ઉંમરલાયક થઇ ચૂક્યાં છે. દીકરી- જમાઇના માથે એમનાં લગ્નની જવાબદારી ઝળૂંબી રહી છે એનો એમને ખ્યાલ આવવો જોઇએ. એ બંને ડફોળ જો શાહીબાગમાં જ પડ્યાં રહેશે તો લોચો થશે. આંખથી દૂર હોય એ ડોસાના હૈયાથી પણ દૂર રહી જશે તો વિલમાં એમનો ઉલ્લેખ પણ નહીં આવે.' એણે શાલિનીના ખભે હાથ મૂક્યો. 'બધાં કામ પડતાં મૂકીને સવારમાં ફોન કરીને એમને બોલાવી લે.'

'બોલાવી લઇશ.' એટલું કહ્યા પછી સ્વામીજીવાળી વાત પતિને કહેવી કે નહીં એની દ્વિધામાં એ અટવાઇ હતી ત્યારે સુભાષે એનો ખભો હચમચાવીને પૂછ્યું. 'આ બધું તો સમજ્યા, પણ મેં કહલું એ કામ પતાવ્યું કે નહીં? વિલની વાત તો ડોસો મરે એ પછીની છે પણ અત્યારની ઉપાધિનું શું?'

'ચિંત ના કર.' શાલિનીએ પતિ સામે આંખ મિંચકારી. જાણે ભૂલભૂલમાં જ બોલી ગઇ હોય એવી એક્ટિંગ કરીને બંને ભાભીઓને જાણ કરી દીધી છે. કહ્યું કે દિયરની ડફોળાઇને લીધે દોઢ કરોડનું દેવું થઇ ગયું છે અને બંગલો ગીરે મૂકવાની નોબત આવી છે. તમે કહેલું એ જ રીતે વાત વહેતી મૂકી દીધી...'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP