Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-9

‘ટુ બી વેરી ફ્રેન્ક, વિભાકર જેવા પાણીદાર માણસને માપવામાં મારી જાસૂસગીરીનો પનો ટૂંકો પડે છે.'

  • પ્રકાશન તારીખ22 Jul 2018
  •  

પ્રકરણઃ9
બધાની પૂછપરછ કરીને ઘટનાના તાણાવાણા મેળવવાની રમણિકની કારીગીરી માટે શ્રીકાંતના મનમાં હવે જરાયે શંકા નહોતી. શેઠ હરિવલ્લભદાસની આખી કલંક કથા એણે ધ્યાનથી સાંભળી હતી. એ અગાઉ બેસણામાં મંચ ઉપર બેઠેલા તમામ પાત્રોને પણ એણે નજીકથી નીરખ્યા હતા. આમ તો હરિવલ્લભદાસના પરિવાર સાથે એને કોઈ સંબંધ નહોતો. રવિવાર હતો અને એ ઘરમાં બેઠો હતો ત્યારે રમણિકે જ બૂમ પાડીને એને બોલાવ્યો હતો અને એક સે ભલે દો એમ કહીને આગ્રહપૂર્વક સાથે લાવ્યો હતો.

શ્રીકાંતે છેલ્લે જે કહ્યું એ સાંભળીને રમણિક આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો હતો.

'આખું કોળું દાળમાં?' રમણિકે પૂછ્યું. ' હું કંઈ સમજ્યો નહીં.'

'હું સમજાવીશ એટલે ખ્યાલ આવી જશે..'

'આ આખા ચેપ્ટરની તમને આટલી જાણકારી છે, એટલે બીજાઓને પણ એની થોડી ઘણી તો જાણકારી હશે જ ને?'

શ્રીકાંતે શબ્દો ગોઠવીને રમણિક સામે જોયું. 'આ આખા ચેપ્ટરની તમને આટલી જાણકારી છે, એટલે બીજાઓને પણ એની થોડી ઘણી તો જાણકારી હશે જ ને?'

રમણિકે હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો. ' નવી પેઢીને બહુ ખબર નહીં હોય પણ અમારા જેવા જૂના જોગીઓ આ પ્રકરણને ભૂલ્યા નહીં હોય.'

હળવે રહીને શ્રીકાંત હવે મૂળ વાત પર આવ્યો. 'ત્યાં હૉલમાં વિભાકરને મેં બહુ નજીકથી જોયો. દેખાવ ઉપરથી માણસને પારખવાની સૂઝ તો મારામાં પણ છે. વિભાકરની આંખોની ચમક શિકારી કૂતરા જેવી છે. ગ્રીક કે રોમન સ્ટેચ્યુ જેવા એના ચહેરા પર જબરદસ્ત આત્મવિશ્વાસ ઝળકતો હતો. એને જોઈને પહેલી જ નજરે લાગ્યું કે એ કોઈ ઓર્ડિનરી માણસ નથી.'

આટલી પૂર્વભૂમિકા બાંધી એણે પોતાની મૂંઝવણ રજૂ કરી. ' તમને બધાને આ કથાની જાણકારી છે અને ખુદ વિભાકરને આ ખતરનાક ખેલની ખબર નથી? એના કાનમાં પણ કોઈક હિતેચ્છુએ ફૂંક તો મારી હશે ને? આ ઘટનાની આજ સુધીમાં એણે જાણ ના થઈ હોય એ વાત અશક્ય છે. બીજા કોઈએ નહીં તો એટલિસ્ટ મોસાળપક્ષના માણસોએ તો એને કહ્યું જ હોયને ? આ મંજુલાને ઘરમાં બેસાડવા માટે હરિવલ્લભે તારી માને મારી નાખી હતી એવું એકાદ મામાએ તો જણાવ્યું હશેને?’

એક શ્વાસે આટલું કહ્યા પછી લગીર અટકીને એણે રમણિક સામે જોયું. ' રમણિકલાલ જેમ્સબોન્ડ, મારા સવાલનો જવાબ આપો. ધરખમ ખેલાડી જેવો આ માણસ ખામોશ કેમ રહ્યો? પોતાની જનેતાની હત્યા કરનાર બાપને એણે માફ કરી દીધો?'

'શ્રીકાંત શેઠ! તમે તો મારી દુખતી રગ ઉપર હાથ મૂકી દીધો...' રમણિકે નિખાલસતાથી કબૂલ કર્યું. 'બધા રમણિક જેમ્સબોન્ડ કહીને જાણે મશ્કરી કરતા હોય એ રીતે પાનો ચડાવે છે પણ તેં સાવ સાચી રીતે મારો કાન પકડ્યો... ટુ બી વેરી ફ્રેન્ક, વિભાકરની વાતમાં મારી અક્કલ કામ નથી કરતી. એ પાણીદાર માણસને માપવામાં મારી જાસૂસગીરીનો પનો ટૂંકો પડે છે.'

અત્યાર સુધીની કથા આત્મવિશ્વાસથી કહેનાર રમણિકનો અવાજ હવે ઢીલો થઈ ગયો હતો.

'વિભાકરનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. હજાર માણસના ટોળામાં ઊભો હોય તોય અલગ તરી આવે એવી એની ખુમારી છે. પરંતુ એ માણસનું વ્યક્તિત્વ કિલ્લા જેવું છે; ભવ્યતા નિહાળી શકો પણ બંધ દરવાજામાંથી અંદર પ્રવેશી ના શકો! એ છતાં, જે થોડીઘણી માહિતી મેળવી છે એ મુજબ વિભાકરે બાપની સામે ક્યારેય તલવાર નથી ખેંચી. બંગલાની અંદરના માણસોને ખોતરવા મથ્યો પણ મહેનત માથે પડી. વિભાકરની કોઈ જોરદાર સ્ટોરી હજુ સુધી તો મળી નથી. પણ એક વાત નક્કી છે. એના સાવકા નાના ભાઈઓ આદિત્ય અને ભાસ્કર એ બંને વિભાકરને માન આપે છે. એની શારીરિક અને માનસિક તાકાતથી એ બંને ફફડે છે. વિભાકરની બીજી પણ એક ખાસિયત છે. કારણ વગર મોઢું ખોલવાની એને ટેવ નથી; પણ એ જ્યારે બોલે છે, ત્યારે એના શબ્દો એ બંગલામાં ફાઇનલ માનવામાં આવે છે. ટૂંકમાં, બંને ભાઈઓ અને એમની બૈરીઓ વિભાકર પ્રત્યે ભયમિશ્રિત આદર ધરાવે છે.'

વિભાકર વિશે આટલી માહિતી આપીને રમણિક અટક્યો. લસ્સીનો ગ્લાસ હાથમાં લીધો અને વધેલી જે લસ્સી હતી એ ખતમ કરીને એણે ખાલી ગ્લાસ ટેબલ પર મૂક્યો.

'આજે તારા લીધે ઘેર તારી કાકીનો ઠપકો ખાવો પડશે..' રમણિકે હસીને કહ્યું. ' આ બે લસ્સીને લીધે જમવાનો ક્વોટા અડધો થઈ જશે. ઓગણસિત્તેર વર્ષની ઉંમરે પેટનું ધ્યાન રાખવું પડે. તારા જેવો જુવાન માણસ મન ફાવે એટલું ખાય તોય વાંધો ના આવે. અમારે સંભાળવું પડે. થોડીક ડિસિપ્લિન રાખીએ તો તકલીફ ના પડે...' શ્રીકાંત સામે જોઈને એણે ઘરની માહિતી ઉમેરી. ' મારા કરતાંય તારા કાકી તો એકદમ ચીકણી. એનો જમવાનો ટાઇમ પણ ફિક્સ.

છાપાંની પૂર્તિઓમાં આરોગ્ય વિશેના બધા લેખ ધ્યાનથી વાંચે. આવા ગરમીના દિવસોમાં અઢી-ત્રણ લીટર પાણી પીવાની એમાં સલાહ લખેલી હોય તો એ સાચી માનીને એનું પાલન કરે. એ બધા મુદ્દે મારી સાથેય કચકચ કરે. હું બહાર નીકળ્યો હોઉં અને મન થાય તો ફાફડા-જલેબી પણ લેતો આવું. એ જોઈને ડોસી કકળાટ કરી મૂકે..'

શ્રીકાંત હસી પડ્યો. ' અરે વડીલ, મારી તો લાઇફ સ્ટાઇલ જ અલગ છે. સુરત હતો ત્યારે અગિયાર વાગ્યે નાસ્તો અને બપોરે ત્રણ વાગ્યે જમવાનું એવું શિડ્યુલ હતું. અહીંયા એવું કરું તો બધા ગાંડો ગણે. એટલે અમદાવાદમાં આવ્યા પછી એક જ નિયમ રાખ્યો છે અને એ પ્રમાણે જ જીવું છું..'

'કયો નિયમ?' રમણિકે જિજ્ઞાસાથી પૂછ્યું.

'એક જ નિયમ કે જમવામાં કોઈ નિયમ નહીં પાળવાનો. ભૂખ લાગે ત્યારે જમી લેવાનું અને તરસ લાગે ત્યારે પાણી પીવાનું. ઘડિયાળના કાંટાના ગુલામ નહીં બનવાનું. બોલો, મારો આ નિયમ કેવો?'

'આ ઉંમરે આવી બેદરકારી તને પાલવે પણ અમારા જેવા બુઢ્ઢાઓએ બેફામના બનાય. તેં આજે હરિવલ્લભને જોયોને? સિત્તેર વર્ષની ઉંમરેય લાલ ટમેટાં જેવો લાગે છેને?...' રમણિક ફરીથી મૂળ પ્રકરણ ઉપર આવી ગયો. 'એના કરતાંય વિભાકરની તો ઉંમર દેખાતી જ નથી. પચાસનો છે તોય પહેલી નજરે ત્રીસ-પાંત્રીસનો જ લાગે. રોજ ધાર્મિકતાપૂર્વક બે કલાક કસરત કરે છે. બંગલાના એક રૂમમાં જ એણે વ્યાયામશાળા તમે અંગ્રેજીમાં એને જિમ કહો છોને? એ બનાવી છે. આદિત્ય-ભાસ્કરનાં બાળકો પણ વિભાકરની વાદે વાદે એનો લાભ લે છે. અમદાવાદમાં આટલા પૈસા હોય એ બધા શેઠિયાઓને બાટલીનું બંધાણ થઈ જાય પણ આ ત્રણમાંથી એકેય ભાઈને આવી કુટેવ નથી. એકેય ભાઈ સિગારેટ પણ નથી પીતો...'

'અત્યારે એ લોકોને શાનો બિઝનેસ છે? કાપડ ઉદ્યોગના તો વળતાં પાણી છે. નોટબંધી અને જી.એસ.ટી. પછી અમારી તો દશા બેઠી છે. તમાચો મારીને મોઢું લાલ રાખવું પડે છે..'


શ્રીકાંતનો સવાલ સાંભળીને રમણિકે આશ્ચર્યથી એની સામે જોયું. 'અલ્યા, પાંચ વર્ષથી અમદાવાદમાં છે તોય આટલી જાણકારી પણ નથી? કાપડ ઉદ્યોગ લાંબું નહીં ખેંચે અને આ જાહોજલાલી ધીમે ધીમે ઝાંખી થઈ જશે એનો અણસાર હરિવલ્લભદાસને તો ક્યારનોય આવી ગયો હતો. એમણે તો મારા બાપનેય સલાહ આપેલી કે શેઠિયા, વેળાસર જાગીને કંઈક નવું વિચારો. શાંતિથી બેસીને મારા બાપાને લાઈનદોરી પણ આપેલી. સમજાવેલું કે મશીનો હશે તો લાખો-કરોડો મીટર કાપડનું ઉત્પાદન થઈ જશે પણ ઈશ્વરે જે આ ધરતી આપી છે એમાં એક ઈંચનો પણ વધારો કરવાની કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી! છાણ હોય એટલા પૈસા રોકીને અમદાવાદની આસપાસ જ્યાં મળે ત્યાં જમીન ખરીદતા રહો. પૃથ્વી ઉપર માણસોની સંખ્યા તો સતત વધતી જ રહેવાની છે એ બધાને માથે છાપરું તો જોઈશેને? ચપટી વગાડીને એમણે આત્મવિશ્વાસથી કહેલું કે પંદર-વીસ વર્ષ પછી જમીનના ભાવ એવા ભડકે બળશે કે તમે મને યાદ કરશો...'

રમણિકે નિરાશાથી માથું ધૂણાવ્યું. 'કમનસીબે મારા બાપાએ એમની સલાહ ઉપર ધ્યાન ના આપ્યું. હરિવલ્લભદાસે આંથો મીંચીને જમીનો ખરીદવાનું જે સાહસ આજથી પચીસ વર્ષ અગાઉ કર્યું હતું એનો વૈભવ એ અત્યારે ભોગવે છે. વિભાકરથી નાના બંને આદિત્ય અને ભાસ્કર ભણવામાં વધુ હોંશિયાર હતા એટલે એમને એન્જિનીયર બનાવી દીધા! મફતના ભાવમાં ખરીદેલી જમીન અને બંને એન્જિનીયર પણ ઘરના એટલે એમનો કન્ટ્રક્શનનો બિઝનેસ ધમધોકાર ચાલે છે બોપલ, શીલજ અને રાંચકડા કે નિકોલમાં એમની જે જમીનો છે એની વાત જવા દે, માત્ર એસ.જી. હાઇવેની આસપાસના ખેતરોમાંથી જ એ ચારસો કરોડ કમાઈ બેઠા છે!'

શ્રીકાંતનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું હતું. એની સામે જોઈને રમણિકે ઉમેર્યું, 'આ બધી જમીનોની ફાઇલો ગાંધીનગર જઈને ક્લિયર કરાવવાની જવાબદારી વિભાકર એકલા હાથે સંભાળે છે..'

‘માત્ર એસ.જી. હાઇવેની આસપાસના ખેતરોમાંથી જ એ ચારસો કરોડ કમાઈ બેઠા છે!'

વિભાકરના ઉલ્લેખ સાથે જ શ્રીકાંતને મૂળ વાતનું સ્મરણ થયું. 'મને તો વિભાકરનું કેરેક્ટર ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પોતાની જનેતાની હત્યા કરનાર બાપની પડખે ઊભો રહીને સૌથી મહત્ત્વની જવાબદારી એ કઈ રીતે સંભાળી શકે છે?..' શ્રીકાંતે પોતાની રીતે તર્ક લડાવ્યો. 'એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ વીર નાયક જેવું લાગે છે. ક્ષમા વીરસ્યા ભૂષણમ્ એ સૂત્ર આત્મસાત કરીને એણે એના બાપને માફ કરી દીધો હોય એવું પણ બને..' એના અવાજમાં ગૂંચવાડો હતો. 'પણ આ વાત મગજમાં સેટ નથી થતી. એના જેવો મહારથી મરી જાય તો પણ માતાના હત્યારાને તો માફ ના જ કરે.. મગજ ચકરાઈ જાય એવો કિસ્સો છે...' ત્યારેખમ લિધામાંથી ઉગરવા માટે એણે રમણિકને હળવો સવાલ પૂછ્યો.

'દરેક મોટા બંગલામાં દેરાણી-જેઠાણી વચ્ચે ટીવી સિરિયલ જેવા સીન ભજવતા હોય છે. એમના ઘરમાં વિભાકર, આદિત્ય અને ભાસ્કર-એ ત્રણેયની વહુઓમાં કોનું વર્ચસ્વ વધારે? આઈથીંક, વિભાકરની વહુનો જ વધારે વટ હશે.'

રમણિક હસી પડ્યો. ‘એ બાબતમાં વિભાકર મારાને તારા કરતાં વધુ સુખી અને નસીબદાર છે, એણે લગ્ન કર્યાં જ નથી! આજ સુધી એ એકલો જ છે. એ કુંવારો કેમ રહ્યો એ કથાનો કરંડિયો તારી ઈચ્છા હોય તો ખોલું. ઘેર જવાની ઉતાવળ નથીને?’ શ્રીકાંતે આંખોથી જ સંમતિ આપી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP