Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-8

'આ હરિવલ્લભદાસ અત્યારે સિત્તેર વર્ષની ઉંમરે સાધુ-સંત જેવો દેખાય છે પણ એનું આ રૂપ છેતરામણું છે’

  • પ્રકાશન તારીખ21 Jul 2018
  •  

પ્રકરણ 8
શેઠ હરિવલ્લભદાસની બીજી પત્ની મંજુલાનું બેસણું પૂરું થવાનો જાહેરાતમાં જે સમય આપ્યો હતો એમાં હવે માત્ર દસેક મિનિટની જ વાર હતી. એ છતાં અંતિમ મિનિટોમાં પણ લોકોનું આગમન ચાલુ જ હતું.

આ તરફ ઈતિહાસના ઝાંખા પડી ગયેલાં પાનાં ખોલીને રમણિક એ વાંચી રહ્યો હતો અને શ્રીકાંત ઉત્સુકતાથી સાંભળી રહ્યો હતો. વેઇટર લસ્સી મૂકીને જતો રહ્યો એટલે રમણિકે શ્રીકાંત સામે જોયું.

ભયાનક ભીંસમાં અટવાયેલા શેઠ હરિવલ્લભદાસ પાસે બે વિકલ્પ હતા એમાં મંજુને તરછોડવાનું કામ જોખમી હતું. બીજા વિકલ્પમાં નિર્મળાને છૂટાછેડા આપવા પડે.

‘મેં તને કહ્યું ને ? ભયાનક ભીંસમાં અટવાયેલા શેઠ હરિવલ્લભદાસ પાસે બે વિકલ્પ હતા એમાં મંજુને તરછોડવાનું કામ જોખમી હતું. બીજા વિકલ્પમાં નિર્મળાને છૂટાછેડા આપવા પડે. પરંતુ છૂટાછેડાની પ્રકિયા લાંબી ચાલે અને કેસ છાપે ચડે. છૂટાછેડાનું મજબૂત કારણ ક્યાંથી લાવવું? પોતાના પુત્રની જનેતા અને કુશળ ગૃહિણીથી છૂટા પડવા માટેનું સાચું કારણ તો મંજુલા હતી, પરંતુ એ કારણને કોર્ટમાં રજૂ કરાય નહીં. ચાલાક વકીલ સંગીન કારણ શોધીને કેસ લડે તો પણ આબરૂનો ધજાગરો, કોર્ટના ધક્કા કાયમ માટે ભરણપોષણની વાર્તા તો ઊભી જ રહે. આ બધી જંજાળમાં અટવાયા વગર જો નિમુના શ્વાસ અટકાવી દેવાય તો કોઈ ઉપાધિ ના રહે..'

હાથ લંબાવીને રમણિકે લસ્સીનો ગ્લાસ લઈને પહેલો ઘૂંટડો ભર્યો. તીવ્ર, જિજ્ઞાસાથી પોતાની સામે તાકી રહેલા શ્રીકાંતને એણે ઈશારાથી લસ્સી પીવાનું સૂચન કર્યું. આજ્ઞાંકિત બાળકની જેમ શ્રીકાંતે પણ ગ્લાસ હાથમાં લીધો.

'આ હરિવલ્લભદાસ અત્યારે સિત્તેર વર્ષની ઉંમરે સાધુ-સંત જેવો દેખાય છે પણ એનું આ રૂપ છેતરામણું છે. ધંધામાં સામા માણસના ખિસ્સામાંથી છેલ્લો રૂપિયો પણ સેરવી લેવાની એનામાં આવડત છે. બાકીના બધા ફિલ્ડમાં એ ખતરનાક ખેલાડી છે. ઠંડા કલેજે કોઈનું કાસળ કાઢી નાખતી વખતે એનું રૂંવાડું પણ ના ફરકે એવી ઠંડી ક્રૂરતા એની રગેરગમાં છે. પોતાનું ધારેલું જ કરે એવો ધુરંધર સરમુખત્યાર છે. માનસિક તાકાતમાં એનો મુકાબલો કરી શકે એવા બહુ ઓછા માણસો આ દુનિયામાં હશે. એ તાકાત ઉપરાંત પ્રચંડ આર્થિક તાકાતનો એ માલિક છે.'

હરિવલ્લભદાસનો લાંબો પરિચય આપીને એ થોડીવાર અટક્યો. યાદ કરીને એણે કહ્યું,

‘દિવસે દિવસે મંજુ બેફામ બનતી જતી હતી. હવે તો એ સહવાસ માટે પણ હરિવલ્લભને લટકાવતી હતી. બહારગામની હોટેલમાં આવવાની ના પાડતી હતી. અંતે, હરિવલ્લભદાસે બે હાથ જોડીને એને મનાવી લીધી કે હે જોગમાયા, થોડીક ધીરજ રાખ. હું તકની રાહ જોઉં છું. યોગ્ય તક મળે ત્યારે ચાન્સ લઈશ. એવો નુસખો કરીશ કે નિમુ નેસ્તાનાબૂદ થઈ જશે અને મંજુ મહારાણી બની જશે! મંજુને આપેલું વચન પૂરું કરવા હરિવલ્લભે તક ઝડપીને ખેલ પાડી દીધો. બિચારી નિમુ રાત્રે સૂતી એ પછી ઊઠી જ નહીં! વહેલી સવારે તો એનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન પણ થઈ ગયો. ત્રીજા દિવસે બંગલામાં મંડપ બાંધીને ભવ્ય બેસણું પણ ગોઠવી દીધું. મેં તને વાત કરીને? હું તો એ બેસણામાં પણ ગયેલો. નિમુ મરી એના છ મહિના પછી આ મંજુ મહારાણી બનીને બંગલામાં ગોઠવાઈ ગઈ!’

‘એનું મોત કઈ રીતે થયેલું?' શ્રીકાંતે પૂછ્યું, ‘કોઈને એમાં શંકા ના પડી?’

‘નસીબે હરિવલ્લભને તક આપી અને નિમુને એનું ભોળપણ નડી ગયું. એ બાપડીને બે દિવસથી ગેસની તકલીફ હતી. એ વખતે તો ઘરમાં સાસૂ પણ હયાત હતા. સાસુ-વહુએ સાથે મળીને હિંગ-આદુના ઘરગથ્થુ ઉપચાર કર્યા પણ રાહત ના મળી. એ બપોરે તકલીફ બહુ વધી ગઈ. ગેસ ઉપર ચડીને છાતી ભીંસતો હતો. એની આ તકલીફ સાંભળીને સાસુએ તરત સલાહ આપી કે ડ્રાઇવરને લઈને શહેરમાં જા અને આપણા ફેમિલી ડૉક્ટરને બતાવી દવા લઈ આવ. બાપડી નિમુએ કહ્યું કે એમાં ડૉક્ટરને બતાવવાની જરૂર નથી. વિભાકરના પપ્પાને હું ફોન કરી દઉં છું. એ ડૉક્ટર પાસે જઈ આવશે અને દવા લેતા આવશે. પેઢી ઉપર ફોન કરીને નિમુએ વાત કરી.

સાંજે હરિવલ્લભે આવીને દવાની એક ગોળી આપી અને પાણી સાથે ગળાવી, એ પછી કહ્યું કે બીજી ગોળી રાત્રે દસ વાગ્યે લેવાની છે. રાત્રે દસ વાગ્યે હરિવલ્લભે નિમુને બીજી ગોળી આપી. નિમુએ એ લીધી. હરિવલ્લભ પોતાનું કામ પતાવીને આરામથી ડ્રોઇંગરૂમમાં સોફા પર બેસી ગયા. એકાદ કલાક પછી નિમુને રેમ છે એ જોવા માટે કાશીબા એના ઓરડામાં ગયા. કાશીબા એ બંગલાનાં બહુ જૂનાં અને વિશ્વાસુ નોકરાણી છે. એણે અંદર જઈને જોયું તો શેઠાણી કંઈ જવાબ નહોતાં આપતાં. એણે ચીસ પાડીને બધાને બોલાવ્યા. નિમુ... નિમુ... કહીને બધાએ ઢંઢોળી પણ એ જીવતી હોય તો જવાબ આપેને?’

એક શ્વાસે આટલું બોલીને રમણિક જાણે થાકી ગયો હોય એમ અટક્યો. શ્રીકાંત સામે જોઈને ફરીથી આગળ બોલવાનું શરૂ કર્યું.

‘નિમુને તકલીફ ગેસની નહોતી... હરિવલ્લભદાસે માતાને સમજાવ્યું... પ્રોબ્લેમ હાર્ટનો હતો અને એ ગેસ છે એમ કહીને ગોળીઓ ગળતી રહી. ડૉક્ટર પાસે ના ગઈ એ એની મોટી ભૂલ... નાની ઉંમરે હાર્ટએટેક આવે એ એવો જોરદાર હોય કે જીવ લઈને જ જાય...એક કે દોઢ મિનિટમાં જ ખેલ ખલાસ થઈ જાય... ધાર્મિક વૃત્તિની માતાને એણે કહ્યું... કાલે નવ વાગ્યા સુધી જ ચૌદશ છે અને પછી અમાસ શરૂ થઈ જશે. અમાસના દિવસે અગ્નિસંસ્કાર કરીએ તો આપણા કુટુંબનું નિકંદન નીકળી જાય એવું આ કુટુંબના પૂર્વજોએ લખેલું છે. અંતિમ ક્રિયા સવારમાં જ પતાવી દેવી એ આપણા હિતમાં છે. ગારિયાધાર ફોન કરીને એ લોકોને સીધા સ્મશાને આવવાનું જ કહી દેવું પડશે...’

શ્રીકાંત મુગ્ધાવસ્થામાંથી બહાર આવ્યો. પ્રશ્નાર્થ નજરે રમણિક સામે જોઈ રહ્યો. ‘આટલી વિગતવાર માહિતી તમે કઈ રીતે મેળવી?’ આટલું પૂછ્યા પછી આદરભાવથી એણે ઉમેર્યું, ‘યુ આ માસ્ટર સ્ટોરી ટેલર. વાર્તા બનાવવામાં તમે ઉસ્તાદ છો.’

' અલ્યા, આ વાર્તા નથી...' રમણિકના અવાજમાં ગર્વ ઉમેરાયો, ‘એ વખતે આખી માર્કેટમાં બધાને મને રમણિક જેમ્સ બોન્ડ તરીકે ઓળખતા હતા. હજુય જૂના માણસો તો મને પ્રેમથી એ નામે જ બોલાવે છે. માત્ર આ એકલો હરિવલ્લભ નહીં. એકેએક શેઠિયાની જન્મકુંડળી મેળવી એને સ્ટડી કરવાનો મને શોખ હતો..' એણે નફટાઈથી ઉમેર્યું, ‘બોલ બોલ કરવાની ટેવ છે અને હવે ઉંમર થઈ એટલે લોકો મારાથી દૂર ભાગે છે. કેટલાય દિવસથી હૈયું નહોતું ખોલ્યું એટલે મન ઉપર ભાર ભાર લાગતો હતો. એ ઊભરો ઠાલવવો ક્યાં? નસીબજોગે તને લસ્સી પીવા લાવ્યો ને તારી પાસે હૈયું હળવું કરવાની તક મળી..'

એણે નિખાલસતાથી પોતાની પદ્ધતિ સમજાવી. 'તને લસ્સી પીવા લાવ્યો એ મારી સ્ટાઇલ. અલબત્ત, આજે પૈસા ચૂકવીને તું મને છેતરી ગયો. બાકી, કાયમ તો હું જ બિલ ચૂકવું. માર્કેટમાં કંઈક બને ત્યારે એ ઘટનાની આસપાસ સંકળાયેલા પાત્રોને પકડું. વારાફરતી એ બધાને નજીકની હોટલમાં લઈ જઈને નાસ્તોપાણી કરાવું. એ નાસ્તાપાણીના જલસાના બહાને માણસોને ખોતરું. કયા માણસ પાસેથી કઈ રીતે વાત કઢાવવી એ આવડત ઈશ્વરે મને બહુ ઉદારતાથી આપી છે. બધાં પાત્રો પાસેથી જે કંઈ જાણવાજોગ મળે એ મગજમાં સંઘરી રાખું. એ બધાનું સંકલન કરીને તાણાવાળા મેળવવાનું કામ મને પડકારરૂપ લાગે છે. બધા છેડા ભેગા કરવાની મહેનત ફળે એટલે તાળો મળી જાય..'

વર્ગમાં પ્રોફેસર સમજાવતા હોય એમ એણે શ્રીમંતને કહ્યું, 'એક જ ઉદાહરણ સાંભળ. નિર્મળાએ પેઢી પર ફોન કર્યો ત્યારે હરિવલ્લભ ક્યાંક આડોઅવળો હતો. જેણે ફોન ઉપાડ્યો એ જ માણસને કરગરીને નિર્મળાએ કહ્યું કે શેઠ આવે કે તરત ભૂલ્યા વગર કહેજે કે ગેસની તકલીફ વધી ગઈ છે એટલે ડૉક્ટર પાસે જઈને એ આપે એ દવા લઈને જ ઘરે આવે. નિર્મળાએ જે સંદેશો આપ્યો એ પેલા માણસે શેઠને આપ્યો અને શેઠને જોઈતી તક મળી ગઈ. ફોન ઉપાડનાર માણસને મેં પ્રેમથી ખોતર્યો ત્યારે ભોળાભાવે એણે આ માહિતી મને આપેલી. મારા માટે તો આટલી માહિતી પૂરતી હતી. એક વત્તા એક બરાબરની જેમ બરાબર તાળો મળી ગયો. સમજાઈ ગયું કે હાથમાં આવેલો ગોલ્ડન ચાન્સ ઝડપીને હરિવલ્લભે નિમુનું કાટલું કાઢી નાખ્યું. ગારિયાધારવાળા બિચારા ગરીબ માણસો. આવા મોટા મહારથી સામે મોઢું ખોલવાની એમની તાકાત નહોતી એટલે હાર્ટએટેકની વાત એમને માની લીધી. ઈશ્વરની ઈચ્છા માનીને દીકરીને ભૂલી ગયા.'

‘દિવસે દિવસે મંજુ બેફામ બનતી જતી હતી. હવે તો એ સહવાસ માટે પણ હરિવલ્લભને લટકાવતી હતી. બહારગામની હોટેલમાં આવવાની ના પાડતી હતી.’

આજ્ઞાંકિત શ્રોતાની જેમ શ્રીકાંતે અત્યાર સુધી રમણિકે જે કહ્યું એ ધ્યાની સાંભળ્યું હતું. છતાં, એનામાં સમજશક્તિ હતી. જિગ્સો પઝલના બધા ખૂણા ગોઠવીને રમણિકે તાળો તો સરસ રીતે મેળવી દીધો હતો. એ છતાં એક સવાલ શ્રીકાંતને અકળાવતો હતો. વાતમાં કંઈક ખૂટતું હતું.

લસ્સીનો ઘૂંટડો ભરવા માટે રમણિક અટક્યો એટલે એણે તક ઝડપી લીધી. ' રમણિકભાઈ, તમારી વાત ગળે ઊતરી પરંતુ એક વાત સમજાતી નથી. આખું કોળું દાળમાં ગયું હોય એવો ઘાટ લાગે છે...'

'હરિવલ્લભદાસે ઠંડા કલેજે નિર્મળાની હત્યા કરી હશે એ કબૂલ, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો..'

હવે રમણિક ઉત્સુકતાથી એની સામે તાકી રહ્યો હતો.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP