Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-6

‘શેઠ હરિવલ્લભદાસ જેવો ઝેરીલો અને ડંખીલો માણસ મેં આટલી જિંદગીમાં ક્યાંય નથી જોયો...’

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

પ્રકરણઃ6

રમણિક બરાબર ખીલ્યો હતો. શેઠ હરિવલ્લભદાસના ભૂતકાળનાં પોપડાંઓમાં ધરબાયેલી ગુપ્ત માહિતી મનમાંથી ઠાલવી નાથવા એ થનગનતો હતો. એની બાજુમાં બેઠેલો શ્રીકાંત અગાઉ સુરતમાં ધંધો કરતો હતો. ત્યાંનો કારોબાર સમેટીને એ પાંચેક વર્ષ અગાઉ જ અમદાવાદ આવ્યો હતો. રમણિકે જ એને પોતાની સોસાયટીમાં ફ્લેટ અપાવ્યો હતો અને નાનાં-મોટાં કામમાં મદદરૂપ બન્યો હતો. એને લીધે બાપડો શ્રીકાંત તો રમણિકને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ જેવો કોરો કડાક શ્રોતા મળે એટલે રમણિકનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી જતો.

ભરચક હૉલમાં એ બંનેની આજુબાજુ બીજા માણસો પણ બેઠા હતા. ઉત્સાહના અતિરેકમાં રમણિકનો અવાજ લગીર મોટો થઈ ગયો હતો. અપ્સરા જેવી રૂપાળી મંજુલાના પ્રેમમાં ફસાયા પછી હરિવલ્લભદાસે એમની પહેલી પત્ની નિર્મળા ઉર્ફે નિમુનો કાંટો કઈ રીતે કાઢી નાખ્યો એ કથાનો રમણિકે પ્રારંભ કર્યો તો કર્યો, પણ એ જ વખતે આગળની હરોળમાં બેઠેલા બે-ત્રણ શેઠિયાઓએ ગરદન ઘુમાવીને તરત પાછળ જોયું. એટલે રમણિક ભડક્યો. પોતે જે બોલ્યો એ આ લોકો સાંભળી ગયા હશે એનો એને ખ્યાલ આવી ગયો. એ કાગડા જેવો ચતુર હતો એટલે કાચી સેકન્ડમાં એણે વાતનો ટ્રેક બદલી નાખ્યો.

અપ્સરા જેવી રૂપાળી મંજુલાના પ્રેમમાં ફસાયા પછી હરિવલ્લભદાસે એમની પહેલી પત્ની નિર્મળા ઉર્ફે નિમુનો કાંટો કઈ રીતે કાઢી નાખ્યો એ કથાનો રમણિકે પ્રારંભ કર્યો તો કર્યો, પણ એ જ વખતે આગળની હરોળમાં બેઠેલા બે-ત્રણ શેઠિયાઓએ ગરદન ઘુમાવીને તરત પાછળ જોયું.

અગાઉથી પણ લગીર મોટા અવાજે એણે શ્રીકાંતને માહિતી પીરસવાનું શરૂ કરી દીધું. નિર્મળા પ્રકરણને બાજુ પર મૂકીને એણે મંજુલાનાં ગુણગાન શરૂ કરી દીધાં.

‘આ મંજુલા શેઠાણી સાવ સાફ દિલની. આટલો પૈસો અને અપરંપાર વૈભવની માલિક તોય મનમાં જરાય અભિમાન નહીં. બંગલાના બધા નોકર-ચાકર, માળી અને ડ્રાઇવરને રહેવાનું તો બંગલાના આઉટહાઉસમાં જ; પણ ત્યાં રસોઈ બનાવવાની કોઈનેય છૂટ નહીં, બધાએ શેઠના રસોડે જ જમવાનું! ખરા અર્થમાં અન્નપૂર્ણા જેવો સ્વભાવ હતો એમનો. હરિવલ્લભદાસ શેઠના મિજાજથી બધા નોકર-ચાકર ફફડે. એમની પાસે મોઢું ખોલવાની કોઈ હિંમત ના કરે. જેને તાત્કાલિક પૈસાની જરૂર પડે એ નોકર દોડીને મંજુલા બાના પગ પકડી લે અને એનું કામ પતી જાય...'

આટલી આરતી ઉતાર્યા પછી એણે ઘડિયાળમાં જોયું. પછી શ્રીકાંત સામે જોઈને આંખોથી જ ઊભો થવાનો ઈશારો કર્યો. ઊભા થઈને બંને આગળ ગયા. શેઠ અને એમના પરિવારના તમામ સભ્યો સામે હાથ જોડીને એ બંને હૉલની બહાર નીકળી ગયા.

એ બંનેને સાથે ઊભા થઈને બહાર જતા જોયા એટલે આગળની હરોળમાં બેઠેલા ત્રણેય માણસો એકબીજાની સામે જોઈને હસી પડ્યા. 'આ રમણિક જેમ્સ બોન્ડનું નસીબ ઊઘડી ગયું....' આંખ મિંચકારીને એકે બીજા બંનેને કહ્યું, ‘આ નવો બકરો મળી ગયો છે એટલે એ બાપડાને સાંજ સુધી પકડી રાખશે અને જાતજાતની કથા સંભળાવશે...’ ત્રણેય ફરીવાર હસી પડ્યા.

‘માથું ફાડી નાખે એવી ગરમી છે, શેઠિયા!' બહાર નીકળ્યા પછી શ્રીકાંતને પૂરેપૂરો પ્રભાવિત કરી દેવાના ઈરાદાથી રમણિકે એને પૂછ્યું, ‘સામેની હોટેલમાં હાઇક્લાસ લસ્સી મળે છે. ત્યાં જઈશું?’

શ્રીકાંતે તરત સંમતિ આપી. બંને સામેના શોપિંગ સેન્ટર તરફ આગળ વધ્યા. હોટેલમાં ખૂણાના ટેબલ ઉપર સામસામે બેઠા પછી રમણિકે લસ્સીનો ઑર્ડર આપ્યો.

‘તમને માની ગયો, બોસ!’ લસ્સી આવી એટલે રમણિકની સામે પ્રશંસાભરી નજરે જોઈને શ્રીકાંતે કહ્યું, ‘ત્યાં હૉલમાં બીજા લોકો આપણી વાત સાંભળી રહ્યા છે એવો અણસાર આવ્યો કે કાચી સેકન્ડમાં તમે પિક્ચર બદલી નાખ્યું. નિર્મળાદેવીની વાત લટકતી મૂકીને સીધી જ આ મંજુલા દેવીની મહાનતાની કથા શરૂ કરી દીધી! રિયલી યુ આર ગ્રેટ!’

‘અરે શ્રીકાંત શેઠ...!’ રમણિકે હસીને સમજાવ્યું. ‘તમારા સુરતમાં કેવી સ્થિતિ છે એ હું નથી જાણતો. બાકી, અહીં અમદાવાદમાં બે પૈસા રળીને શાંતિથી જીવવું હોય તો આંખ-કાન સતત ઉઘાડા રાખવા પડે. મોઢું ક્યારે બંધ રાખવું ને ક્યારે ખોલવું એ કળા પણ શીખવી પડે. હરિવલ્લભદાસને વહાલા થવા માટે બીજા લોકો આપણી ચાડી ખાવા તરત દોડી જાય. સમજણ પડી?’

શ્રીકાંતની આંખોમાં આંખો પરોવીને એણે આગળ કહ્યું. 'સફેદ ઝભ્ભો પહેરીને અત્યારે બેસણામાં બેઠેલો એ બુઢ્ઢો ખતરનાક ખેલાડી છે. કાચા કાનનો એ ડંખીલો માણસ પેલાની વાત સાચી માની લે તો મારું આવી બને...'

શ્રીકાંત પોતાની સામે લગીર અવિશ્વાસથી તાકી રહ્યો છે એવું લાગ્યું એટલે રમણિકે ફોડ પાડ્યો, ‘જરાયે ખોટું નથી બોલતો. શેઠ હરિવલ્લભદાસ જેવો ઝેરીલો અને ડંખીલો માણસ મેં આટલી જિંદગીમાં ક્યાંય નથી જોયો. તમારા ઉપર એ નિશાન તાકે તો તમને ખબર પણ ના પડે એ રીતે એ તમારું ધનોતપનોત કાઢી નાખે...’

શ્રીકાંતને હરિવલ્લભદાસ કરતાં નિર્મળાની વાતમાં વધુ રસ હતો. એટલે એણે હળવેથી યાદ કરાવ્યું, ‘શેઠની પહેલી પત્ની નિર્મળાની વાત તમે અધૂરી મૂકેલી...’

'અત્યારે તો એ ઈતિહાસ દટાઈ ગયો છે એટલે કોઈને આખી વાત યાદ નથી, પણ એ વખતે તો આ ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની ગયેલી.’ જાણે યાદ કરવા મથતો હોય એ રીતે રમણિક ધીમે ધીમે આગળ વધ્યો.

‘બોર્ન વિથ ગોલ્ડન કે સિલ્વર સ્પૂન જેવું કઈક તમે લોકો અંગ્રેજીમાં કહો છોને? કંઈક એવી જ કથા હરિવલ્લભની છે. એ એવા ગર્ભશ્રીમંત પરિવારનો નબીરો હતો કે એ વીસ-એકવીસ વર્ષનો થયો ત્યારે કંઈક કન્યાના બાપ એમના બંગલે આંટાફેરા મારતા હતા. એમાં બાજી મારી ગયા ગારિયાધારના રતિલાલ શેઠ. કાલાં-કપાસના એ વેપારીની આર્થિક સ્થિતિ આ લોકો કરતાં સાવ ઊતરતી ગણાય પણ નિર્મળાનાં જન્માક્ષર બહુ સારી રીતે મેળ ખાતા હતા એટલે એનું નસીબ ઊઘડી ગયું. બિચારી નિર્મળા ધાર્મિક પ્રકૃતિની અને ગારિયાધારમાં ઊછરેલી. અત્યંત રૂઢિચુસ્ત પરિવારના સંસ્કાર અને મર્યાદામાં મોટી થયેલી. આધુનિક ફેશનેબલ પત્નીની હરિવલ્લભદાસની ઈચ્છા અધૂરી રહી ગઈ. ઘરમાં સાસુ-સસરાને આ ગામડાની ગોરી ઉપર અપાર સ્નેહ હતો એટલે નિર્મળાએ રાજરાણીની જેમ જ રહેવાનું હતું.

એ વખતે ન્યૂ ક્લોથ માર્કેટમાં એમનો કારોબાર ખૂબ મોટો. એ જમાનો જ કાપડ ઉદ્યોગની જાહોજલાલીનો હતો.’

આગળ વાત કરતી વખતે રમણિકનું મોં મલક્યું... એટલે શ્રીકાંતની જિજ્ઞાસા તીવ્ર બની.

'તને સાંભળીને નવાઈ લાગશે...' રમણિકે રહસ્ય ખોલ્યું, ‘આખી માર્કેટમાં ત્રણસો એંશી ધરખમ પેઢીઓ ધમધમે, પણ આખું માર્કેટ બજરંગ! સવારથી સાંજ સુધી તું માર્કેટમાં ફરે તો સમ ખાવા પૂરતીયે એકેય સ્ત્રી તને જોવા ના મળે. કોઈ લેડીઝ કારકુન નહીં. માલિકોય પુરુષ અને આવનારા ગ્રાહકો પણ પુરુષ વેપારીઓ જ. એક માત્ર દિવાળીના દિવસે જ રોનક જોવા મળે. દરેક પેઢીમાં ચોપડા પૂજન હોય એ સમયે શેઠિયાઓનો પરિવાર પૂજનમાં હાજર રહે, ત્યારે લેડીઝનાં દર્શન થાય...'

વાતને મલાવી મલાવીને રમણિક ઈતિહાસ ઠાલવી રહ્યો હતો અને શ્રીકાંત મુગ્ધભાવે સાંભળતો હતો.

'હરિવલ્લભદાસના બાપા કડેધડે હતા એટલે પેઢીનો વહીવટ તો એમના હાથમાં જ હતો. હરિવલ્લભદાસ બાપાના સહાયક તરીકે કામ કરતો હતો અને ધંધાની આંટીઘૂટી શીખતો હતો. એ પરિસ્થિતિમાં એક દિવસ એક આશ્ચર્યની ઘટના બની. એમની પેઢીના વૃદ્ધ મુનિમને આંખે ઝામરની તકલીફ વધી ગઈ હતી. એમની યુવાન દીકરી મંજુલાને લઈને એ એ પેઢી પર આવ્યા. શેઠ સામે હાથ જોડીને બાપ-દીકરી ઊભાં રહ્યાં. આ મારી દીકરી મંજુનું બી.કોમ.નું રિઝલ્ટ ગઈ કાલે જ આવ્યું. ભણવામાં હોંશિયાર છે એટલે ફર્સ્ટક્લાસ લાવીને કોલેજમાં પહેલો નંબર મેળવ્યો છે. અકાઉન્ટ્સમાં એની માસ્ટરી છે. મારાથી કામ ખેંચાતું નથી એટલે જો આ દીકરીને અહીં કામ આપો તો તમારી મહેરબાની... બે હાથ જોડીને બાપ કરગર્યો.... અહીં અનુભવ મળશે તો એની જિંદગી બની જશે. ગરીબ વિશ્વાસુ મુનિમની વાત સાંભળી શેઠને દયા આવી. બીજા દિવસથી મંજુએ મદદનીશ હિસાબનીશ તરીકેનો હોદ્દો સંભાળી લીધો.’

‘અહીં અમદાવાદમાં બે પૈસા રળીને શાંતિથી જીવવું હોય તો આંખ-કાન સતત ઉઘાડા રાખવા પડે. મોઢું ક્યારે બંધ રાખવું ને ક્યારે ખોલવું એ કળા પણ શીખવી પડે.’

પોતાની વાત ઉપર શ્રીકાંતને વિશ્વાસ બેસે એ માટે રમણિકે ઊમેર્યું, ‘એ સમયે અમારી પેઢી બરાબર એમની સામે હતી એટલે આવી બધી વાતની રજેરજની માહિતી મળતી રહે.’

યુવાન મંજુલા અત્યારે આંખ સામે દેખાતી હોય એમ એ લગીર અટક્યો. ‘નખશિખ આરસની પૂતળી જેવી મંજુનાં રૂપનું વર્ણન કરવામાં આ ઉંમરે તો શબ્દોનાય ફાંફા પડે. તારી આગળ ખોટું નહીં બોલું. મંજુ આવે અને જાય ત્યારે એનાં દર્શન કરવા માટે અમે બધા દોસ્તારો અપ ટુ ડેટ થઈને ઊભા રહેતા. પણ એ તેજતર્રાર વછેરી અમારી સામે નજર પણ નહોતી કરતી. ચબરાક અને ચાલાક મંજુ માત્ર રૂપાળી નહોતી; ચીવટ અને ચોક્સાઈથી થાક્યા વગર મજૂરી કરવાની એને આદત હતી, એટલે ચાર-પાંચ મહિનામાં તો એણે પેઢીમાં પોતાનું સ્થાન બનાવી લીધું...’

ગ્લાસમાં ચોંટી રહેલી બધી લસ્સીને ચમચીથી ઊસેટીને રમણિકે મોંમાં મૂકી અને શ્રીકાંત સામે જોયું. ‘એ જ અરસામાં નિર્મળા પ્રેગ્નન્ટ થઈ અને સુવાવડ માટે એના પિયર ગારિયાધાર ગઈ. ત્યાં એણે વિભાકરને જન્મ આપ્યો. મા-દીકરાની તબિયત નરમ-ગરમ રહેતી હતી એટલે આઠ-નવ મહિના એ પિયરમાં જ રહી. એ એની જિંદગીની મોટામાં મોટી ભૂલ હતી..’
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP