Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-5

‘મોટા માણસની માયાજાળમાં કંઈક ભેદભરમ હોય. માલેતુજાર મહારથીના મામલામાં આપણું મગજ ના ચાલે...’

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

સવારે પોણા દસ વાગ્યે રિંગ વાગી એટલે ભાસ્કરે મોબાઇલ હાથમાં લીધો. ‘ભાસ્કર, સાંભળ...’ વિભાકરના અવાજમાં પૂરેપૂરી સ્વસ્થતા હતી. ‘હોસ્પિટલનું કામ પતી ગયું છે. મમ્મીજી હવે જીવતાં નથી એવું હવે એ લોકોએ ઓફિશિયલી જાહેર કરી દીધું છે. એમણે પોલીસને પણ જાણ કરી છે એટલે દસેક મિનિટમાં પોલીસ આવી જશે..’ લગીર અટકીને એણે આગળ સમજાવ્યું. 'પપ્પાજી ભાંગી પડ્યા છે. એટલે આદિત્ય એમને લઈને ઘેર આવી રહ્યો છે. હું અને સુભાષકુમાર પોલીસની સાથે સિવિલ હોસ્પિટલ જઈને પોસ્ટમોર્ટમની વિધિ પતાવીએ છીએ...' વેવાઈવેલામાં અને આપણા નજીકનાં સગાંમાં આ માઠા સમાચાર તારે આપવાના છે. બિઝનેસ રિલેશનવાળાની જવાબદારી જિતુકાકાને આપી દે. ત્યાં કોને શું કહેવું એની એમને પાકી જાણકારી છે. સાંજે પાંચ વાગ્યે સ્મશાન યાત્રા નીકળશે અને થલતેજ ચાર રસ્તે મુક્તિધામ જવાનું છે એટલી માહિતી બધાને આપવાની છે. સ્મશાનયાત્રાની જે તૈયારી કરવાની છે એના માટેની જવાબદારી પણ જિતુકાકાને સોંપી દેજે. એમની પાસે એ ફિલ્ડના અનુભવી માણસો છે.

‘હોસ્પિટલનું કામ પતી ગયું છે. મમ્મીજી હવે જીવતાં નથી એવું હવે એ લોકોએ ઓફિશિયલી જાહેર કરી દીધું છે.’

ડ્રાઇવર સાથે એક ગાડી એમને સોંપી દેજે એટલે તારે કંઈ જોવાપણું નહીં રહે...' કંઈક યાદ આવ્યું એટલે એમણે ઉમેર્યું. 'લેડીઝને પણ આ સમાચાર આપજે એટલે એમણે એમના સર્કલમાં જાણ કરવાની હોય ત્યાં કરી શકે...’

વિભાકર સાથે વાત પૂરી થઈ કે તરત ભાસ્કરે બાજી સંભાળી લીધી. અધિકૃત સમાચાર સાંભળ્યા પછી શાલિની, અલકા અને ભાવિકાએ સાથો સાથરડવાનું શરૂ કરી દીધું. બિચારાં કાશીબા પોતે રડતાં હતાં અને આ ત્રણેયને સંભાળવાની જવાબદારી નિભાવતાં હતાં. આદિત્યની સાથે હરિવલ્લભદાસ બંગલામાં આવ્યા ત્યારે શાલિની તેમને વળગી પડી. અત્યાર સુધી આંસુને રોકવા માટે હરિવલ્લભદાસે ખૂબ મહેનત કરી હતી પણ એમને વળગીને દીકરીએ રડવાનું શરૂ કર્યું ત્યારે એ પોતાની જાત પર કાબૂ રાખી શક્યા નહીં. એ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. ‘એમને રડી લેવા દો.’ વડીલ તરીકે જિતુભાઈએ આદિત્ય અને ભાસ્કરને સૂચના આપી. 'મનમાં ભરાયેલો ડૂમો ઓગળી જવા દો. થોડીવાર રડશે તો મનનો ભાર હળવો થશે..' એમણે આવું કહ્યું એટલે એ તરફ જતા બંને ભાઈઓ અટકી ગયા. અલકા અને ભાવિકા પણ સસરા અને નણંદની સાથે રૂદનમાં જોડાઈ ગયાં હતાં.

જિતુભાઈના માર્ગદર્શન મુજબ ડ્રોઇંગરૂમના સોફાઓ ખસેડાઈ ગયા હતા અને શેતરંજીઓ બિછાવી દેવામાં આવી હતી. વચ્ચોવચ છ ફૂટ બાય ચાર ફૂટની જગ્યા ખુલ્લી રાખવામાં આવી હતી. ત્યાં ગાયનું છાણ લીંપીને સાથરો બનાવી દેવામાં આવ્યો હતો. સ્મશાન યાત્રામાં આવનારા ડાઘુઓ પૈકી જે વહેલા આવી જાય અને ઊભા રહેવાની તકલીફ હોય એ લોકો માટે કમ્પાઉન્ડમાં દોઢસો જેટલી ખુરસીઓ ગોઠવાઈ ચૂકી હતી.

અઢી વાગ્યે આદિત્યના મોબાઇલની રિંગ વાગી. 'આદિ, અહીંનું કામ પતી ગયું છે...' વિભાકરે એને માહિતી આપી. ‘શબવાહિનીની સાથે હું અને સુભાષકુમાર દસેક મિનિટમાં જ અહીંથી નીકળીએ છીએ. ત્યાં બધું તૈયાર છે? પપ્પાજીને કેમ છે?’

'અહીં બધું તૈયાર છે પપ્પાજીની ચિંતા ના કરતા. હિંમતકાકા અને જીવણકાકાએ બહુ સારી રીતે એમને સંભાળી લીધા છે. ડૉક્ટર દિનુકાકા પણ એ ત્રણેય વડીલોની સાથે જ છે.'

'ઓ,કે. અમે પાંચેક મિનિટમાં જ નીકળીએ છીએ..' વિભાકરે વાત પૂરી કરી.

શબવાહિની આવી અને મંજુલાના શબને એમના ઓરડામાં લઈ જવામાં આવ્યું ત્યારે બંગલાની દીવાલો ફરીવાર હૈયાફાટ રૂદનથી પડઘાવા લાગી.

બે અનુભવી વડીલ સ્ત્રીઓએ શબની સ્નાનવિધિ પતાવી. એ પછી શાલિની, અલકા અને ભાવિકાએ એમની રાહબરી હેઠળ મંજુલાને શણગારી, કપાળમાં ચંદનના લેપ ઉપર લાલચટક ચાંદલો, મોડિયો-ચૂંદડી અને પાનેતર સાથે શબનો શણગાર પૂરો થયો એ પછી વિભાકર અને આદિત્યે એને ઓરડામાંથી બહાર લાવીને સાથરામાં સૂવડાવી.

ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે એમની વિધિ શરૂ કરી.

એ દરમિયાન આખો ડ્રોઇંગરૂમ મહેમાનોથી ભરાઈ ગયો હતો.

‘હવે બધા પ્રદક્ષિણા કરીને અંતિમ દર્શન કરી લો...’ વિધિ પતાવ્યા પછી મહારાજે મોટેથી આદેશ આપ્યો.

હરિવલ્લભદાસ ઊભા થયા. મંજુલાના પગ પાસે બે હાથ જોડીને એ ઊભા રહ્યા. મૃત્યુની અસીમ શાંતિનું તેજ મંજુલાના ગોળમટોળ ગોરા ચહેરા પર પથરાયેલું હતું. છાબડીમાંથી ફૂલ લઈને હરિવલ્લભદાસે મંજુલાના પગ પાસે મૂક્યા. વધુ ઝૂકીને બંને પગનો સ્પર્શ કરીને ભીની આંખે એ ઊભા થયા. હાથ જોડીને આંખો બંધ કરીને એ થોડીવાર એમ જ ઊભા રહ્યા ત્યારે એમના હોઠ ફફડતા હતા. પ્રદક્ષિણા પૂરી કરીને છેલ્લે ફરીવાર પગ પાસે ઊભા રહીને એમણે હાથ જોડ્યા ત્યારે એ ભાંગી પડ્યા. એમણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું શરૂ કર્યું એટલે હિંમતલાલ અને જીવણલાલે આવીને એમને સંભાળી લીધા. એ બંને હરિવલ્લભદાસના બાળગોઠિયા હતા.

એ પછી વારાફરતી વિભાકર, આદિત્ય અને ભાસ્કરે દર્શન અને પ્રદક્ષિણા કરી. શાલિની, અલકા અને ભાવિકા પછી સુભાષે પણ સાસુને અંજલિ આપી.

ચારેય બાળકો આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવીએ દર્શન કરી લીધાં પછી દર્શનાર્થીઓની લાઇન થઈ ગઈ. શોકમગ્ન વાતાવરણ એવું હતું કે દર્શન કરનાર પ્રત્યેકની આંખમાં ભીનાશ ચમકતી હતી.

સ્થાનિક ધારાસભ્ય, મ્યનિસિપલ કાઉન્સિલરો અને આ પરિવાર સાથે ધંધાકીય સંબંધો ધરાવનાર શહેરના અગ્રણી શેઠિયાઓ સહિત સેંકડો માણસોની ભીડ બંગલામાં ભેગી થઈ ચૂકી હતી.

‘અમુક લોકો સીધા સ્મશાને પણ આવશે...’ ઉપસ્થિત મેદની સામે જોઈને ભાસ્કરે બાજુમાં ઊભેલા આદિત્યને ધીમેથી કહ્યું. ‘બેસણું ક્યારે રાખવાનું છે એની જાહેરાત લોકો સ્માશાનમાં જ કરી દેતા હોય છે. પપ્પાજી સાથે એ વિશે કંઈ વાત થઈ?’

'એમને અત્યારે પૂછવા જેવું નથી. હિંમતકાકા અને જીવણકાકાએ માંડ માંડ એમને કંટ્રોલમાં રાખ્યા છે. વિભાલાલની સાથે ચર્ચા કરીને આપણે ત્રણેય જે નક્કી કરીએ એ ફાઇનલ...’ આદિત્યે એને કહ્યું અને એ બંને વિભાકર પાસે પહોંચી ગયા.

આદિત્યે બેસણા વિશે પૂછ્યું. ‘હું પણ ક્યારનો એ જ વિચારું છું. આજે શુક્રવાર થયો એટલે રવિવારે બેસણું રાખીએ. રજાના દિવસે રાખીએ તો કોઈનેય તકલીફ ના પડે. રાઈટ?’ એણે પૂછ્યું એટલે બંને ભાઈઓએ હકારમાં માથું હલાવ્યું.

'બેસણું બંગલે રાખવું છે કે હેલ્મેટ ચાર રસ્તાવાળા હૉલમાં રાખવું છે એ નક્કી કરી લઈએ. એમાં તમે બંને જે કહો એ ફાઇનલ.'

'આમ તો હમણાંથી બધા મોટા ફેમિલીવાળા બેસણું ત્યાં જ રાખે છે. એટલે એ આઇડિયા ખોટો નથી. લાખ રૂપિયા ભાડું થાય પણ બધાને એ જગ્યા વધુ અનુકૂળ પડે...' ભાસ્કરે કહ્યું એટલે આદિત્યે પણ હકારમાં માથું હલાવીને સંમતિ આપી. ' જેવી તમારી મરજી..' વિભાકરે હાથમાં મોબાઇલ લીધો અને ભાઈઓ સામે જોયું. ‘રવિવારે સવારે હૉલ ખાલી છે કે નહીં એ ચકાસવું પડશે.’ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત્રને પરિસ્થિતિ સમજાવીને વિભાકરે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો. 'પાંચ મિનિટમાં જ ખબર પડી જશે.' બંને સામે જોઈને એ બબડ્યો.

થોડીવારમાં જ એ દોસ્તનો ફોન આવી ગયો. હૉલ મળે એવું હતું એટલે વિભાકરે એને બુકિંગ માટે સૂચના આપી દીધી.

સવા પાંચ વાગ્યે મંજુલાની અર્થી ઊઠી ત્યારે શાલિની, અલકા અને ભાવિકાના રૂદનથી વાતાવરણ ભારેખમ બની ગયું. હરિવલ્લભદાસ, વિભાકર, આદિત્ય અને ભાસ્કર જાણે એકબીજાના ટેકે પગ ઉપાડતા હોય એમ ધીમા પગલે આગળ વધ્યા. સુભાષ અને જિતુભાઈએ વ્યવસ્થા સંભાળી લીધી હતી.

શાલિનીએ સ્મશાને આવવા માટે જીદ કરી એટલે અલકા અને ભાવિકા પણ એની સાથે જોડાઈ ગઈ. સ્મશાનમાં બધા ડાઘુઓ સામે હાથ જોડીને વિભાકરે બેસણાના સ્થળ અને સમયની જાણ કરી.

હરિવલ્લભદાસ ઊભા થયા. મંજુલાના પગ પાસે બે હાથ જોડીને એ ઊભા રહ્યા. મૃત્યુની અસીમ શાંતિનું તેજ મંજુલાના ગોળમટોળ ગોરા ચહેરા પર પથરાયેલું હતું.

રવિવાર સવારે હેલ્મેટ ચાર રસ્તા પાસેના હૉલમાં ભરચક ભીડ હતી. જાણે હમણાં જ બોલશે એવી મંજુલાની વિશાળ રંગીન છબીની આસપાસ ફૂલની પડદી બનાવેલી હતી. હરિવલ્લભદાસની ખુરસી છબીની અડોઅડ હતી. એમના પછી વિભાકર, આદિત્ય, ભાસ્કર અને એ પછી નવી પેઢીના આકાશ અને ભૌતિક પણ ગંભીર બનીને બેઠા હતા. બીજી તરફ શાલિની, અલકા અને ભાવિકાની પાસે આકાંક્ષા અને ભૈરવી ગોઠવાયા હતા. ભાસ્કરની સહેજ પાછળ ખુરસી ગોઠવીને સુભાષ બેઠો હતો. સ્ટેજના ખૂણામાં સાજિંદાઓ સાથે ગાયક અને ગાયિકા માતાના પ્રેમ અને લાગણી ઉપરાંત જીવનની ક્ષણભંગુરતા ઉપરની રચનાઓ ગાઈ રહ્યા હતા. એમના ભાવવાહી અવાજથી હૉલનું વાતાવરણ વધુ ગંભીર બની ગયું હતું. શિસ્તબદ્ધ રીતે પુરુષો અને સ્ત્રીઓ ત્યાં આવી રહ્યાં હતાં. મંજુલાની છબીને નમસ્કાર કરીને ફૂલ ચઢાવીને પરિવારજનોની સામે હાથ જોડીને બધા સામેની ખુરસીઓમાં જગ્યા શોધીને બેસી જતા હતા. દસ-બાર કે પંદર મિનિટ બેસીને વિદાય લેતા હતા અને અંજલિ આપવા માટે નવા માણસોનું આગમન ચાલુ જ હતું.

'આ મંજુ તો બહુ રૂપાળી અને શેઠથી પંદર-સોળ વર્ષ નાની હતી..' હૉલમાં બેઠેલા રમણિકલાલે બાજુમાં બેઠેલા શ્રીકાંતને વગર પૂછ્યે જાણકારી આપી. ‘શેઠનું બીજી વારનું બૈરું હતું.’ સુરતથી પાંચેક વર્ષ અગાઉ જ અમદાવાદ આવેલા શ્રીકાંતને રમણિકલાલની વાતમાં રસ પડ્યો એટલે થોડો નજીક સરક્યો.

‘શેઠની જોડે પહેલવાન જેવો બેઠો છે એ વિભાકર શેઠની પહેલી બૈરીનો દીકરો... એ માંડ ત્રણેક વર્ષનો હશે ને બિચારાએ મા ગુમાવી... હું તો એ નિમુશેઠાણીના બેસણામાં પણ ગયેલો. જુવાન જોધ નિમુનું બેસણું તો બંગલામાં જ રાખેલું...’

‘એમને શું થયેલું? શ્રીકાંતે જિજ્ઞાસાથી પૂછ્યું. શ્રીકાંતના સવાલથી જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એમ રમણિક ખીલી ઊઠ્યો. અવાજ ધીમો કરીને એણે શ્રીકાંત સામે આંખ મિંચકારી. ‘એ બાપડી કઈ રીતે મરી એની તો આજ સુધી કોઈનેય ખબર નથી પડી. મોટા માણસની માયાજાળમાં કંઈક ભેદભરમ હોય. માલેતુજાર મહારથીના મામલામાં આપણું મગજ ના ચાલે..’ એનો અવાજ વધુ ધીમો થયો. ‘નખમાંય રોગ નહોતો એવી ત્રીસ વર્ષની નિમુ રાત્રે મરી ગઈ અને પરોઢિયે તો એને અગ્નિદાહ પણ દેવાઈ ગયો. સ્મશાનમાંય ઘર ઘરના માણસો જ ગયેલા.’ એણે ફરીથી આંખ મિંચકારી. ‘એ પછી છ જ મહિનામાં શેઠે આ ફૂલ ફટાકડીને બંગલામાં બેસાડી દીધી!’
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP