Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-18

‘પિક્ચરનો ડાયરેક્ટર હોંશિયાર હોય તો નિરૂપા રોયની જગ્યાએ લલિતા પવારની પસંદગી ક્યારેય ના કરે!’

  • પ્રકાશન તારીખ31 Jul 2018
  •  

પ્રકરણઃ18
નણંદ શાલિનીએ જે તિખારો ચાંપ્યો એ સાંભળીને ભાવિકા ભડકી. જે ઘટનાનો આધાર લઈને એ તિરાડ ઊભી કરવા માગતી હતી, એ વાત તો સાવ નાનકડી હતી. વળી, પોતે પણ એ સમયે ત્યાં હાજર હતી. સાસુજી ગરીબ માણસોને આર્થિક મદદ કરતાં હતાં એનો ઉલ્લેખ કરીને કાશીબાએ શેઠની પાસે પીડા વ્યક્ત કરી કે હવે એ બધાને પણ મંજુબાની ખોટ સાલશે. જવાબમાં હરિવલ્લભદાસે જાહેર કર્યું કે મંજુનો એ સેવાયજ્ઞ ચાલુ રહેશે અને એ જવાબદારી કુટુંબની મોટી વહુ અલકા સંભાળશે. આ વાતનું વતિંગડ બનાવીને શાલિનીએ એમ કહ્યું કે મંજુલાદેવીના સિંહાસન પર અલકાનો રાજ્યાભિષેક થઈ ગયો!

નાની ભાભીના કાનમાં મોટી ભાભી વિરુદ્ઘ ઝેર તો રેડ્યું પણ ડોઝ ઓછો પડ્યો. એથી એની અસર મગજ સુધી નથી પહોંચી એવું શાલિનીને લાગ્યું એટલે ઝેરની માત્રા વધારીને એણે સ્પષ્ટતા કરી.

પરસ્પર વિરોધી કાન ભંભેરણી કરીને દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો કરાવવાની નણંદોની ચાલાકી વિશે ભાવિકાએ અગાઉ ઘણું વાંચ્યું હતું, જૂની ફિલ્મોમાં અને નવી સિરિયલોમાં જોયું હતું અને અત્યારે એનો સાક્ષાત્કાર થયો. તરત પ્રતિભાવ આપવાને બદલે જાણે કશું સમજાયું ના હોય એ રીતે ભોળાભાવે એ નણંદ સામે તાકી રહી.

નાની ભાભીના કાનમાં મોટી ભાભી વિરુદ્ઘ ઝેર તો રેડ્યું પણ ડોઝ ઓછો પડ્યો. એથી એની અસર મગજ સુધી નથી પહોંચી એવું શાલિનીને લાગ્યું એટલે ઝેરની માત્રા વધારીને એણે સ્પષ્ટતા કરી. ‘પપ્પાને અલકાભાભી ઉપર તમારા કરતાં વધુ વિશ્વાસ હોય એવું લાગે છે. હોંશિયારી અને ચાલાકીમાં તુલના કરીએ તો તમારો પહેલો નંબર આવે તોય મમ્મીના કામની જવાબદારી પપ્પાએ મોટી વહુને સોંપી દીધી. તમારા બંનેમાંથી આ કામ કોણ સંભાળશે એવું વિવેક ખાતર પણ પૂછ્યું હોત તો વધુ સારું થાત. અલકાભાભીને તો મોભો મળી ગયો એ પછી એ શા માટે મોં ખોલે?’

લગીર અટકીને એણે ચાવી ચડાવી. ‘તમે થોડા ઢીલાં પડ્યાં. તમારી જગ્યાએ હું હોઉં તો એ જ વખતે કહી દઉં તે પપ્પાજી, આ સેવા મને સોંપો. આવું કામ કરવાની મને ફાવટ છે...’

હવે નાની ભાભી શો પ્રતિભાવ આપે છે જાણવા માટે આટલું બોલ્યા પછી શાલિની અટકી. એની નજર ભાવિકાના ચહેરા સામે સ્થિર હતી.

હળવે રહીને ભાવિકાના હોઠ ફફડ્યા. ‘શાલુ બહેન, ત્રણ મહિના અગાઉ આપણે ધામધૂમથી પપ્પાજીની સિત્તેરમી વર્ષગાંઠ ઊજવી હતી એ તો યાદ છેને?’

ભાભી શું કહેવા માગે છે એની ટપ્પી ના પડી એટલે શાલિનીએ માત્ર હકારમાં માથું હલાવ્યું.

‘સિત્તેર વર્ષનો જિંદગીનો અનુભવ હોય એવા મહારથી પાસે તો પરિવારના એકએક સભ્યની રગેરગની જાણકારી હોય. કયા કામ માટે કઈ વ્યક્તિ વધુ યોગ્ય છે એની પસંદગીમાં એ ધૂરંધર ક્યારેય ભૂલ ના કરે..’

ગાલ પર તમાચો પડ્યો હોય એવી પીડા શાલિનીના ચહેરા પર ઝળકી ઊઠી, એ જોઈને જાણે મલમ લગાવતી હોય એમ ભાવિકાએ સમજાવ્યું. ‘હોંશિયારી અને સ્માર્ટનેસની બાબતમાં તમારું નિરીક્ષણ સાવ સાચું છે. અલકાદીદી થોડાંક ભોળાં છે, એમની તુલનામાં હું વધુ ચબરાક અને ચાલાક છું. એ તમારી વાત સાવ સાચી, પણ પપ્પાજીને આ ખબર નહીં હોય? એમણે બહુ વિચારીને સંપૂર્ણ સાચો નિર્ણય કર્યો છે...’

નણંદના ખભે હાથ મૂકીને ભાવિકાએ બહુ શાંતિથી ખુલાસો કર્યો, ‘મંજુબા મારા સાસુ હતાં, પણ તમારાં તો એ જનેતા હતાં. એને લીધે એ સ્વર્ગવાસીના સ્વભાવની સરળતા અને ઉદારતાનો મારાથી વિશેષ તો તમને પરિચય હશે. મંજુબાનું આ સેવાનું કામ કોઈ સબળ વ્યક્તિ જ સારી રીતે કરી શકે. એમના જેવા ઉદાર હૈયાવાળી વ્યક્તિ જ આ ખાલીપો પૂરી શકે...’

વાતાવરણની ગંભીરતા ઓછી કરવા માટે ભાવિકાએ હસીને ઉમેર્યું. ‘દૂધવાળા ભૈયાજી જેવો કોઈ માણસ દીકરીનાં લગ્ન માટે મારી પાસે પૈસા માગવા આવે તો હું એને સત્તર સવાલ પૂછું. પછી સાવ સાદાઈથી લગ્ન પતાવવાની સલાહ આપીને પૈસા આપ્યા વગર જ ભગાડી મૂકું! સામા માણસની વાતમાં સચ્ચાઈ નથી એવું જાણ્યા પછી મંજુબા એને નિરાશ નહોતા કરતા. મારા-તમારા કરતાં અલકાદીદીનું હૈયું વધુ વિશાળ છે, આ કામ એ જ સારી રીતે કરી શકશે, એની પપ્પાજીને ખાતરી હતી એટલે એમણે આવો નિર્ણય લીધો...’ નણંદના બરડામાં પ્રેમથી ધબ્બો મારીને એ હસી પડી. ‘પિક્ચરનો ડાયરેક્ટર હોંશિયાર હોય તો નિરૂપા રોયની જગ્યાએ લલિતા પવારની પસંદગી ક્યારેય ના કરે!’

પોતાનો દાવ ઊંધો વળી ગયો હતો એ જોઈને શાલિની મનોમન ધૂંધવાઈ હતી છતાં હસતું મોઢું રાખવાની એનામાં આવડત હતી એટલે ભાવિકાએ છેલ્લે જે કહ્યું એ સાંભળીને એ પણ ખડખડાટ હસી પડી.

એ જ વખતે અલકા ઓરડામાં આવી. ‘મંજુબાની વિદાયને હજુ આઠ દિવસ જ થયા છે...’ ભાવિકા અને શાલિની સામે જોઈને એણે સલાહ આપી. ‘અત્યારે આ રૂમમાં છો એ સારું છે. બાકી, બહાર ડ્રોઇંગરૂમમાં બેસીને આવી રીતે હસતા નહીં. સારું ના દેખાય.’

‘સોરી, ભાભી,’ શાલિનીએ તરત ભૂલ સ્વાકારી લીધી. ‘અત્યારે ગોર મહારાજ પપ્પાજીને મળવા આવ્યા છે...’ અલકાએ માહિતી આપી. ‘બારમા અને તેરમાની સંયુક્ત વિધિ એક જ દિવસે રાખવાની છે એવું એમણે પપ્પાજી સાથે નક્કી કર્યું છે. આજે સોમવાર થયો. શુક્રવારે આખો કાર્યક્રમ થશે. આ ચર્ચા ચાલતી હતી ત્યારે વિભાકરભાઈ ઊંઘમાંથી ઊઠીને ત્યાં આવેલા. શુક્રવાર નક્કી થયો એ પછી એમણે પપ્પાજીને કહ્યું કે તમને કોઈને વાંધો ના હોય તો સરાવવાની વિધિમાં હું બેસીશ. પણ પપ્પાજીએ એમને ચોખ્ખી ના પાડીને કહ્યું કે મંજુલાની વિધિમાં આદિત્ય અથવા ભાસ્કર જ બેસશે. વિભાકરભાઈ નિરાશ થઈ ગયા ત્યારે પપ્પાજીએ કહ્યું કે તને પણ તક મળશે, મારી પાછળની વિધિમાં તું બેસજે...’

‘પપ્પા આવો બડબડાટ કેમ કરે છે?’ શાલિનીના અવાજમાં ચિંતા ભળી. ‘વારંવાર પોતાના મૃત્યુની વાત કેમ કરે છે?’

‘પપ્પાજી અંદરથી ભાંગી પડ્યા છે. મંજુબાના અવસાન પછી બધાની સામે એ પોતે સ્વસ્થ હોવાનો ડોળો કરે છે, બાકી મનોમન હચમચી ઊઠ્યા છે. વેદનાથી વલોવાઈને એમનું મનોબળ તૂટી ગયું છે. એ છતાં, આપણા બધાનો વિચાર કરીને પોતે આઘાતને પચાવી લીધો છે એવું નાટક કરે છે. પોતે જે દુઃખ અનુભવી રહ્યા છે એ સંતાડીને આપણને હિંમત આપવા માટે ઓલરાઇટ હોવાની એક્ટિંગ કરે છે. સોફા ઉપર બેસીને એ મંજુબાના ફોટા સામે જોતા હોય ત્યારે એમની આંખોમાં વેદનાનો દરિયા છલકાતો હોય એવું સ્પષ્ટ દેખાય છે.’ પોતાના નિરીક્ષણના આધારે અલકાએ જાણકારી આપીને ભાવિકા અને શાલિનીને સમજાવ્યું. ‘ આ પરિસ્થિતિમાં, એમને અણસાર ના આવે એ રીતે આપણે એમને સંભાળી લેવાના છે. મેં જોયું છે કે બાળકોની કંપનીમાં એ વધુ હળવાશ અનુભવે છે. આકાશ અને આકાંક્ષાને કહી દઈશ કે જ્યારે પણ નવરાશ મળે ત્યારે દાદાજી સાથે રમો...’ એણે ભાવિકા સામે જોયું. ‘તું પણ ભૈરવી અને ભૌમિકને કહેજે કે દાદાજીને વળગો. એમને બંગલાના ગાર્ડનમાં ચક્કર મારવા લઈ જાવ. એ ચારેયની ટૂકડી દાદાજીને બગીચામાં લઈ જશે તો ખાસ્સો ફેર પડશે.’

‘તમારી વાત સાચી છે...’ અલકાની વાતમાં સંમતિ આપીને શાલિનીએ તરત પોતાના સંતાનોનાં નામ પણ બાળકોની ટૂકડીમાં ઉમેરી દીધાં. શાલિની અને સુભાષનો પુત્ર પ્રશાંત વીસ વર્ષનો હતો અને પુત્રી પરિધિ અઢાર વર્ષની હતી. ‘પ્રશાંત અને પરિધિ અત્યારે પરીક્ષાની તૈયારીમાં ડૂબેલાં છે એટલે અહીં ઓછું આવે છે. એમને ફોન કરીને કહીશ કે નાનાજીને તમારી કંપનીની જરૂર છે એટલે થોડા દિવસ ભણવાનું બાજુ પર મૂકીને પણ અહીં આવી જાવ.’

એ આવું બોલી કે ચરત અલકા અને ભાવિકાએ એકબીજાની સામે જોયું. દેરાણી-જેઠાણી વચ્ચે આંખોથી શું સંવાદ થયો એનો નણંદને અણસાર ના આવ્યો.

શાલિની હજુ એના વિચારોમાં જ ડૂબેલી હતી. સહેજ વિચારીને એણે અલકાને પૂછ્યું. ‘બારમા-તેરમાની વિધિ તો શુક્રવારે જ પતી જશેને?’

અલકાએ માથું હલાવીને હા પાડી.

‘પ્રશાંત અને પરિધિને બુધવારે અહીં બોલાવી લઈશ. બુધ, ગુરુ, શુક્ર અને શનિ-ચારેય દિવસએ બંને ફૂલ ટાઈમ નાનાજીને કંપની આપશે...’ મનોમન થોડીક ગણતરી કરીને એણે બંને ભાભીઓ સામે જોયું. ‘શુક્રવારે બઝી વિધિપતી જાય એ પછી શનિવારનો આખો દિવસ અમે લોકો અહીં રહીશું. રવિવારે સવારે એમે ચારેય શાહીબાગ જતા રહીશું...’ લગીર અટકીને જાણે મનોમન બબડતી હોય એમ ધીમા અવાજે બળાપો ઠાલવ્યો. ‘આટલા દિવસની મારી ગેરહાજરીમાં ત્યાંય ઘર ગધાડે ચડ્યું હશે. સુભાષને હજાર વાર સમજાવ્યું તોય એ માનતો નથઈ. જોઈન્ટમાં રહીએ છીએ એટલે ઘણું જતું કરવું પડે છે. મારા દિયર અને દેરાણીને તો તમે સારી રીતે ઓળખો છો. પ્રશાંત અને પરિધિ બિચારાં ઓશિયાળાં બનીને અત્યારે એમના આશરે કઈ રીતે જીવતાં હશે એ એમનું મન જાણતું હશે. આટલા દિવસમાં હું તો એકેય વાર ત્યાં ગઈ નથી પણ એટલું સારું છે કે સુભાષ ત્રણ-ચાર દિવસે ત્યાં આંટો મારીને બાળકોની ખબર પૂછી આવે છે...’ નિઃસાસો નાખીને એણે હતાશાથી માથું ધૂણાવ્યું. ‘નાના ભાઈ અને એની બૈરીએ સુભાષ ઉપર શું જાદૂ કર્યું છે એ સમજાતું નથી. હું કરગરું છું તોય એ લોકોથી છૂટા પડીને અલગ રહેવા એ તૈયાર નથી થતો...’ બંને ભાભીઓ સામે જોઈને તમે સગી બહેનોની જેમ રહો છો ને એકબીજા બાળકોનું પણ ધ્યાન રાખો છો, પણ ધ્યાન રાખો છો, પણ મારે ત્યાં પિક્ચર સાવ અલગ છે...’

‘પાંચેય આંગળીઓ સરખી ના હોય, શાલુ બહેન!...’ અલકાએ નણંદને સમજાવ્યું. ‘એક જ છત નીચે સાથે રહેવાનું હોય એટલે એકબીજાની કોણી તો એડે જ. મોટું મન રાખીને થોડુંક જતું કરવાની ભાવના રાખીએ તો જીવવાની મજા આવે. સંયુક્ત કુટુંબ છોડીને અલગ રહેવાની સુભાષકુમારની તૈયારી ના હોય તો થોડું ઘણું સમાધાન કરીને પણ મનની શાંતિ જાળવી રાખવાની. દેરાણી-જેઠાણી વચ્ચે તો આદિકાળથી ઉંદર-બિલાડી જેવો સંબંધ જ ઈતિહાસમાં પણ લખાયેલો છે. એ બંને ભાઈઓને એકબીજા સાથે બને છે ને?’

‘બંને ભાઈઓને એકબીજા માટે લાગણી છે એવું તમને બધાને અને દુનિયાને લાગે છે, પણ હકીકતમાં તો માત્ર ઉપરછલ્લો સંબંધ જ છે. સુભાષ અવે એના નાના ભાઈ વચ્ચે પરસ્પર સ્નેહથી રેણ કડી નથી, થૂંકથી ચોંટાડેલો નર્યા સ્વાર્થનો સંબંધ છે!’

એના અવાજની નિરાશા વધુ ઘેરી બની. ‘અહીં પપ્પાની સમૃદ્ધિ દિવસે દિવસે વધતી જાય છે. એનું મારી દૃષ્ટિએ તો એક જ કારણ છે. સ્નેહ, સદભાવ અને સંપ. તમે બંને દેરાણી-જેઠાણી હોવા છતાં સગી બહેનની જેમ રહો છો. વિભો સાવકો ભાઈ છે. એવું આદિત્ય કે ભાસ્કરના વર્તનમાં ક્યારેય જોવા નથી મળ્યું. આ બંને સાવકા નાના ભાઈઓ માટે જીવ પણ આપી દે એવી દરિયાદિલી વિભાના સ્વભાવમાં છે...’ એણે બંને ભાભીઓ સામે આદરભાવથી જોયું. પોતાના હૈયા પર જે ભાર એ વેંઢારી રહી હતી એ અનાયાસે જ શબ્દોનું રૂપ લઈને હોઠ પર ઘસી આવ્યો. ‘કુટુંબમાં સંપ હોય ત્યાં જ સુખ-શાંતિ જ લક્ષ્મીદીને રહેવું ગમે. કુટુંબમાં ક્લેશ હોય, ઉચાટ હોય અને પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ હોય, એ ઘરમાં રહેવાનું લક્ષ્મીજીને કઈ રીતે ગમે?..’ વેદનાથી વલોવાતા અવાજે એ ધીમેથી બબડી.

‘એક જ છત નીચે સાથે રહેવાનું હોય એટલે એકબીજાની કોણી તો એડે જ. મોટું મન રાખીને થોડુંક જતું કરવાની ભાવના રાખીએ તો જીવવાની મજા આવે.’

‘હમણાં એક સોદામાં સુભાષે બહુ મોટો માર ખાધો છે. મૂર્ખામી તો મારા દિયરની, પણ ધંધો સંયુક્ત છે એટલે વેઠવાનું તો અમારેને? આળિયો-ગાળિયો તો મોટા ભાઈના માથે જ આવે ને? બીજા કોઈને તો હજુ કંઈ કહ્યું નથી, પણ વાતમાંથી વાત નીકળી એટલે બોલાઈ ગયું. તમારી પાસે મન હળવું કર્યું....’ એણે રડમસ અવાજે ઉમેર્યું. ‘એટલી મોટી ખોટ ખાધી છે કે શાહીબાગનો અમારો બંગલો ગીરે મૂકવાની નોબત આવી છે!’ નણંદ ઉભરો ઠાલવતી હતી. બંને ભાભીઓ સ્તબ્ધ બનીને સાંભળતી હતી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP