Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-15

‘આપણા કુટુંબની જે દીકરી પહેલી પરણશે એને આ હાર આપવાનું મેં નક્કી કરી લીધું છે...’

  • પ્રકાશન તારીખ28 Jul 2018
  •  

પ્રકરણઃ 15

સાવ જુઠ્ઠું બોલીને શાલિનીએ મંજુબાના બહુમૂલ્ય હાર માટે જે દાવો કર્યો હતો એનો જડબાતોડ જવાબ ભાવિકાના મનમાં ગોઠવાઈ ચૂક્યો હતો. નણંદના ચહેરા સામે તાકીને એ શબ્દોની સચોટ પસંદગી કરીને ઉપજાવી કાઢેલી વાર્તા મલાવી મલાવીને સંભળાવી રહી હતી. શાલિનીની સાથે અલકા પણ ઉત્સુકતાથી દેરાણીની કથા સાંભળી રહી હતી. નાની ભાભી શું કહેવા માગે છે એની પૂરેપૂરી ટપ્પી નહોતી પડી એટલે શાલિનીના ચહેરા પર ઉચાટ હતો. દેરાણી ચાલાકીપૂર્વક નણંદને બાટલામાં ઉતારી રહી છે એ જોઈને અલકા ખુશ હતી.

નાની ભાભી શું કહેવા માગે છે એની પૂરેપૂરી ટપ્પી નહોતી પડી એટલે શાલિનીના ચહેરા પર ઉચાટ હતો. દેરાણી ચાલાકીપૂર્વક નણંદને બાટલામાં ઉતારી રહી છે એ જોઈને અલકા ખુશ હતી.

‘બેસતા વર્ષની સવારે મંજુબાએ એમની પ્રિય સોનેરી સિલ્કની સાડી અને એ જ મટિરિયલનું કોણી સુધીનું બ્લાઉઝ પહેર્યું હતું. દર બેસતા વર્ષે પહેલા ચાર-પાંચ કલાક એ ખાસ આ ડ્રેસ જ પહેરે છે એનો તો તમને પણ ખ્યાલ છે. પપ્પાજીએ ડાર્ક ક્રીમ કલરનો જોધપુરી કોટ પહેર્યો હતો. ગળામાં સોનાના સોલિડ મણકાની માળા પણ એમણે દર વર્ષની જેમ પહેરી હતી. મંજુબાએ હાથમાં હીરાની આઠ બંગડીઓ અને ગળામાં આ હાર પહેર્યો હતો. બંને રજવાડી ઠાઠથી સોફા ઉપર બેઠાં હતાં. ત્રણેય ભાઈઓ સૂટ-બૂટમાં સજ્જ હતા...’

આગળની કથા મગજમાં વધુ સારી રીતે ગોઠવાય એ માટે ભાવિકા લાંબી પૂર્વભૂમિકા બાંધીને સમય મેળવી રહી હતી.

‘શાલુદીદી, મારો ભૌમિક અને આદિત્યના આકાશને તો તમે સારી રીતે ઓળખઓ છો. વડના વાંદરા પાડે એવા એ તોફાની છે. આમ એકબીજા માટે જીવ આપી દે એવો પ્રેમ અને તોય એ બંને વચ્ચે ચડસાચડસી અને ક્યારેક તો ઢિશુમ ઢિશુમ પણ ચાલતું હોય. લડ્યા પછી પાંચમી મિનિટે એ બંને સાથે રમવા માંડશે એ વાતની મને અને અલકાદીદીને ખાતરી જ હોય. અમારા હીરાઓનાં લખ્ખણ અમે બંને સારી રીતે જાણીએ છીએ, એટલે બાળકોના ઝઘડામાં અમારી વચ્ચે ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી થતો...’

શાલિનીની સામે જોઈને એણે નાનકડા પ્રહાર કરવાની તક ઝડપી લીધી. ‘અમુક પરિવારમાં તો બાળકો મુદ્દે દેરાણી-જેઠાણી વચ્ચે તલવાર ખેંચવાનો સીન ભજવાય છે. ઈશ્વરનો આભાર કે અમારા બંનેની સમતા સારી છે...’

શાલિનીને જે સંભળાવવાનું હતું એ સંભળાવી દીધા પછી એણે આગળ કહ્યું. ‘આમ તો આ ચારેય બાળકો એમના વિભાકરકાકાના ચેલા છે. મારું, ભાસ્કરનું, અલકાદીદીનું કે આદિત્યભાઈનું કહ્યું એ લોકો કદાચ ના પણ માને, પરંતુ વિભાકરભાઈ એમના રિંગમાસ્ટર છે. વિભાકાકા, વિભાકાકા કહીને એ ચારેય જિમમાં શીખવા જાય એટલે એમના માટે એ સુપરમેન છે. અમારે કોઈ અણગમતી વાત બાળકોના ગળે ઊતરાવવી હોય તો વિભાકરભાઈની જ મદદ લેવી પડે. એ કહે એટલે બાળકો માની જાય.’

લગીર અટકીને ભાવિકા બબડી. ‘મૂળ વાતને બદલે હું થોડીક આડવાતે ચડી ગઈ. દિવાળીની રાત્રે મેં અને અલકાદીદીએ નક્કી કરેલું કે આ બેસતા વર્ષે બંને છોકરીઓને સાડી પહેરાવવી. પપ્પાજી અને મંજુબાને સુખદ આશ્ચર્યનો ઝાટકો આપવા માટે અમે એ પ્લાન કરેલો. અલકાદીદીએ આકાંક્ષાને સરસ સાડી પહેરાવી અને મેં પણ ભૈરવીને અપ ટુ ડેટ સાડી પહેરાવીને શણગારી. અલબત્ત, એ બંનેને સાડીમાં કમ્ફર્ટેબલ નહોતું લાગતું પણ અમે પટાવી દીધી કે દાદા-દાદીને સરપ્રાઈઝ આપવા માટે એકાદ કલાક જ સાડી પહેરવાની છે એ પછી મનગમતો ડ્રેસ પહેરી લેજો. આવી સમજાવટ પછી એ બંને રૂપાળી ઢીંગલીઓ જેવી તૈયાર થઈ ગઈ.’

આટલું બધું બોલવાથી ગળું સુકાયું હોય એમ એણે ટિપોઈ પરથી ગ્લાસ લઈને બે ઘૂંટડા પાણી પીધું.

‘મેં અગાઉ કહ્યુંને કે ભૌમિક અને આકાશ વચ્ચે કાયમ સ્પર્ધા થાય અને એમાંથી એ ઝઘડે. એ બંને દીકરાઓની તુલનામાં ભૈરવી અને આકાંક્ષા ખૂબ સમજદાર અને ડાહી. એમની વચ્ચે ક્યારેય ચડસાચડસી ના થાય...’

મોં મલકાવીને એણે નણંદ સામે જોયું. ‘પણ સાડી પહેર્યા પછી લોચો થાયો. જિંદગીમાં પહેલીવાર સાડી અને દાગીના પહેર્યા હતા એટલે અતિ ઉત્સાહમાં આવીને એ બંને મોબાઇલ સેલ્ફી લેવા મચી પડી. સેલ્ફી લઈને બંને પોતાની બહેનપણીઓને મોકલ્યા કરે. અડખેપડખે ઊભા રહીને પાડેલા સેલ્ફીના ફોટા જોઈને એમની કોઈ ચાંપલી બહેનપણીએ કોમેન્ટ કરી કે સાડીમાં તો આકાંક્ષા કરતાં ભૈરવીનો વટ પડે છે! એ જોઈને આકાંક્ષા અકળાઈ અને ભૈરવી આકાશમાં ઊડવા લાગી. મેં અને અલકાદીદીએ કહ્યું કે હવે થોડીવાર સેલ્ફી પ્રકરણ બંધ કરીને ચાવો, નીચે ઊતરો, દાદા-દાદીને સરપ્રાઇઝ આપવાનું છે. એમ નીચે આવ્યાં. ચૌદ-ચૌદ વર્ષની બંને પૌત્રીઓને પહેલીવાર સાડીમાં જોઈને પપ્પાજી રાજી થઈ ગયા. મંજુબાને તો એવું વહાલ ઉભરાયું કે ખુશ થઈને એ બંનેનો બાથમાં ભીંસી લીધી. પછી અમને કહ્યું કે એમની નજર ઉતારજો. ક્યારેક માવતરની મીઠી નજર પણ લાગી જાય છે. અચાનક મંજુલાનું ધ્યાન ગયું કે આકાંક્ષાએ સરસ મજાનો મોટો નેકલેસ પહેર્યો છે અને ભૈરવીએ માત્ર પાતળી ચેઈન જ પહેરી છે. મંજુલાએ તરત મારો ઉધડો લીધો. અલી ભાવિકા, આવા સપરમાં પરબે છોકરીને આટલી સરસ તૈયાર કરી તો ગળામાં સારો નેકલેસ તો પહેરાવવો જોઈએને...?’

આગળ બેલતાં અગાઉ ભાવિકાએ નણંદ સામે નજર કરી. ‘સેલ્ફીમાં પોતાનાં વખાણ થયાં એનાથી ભૈરવી હવામાં ઊડતી હતી. જબરજસ્ત ખુશમિજાજમાં હતી. એણે તો ઘડ દઈને મંજુબાના આ હાર ઉપર હાથ મૂકીને અધિકારપૂર્વક કહ્યું કે દાદી, નો પ્રોબ્લેમ! મારી મમ્મીની ભૂલ તમે સુધારી નાખો. આ હાર મને પહેરાવી દો તો સેલ્ફીમાં મારા ફોટા જોઈને બધી બહેનપણીઓનાં મગજ ચકરાઈ જશે. પપ્પાજી, મંજુબા, વિભાકરભાઈ, આદિત્યભાઈ અને ભાસ્કર બધા ત્યાં હાજર હતા. ભૈરવીની વાત સાંભળીને બધા હસી પડ્યા. એક માત્ર આકાંક્ષા ના હસી. એ તો આમેય ચિડાયેલી હતી. ભૈરવીએ હાર માગ્યો કે તરત એણે પણ દાદીનો હાથ પકડી લીધો. દાદી, પ્લીઝ આ હાર એને નહીં, મને આપો. વટ પાડવાની મારે જરૂર છે. ભૈરવી તો ભપકાદાર બની ગઈ છે, સેલ્ફીમાં હવે મારો વારો છે... મંજુબાનો જમણો હાથ ભૈરવીએ પકડ્યો હતો અને ડાબો હાથ આકાંક્ષાએ જકડી લીધો હતો. દાદીના આ એક હાર માટે બંને પૌત્રીઓ જીદે ચડી હતી...’

શાલિનીને ખ્યાલ ના આવે એવી સિફતથી અલકા સામે આંખ મિંચકારીને ભાવિકાએ આગળ બોલવાનું ચાલુ રાખ્યું.

‘એ બંને મંજુલાને વળગી પડી હતી એટલે પપ્પાજી ઊભા થઈને મેદાનમાં આવ્યા. બંને પૌત્રીઓના માથે હાથ મૂકીને એમણે હસીને સમજાવ્યું કે ઢબુડીઓ, તમારી દાદી જબરી છે. આ હારને તો એ મનેય અડવા નથી દેતી, તો તમારો ચાન્સ ક્યાંથી લાગશે? એ આવું બોલ્યા કે તરત મંજુબાએ એમની વાત કાપી નાખી. કહે કે તમારી વાત જુદી છે, આ બંને દીકરીઓ તો મારા જિગરનો ટુકડો છે. બંનેની સામે જોઈને મંજુબાએ વચન આપ્યું કે તમારા બંનેમાંથી જેનાં પહેલાં લગ્ન થશે એને એ સમયે આ હાર આપીશ!’

ભાવિકાએ કહ્યુંએ સાંભળીને શાલિનીનો ચહેરો ફિક્કો પડી ગયો. એની સામે નજર કર્યા વગર ભાવિકાએ આગળ કહ્યું.

‘હું પહેલાં લગ્ન કરીશ... આકાંક્ષાએ દાદીનો હાથ જોરથી પકડીને કહ્યું કે તરત ભૈરવીએ પણ મોઢું ખોલ્યું. જા.. જા...હવે તો હું જ પહેલાં લગ્ન કરીશ. એ ગાંડીએ તો મારી સામે જોઈને કહ્યું કે મમ્મી, ગેટ રેડી. તૈયારી શરૂ કરી દે...’

આ બંને છોકરીઓ ગાંડા જેવી ચડસાચડસી કરતી હતી એ જોઈને અમે બધા ખડખડાટ હસતા હતા. એ કોમેડી દૃશ્ય વચ્ચે મંજુબાએ ગંભીર બનીને મારી અને અલકાદીદીની સામે જોઈને વચનનું પુનરાવર્તન કર્યું. આ મજાક નથી... એમણે કહ્યું.. આપણા કુટુંબની જે દીકરી પહેલી પરણશે એને આ હાર આપવાનું મેં નક્કી કરી લીધું છે. બંને પૌત્રીઓને વહાલથી પડખામાં ખેંચીને એમણે ઉમેર્યું કે પહેલી પરણશે એને આ હાર મળશે પણ એના પછી જે પરણશે એને પણ આવો જ બીજો હાર બનાવડાવી આપીશ એટલે બેમાંથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’

આટલું બોલ્યા પછી ભાવિકા અટકી. નણંદને ચૂપ કરવા માટે જે કહેવાનું હતું એ બધું જ કહી દીધુ છે એ જણાવવા માટે એણે અલકા સામે નજર કરી. જોરદાર... અલકાએ આંખોથી જ એણે અભિનંદન આપીને બિરદાવી.

હજુયે છેલ્લો ઘા મારવાનો બાકી હતો. શાલિનીની આંખોમાં આંખો પરોવીને ભાવિકાએ કથાની પૂર્ણાહૂતિ કરી. ‘શાલુબહેન, મંજુબાએ બળેવના દિવસે તમને કહ્યું હશે એ વાત સાચી હોય તો પણ એ પછીના અઢી મહિનામાં એમનો વિચાર બદલાઈ ગયો હશે. મોટી ઉંમરની પરણેલી દીકરી કરતીં ઢબુડી જેવી નાનકડી પૌત્રીઓ ઉપર દાદી તરીકે એમને વધારે વહાલ ઊભરાયું હશે! ધેટ્સ ઓલ!’

શાલિનીનો ચહેરો ઝંખવાણો પડી ગયો હતો. ભાવિકાએ તદ્દન સાહજિકતાથી એટલી સરસ વાર્તા સંભળાવી હતી કે એ માન્યા વગર શાલિનીનો છૂટકો નહોતો. પોતાની દેરણીની ચાલાકી જોઈને મનોમન હરખાતી હતી.

આખા ડ્રોઇંગરૂમમાં અત્યારે એ ત્રણ સિવાય કોઈ હાજર નહોતું. સામે છબીમાં ગોઠવાઈ ગયેલાં મંજુબાના હોઠ પર સ્મિત ફરકતું હતું.

અલકા અને ભાવિકાની બધી બહેનપણીઓ આજે એક સાથે સંપ કરીને ખરખરો કરવા આવી હતી. સ્ત્રીઓનું એ આખું ટોળું આવ્યું ત્યારે શેઠ હરિવલ્લભદાસ ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર બેઠા હતા. પાંચેક મિનિટ બેસીને બધી બહેનો સામે હાથ જોડીને એ ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા હતા. બધી બહેનપણીઓની વિદાય પછી મંજુબાના હારની આ રામાયણ ચાલેલી. એ પછી બંને પુત્રવધૂઓ અને દીકરી મંજુબાની છબી સામે તાકી રહી હતી.

‘તમારું મહિલા મંડળ ગયું?...’ ડ્રોઇંગરૂમમાં આવીને હરિવલ્લભદાસે હસીને બંને વહુઓને પૂછ્યું. પછી વડીલ તરીકે સલાહ આપી.


‘આપણા દુઃખમાં સહભાગી થવા માટે જે કોઈ આવે, એ દરેક માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવાની. મંજુબા જીવતાં હતાં ત્યારે એમની આ પરંપરા હતી. બંગલે આવનારને ચા-નાસ્તા સિવાય એ જવા નહોતાં દેતાં..’

હરિવલ્લભદાસ આવ્યા એટલે એ ત્રણેય સોફા ઉપરથી ઊભા થઈ ગયા હતા. મંજુબાની છબી સામે તાકીને એ ત્રણેય બેઠા હતા એ જોઈને હરિવલ્લભદાસે કહ્યું, ‘એ પુણ્યશાળી આત્માને યાદ કરીને આખો દિવસ દુઃખી નહીં થવાનું. ફોટા સામે તાકીને આપણી આંખ ભીની થાય તોય એ આત્માને પીડા થાય...’

‘પપ્પાજી, અત્યારે તો મમ્મીજીના આ હારની વાત ચાલતી હતી...’ ભાવિકાએ સસરાને ગોળગોળ સમજાવ્યું. ‘શાલુદીદીએ કહ્યું કે બળેવના દિવસે મમ્મીજીએ આ હાર એમને આપવાની વાત કહેલી. એ પછી મેં એમને યાદ કરાવ્યું કે બળેવના અઢી મહિના પછી દિવાળી આવી ત્યારે મમ્મીજીએ બહુ પ્રેમથી અલકાદીદીની દીકરી આકાંક્ષાને લગ્ન સમયે હાર આપવાનું વચન આપેલું... બસ એની જનરલ ચર્ચા ચાલતી હતી...’

‘એ પુણ્યશાળી આત્માને યાદ કરીને આખો દિવસ દુઃખી નહીં થવાનું. ફોટા સામે તાકીને આપણી આંખ ભીની થાય તોય એ આત્માને પીડા થાય...’

‘અરે ભાઈ, હું હજુ જીવતો છું. તમારે કોઈએ આવા નિર્ણય લેવાની જરૂર નથી..’ પુત્રી અને બંને પુત્રવધૂઓ સામે જોઈને હરિવલ્લભદાસે રણકતા અવાજે સ્પષ્ટતા કરી. ‘માત્ર આ હાર નહીં, મંજુલાની યાદગીરી રૂપે એના તમામ દાગીના અત્યારે તો મારી તિજોરીમાં છે. એ બધાનું શું કરવું એ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય સમયે આવશે ત્યારે મારી મરજીથી નિર્ણય કરીશ...’ ત્રણેયની સામે વારાફરતી આંગળી ચીંધીને એમણે રોકડું પરખાવ્યું. ‘મારી મરજીમાં તમારા ત્રણેયનું કંઈ નહીં ચાલે. કોઈનેય અન્યાય નહીં થાય એનું ધ્યાન રાખીશ એ છતાં અંતિમ ચુકાદો તો મારો જ રહેશે. વિભાકર, આદિત્ય કે ભાસ્કરનું પણ એમાં કંઈ નહીં ચાલે. એમણે પણ મારો નિર્ણય માન્ય રાખવો પડશે...’

એમના અવાજમાં સરમુખત્યારશાહી પડઘાતી હતી. ત્રણેય શ્રોતાઓ સ્તબ્ધ હતા.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP