Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-22

‘હી ઇઝ જીનિયસ. માણસને પારખવાની એની સૂઝ કમાલની છે. પણ મેં કહ્યું ને? એના મગજનું ઠેકાણું નહીં’ 

  • પ્રકાશન તારીખ04 Aug 2018
  •  

પ્રકરણઃ22
‘વિભાકરને આ હવાલો સોંપી દેવામાં એક તકલીફ છે...’ આદિત્યે આવું કહ્યું એટલે અલકા જિજ્ઞાસાથી એની સામે જોઈ રહી.

‘વિભાકર પપ્પા સામે પણ મોં ખોલી શકે છે. ઝનૂનમાં આવીને એ જોરદાર દલીલ કરે ત્યારે પપ્પાએ પણ પોતાનો નિર્ણય બદલવો પડે છે એ મેં જોયેલું છે. એ છતાં, મૂળ વાત એ છે કે આ કામ માટે એ તૈયાર થશે કે નહીં એનો કોઈ ભરોસો નહીં...’

‘વિભાકરને કોઈની સાડી બાર નથી એ કબૂલ, એ ધારે એ કરી શકે છે એ વાત કબૂલ, પરંતુ એના વર્તનની આગાહી કરવાનું કામ લગભગ અશક્ય છે. હી ઇઝ એ અનપ્રીડિકેબલ પર્સન.

વિચારવા માટે એ થોડી વાર અટક્યો. ‘વિભાકરને કોઈની સાડી બાર નથી એ કબૂલ, એ ધારે એ કરી શકે છે એ વાત કબૂલ, પરંતુ એના વર્તનની આગાહી કરવાનું કામ લગભગ અશક્ય છે. હી ઇઝ એ અનપ્રીડિકેબલ પર્સન. એ મન મોજી કઈ પળે કેવું વર્તન કરશે એની કલ્પના કરવાનું કામ સરળ નથી. ધારો કે હું એને કહું કે સુભાષકુમાર અને શાલિની દોઢ કરોડ રૂપિયા માટે ખોટી સ્ટોરી બનાવીને પપ્પાને મળવાના છે. એ વાત સાંભળીને વિભાકર કદાચ એમ પણ કહે કે નો પ્રોબ્લેમ. મોટી બહેન છે, દોઢને બદલે ભલે બે કરોડ લઈ જાય. પપ્પાને પૈસાની ક્યાં ખોટ છે?- એ આવું બોલે તોય મને નવાઈ ના લાગે. એના દિમાગનો અગાઉથી તાગ ના મેળવી શકાય. એ મનમોજી છે. ક્યારેક ત્રીસ રૂપિયા માટે કોઈની સામે તલવાર ખેંચેને દાનેશ્વરી કર્મ બનીને ક્યારેક કરોડ રૂપિયા પણ જતા કરે એનો સ્વભાવ છે..’

આટલું કહ્યા પછી એણે નિખાલસતાથી કબૂલ કર્યું. ‘હું, ભાસ્કર કે પપ્પા વિચારી પણ ના શકીએ એવા આઇડિયા એ શોધી કાઢે છે. હી ઇઝ જીનિયસ. માણસને પારખવાની એની સૂઝ કમાલની છે. પણ મેં કહ્યું ને? એના મગજનું ઠેકાણું નહીં.’

‘એ છતાં, એમને વિશ્વાસમાં લઈને વાતતો કરો...’ અલકાએ પોતાની વાતનું પુનરાર્વન કર્યું.‘એમાં આપણે કંઈ ગુમાવવાનું તો છે નહીં. એમને ધૂતારાઓ પ્રત્યે નફરત છે એને લીધે એ કંઈક કરશે એવું મને લાગે છે..’

અલકા સામે જોઈને આદિત્યે પરાજય સ્વીકારી લીધો. ‘ઓ.કે બાબા, ઓ.કે... કાલે એને વાત કરીશ...’

જમણી તરફના પહેલા ઓરડામાં આદિત્ય અને અલકા વાત કરી રહ્યા એ વખતે ડાબી બાજુના પહેલા ઓરડામાં ભાસ્કર અને ભાવિકા પણ જાગતાં જ હતાં. ‘એ ચાંપલીએ હાર લેવા માટે ચતુરાઈથી પ્લાન બનાવ્યો, પણ એનું માથું ભાંગે એવી વાર્તા બનાવીને મેં એને મૂંગી કરી દીધી. કાળુંધબ મોઢું થઈ ગયું હતું...’ પન્નાના હારનો પ્રંસગ કહેતી વખતે ભાવિકાના અવાજમાં ગર્વ છલકાતો હતો.

ત્રણેય ભાઈઓમાં ભાસ્કર સૌથી ઓછું બોલતો હતો. ઓરડામાં પતિ-પત્ની એકલાં હોય ત્યારે પણ ભાવિકા જે બોલે એ શાંતિથી સાંભળવાની એની આદત હતી.

‘પન્નાના હારનું સપનું રોળાઈ ગયું એટલે એ હિંમત હારી ગઈ છે એવું ના માનતા. એણે અને સુભાષકુમારે મળીને બાપાને દોઢ કરોડમાં ખંખેરવાનો પ્લાન બનાવી નાખ્યો છે..’ એ આખો પ્રસંગ વર્ણવીને બબડી. ‘નણંદબાએ નફ્ફટ બનીને દોઢ કરોડના દેવાની વાત કરી ત્યારે મેં કોઈ પ્રતિભાવ ના આપ્યો. દિયર-દેરાણીની જોડે સંપીને રહેવાની સલાહ આપી. પણ અલકાદીદી બહુ દયાળુ છે. નણંદની દયા ખાઈને એમણે રસ્તો બતાવ્યો કે તમે પપ્પાજીને વાત કરો. જોકે એમણે પગ પકડવાના જ હતા.’

થોડું વિચારીને એણે સલાહ આપી. ‘હારના ધતિંગમાં તો હું એમને પહોંચી વળી, પણ પૈસાના મામલામાં પપ્પાજીને કહેવાનું મારું કામ નહીં. તમે ત્રણેય ભાઈઓ મળીને પપ્પાજી પાસે એમનો ભાંડો ફોડી નાખો તો મજા આવે! બધાને મૂરખ સમજીને એ બંને આકાશમાં ઊડે એ કઈ રીતે ચાલે?’

‘ચાલે નહીં, પણ ચલાવવું પડે.’ ભાસ્કરે શાંતિથી સમજાવ્યું. ‘શાલિની અને સુભાષકુમાર સાચું કહે છે કે ખોટું એ તો ઈશ્વર જાણે પણ પોતાની આબરૂનો ધજાગરો થશે એવું દીકરી-જમાઈ રડીને કહે ત્યારે શેઠ હરિવલ્લભદાસે હાર સ્વીકારવી પડે. દીકરી માટે એ જે નિર્ણય કરે એમાં અમારાથી દાખલ ના કરાય.’

‘એમની બુદ્ધિ ગણો કે દુર્બુદ્ધિ પણ એને સલામ કરવી પડે.’ ભાવિકાએ યાદ કરીને કહ્યું. ‘વાત વાતમાં પપ્પાજી બોલી ગયા કે દેહનો કોઈ ભરોસો નહીં, દસેક દિવસમાં વિલ બનાવી નાખીશ... વિલ બનાવતી વખતે ભાણી-ભાણિયાને પપ્પાજી ભૂલી ના જાય એ માટે શાલુબહેન સાવધ છે. એમનો પ્રશાંત અને પરિધિ પપ્પાજીની આંખ સામે રહે એ માટે તમે જોજો, ફોનાફોની થઈ ગઈ હશે. એ બંને પણ આજકાલમાં આ બંગલામાં આવી જશે...’ મોં મચકોડીને એણે ઉમેર્યું. ‘આપણાં ભૌમિક અને ભૈરવીને એ બંને સાથે જરાયે નથી બનતું. એ બંનેનો સ્વભાવ વિચિત્ર છે કે છેલ્લે આવીને બે દિવસ રોકાયેલા ત્યારે અલકાદીદી પણ કંટાળી ગયા હતાં. એમના આકાશ અને આકાંક્ષાને તો પ્રશાંત અને પરિધિ સાથે વાત કરવાનુંયે નથી ગમતું...’

‘બાળકોના ગમા-અણગમામાં આવું બધું તો ચાલ્યા કરે.’ ભાસ્કર તટસ્થ રીતે વિચારી શકતો હતો. એણે પત્નીને સમજાવ્યું. ‘થોડીવાર સાથે રમે તો એમના સંબંધોમાં સુમેળ સ્થપાઈ જાય. એમના ઝઘડાને ગંભીરતાથી ના લેવાય...’ એણે પોતાની લાચારી દર્શાવી. ‘સુભાષકુમારનો સ્વભાવ પણ એવો છે કે કાયમ એમની સાથે રહેવાનું હોય તો અમારા ત્રણમાંથી એકેય ભાઈને ના ફાવે. આ તો મમ્મીનું અવસાન થયું એટલી શેરડી પાછળ એરડી જેવો ઘાટ થયો. માતાની ઉત્તરક્રિયા સુધી દીકરી પિયરમાં રહે એ તો સામાજિક પરંપરા છે. આપણે ત્યાં તો શાલુબહેન સાથે સુભાષકુમારે પણ ધામા નાખ્યા છે! પપ્પાને મનમાં એમ છે કે બિચારો જમાઈ સાથે રહીને દીકરાઓને બધા કામમાં મદદ કરે છે, પમ એ સાવ સાથે પડેલો છે. એના પર ભરોસો મૂકીને કોઈ કામ ના સોંપાય. તું કોઈના દેખતા વાત ન કરતી પમ આપણો જમાઈ જબરો કટકીબાજ છે!’

‘હું કંઈ સમજી નહીં...’ ભાવિકાએ ભોળા બનીને પૂછ્યું. ‘એ શેમાં કટકી કરે?’

‘પૈસા માટે એ શું ના કરે એ જ સવાલ છે...’ અવાજમાં પીડા સાથે એણે ધીમેથી કહ્યું. ‘કોઈને કહેતા પણ શરમ લાગે એટલી હદે એ હલકો છે. મમ્મીના અગ્નિસંસ્કાર સમયે સુખડનાં લાકડાં લાવવા એ સાહેબ ગયા હતા. એમાંય એણે ચાર હજાર રૂપિયાની ચાલાકી કરેલી! અમને ત્રણેય ભાઈઓને આ વાતની ખબર છે પણ કરવાનું શું?...’ આટલું કહ્યા પછી એણે ભાવિકાને તાકીદ કરી. ‘ભૂલેચૂકેય આ વાતનો ક્યાંય ઉલ્લેખ ના કરતી. આટલી નાની રકમ માટે અને એ પણ આવા પ્રસંગે કટકી કરે એવા તિકડમબાજને જો તોતિંગ તક મળે તો એ શું ના કરે?’

‘ચાર હજાર રૂપૈડી માટે આટલી હલકાઈ?...’ ભાવિકાએ ધિક્કારથી મોં મચકોડ્યું. ‘આપણા બંગલાનો કોઈ નોકર પણ આવી નીચતા ના દેખાડે. આ તો અધમતાની પરાકાષ્ઠા કહેવાય!’

‘ફરગેટ ઇટ...’ ભાસ્કરે આદેશ આપ્યો. ‘આપણી વચ્ચે આ વાત થઈ જ નથી એમ માનીને ભૂલી જજે. કમનસીબે એ આપણો બનેવી છે. બહેન-બનેવીનો સંબંધ સાચવવા માટે કડવા ઘૂંટડા ગળી જવા પડે..’

આ વાતચીત દરમિયાન ભાવિકાનું મગજ શાંત નહોતું. સ્વામી હરિહરાનંદના શબ્દો વચ્ચે વચ્ચે કાનમાં પડઘાતા હતા. એમણે જ્યારે આગાહી કરી ત્યારે પોતે અલકા અને શાલિની ત્રણેય હાજર રહ્યાં હતાં. પપ્પાજીએ ત્રણેયને હુકમ કર્યો હતો કે આ વાત તમારે તમારા પતિને કહેવાની નથી.

પપ્પાજીએ તો ના પાડી છે, પણ શાલુબહેને આ વાત સુભાષકુમારને કરી હશે કે નહીં? નાની નાની વાત પણ એ એના વરને કહી દે છે, તો આટલી મોટી વાત કહ્યા વગર એ કઈ રીતે રહી શકે? એમણે સો ટકા સુભાષકુમારને કહી દીધું હશે... ભાવિકાની વિચારયાત્રા ચાલુ હતી... અલકાદીદી આમ તો આજ્ઞાંકિત છે, પપ્પાજીની ઉપરવટ જવાની હિંમત એ ક્યારેય ના કરે, પમ આ આગાહીથી એ ફફડી ગયા છે. ફફડાટમાં ને ફફડાટમાં એ જાત ઉપરનો કાબૂ ગૂમાવી બેસે, પપ્પાજીનો આદેશ ભૂલીને આદિત્યને ચેતવી દેવા માટે પણ વાત કરે એ શક્ય છે...

ધારો કે એ બંનેએ એમના પતિની પાસે પેપર ફોડી નાખ્યું હોય તો પછી હું એકલી શા માટે બાકી રહ્યું? મનો મન પોતે જ કલ્પના કરીને ભાવિકાએ નક્કી કરી લીધું કે ભાસ્કરના ધ્યાન ઉપર પણ આ વાત લાવવી જોઈએ.

‘આપણે સિદ્ધપુર ગયેલા ત્યારે પેલા અઘોરીએ શાપ આપેલો એ યાદ છે તમને?’

ભાસ્કર ચમક્યો. ભાવિકાએ અત્યારે આ વાત કેમ યાદ કરી. ‘અરે ગાંડી, એ કોઈ સાધુ પુરુષ નહોતો, ગંજેરી હતો. એવા બેવકૂફ ભિખારીના બકવાસને યાદ રાખીને શું કરવાનું? એ કોઈ સંત-મહાત્મા નહોતો.’

‘હવે મારી વાત ધ્યાનથી સાંભળો...’ પતિની વધુ નજીક સરકીને ભાવિકાએ કહ્યું. ‘એ અઘોરીએ શાપ આપેલો કે એક જ મહિનામાં તમારે બીજો અસ્થિકુંભ લઈને આવવું પડશે. રાઇટ?’

એ શું કહેવા માગે છે એ સમજાતું નહોતું છતાં ભાસ્કરે હકારમાં માથું હલાવ્યું.

‘તમે કહો છો કે એ કોઈ સાધુ-મહાત્મા નહોતો...’ ભાવિકાએ તર્કબદ્ધ રીતે શબ્દો ગોઠવ્યા. ‘ડૉક્ટર દિનુકાકા આપણે ત્યાં એક મહાત્માને લઈને આવેલા. હિમાલયમાં રહેતાએ સંન્યાસીનું તેજ જોઈને અનાયાસે જ હાથ જોડાઈ જોય એવો એમનો પ્રભાવ હતો. કરૂણા વરસાવતી એમની આંખોમાં માનવામાં ના આવે એવી અલૌકિક તાકાત હતી. સોફા પર બેઠે હતા ત્યાંથી અચાનક ઊભા થઈને એમણે આખા ડ્રોઇંગરૂમમાં ચક્કર માર્યું ત્યારે એ વ્યગ્ર હતા અને અચાનક વાતાવરણ ભારેખમ થઈ ગયું હોય એવું તો મને પણ લાગેલું...’

આગળ બોલતી વખતે ભાવિકાનો અવાજ ધ્રૂજતો હતો. ‘એમણે ચોખ્ખું કહ્યું કે હજુ પણ આ બંગલામાં મોતના ઓળા ઘૂમી રહ્યા છે...’ ટૂંક સમયમાં જ યમરાજ બીજા કોઈનો જીવ લેવા આવશે...’ ભાસ્કરનો હાથ પોતાના હાથમાં જકડીને એ બબડી. ‘પપ્પાજીએ આ વાત કોઈનેય કહેવાની ના પાડી છે એટલે તમેય મનમાં જ રાખજો. તમે બધીય રીતે સાવધ રહો એટલે તમને કીધું. કાર ધ્યાનથી ચલાવજો અને બહાર ખાવા-પીવામાં ધ્યાન રાખજો...’ એનો અવાજ વધુ ગંભીર બન્યો. ‘પેલાએ શાપ આપ્યો અને આ મહાત્માએ આગાહી કરી-એ જોગાનુજોગથી ખરેખર બીક લાગે છે... તમે સાચવજો.’

‘એમણે ચોખ્ખું કહ્યું કે હજુ પણ આ બંગલામાં મોતના ઓળા ઘૂમી રહ્યા છે...’ ટૂંક સમયમાં જ યમરાજ બીજા કોઈનો જીવ લેવા આવશે...’ ભાસ્કરનો હાથ પોતાના હાથમાં જકડીને એ બબડી.

‘અરે મેડમ! આવી બીક નહીં રાખવાની...’ ભાસ્કરે હસીને પત્નીને સમજાવી. ‘ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની અને મન ઉપ ભાર નહીં રાખવાનો. આપણે કોઈનું બગાડ્યું ના હોય તો ઉપરવાળો આપણું અહિત ક્યારેય ના કરે. સાવધાની રાખી રાખીને તમે કેટલી રાખો? ટ્રેનના અકસ્માત થાય છે. પ્લેન ક્રેશ થાય છે, એમાં માણસ શું કરી શકે? રસ્તા પર ચાલતા માણસના માથે ઉપરથી ઈંટ પડે તો?’

રાત્રે બાર વાગ્યે ભાસ્કર ભાવિકાને સમજાવી રહ્યો હતો એ વખતે નીચે હરિવલ્લભદાસના ઓરડામાં શાંતિ હતી. માત્ર એમના નસકોરાંનો ધીમો અવાજ રૂમમાં પડઘાતો હતો. એમની બાજુનો રૂમ વિભાકરનો હતો. પલંગ પર પગ લંબાવીને તકિયાના ટેકે એ બેઠો હતો. સામે વિશાળ ટીવીના સ્ક્રીન ઉપર સ્પોર્ટ્સની ચેનલમાં ટેનિસની કોઈ જૂની રોમાંચક મેચનું પુનઃપ્રસારણ એ જોઈ રહ્યો હતો. રિંગ વાગી એટલે એણે મોબાઇલ ઉઠાવ્યો. ‘જયરાજ, ચિંતા ના કર...’ સામા છેડેથી જે કહેવાયું એ સાંભળીને એણે કહ્યું. ‘હું આવું છું. અર્ધો કલાકમાં જ મણીનગર પોલીસ સ્ટેશને પહોંચું છું. તું ત્યાં જ રહેજે.’
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP