Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-23

‘આપનો પ્રત્યક્ષ પરિચય તો આજે થયો પરંતુ પરોક્ષ રીતે તો લાંબા સમયથી.. લગભગ છએક વર્ષથી ઓળખું છું.’

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

પ્રકરણઃ23

વિભાકર આશ્રમ રોડ પરની કૉલેજમાં દાખલ થયો એ સમયે પહેલા પંદર દિવસમાં જ એણે યમરાજ અને જયંતીને પોતાની પાંખમાં લઈ લીધા હતા. કૉલેજનાં ચારેય વર્ષ દરમિયાન રામભક્ત હનુમાનની માફક એ બંને સતત વિભાકરની સાથે રહ્યા હતા. એ સમયગાળા દરમિયાન વિભાકરે એ બંનેની નિષ્ઠા અને ધગશ પારખી લીધી હતી. ગ્રેજ્યુએશન પત્યા પછી મધ્યમ વર્ગના એ બંને યુવાનો નોકરી માટે ફાંફા મારી રહ્યા ત્યારે હરિવલ્લભદાસને વાત કરીને વિભાકરે એ બંનેને પોતાની ઑફિસમાં જ ગોઠવી દીધા હતા. બંને પૂરી ઈમાનદારીથી નોકરી કરી રહ્યા હતા. આદિત્ય કે ભાસ્કર જેટલો જ વિશ્વાસ વિભાકરને એમની ઉપર હતો.

અમુક જગ્યાએ જવાનું હોય ત્યારે યુનિફોર્મવાળો ડ્રાઇવર સાથે રાખવાથી ફેર પડે છે એ જ્ઞાન એણે અનુભવના આધારે મેળવ્યું હતું. લોકોની જોવાની નજર બદલાઈ જાય છે.

અત્યારે રાત્રે બાર વાગ્યે જયરાજનો ફોન આવ્યો એટલે વિભાકર ચમક્યો. જયરાજે ધ્રૂજતા અવાજે કહ્યું એ સાંભળીને વિભાકર મણિનગર પોલીસ સ્ટેશને જવા તૈયાર થઈ ગયો. ઓરડાની બહાર નીકળતાં અગાઉ બે હજારની નોટનાં બે બંડલ જિન્સનાં બંને ખિસ્સાંમાં મૂકી દીધાં.

ડ્રાઇવર ભીખાજી બીજા નોકરોની સાથે બંગલાની પાછળના આઉટહાઉસમાં રહેતો હતો. એ અત્યારે જાગતો હશે? ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને વિભાકરે એનો નંબર જોડ્યો. પહેલી રિંગે જ ભીખાજીએ કહ્યું. ‘જી સાહેબ...’ ‘અલ્યા, હજુ ઊંઘ્યો નથી?’ વિભાકરે પૂછ્યું.

‘આજે બપોરે કંઈ કામ નહોતું એટલે જમીને ઊંઘી ગયેલો. એને લીધે અત્યારે જાગતો જ પડ્યો હતો.’

‘વેરી ગુડ. ફટાફટ યુનિફોર્મ પહેરીને આવી જા.’

સામાન્ય સંજોગોમાં વિભાકર જાતે જ કાર ચલાવતો હતો. પરંતુ અમુક જગ્યાએ જવાનું હોય ત્યારે યુનિફોર્મવાળો ડ્રાઇવર સાથે રાખવાથી ફેર પડે છે એ જ્ઞાન એણે અનુભવના આધારે મેળવ્યું હતું. લોકોની જોવાની નજર બદલાઈ જાય છે.

‘મણિનગર પોલીસ સ્ટેશન...’ ભીખાજી આવ્યો એટલે એને સૂચના આપીને વિભાકર પાછળની સીટ પર ગોઠવાયો.

જયરાજનો પુત્ર સૌરભ બાવીસ વર્ષનો હતો. ગયા વર્ષે જ એને બૅન્કમાં નોકરી મળી હતી. રાત્રે પોણા અગિયાર વાગ્યા સુધી એક મિત્રને ત્યાં પાર્ટીમાં રોકાયો હતો. ત્યાંથી બાઇક લઈને ઘેર આવતો હતો ત્યારે જવાહર ચોક પાસે એ સ્પીડમાં હતો અને એની આગળ પોલીસની જીપ હતી. પોલીસે અચાનક બ્રેક મારી એટલે જીપ અટકી ગઈ સૌરભે પણ બ્રેક મારી એ છતાં એની બાઇક ધડાકા સાથે જીપની પાછળ અથડાઈ અને જીપની પાછળની લાઇટ તૂટી ગઈ.

સૌરભની બાઇકને પણ ખાસ્સું નુકસાન થયું હતું. જીપમાંથી ઊતરીને હેડ કોન્સ્ટેબલે સૌરભને તમાચો માર્યો એટલે સૌરભની પણ કમાન છટકી. ગુસ્સાના આવેશમાં એ બે-ત્રણ ગાળ બોલ્યો અને બીજો તમાચો મારવા માટે કોન્સ્ટેબલનો ઊંચો થયેલો હાથ એણે પૂરી તાકાતથી જકડી લીધો. બસ, આ એનો ગુનો. જીપમાં એ વખતે મણિનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બેઠા હતા. એ લોકો સૌરભને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ફોન ઉપર આટલી માહિતી. આપીને જયરાજ ઢીલો થઈ ગયો હતો એ પોતે જઈને ઇન્સ્પેક્ટરને કરગર્યો હતો પણ ઇન્સ્પેક્ટરે ચોખ્ખું પરખાવી દીધું કે પોલીસ પર હુમલો કરવાની હિંમત કરનારા તારા દીકરાએ તો સળિયા ગણવા જ પડશે! અનો આવો જવાબ સાંભળ્યા પછી જયરાજને દીકરાની નોકરીની ચિંતા હતી. એટલે એણે વિભાકરને ફોન કર્યો હતો.

રસ્તાઓ પર નહિવત્ ટ્રાફિક હતો એટલે ભીખાજીએ પંદર મિનિટમાં કારને પોલીસ સ્ટેશને પહોંચાડી દીધી. ‘અંદર ઘુસાડીને પેલી જીપની પાસે જ ઊભી રાખ...’ વિભાકરે એને સૂચના આપી.

ત્રણ કોન્સ્ટેબલ બિલ્ડિંગના ઓટલા પાસે ઊભા રહીને ચાની ચુસકી લઈ રહ્યા હતા. એ ત્રણેય કારની સામે તાકી રહ્યા. ભીખાજીએ નીચે ઊતરીને વિભાકર માટે કારનું બારણું ખોલી આપ્યું. વિભાકર પૂરા આત્મવિશ્વાસ સાથે કારમાંથી બહાર આવ્યો અને ચારે તરફ નજર ફેરવી. પેલા ત્રણ કોન્સ્ટેબલમાંથી એક ચાના કપ સાથે જ ઝડપથી સરકીને અંદર ગયો. એ જોઈને વિભાકરના હોઠ મલક્યા. અંદર જઈને એ કોન્સ્ટેબલ એના સાહેબને વધામણી આપશે કે દોઢ કરોડની ગાડી લઈને કોઈ મોટો શેઠિયો આવ્યો છે! બકરા આ ગયા!

ઇન્સ્પેક્ટરની ચેમ્બરની બહાર બાંકડા ઉપર જયરાજે બે હાથ વચ્ચે માથું પકડીને બેઠો હતો. જયંતી અને બીજા બીજા બે મિત્રો એની બાજુમાં બેઠા હતા. વિભાકરને જોઈને એ બધા ઊભા થઈ ગયા. જયરાજના નિરાશ ચહેરા પર થોડીક રાહતની લાગણી છલકાઈ. વિભાકરના હાથ એણે પોતાના હાથમાં જકડી લીધા.

ચેમ્બરની બહાર ઇન્સ્પેક્ટરની નેઇમ પ્લેટ સામે વિભાકર જોઈ રહ્યો હતો એ જ વખતે પેલો ચાડી ખાવા દોડી ગયેલો કોન્સ્ટેબલ હાથમાં ચાના કપ સાથે ચેમ્બરમાંથી બહાર નીકળ્યો.

‘પાઠકસાહેબ ફ્રી છે?’ વિભાકરે હાથના ઈશારાથી એને રોકીને પૂછ્યું. ‘જી. બેઠા જ છે.’ જવાબ આપીને એ જતો હતો ત્યારે વિભાકરે વિચાર્યું કે એ કોન્સ્ટેબલ મનોમન શું બબડ્યો હશે.. જાવ.. જાવ.. અંદર જાવ તમને વધેરી નાખવા એ તૈયાર થઈને બેઠા છે!

જયરાજના ખભે હાથ મૂકીને વિભાકરે એને ધરપત આપી કે જરાયે ચિંતા ના કર. હું આવી ગયો છું. જયંતી અને બીજો એક મિત્ર ચેમ્બરમાં સાથે આવવા ઉત્સુક હતા પણ એ બધાને ત્યાં બાંકડા પાસે જ રહેવાનું કહીને વિભાકર એકલો આગળ વધ્યો.

‘પાઠકસાહેબ, અંદર આવું?’ એણે બારણે ઊભા રહીને પૂછ્યું.

‘યસ, કમ ઈન..’ વિભાકરના પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે પોતે ઝાંખો ના પડે એટલે પાઠકે અંગ્રેજીમાં આવકાર આપ્યો. કોન્સ્ટેબલે જે બાતમી આપી હતી એના આધારે આ માલદાર બકરાને સાચવીને પતાવટ કરવાની હતી.

વિશાળ ટેબલની પેલી તરફ રિવોલ્વિંગ ખુરસીમાં બેસીને પાઠક વિભાકરનું નિરીક્ષણ કરીને કેટલો કસ નીકળશે એનો તાગ મેળવી રહ્યો હતો. ટેબલ પર લીલા રંગના ટેબલક્લોથ પર ટેલિફોન, પાઠકના બે મોબાઇલ, થોડીક ફાઇલો, પેપર વેઇટ વગેરે પડ્યું હતું. ટેબલની આ તરફ મુલાકાતીઓ માટે ચાર ખુરસીઓ હતી. રૂમના એક ખૂણામાં સૌરભ નીચું જોઈને સ્ટૂલ ઉપર બેઠો હતો.

‘બેસો..’ પાઠકે ખુરસી તરફ ઈશારો કર્યો. થેન્ક્સ કહીને વિભાકર એની સામેની ખુરશી પર ગોઠવાયો.

‘માયસેલ્ફ વિભાકર. વિભાકર હરિવલ્લભદાસ..’ પાઠકને પોતાનો પરિચય આપીને વિભાકરે સૌરભ તરફ આંગળી ચીંધી. ‘આ છોકરાએ થોડી બદતમીઝી કરી એટલે આપ એને પકડી લાવ્યા એમાં એના પપ્પા ગભરાઈ ગયા છે. તેમણે મને ફોન કર્યો એટલે મિત્ર તરીકે મારે આવવું પડ્યું..’ એણે હસીને ઉમેર્યું. ‘હવે આ કેસ મારે સંભાળવાનો છે. બોલો સાહેબ, શું કરીશું?’

એ કંઈ જવાબ આપે એ અગાઉ વિભાકરે સૌરભ સામે નજર કરી. ‘સૌરભ, આવી મૂર્ખામી કરાય? અત્યારે શહેરમાં પોલીસભાઈઓની કેવી દશા છે એનો તને ખ્યાલ નથી? કોર્ટ આ લોકોના સાહેબને બોલાવીને આદેશ આપે એટલે સાહેબ એકએક પોલીસ સ્ટેશનને દોડતું કરી દે. ઉપરથી સાહેબનું પ્રેશર હોય અને આ બાજુ પબ્લિક વિફરેલી હોય એટલે ચોવીસેય કલાક ટેન્શનમાં રહેવું પડે. એવા આકરા ઉચાટમાં કોઈનું પણ મગજ ઠેકાણે ના રહે. જમનાદાસસાહેબે ઉશ્કેરાટમાં તને તમાચો માર્યો એ વખતે એમની દશા વિચારીને તારે ચાલતી પકડવાની જરૂર હતી, એમના પર હુમલો ના કરાય.’

‘એમણે મને મારેલો...’ સૌરભ રડમસ અવાજે બબડ્યો. ‘એ વધુ મારે નહીં એટલે મારી જાત બચાવવા માટે મેં થાલી એમનો હાથ પકડી રાખેલો..’

એ દરમિયાન પેલા ત્રણેય કોન્સ્ટેબલ આવીને ઓરડાના ખૂણામાં ઊભા રહી ગયા હતા.

‘તારી એ દલીલ ના ચાલે, સૌરભ!..’ વિભાકરે સમજાવ્યું. ‘ઇન્ડિયન પીનલ કોડમાં સ્વરક્ષણના અધિકાર માટે એકાણુંથી એકસો છ નંબર સુધીની જે કલમ છે, એમાં નવ્વાણું નંબરની કલમ બહુ મહત્ત્વની છે. પોલીસ જ્યારે ફરજ ઉપર હોય ત્યારે સ્વરક્ષણ માટે પણ તમે એમને અટકાવી ના શકો... એમનો હાથ પણ ના રોકી શકાય. સમજાવ્યો?’

‘એણે હસીને પાઠક સામે જોયું’ મારી વાત સાચી છેને, સાહેબ? પોલીસ અધિકારી યુનિફોર્મમાં તમારી સામે હોય ત્યારે આ કલમ તમને સ્વબચાવ કરતા પણ રોકે છે...’

‘મને એમ કે તમે જમીન અને કન્સ્ટ્રક્શનનો કારોબાર સંભાળો છો...’ પાઠક પણ હસી પડ્યો. ‘આવું નોલેજ હશે એ ખ્યાલ નહોતો.’

‘પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે સારું બને છે એટલે એમના જ્ઞાનનો લાભ મળે છે..’ સહેજ અટકીને એણે ઉમેર્યું. ‘આમ તો આપને પણ સારી રીતે ઓળખું છું.’

‘મને કઈ રીતે ઓળખો?’ પાઠકે જિજ્ઞાસાથી પૂછ્યું. ‘એ સિક્રેટ આપણે બે એકલા હોઈએ ત્યારે જ કહેવાય એવું છે.’ વિભાકરે ઊભેલા કોન્સ્ટેબલો તરફ નજર કરી. પાઠકે તરત ઈશારો કર્યો એટલે એ ત્રણેય ઓરડામાંથી બહાર નીકળી ગયા. ‘આ બાળકને પણ સાંભળવા જેવી વાત નથી...’ વિભાકર તરફ ઈશારો કરીને પાઠકને કહ્યું. ‘એ ભાગી નહીં જાય એ મારી ગેરંટી. એને બહાર એના પપ્પા પાસે મોકલી દો.’

વિભાકરના અવાજમાં સત્તાવાહી રણકો હતો અને પાઠકની જિજ્ઞાસાથી તીવ્ર બની હતી એટલે એણે સૌરભને પણ રવાના કર્યો.

‘આપનો પ્રત્યક્ષ પરિચય તો આજે થયો પરંતુ પરોક્ષ રીતે તો લાંબા સમયથી.. લગભગ છએક વર્ષથી ઓળખું છું.’

ગાંધીનગર સચિવાલય જોડેનું તમામ કામ વિભાકર વર્ષોથી સાંભળતો હતો. જેને તુંકારે પણ બોલાવવાની ઈચ્છા ના થાય એવા તમામ માણસોને આપ.. આપ.. કહીને બોલાવવાની આદત એણે કેળવી લીધી હતી. આ આદતથી કામ સરળ બનતું હતું.

પાઠક હવે અધીરો થઈને વિભાકર સામે જોઈ રહ્યો હતો. એની પરવા કર્યા વગર વિભાકરે શાંતિથી કથા શરૂ કરી. બિલાડી ઉંદરને રમાડે એ રીતે એણે રમત શરૂ કરી.

‘પોલીસ જ્યારે ફરજ ઉપર હોય ત્યારે સ્વરક્ષણ માટે પણ તમે એમને અટકાવી ના શકો... એમનો હાથ પણ ના રોકી શકાય. સમજાવ્યો?’

‘આજથી સાતેક વર્ષ અગાઉ સિંગાપુર ફરવા ગયેલો...’ પાઠકની અધિરાઈ તીવ્ર બની હતી એનો ખ્યાલ હતો એટલે વિભાકરે પોતાની ખુરસી એના ટેબલની વધુ નજીક ખસેડીને આગળ કહ્યું. ‘આમ તો દર વર્ષે પંદર-વીસ દિવસનું વેકેશન જુદા જુદા દેશમાં ભોગવું છું એટલે ખરીદીનો ખાસ કોઈ મોહ નથી. આપણે ત્યાં બધુંય મળે છે. એ છતાં, સિંગાપુરમાંથી એક બ્રીફકેસ ખરીદેલી. મગરના ચામડાની એ બ્રાઉન કલરની બ્રીફકેસ માટે એ સમયે ચાલીસ હજાર રૂપિયા ચૂકવેલા. મોંઘી લાગેલી, પણ ગમી ગઈ એટલે ખરીદી લીધેલી.’

પ્રહાર કરવા માટે યોગ્ય શબ્દોની પસંદગી કરીને વિભાકરે પાઠકની આંખોમાં આંખો પરોવીને એકએક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું. ‘મારી એ બ્રીફકેસ અત્યારે આપની પાસે છે...’ ચોંકી ઉઠેલા પાઠકની સામે જોઈને એણે ઠંડકથી ઉમેર્યું. ‘મારી વાત ઉપર વિશ્વાસ ના બેસતો હોય તો આજે ઘેર જઈને એ બ્રીફકેસ ચકાસી જોજો. બીજી ચાલુ બ્રીફકેસમાં બહાર દેખાય એ રીતે નામના બે અક્ષર લગાડવાની સગવડ હોય છે. એ બ્રીફકેસાં અંદરની તરફ જમણા હાથે બે અક્ષર મેં એમ્બોઝ કરાવેલા છે. વી ફોર વિભાકર અને એચ ફોર હરિવલ્લભદાસ. આપ ઘેર જઈને એવી અને એચ ચકાસી લેજો એટલે મારી વાત ઉપર વિશ્વાસ બેસશે...’

પાઠક થીજી ગયો હતો. વિભાકરના હોઠ પર વિજયનું સ્મિત હતું.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP