Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-7

‘મંજુના રૂપનો દરિયો એવો લહેરાતો હતો કે હરિવલ્લભદાસની જગ્યાએ હું કે તું હોઈએ તો પણ ડૂબી જવાનું મન થાય!'

  • પ્રકાશન તારીખ20 Jul 2018
  •  

પ્રકરણઃ7
હૅલ્મેટ ચાર રસ્તા પાસે વિશાળ એરકન્ડિશન્ડ હોલમાં વિષાદમય વાતાવરણ વચ્ચે શેઠ હરિવલ્લભદાસની બીજી પત્નીના બેસણાનો કાર્યક્રમ ચાલુ હતો. સહાનુભૂતિ દર્શાવવા અને હાજરી પૂરાવવા માટે લોકો આવી રહ્યા હતા. અંદર બેઠેલામાંથી પોતપોતાનો સમય સાચવવા માટે ઊભા થઈને લોકો બહાર પણ નીકળી રહ્યા હતા. મંચના ખૂણામાં બેઠેલાં ગાયક-ગાયિકા સાજિંદાઓના સથવારે જીવનની ક્ષણભંગુરતાનાં ગીતો પીરસીને વાતાવરણને વધુ ગમગીન બનાવી રહ્યાં હતાં. મંચ પર મંજુલા દેવીની વિશાળ છબીની બંને તરફની ખુરસીઓમાં શેઠ હરિવલ્લભદાસ અને એમનો પરિવાર ઉદાસી ઓઢીને બેઠો હતો.

બહાર રોડના સામા છેડે આવેલા શોપિંગ સેન્ટરમાં છેલ્લે જે હોટલ હતી એમાં રમણિક જેમ્સ બોન્ડ થાક્યા વગર બોલી રહ્યો હતો. અમદાવાદમાં નવા આવેલા વેપારી શ્રીકાંતની સામે એ ઈતિહાસ ઉખેળી રહ્યો હતો. વિભાકરની માતા એટલે કે શેઠની પ્રથમ પત્ની નિર્મળાની કમનસીબીની કથા એ લિજ્જતથી યાદ કરી રહ્યો હતો. વાત કરવાની એની છટા એટલી સરસ હતી કે શ્રીકાંત મંત્રમુગ્ધ બનીને સાંભળતો હતો.

‘નિર્મળા ડિલિવરી માટે એના પિયર ગારિયાધાર ગઈ અને ત્યાં એ આઠ-નવ મહિના રોકાઈ ગઈ એ મૂર્ખામી એને ભારે પડી...’

‘નિર્મળા ડિલિવરી માટે એના પિયર ગારિયાધાર ગઈ અને ત્યાં એ આઠ-નવ મહિના રોકાઈ ગઈ એ મૂર્ખામી એને ભારે પડી...’

અચાનક અટકીને રમણિકે શ્રીકાંતને પૂછ્યું, ‘તેં આ હરિવલ્લભદાસનો બંગલો જોયો છે?’ શ્રીકાંતે નકારમાં માથું ધૂણાવ્યું.

‘ક્યારેક એ તરફ જવાનું થાય તો જોઈ આવજે. રોડ ઉપરથી પગે ચાલતાં બંગલામાં જઈએ તો મારા જેવા ડોસાના તો ટાંટિયા થાકી જાય એવો આઠ હજાર વારનો વિશાળ પ્લોટ છે, અને એમાં મહેલ જેવો આલિશાન બંગલો છે. નોકરી શરૂ કર્યા પછીના એકાદ વર્ષમાં મંજુને આ બંગલો જોવાની બે વાર તક મળી હતી. બંગલો જોઈને એ પ્રભાવિત થઈ ગઈ. માત્ર પ્રભાવિત થઈ ગઈ હોત તો વાંધો નહોતો પણ સતત ગરીબી અને અભાવમાં ઉછરેલી એ છોકરીના મનમાં લાલસાની કૂંપળ ફૂટી. અકાઉન્ટસીમાં તો એની માસ્ટરી હતી. મનોમન બધા નફા-નુકસાની ગણતરી કરીને એણે પોતાની જિંદગીની ફાઇનલ બેલેન્સ શીટનું આયોજન કરી નાખ્યું. ટાર્ગેટ હરિવલ્લભદાસ!’

મુગ્ધતાથી સાંભળી રહેલા શ્રીકાંત સામે જોઈને એણે આગળ ઉમેર્યું, ‘પૂરેપૂરી ગણતરી સાથે એણે વ્યૂહરચના વિચારી લીધી હતી અને એમાં નિર્મળા પિયરમાં રોકાઈ ગઈ એ ઘટના એના માટે જેકપોટ જેવી બની ગઈ. એણે હરિવલ્લભદાસને લપેટમાં લેવાનું શરૂ કર્યું. સવારથી સાંજ સુધી સાથે રહેવાનું અને બૈરું પિયરમાં હોય ત્યારે પુરુષને લપસવામાં વાર ના લાગે. ધગધગતા આગના ગોળા જેવા રૂપ સામે ટકી રહેવાની હરિવલ્લભદાસની હેસિયત નહોતી...'

એણે શ્રીકાંત સામે આંખ મિચકારી. 'સંસારનું આ સનાતન સત્ય છે, શ્રીકાંત શેઠ! મંજુના રૂપનો દરિયો એવો લહેરાતો હતો કે હરિવલ્લભદાસની જગ્યાએ હું કે તું હોઈએ તો પણ ડૂબી જવાનું મન થાય!'

શ્રીકાંત લગીર શંકા અને અવિશ્વાસથી પોતાની સામે જોઈ રહ્યો છે એનું ભાન થયું કે તરત રમણિકે ખુલાસો કર્યો. 'અલબત્ત, પેઢીમાં મોટા શેઠ અને બીજા માણસોની હાજરી તો હોય એ છતાં આંખોનું તારા મૈત્રક રચાતું રહ્યું. ખુલ્લા સંવાદોનો સમય નહોતો આવ્યો. એ છતાં, આંખોના ઈશારાથી જ બંનેને એકબીજા માટેની લાગણીનો પૂરેપૂરો ખ્યાલ આવી ચૂક્યો હતો. હરિવલ્લભદાસ ઘંટ માણસ અને પેલી અત્યંત ચતુર એટલે પેઢીમાં કોઈને લગીર પણ ગંધ ના આવી અને એ બંને મનોમન એકબીજાના બની ચૂક્યાં હતાં. બીજી એક આડ વાત. મંજુને આ પેઢીમાં નોકરી મળી એ પછી બીજા શેઠિયાઓએ પણ રૂપાળી કન્યાઓને નોકરી આપવાની હિંમત કરી અને માર્કેટમાં રોનક દેખાવા લાગી...'

આગળની વાત કહેવા માટે એણે લગીર એટકીને વિચાર્યું અને પછી વાત આગળ વધારી.

‘વિભાકરને લઈને નિર્મળા ગારિયાધારથી અમદાવાદ તો આવી પણ એનું ધ્યાન હવે પુત્રના ઉછેરમાં જ પરોવાયેલું રહ્યું. વિભાકર દોઢેક વર્ષનો થયો એ વખતે હરિવલ્લભના બાપાનું અવસાન થયું એટલે હરિવલ્લભદાસ આખી પેઢીનો સર્વેસર્વા બની ગયો. બાપા હયાત હતા ત્યારે એમની ધાકથી એ થોડો ઘણો દબાયેલો રહેતો હતો પણ હવે એને સંપૂર્ણ આઝાદી મળી ગઈ. નોકરી કરવા માટે મંજુ એ.એમ.ટી.એસ.ની બસમાં આવતી હતી. હરિવલ્લભદાસે એને નવું લ્યુના અપાવી દીધું ત્યારથી સ્ટાફમાં ખાનગીમાં ચર્ચા શરૂ થઈ અને ધીમે ધીમે આખી માર્કેટમાં બધાને એમના પ્રેમપ્રકરણની ગંધ આવી ગઈ.

દર રવિવારે હરિવલ્લભદાસની કાર મંજુના ઘરથી થોડે દૂર ઊભી રહેતી. મંજુ હળવેથી આવીને એમાં લપાઈ જતી. ચોટીલા કે વડોદરાની હોટલના એરકન્ડિશન્ડ રૂમમાં ધરાઈને પ્રેમ કર્યા પછી રાત્રે એ પાછા આવતાં..'

હોઠ ઉપર જીભ ફેરવીને રમણિકે ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણી પીધું અને કથા આગળ વધારી.

'સ્ટાફમાં અને બજારમાં બધાને છાનગપતિયાં વિશે આછી પાતળી જાણકારી મળી ગઈ હતી. એકમાત્ર નિમુને હોનારતનો ખ્યાલ નહોતો આવ્યો. એ બાપડી સાવ અંધારામાં રહી. અલબત્ત, એને અણસાર આવી ગયો હોય એ પણ શક્ય છે. ધણીના ધંધાનો ખ્યાલ આવી જાય એવી આવડત ઈશ્વરે દરેક બૈરાને આપેલી જ હોય છે. શંકા પડ્યા પછી એ બિચારી એવા ભ્રમમાં રહી હશે કે આ બંગલામાં મારું સ્થાન અવિચળ છે. પુરુષ છે, બે ઘડી બહાર ગમ્મત કરીને પણ અંતે તો અહીં જ આવશેને? ટૂંકમાં, નિમુની મનોદશાની સાચી જાણકારી આપણી પાસે નથી. પણ એક વાત ચોક્કસ કે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે એ ઘટનાની ગંભીરતાથી એ સાવ અજાણ હતી!'

વેઇટર બિલ લઈને આવ્યો એટલે રમણિક અટક્યો. પાણીના ગ્લાસ સાથે વેઇટરે ટેબલ પર બિલ મૂક્યું અને અદબ વાળીને ઊભો રહ્યો. અમદાવાદી રમણિક પાકિટ શોધવા માટે ખિસ્સામાં હાથ નાખીને ફંફોળી રહ્યો હતો, એ દરમ્યાન સુરતનું સચવાઈ રહેલું ખમીર શ્રીકાંતે બતાવી દીધું. ધડ દઈને પાંચસોની નોટ બિલની પાસે પ્લેટમાં મૂકીને એણે વેઈટર સામે જોઈને બીજી બે લસ્સીનો ઓર્ડર આપી દીધો. એને આ કથા સાંભળવામાં એટલો બધો રસ પડ્યો હતો કે એની સામે ચાર લસ્સીના પૈસાની કોઈ વિસાત નહોતી!

બીજી લસ્સી માટે ઓર્ડર આપીને શ્રીકાંતે પૈસા ચૂકવી દીધા એ હકીકત રમણિકનો જુસ્સો વધારવામાં મદદરૂપ બની. આવો દિલાવર શ્રોતા તો પહેલીવાર મળ્યો હતો!

‘મંજુની મહત્ત્વકાંક્ષા હવે એની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. એણે હરિવલ્લભદાસને પોતાની પ્રેમજાળમાં એવો ફસાવી દીધો હતો કે હરિવલ્લભદાસ એનો ગુલામ બની ગયો હતો. હવે એ ઈચ્છે તો પણ મંજુથી પીછો છોડાવવાનું કામ એના માટે અશક્ય હતું. સામા પક્ષે મંજુ ત્રણ વર્ષથી હરિવલ્લભદાસને જલસા કરાવતી હતી. પોતાનું શોષણ ભલે એ સ્વેચ્છાએ થવા દેતી હતી પણ હવે એને હોદ્દો જોઈતો હતો. નિર્મળા ઘરમાં હોય ત્યાં સુધી મંજુના મનોરથ અધૂરા જ રહેવાના હતા. પૂરી તૈયારી સાથે આક્રમક બનીને મંજુ શેઠની બોચી પકડતી અને પૂછતી કે શેઠ! મારો આટલો લાભ લીધા પછી તમે મને શું આપ્યું? જવાબ આપો. શેઠાણી ક્યારે બનાવશો..?’

આશ્ચર્યથી આંખો પહોળી કરીને પોતાની સામે જોઈ રહેલા શ્રીકાંતના મનમાં ઘૂંટાતા સવાલનો રમણિકને અંદાજો આવી ગયો.

‘મંજુની મહત્ત્વકાંક્ષા હવે એની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. એણે હરિવલ્લભદાસને પોતાની પ્રેમજાળમાં એવો ફસાવી દીધો હતો કે હરિવલ્લભદાસ એનો ગુલામ બની ગયો હતો.’

'જો ભાઈ, અત્યારે જે કહું છું એ વાત કોઈ છાપામાં નથી આવી કે નથી કોઈની પાસેથી સાંભળી...' એણે નિખાલસતાથી ખુલાસો કર્યો. ‘એ સમયની પરિસ્થિતિ અને સંજોગોનો અભ્યાસ કરીને મેં માનસિક કસરત કરી છે. મારી જાતને વારાફરતી મંજુ અને હરિવલ્લભદાસની જગ્યાએ મૂકીને વિચાર્યું છે કે આવી દશામાં હું શું કરું? બહુ તર્કબદ્ધ રીતે વિચાર્યા પછી વાર્તાનો આ હિસ્સો ઘડી કાઢ્યો છે. પીંછામાંથી મોર બનાવવાનો કસબ આવડે છે એટલે આઈ એમ શ્યોર કે નવ્વાણું ટકા મારી ધારણા સાચી જ હશે. મારી વાત સમજાય છે તને?’

શ્રીકાંતે હકારમાં માથું હલાવ્યું ‘વેરી ગુડ...’ ખુશ થઈને રમણિકે કથા આગળ વધારી. 'મંજુના પ્રચંડ દબાણ સામે હરિવલ્લભદાસ હવે ભીંસ અનુભવતો હતો. એની પાસે રોકડા બે વિકલ્પ હતા. મંજુને કાયમ માટે તરછોડી દઈને પોતાના ઘરમાં નિર્મળા અને વિભાકર સાથે સુખેથી રહેવું. એ પહેલો વિકલ્પ સરસ હતો પણ સરળ નહોતો. એમાં લાલચ અને ભય એવી બે આડખીલી હતી. મંજુના શરીરનું એવું બંધાણ થઈ ગયું હતું કે એ મોહપાશમાંથી મુક્તિ સરળ નહોતી. એ લાલચ કરતાંય બીજી આડખીલી થથરાવી મૂકે એવી હતી. વિફરેલી વાઘણ જેવી તેજતર્રાર મંજુનો ઉન્માદ અને આક્રમકતા એણે જોયેલી હતી. નફ્ફટ બનીને માર્કેટ વચ્ચે ધજાગરો કરીને તારી આબરૂના લીરેલીરાં ઉડાડી દઈશ એવી ધમકી આપતી વખતે મંજુનું જે રૌદ્ર રૂપ જોયેલું એનાથી એ ફફડતો હતો...’

સહેજ અટકીને એણે શ્રીકાંત સામે જોયું. ‘મંજુને રાજી રાખીને કાયમ માટે પામવી હોય તો નિમુને છૂટાછેડા આપવા પડે. પણ એ લબાચો લાંબો થઈ જાય..’

વેઇટર લસ્સી લઈને આવ્યો એટલે રમણિક અટક્યો. શ્રીકાંત જિજ્ઞાસાથી એની સામે તાકી રહ્યો હતો.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP