Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-19

‘અપરંપાર ઐશ્વર્ય છોડીને અનંતની યાત્રાએ ઊપડી ગયેલા આ આત્માની અનેક ઈચ્છાઓ અધૂરી છે...’

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

પ્રકરણઃ 19
નણંદ જે બોલતી હતી એ સાંભળીને સ્તબ્ધ બનીને બંને ભાભીઓ એકબીજાની સામે તાકી રહી.

‘આમ તો આ વાત તમનેય નહોતી કહેવાની, પણ શું થાય? કરમની કઠણાઈની વાત કહેતી વખતે જીભ ઉપર કાબૂ ના રહ્યો...’ શાલિનીએ અલકા અને ભાવિકા સામે હાથ જોડ્યા. ‘તમારા જમાઈએ ધંધામાં ખતરનાક ખત્તા ખાધી છે અને બંગલો ગીરે મૂકવાના દિવસો આવ્યા છે. એ બધું હું તો બબડી ગઈ પણ પ્લીઝ, તમે આ વાતનો પ્રચાર ના કરતા. મમ્મીની વિદાયનું દુઃખ બધાય વેઠી રહ્યા છે, એમાં આવા સમાચાર આપીને આદિત્ય કે ભાસ્કરને વધુ પરેશાન ના કરતા. હું કંઈ બોલી જ નથી એમ સમજીને આ વાતને અહીં જ ભૂલી જજો...’

‘તમારા જમાઈએ ધંધામાં ખતરનાક ખત્તા ખાધી છે અને બંગલો ગીરે મૂકવાના દિવસો આવ્યા છે.’

‘પપ્પાજી કે વિભાકરભાઈને આ વાતની ખબર નથી?’ અલકાએ આટલું પૂછીને સ્પષ્ટતા કરી. ‘આદિત્ય અને ભાસ્કરભાઈનું કામકાજ એવું છે કે બહારની દુનિયામાં એ બંને બહુ રસ નથી લેતા, પણ પપ્પાજી અને વિભાકરભાઈનું નેટવર્ક આપણી ધારણા કરતાં ખૂબ મોટું છે. બજારમાં કંઈક નવાજૂની થાય તો એમને આછો-પાતળો અણસાર તો આવી જ જાય. અમદાવાદના બધા શેઠિયાઓની વાત નદી બનીને એમના સુધી પહોંચી જાય છે.’

‘મારા દિયરના તો કોઈ દાળિયા લે એવું નથી, પણ સુભાષની આબરૂ અડીખમ છે.’ શાલિનીના અવાજમાં લગીર ગર્વ ઉમેરાયો. ‘સુભાષની ઈજ્જતને લીધે હજુ સુધી તો બજારમાં વાત નથી પહોંચી. બાંધી મુઠ્ઠી જળવાઈ રહી છે...’ ફરીથી એનો અવાજ ઢીલો થઈ ગયો. ‘આજ સુધી તો ઈશ્વરે આબરૂ જાળવી છે. કાલે શું થશે એ કંઈ ખબર નથી...’

‘બહુ ચિંતા નહીં કરવાની...’ નણંદની નજીક જઈને ભાવિકાએ એના ખભે હાથ મૂકીને ધરપત આપી. ‘ધંધામાં ચડતી-પડતીનું ચક્ર તો ચાલતું જ રહે. બધું ગુમાવી બેઠા હોય એવું લાગે એ જ વખતે કોઈ નવી તક અનાયાસે જ એવી રીતે આવ જાય તે આખું પિક્ચર બદલાઈ જાય. ગોડ ઈઝ ગ્રેટ! એ જ કોઈક રસ્તા સુઝાડશે.’

‘પ્રોબ્લેમ કેટલા રૂપિયાનો છે?’ ફિલોસોફી ઝાડવાને બદલે અલકાએ મૂળ મુદ્દો પકડીને પૂછ્યું. ‘તમારા બંગલાની અત્યારે માર્કેટ વેલ્યુ કેટલી ગણાય?’

‘બંગલો તો મારા વડસસરાએ જાતે ઊભા રહીને બનાવડાવેલો. પ્લોટ બહુ મોટો નથી તોય ત્રણેક કરોડની કિંમત ગણાય...’ શાલિનીના અવાજમાં ફરિયાદનો સૂર ભળ્યો. ‘સુભાષને એ બંગલાની માયા છૂટતી નથી. એને લીધે તો અમારે જોઈન્ટમાં રહેવું પડે છે. બાકી, આવા દિયર-જેઠાણી જોડે એક દિવસ રહેવુંય મને નથી ગમતું. ધંધો ને રસોડું બધુંય જોઈન્ટમાં છે એટલે નાછૂટકે ત્યાં રહેવું પડે છે. સુભાષને હજાર વાર કરગરી કે બંગલો વેચીને દોઢ કરોડ લઈને આપણે છૂટા થઈ જઈએ. આપણે આપણી રીતે આરામથી જીવીએ અને એ લોકો એમની રીતે સુખેથી રહે. કહી કહીને થાકી, પણ એ માનતો નથી એટલે હવે માથાકૂટ કરવાનું છોડી દીધું.’

‘ઉંમરમાં તમે મારાથી મોટા છો, એટલે તમને સલાહ આપવાની મારી હેસિયત નથી એ છતાં શાલુબહેન, એક વાત સમજી લો...’ શાલિનીની વાત સાંભળ્યા પછી થોડીવાર વિચાર્યા પછી અલકાએ મોં ખોલ્યું. ‘તમારા વડસસરાની પ્રસાદીરૂપે એ બંગલો તમને ને તમારા દિયરને વારસામાં મળ્યો છે. એને હું તો તમારું સદનસીબ માનું છું. અત્યારે સારા એરિયામાં ખોખા જેવા ફ્લેટની કિંમત પણ દોઢ કરોડ જેટલી થઈ ગઈ છે. એમાં વીસ-પચ્ચીસ લાખ ફર્નિચરના નાખો પછી ત્યાં રહેવા જવાય. ત્યાં રહેવા જાવ એ પછી દર મહિને મેઈન્ટેનન્સનો ખર્ચો પણ મારી નાખે એવો હોય છે. ગ્રહદશા નબળી ચાલતી હોય ત્યારે થોડો સમય તકલીફ વેઠવી પડે પણ એ પરિસ્થિતિ કાયમી નથી હોતી.

એકવાર એ બંગલામાંથી નીકળ્યા પછી ફરીથી એવો વૈભવ ક્યારેય નહીં મળે. તમારા દિયર-દેરાણીને અલગ રહેવાના અભરખા થતા હોય તો પ્રેમથી એમનો ભાગ આપીને ભગાડી દેવાના બાકી, તમારે બંગલો નહીં છોડવાનો. તમે આ બંગલામાં મોટાં થયાં. સાસરે ગયાં ત્યાં પણ બંગલો. એ દશામાં આ ઉંમરે હવે ફ્લેટમાં એડજસ્ટ થવાનું તમને નહીં ફાવે...’ એણે પ્રેમથી સમજાવ્યું. ‘ઈશ્વરે મુશ્કેલી આપી છે, તો ઉપાય પણ એ જ સુઝાડશે. ખાલી ખોટો ઉચાટ કરીને ઉતાવળું પગલું નહીં ભરવાનું...’

આટલું કહીને એ વિચારવા માટે અટકી. વીસેક સેકન્ડ વિચારીને એ બોલી, ‘મૂળ સવાલ તો દોઢ કરોડનો જ છેને?’ શેઠ હરિવલ્લભદાસની દીકરી અને જમાઈ માટે આ કોઈ મોટી રકમ નથી. શુક્રવારે બારમા-તેરમાથી વિધિ પતે એ પછી તમે અને સુભાષકુમાર શાંતિથી પપ્પાજીને મળજો. એ કોઈક રસ્તો બતાવશે. જરાયે સંકોચ નહીં રાખવાનો. બાપની પાસે હૈયું ખોલીને હાથ લંબાવવાનો દીકરીને હક છે.’

શાલિની અભારવશ નજરે મોટી ભાભી સામે તાકી રહી. એ જ વખતે આકાંક્ષા અને ભૈરવી હાથમાં હાથ પરોવીને વાવાઝોડાંની જેમ ઓરડામાં ધસી આવી. ‘મમ્મી, સ્કૂલમાંથી મેઈલ આવ્યો છે...’ આકાંક્ષાએ અલકાને વળગીને કહ્યું. ‘વન ડે પિકનિક છે. સવારે છથી રાત્રે દસ. પાવાગઠ અને આજવા. કાલે પૈસા ભરવાનો છેલ્લો દિવસ છે. પપ્પાને કહીને તું યસ કરાવી દે...’

ભૈરવીએ ભાવિકાનો હાથ જકડીને કહ્યું, ‘તેં પણ સાંભળ્યું ને, મમ્મી?’

એ બંને એક જ સ્કૂલમાં એક જ વર્ગમાં સાથે ભણતી હતી.

‘પિકનિક ક્યારે છે?’ ભાવિકાએ બંને છોકરીઓ સામે જઈને પૂછ્યું.

‘ફ્રાઇડે... આ શુક્રવારે’ આકાંક્ષાએ તરત કહ્યું. ‘નો ચાન્સ.’ અલકાએ દીકરીના માથામાં હાથ ફેરવીને સમજાવ્યું. ‘શુક્રવારે આપણા બંગલામાં જ મોટું ફંક્શન છે. મંજુબાના અવસાનને તેર દિવસ પૂરા થશે એ નિમિત્તે જે વિધિ રાખી છે એમાં તમારી હાજરી જરૂરી છે. તમે બંને તો તમારા દાદીની વહાલી ઢબુડીઓ હતીને? એટલે તમે હાજર ના રહો તો એમના આત્માને દુઃખ થાય. ડાહી દીકરીઓ દાદીને પીડા થાય એવું કામ કરે?’

બંનેના નિરાશા ચહેરાઓ સામે જોઈને એણે ઉમેર્યું. ‘ગોડ પ્રોમિસ હવે પછી બીજી કોઈપણ પિકનિક કે પ્રવાસ હશે એમાં ચોક્કસ જવા દઈશ. પણ આ શુક્રવારે નહીં.’

‘નેક્સ્ટ ટાઇમ પિકનિક વખતે કોઈ અંચઈ નહીં કરવાની, કાકી! પ્રોમિસ?’ ભૈરવીએ અલકા સામે હાથ લંબાવ્યો. એની હથેળી પોતાના હાથમાં દબાવીને અલકાએ ફરીવાર કહ્યું. ‘ગોડ પ્રોમિસ.’

આવી હતી એ જ રીતે એ બંને ધમધમાટ કરતી ઓરડામાંથી બહાર નીકળી ગઈ.

‘તમારા બંનેની આ મુદ્દે ઈર્ષા થાય છે...’ ભાવિકા બબડી. ‘આ ડાહી દીકરીઓએ કાચી સેકન્ડમાં તમારી વાત સ્વીકારી લીધી અને કોઈ વિરોધ કે પ્રતિકાર ના કર્યો.’ એના અવાજમાં નિરાશા ભળી. ‘મારે તો પ્રશાંત અને પરિધિ એકબીજાના માથા ભાંગે એવા જિદ્દી અને હઠીલા છે. મારી કે સુભાષની કોઈ સલાહ સીધી રીતે ક્યારેય ના સ્વીકારે. આવી રીતે ના પાડી હોય તો ઘરમાં રમખાણ કરી મૂકે. રડી-કકળીને પણ જીદ પૂરી કરીને જ જંપે.’

‘અમારા ચારેયમાંથી એકેયનાં વખાણ કરવા જેવાં નથી...’ અલકાએ હસીને કહ્યું. ‘આ તો દાદીનો મુદ્દો આગળ ધર્યો એટલે કામ પતી ગયું. બાકી તો એમનેય ધમપછાડા કરતા આવડે છે.’

‘અમારા બંનેએ અનેકવાર વિભાકરભાઈની મદદ લેવી પડે છે...’ ભાવિકાએ ઉમેર્યું. ‘મારાથી, ભાસ્કરથી કે અલકાદીદી અને આદિત્યભાઈથી ઊકેલી ના શકાય એવો મામલો હોય ત્યારે એ ફાઇલ વિભાકરભાઈને સોંપી દેવાની. એ આ ચારેયના રિંગમાસ્ટર છે. એ હુકમ કરે પછી આ ચારમાંથી એકેય ચૂં કે ચા ના કરે.’

કાશીબા અંદર આવીને બારણાં પાસે ઊભા રહ્યા. ‘શેઠ તમને ત્રણેયને બોલાવે છે.’

‘કોઈ આવ્યું છે?’ શાલિનીએ પૂછ્યું.

‘શેઠના ત્રણેય ભાઈબંધો આવ્યા છે. હિંમતકાકા, જીવણકાકા અને ડૉક્ટર દિનુકાકા...’ અવાજમાં આદરભાવ ઉમેરીને એમણે માહિતી આપી. ‘એમની સાથે કોઈ દાઢીવાળા મહાત્મા પધાર્યા છે... જલ્દી આવો...’ સૂચના આપીને કાશીબા જતાં રહ્યાં.

‘પપ્પાને આવા કોઈ મહાત્મા-બહાત્મા ઉપર જરાયે શદ્ધા નથી...’ શાલિનીએ બંને ભાભીઓ સામે જોયું. ‘એમના આ ત્રણેય ભાઈબંધો વધારે પડતા ધાર્મિક છે એટલે મંજુબાના આત્માની શાંતિ માટે કોઈ સંતને પકડી લાવ્યા હશે. મિત્રોનું મન રાખવા માટે પપ્પાએ એમનો આદર સત્કાર કરવો પડ્યો હશે.’

ત્રણેય ઓરડાની બહાર નીકળીને સીડી ઊતર્યા. ડ્રોઇંગરૂમમાં હજુ એક જ સોફો હતો.

સોફા ઉપર બેઠેલા મહાત્માનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. પાંસઠથી માંડીને એંશી સુધીની કોઈપણ ઉંમર હોઈ શકે પણ ચહેરાની ચમકતી ત્વચા ઉપરથી એ અનુમાન કરવાનું અઘરું હતું. ગરદન સુધીના લાંબા સફેદ વાળ, સફેદ દાઢી, વિશાળ કપાળ અને તીણું નાક. સફેદ ઝભ્ભા-લેંઘા ઉપર કાળી શાલ ખભા ઉપર નાખી હતી. ગળામાં લાંબી રુદ્રાક્ષની માળા. સૌથી ધ્યાન ખેંચે એવી કરુણાસભર આંખો. વિશાળ પારદર્શક આંખોમાં ભીનાશ તરવરતી હતી. આંખો જોઈને જ હાથ જોડવાનું મન થઈ જાય એવી નિર્મળતા તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે. એ સ્વામીજી સોફા ઉપર બેઠા હતા.


હરિવલ્લભદાસ, ડૉક્ટર દિનકરભાઈ, જીવણભાઈ અને હિંમતભાઈ એમના પગ પાસે નીચે કાર્પેટ પર બેઠા હતા.

અલકાએ આગળ વધીને સ્વામીજીનો ચરણસ્પર્શ કરીને વંદન કર્યાં. એ પછી ભાવિકા અને શાલિનીએ પણ એનું અનુકરણ કર્યું. પછી ત્રણેય નીચે બેસી ગયાં.

‘આ સ્વામી હરિહરાનંદજી છે...’ ડૉક્ટર દિનકરભાઈએ આ ત્રણેયની સામે જોઈને પરિચય કરાવ્યો. ‘તમે લોકો નૈનિતાલ અને ત્યાંથી આગળ રાનીખેત અને કૌસાની સુધી જઈ આવેલા છો. એનાથીયે આગળ કૈલાસ-માનસરોવરના રૂટ પર આનંદ આશ્રમ આવેલો છે. સ્વામીજી અને બીજા દસેક તપસ્વીઓ ત્યાં રહે છે. બે-ચાર વર્ષે એકવાર અમદાવાદ પધારે છે ત્યારે એમનાં દર્શનનો લાભ મળે છે... ગઈકાલે સવારે એ આવ્યા અને મેં એમને વિનંતિ કરી કે અમારા મિત્રની પત્ની દેવલોક પામ્યાં છે એટલે આપ એ પરિવારને સાંત્વના આપવાની કૃપા કરો... બહુ ચમત્કારિક મહાત્મા છે...’

સ્વામીજી નાના બાળકની જેમ ખડખડાટ હસી પડ્યા. ‘આ સૃષ્ટિમાં પ્રત્યેક પળે જે કંઈ બને છે એ ચમત્કાર જ છે. આંખ બંધ કરો ને અંધારું છવાઈ જાય અને પાંપણ ખોલો તો રંગીન સૃષ્ટિ દેખાય એ પણ સર્જનહારની જ લીલા છે...’

‘આ સૃષ્ટિમાં પ્રત્યેક પળે જે કંઈ બને છે એ ચમત્કાર જ છે. આંખ બંધ કરો ને અંધારું છવાઈ જાય અને પાંપણ ખોલો તો રંગીન સૃષ્ટિ દેખાય એ પણ સર્જનહારની જ લીલા છે...’

સામે બેઠેલા સાતેય શ્રોતાઓ સામે નજર કરીને એમણે ગંભીરતાથી કહ્યું, ‘સાધુનો ધર્મ સમાજને આપવાનો. જ્ઞાન, વિદ્યા અને સંસ્કાર આપીને રાજી રહેવાનું. આવું સમજનાર અમારા જેવા નિઃસ્પૃહી સાધુ બહુ ઓછા બચ્યા છે. ધર્મને ધંધો બનાવીને લોકો ધુતારાઓની જમાત ખૂબ મોટી છે. અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનારા એ ધુતારાઓ વિશે વધુ બોલીને પાપમાં પડવાના નથી ઈચ્છતો. પ્રભુ સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના...’

સ્વામીજી સામે ઈશારો કરીને દિનુભાઈએ મંજુલાની છબી તરફ આંગળી ચીંધી. મંજુલાની છબી સામે સ્વામીજી એકીટશે તાકી રહ્યા. ઊંડો શ્વાસ લઈને દોઢેક મિનિટ આંખો ખોલીને ઝડપથી ઊભા થયા. વિશાળ ડ્રોઈંગરૂમમાં ધીમા પગલે ચક્કર મારતી વખતે એમની આંખો જાણે દીવાલની આરપાર કશુંક જોવા મથતી હોય એવું લાગતું હતું. પાતળા હોઠ ફફડતા હતા.

સ્વામીજી આ શું કરી રહ્યા છે એની સમજણ નહોતી પડતી, પણ આખા ઓરડાનું વાતાવરણ અચાનક ભારેખમ બની ગયું એવું નીચે બેઠેલા સાતેયને લાગતું હતું. શ્વાસ રોકીને બધા સ્વામીજી સામે તાકી રહ્યા હતા. અત્યારે ચાલતી વખતે સ્વામીજીનો ચહેરો તંગ હતો. આંખોમાં વિષાદ છલકાતો હતો.

આખા ઓરડામાં ચક્કર મારવાનો પણ જાણે થાક લાગ્યો હોય એમ એ આવીને સોફા પર ફસડાઈ પડ્યા. ફરીથી ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરીને એ સમાધિ અવસ્થામાં સરકી ગયા.

હળવે રહીને આંખો ખોલીને એમણે બધાની સામે જોયું. ‘અપરંપાર ઐશ્વર્ય છોડીને અનંતની યાત્રાએ ઊપડી ગયેલા આ આત્માની અનેક ઈચ્છાઓ અધૂરી છે...’ એકબીજાના શ્વાસનો અવાજ પણ સંભાળી શકાય એવી સ્તબ્ધતા વચ્ચે ચૌદ આંખો સ્વામીજીના ફફડતા હોઠ સામે ઉત્સુકતાથી તાકી રહી હતી.

‘સંન્યાસી તરીકે અમારા માટે જીવન-મૃત્યુ વચ્ચે કોઈ ભેદરેખા નથી હોતી. ખોળિયું બદલવાની લેશમાત્ર ચિંતા નથી હોતી. અહીં આવ્યો છું એટલે મારી મર્યાદામાં રહીને પણ યજમાનનું દોરવાનું મારું કર્તવ્ય છે...’ લગીર અટકીને ગંભીર અવાજે એકેએક શબ્દ ઉપર ભાર મૂકીને એમણે કહ્યું. ‘મૃત્યુના દેવતાને માત્ર આ એક જીવથી સંતોષ નથી થયો. આ ઓરડામાં યમદૂતના ઓળા અત્યારે પણ દેખાય છે. બીજા કોઈ જીવ પર તરાપ મારવા એ તત્પર છે...’
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP