Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-32

તેર લાખ રૂપૈડી આપીને એ આવો માસ્ટર સ્ટ્રોક મારશે એવી કલ્પના તો ક્યાંથી હોય?

  • પ્રકાશન તારીખ14 Aug 2018
  •  

પ્રકરણઃ32

ગાલ પર સણસણતો તમાચો પડ્યો હોય એમ સુભાષ હચમચી ઊઠ્યો હતો. હવે દોઢ કરોડ માટે ડ્રામા કરવાની જરૂર નથી એવો આદેશ આપીને વિભાકરે તો મંડપ તરફ ચાલવાનું શરૂ કરી દીધું હતું. જે કહેવાનું હતું એ કહી દીધા પછી એણે સુભાષની સામે જોવાની પણ પરવા નહોતી કરી. બનેવી સામે નજર પણ કર્યા વગર એ પોતાની ગૌરવભરી ચાલે જમણવારના મંડપ તરફ એકલો આગળ વધી રહ્યો હતો.

સુભાષ હજુ ત્યાં જ સ્થિર ઊભો હતો. એની હાલત કફોડી હતી. માથામાં જોરદાર હથોડા ઝિંકાતા હોય એવું લાગતું હતું. સાથો સાથ, પેટમાં એક સાથે હજારો પતંગિયાંઓ ઊડી રહ્યાં હોય એવી વિચિત્ર અનુભૂતિ થતી હતી. આમ બધુંય દેખાતું હતું, એ છતાં આંખે અંધારાં આવતાં હોય એમ આસપાસ લાલ - પીળાં ચક્રો ઘૂમી રહ્યાં હોય એવો ભ્રમ થતો હતો.

અત્યારે હાથમાં એ.કે. છપ્પન હોત તો એ પહેલવાનની પીઠમાં એક સાથે હજારો ગોળીઓ ધરબી દેતો... જાણે આંખોથી જ ગોળીબાર કરવાનો હોય એવી ખતરનાક અને ઝેરીલી નજરે સુભાષ વિભાકરની પીઠ તરફ તાકી રહ્યો હતો.

મોટા સાળાની પીઠ તરફ એ હડહડતા ધિક્કાર સાથે તાકી રહ્યો. પોતે એની જાળમાં ફસાઇને એ સમયે જાણે વશીકરણની અસર હેઠળ આવી ગયો હોય એમ સંપૂર્ણ અવશ બની ગયો હતો. તેર લાખ રૂપૈડી આપીને એ આવો માસ્ટર સ્ટ્રોક મારશે એવી કલ્પના તો ક્યાંથી હોય? પોતાના હાથમાંથી દોઢ કરોડ રૂપિયા ઝૂંટવીને એ જઇ રહ્યો હોય એવા વિચારની સાથે સુભાષના મોઢામાં કડવાશ ધસી આવી. વિભાકર પ્રત્યેનો ગુસ્સો અને ધિક્કાર ઠાલવતો હોય એમ એ જોરથી થૂંક્યો. રોષ તો અપરંપાર હતો પણ લાચારી હતી, એને લીધે હાથની મુઠ્ઠીઓ અનાયાસે જ સજ્જડ બંધ થઇ ચૂકી હતી.

અત્યારે હાથમાં એ.કે. છપ્પન હોત તો એ પહેલવાનની પીઠમાં એક સાથે હજારો ગોળીઓ ધરબી દેતો... જાણે આંખોથી જ ગોળીબાર કરવાનો હોય એવી ખતરનાક અને ઝેરીલી નજરે સુભાષ વિભાકરની પીઠ તરફ તાકી રહ્યો હતો.

ભોજન માટે બનાવેલા મંડપમાં હજુ લોકોની હાજરી હતી. અલબત્ત, વાનગીઓના કાઉન્ટર પર લાઇન નહોતી. અત્યારે જમનારા મહેમાનો પોતપોતાના ગ્રૂપમાં આરામથી ટેબલ- ખુરસી પર બેસીને ભોજન લઇ રહ્યા હતા. એમની સુવિધા માટે વિવિધ વાનગીઓ લઇને વેઇટરો ટેબલે ટેબલે ઘૂમી રહ્યા હતા.

વિભાકર ત્યાં પહોંચીને ગારિયાધારથી આવેલા મહેમાનોને શોધી રહ્યો હતો. વસંતમામા અને કમલેશમામા છેક એટલે દૂરથી આવ્યા હતા. એ છતાં, સુભાષને સકંજામાં લેવાની લાયમાં એમની સાથે સરખી રીતે વાત પણ કરી નહોતી. એમને અહીં જમવાના કાઉન્ટર પર છોડીને પોતે સુભાષને ઉઠાવીને ભાગ્યો હતો. ભાસ્કર એના સાળાઓ અને સસરાના ટેબલ પાસે ઊભો રહીને કંઇક વાત કરી રહ્યો હતો.

'વસંતમામા અને કમલેશમામાને જોયા?' ત્યાં જઇને વિભાકરે ભાસ્કરને પૂછ્યું.

'એ લોકો પપ્પા સાથે ઊભા હતા.' ભાસ્કરે માહિતી આપી. 'દસેક મિનિટ અગાઉ મેં જોયેલા. કદાચ પપ્પા સાથે ઘરમાં ગયા હશે.'

ભાસ્કરના સસરા અને સાળાઓ સાથે હાય-હલ્લો કરીને વિભાકર બંગલામાં પહોંચ્યો. ડ્રોઇંગરૂમમાં અત્યારે માણસો કામ કરી રહ્યા હતા. મંજુલાના અવસાન પછી ત્યાંથી તમામ ફર્નિચર ખસેડી લેવામાં આવ્યું હતું, એ ફરીથી ગોઠવાઇ રહ્યું હતું. આદિત્ય ત્યાં ઊભો રહીને માણસોને સૂચના આપી રહ્યો હતો. મંજુલાની છબી હવે દીવાલ પર આવી ગઇ હતી.

હરિવલ્લભદાસના ઓરડાનું બારણું એ ઘરમાં હોય ત્યારે હંમેશાં ખુલ્લું જ રહેતું. વિભાકર અંદર ગયો ત્યારે આખો ઓરડો ભરચક હતો. પલંગ અને સોફા ઉપરાંત મહેમાનો માટે વધારાની ખુરસીઓ ગોઠવેલી એમાં પણ બધા બેઠા હતા. વસંતમામા ડૉક્ટર દિનુભાઇ સાથે કંઇક ચર્ચા કરી રહ્યા હતા.

'તમને જમવા માટે ખો આપીને મારે ભાગવું પડેલું, મામા, બરાબર જમ્યાને?' વસંતમામા અને કમેલશમામાની પાસે જઇને વિભાકરે પૂછ્યું.

'તું નહોતો પણ તારો હવાલો આદિત્યે સંભાળી લીધો હતો.' હરિવલ્લભદાસે વિભાકરને ધરપત આપી. 'દૂરથી આવેલા મહેમાનની સરભરામાં કચાશ ના રહેવી જોઇએ.'

'મારે તો હવે ડરી ડરીને જમવાનું.' વસંતમામાએ હસીને વિભાકર સામે જોયું. 'વીસ દિવસ પહેલા બી.પી.નો પ્રોબ્લેમ થયેલો એટલે પાલિતાણાની હોસ્પિટલમાં બતાવેલું. એ દવા રેગ્યુલર ચાલે છે. અત્યારે આ ડૉક્ટર સાહેબને વાત કરી તો એમણે પણ એ જ દવા ચાલુ રાખવાનું કહ્યું. આટલાં વર્ષ બહુ ખાધું, જીભના ચટાકા પણ જલસાથી કર્યા પણ હવે આંટા આવી ગયા. જીવવું હોય તો જીભ ઉપર કન્ટ્રોલ રાખવો પડશે એવું બધા ડૉક્ટરોએ કીધું.'

'મેં જમવાનું બંધ કરવાની સલાહ નથી આપી.' ડૉક્ટર દિનુભાઇએ બધાની સામે જોઇને કહ્યું. 'હું તો તમને સહુને એક જ સલાહ આપું છું કે મીઠું, મેંદો અને ખાંડ આ ત્રણેય વસ્તુ જેટલી ઓછી ખાવ, એટલું વધારે જીવશો. એમાંય બી.પી.નો પ્રોબ્લેમ હોય એણે તો મીઠા ઉપર ખાસ કન્ટ્રોલ રાખવાનો.'

એ બોલતા હતા એ દરમિયાન વિભાકર કમલેશ અને વસંતમામાની જોડે જગ્યા કરીને ગોઠવાઇ ગયો હતો. 'આવો કોઇ હોસ્પિટલનો મામલો હોય તો એટલિસ્ટ મને ફોન તો કરાયને?' બંને મામાની સામે જોઇને એણે ફરિયાદ કરી. 'અહીં અમદાવાદની કોઇ સારી હોસ્પિટલમાં બતાવી દેવાય. આ તમારું જ ઘર છે. મને હુકમ કરવાનો. બધી વ્યવસ્થા ગોઠવી આપવામાં મને વાંધો નહીં આવે.'

'ભાણાભાઇ, આવી મદદ લેવાનો પ્રસંગ ઊભો જ ના થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરવાની.' કમલેશમામાએ વિભાકરને કહ્યું. 'હવે અમે રજા લઇશું. તારી રાહ જોઇને જ રોકાય હતા.'

હરિવલ્લભદાસને નમસ્કાર કરીને એ બંને ઊભા થયા. એમની સાથે આવેલા બીજા બે પિતરાઇ ભાઇઓએ પણ શેઠને વંદન કર્યાં. વિભાકર એ લોકોને મૂકવા માટે ઊભો થયો અને છેક એમની કાર સુધી સાથે ગયો.


હરિવલ્લભદાસ એમના પલંગમાં પગ લંબાવીને આરામથી બેઠા હતા. એક પછી એક બધાય મહેમાનોએ વિદાય લીધી એ પછી આખા ઓરડામાં એ એકલા જ રહ્યા. આજે તારી સાથેની તમામ લેણદેણ પૂરી થઇ ગઇ. મંજુલાને યાદ કરીને આંખો બંધ કરીને એ મનોમન બોલતા હતા. હું તો બહુ વિશ્વાસ નથી રાખતો પણ જાણકારો કહે છે કે તેરમાની વિધિ સુધી સ્વર્ગવાસી આત્મા ઘરમાં જ ઘૂમરાયા કરતો હોય છે. આજે એ તમામ શાસ્ત્રોક્ત વિધિઓ પતાવી દીધી છે. હવે તારો આત્મા સદગતિ તરફ પ્રયાણ કરે એવી ઇશ્વરને પ્રાર્થના કરું છું. આટલાં વર્ષોમાં મારાથી કોઇ ભૂલચૂક થઇ હોય તો મોટું મન રાખીને મને માફ કરી દેજે અને જીવને ગતે કરજે.

બંધ આંખે મંજુ સાથે એ સંવાદ કરી રહ્યા હતા. ડ્રોઇંગરૂમમાં હવે પૂરી બેઠક વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી એટલે અહીં આવીને કોઇ ખલેલ પહોંચાડવાનું નહોતું. બંધ પાંપણની પછવાડે ફિલ્મનાં દૃશ્યોની જેમ મંજુ સાથેની ક્ષણો વારાફરતી તરવરતી હતી.

એમનો ઓરડો વિશાળ હતો. એમના પલંગની સામે સાતેક વ્યક્તિઓ બેસી શકે એ રીતના સોફા હતા. સોફા અને એમના પલંગની વચ્ચે પંદરેક ખુરસીઓ ગોઠવી શકાય એટલી જગ્યા હતી. એમના પલંગની પાછળ દીવાલમાં જડેલી તિજોરી હતી. હરિવલ્લભદાસના પિતાજીએ જ્યારે આ બંગલો બનાવ્યો ત્યારે આ તિજોરી બ્રિટનથી મંગાવેલી. સાત ફૂટ લાંબી અને ચાર ફૂટ પહોળી આ ફાયરપ્રૂફ તિજોરીની ઊંડાઇ અઢી ફૂટની હતી. લોખંડનું એક ઇંચ જાડું બારણું ખૂલે ત્યારે એ ઓરડામાં વિભાકર, આદિત્ય કે ભાસ્કર સિવાય કોઇની પણ હાજરી ના હોવી જોઇએ એની હરિવલ્લભદાસ કાળજી રાખતા હતા. અલબત્ત, નિમુ અને મંજુની હાજરીનો એમને વાંધો નહોતો.

આજ સુધીમાં અલકા અને ભાવિકાએ પણ આ તિજોરીને ખુલ્લી જોઇ નહોતી. આ બંને પુત્રવધૂઓને પણ તિજોરીમાં રહેલા ખજાનાના દર્શનનો લાભ નહોતો મળ્યો.

બંધ પાંપણની પાછળ સ્મરણોની હારમાળા ચાલુ હતી એ જ વખતે એમનો મોબાઇલ રણક્યો અને શેઠ જે ભોગવી રહ્યા હતા એ મંજુનું સ્મરણરૂપ સાંનિધ્ય ઝૂંટવાઇ ગયું. મોબાઇલના સ્ક્રીન ઉપર મિત્ર જીવણભાઇનું નામ જોઇને એ મનોમન ગાળ બબડ્યા અને ફોન કાપી નાખ્યો. આ મૂરખ જોડે પછી શાંતિથી વાત કરીશ. એમણે તિજોરીની ચાવી હાથમાં લીધી અને વજનદાર બારણું ખોલ્યું. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સનું આલ્બમ બહાર કાઢ્યું.

રૂમનું બારણું ખુલ્લું હતું. આજે લાગણીના આવેશમાં એ પોતાનો નિયમ ભૂલી ગયા. હતા. તિજોરી ખોલતા અગાઉ ઓરડાનું બારણું બંધ કરી દેવાનો એમનો નિયમ હતો.

'નાનાજી.' બૂમ પાડીને પ્રશાંત રૂમમાં સીધો જ તિજોરી સુધી ધસી આવ્યો એટલે એક સેકન્ડ માટે તો હરિવલ્લભદાસ ચોંકી ઊઠ્યા. પ્રશાંતની પાછળ એની બહેન પરિધિ પણ દોડતી આવીને નાનાની સામે ઊભી રહી ગઇ.

'અલ્યા, તેં તો મને ભડકાવી દીધો.' હરિવલ્લભદાસે એને પ્રેમથી ઠપકો આપ્યો. 'એવી તે કઇ ઉતાવળ હતી કે વાવાઝોડાંની જેમ દોડતો આવ્યો?' આ બોલતી વખતે એમનો હાથ તિજોરીના બારણાં પર હતો. ધીમેથી એ બંધ કરી રહ્યા હતા.

'નાનાજી, તિજોરી ખુલ્લી જ રાખજો.' દોહિત્ર તરીકે જાણે આદેશ આપતો હોય એમ પ્રશાંતે અધિકારથી કહ્યું.

'તારે તિજોરીનું શું કામ છે?' હરિવલ્લભદાસે આશ્ચર્યથી પૂછ્યું.

'હું ને પરિધિ તો શાહીબાગ રહીએ છીએ એટલે આ ચારેય આકાશ, આકાંક્ષા, ભૌમિક અને ભૈરવી એક ટીમ બનીને અમને બંનેને બેવકૂફ બનાવે છે. એમાંય આકાશ તો રીતસર છોલું છે. જોરદાર ગપ્પાં મારે છે.'

'તમારા આ ઝઘડાને તિજોરી સાથે કોઇ સંબંધ ખરો?' હરિવલ્લભદાસે હસીને બંને ભાઇ બહેન સામે જોયું.

બંધ આંખે મંજુ સાથે એ સંવાદ કરી રહ્યા હતા. ડ્રોઇંગરૂમમાં હવે પૂરી બેઠક વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી એટલે અહીં આવીને કોઇ ખલેલ પહોંચાડવાનું નહોતું. બંધ પાંપણની પછવાડે ફિલ્મનાં દૃશ્યોની જેમ મંજુ સાથેની ક્ષણો વારાફરતી તરવરતી હતી.

'સંબંધ છે એટલે તો ખાતરી કરવા આવ્યા છીએ.' પ્રશાંતે ફોડ પાડ્યો. 'આકાશિયો કહે છે કે દાદાજી પાસે બંદૂક છે.'

'બંદૂક નહીં એણે રિવોલ્વર કહેલું.' પરિધિએ બાઇની ભૂલ સુધારીને નાના સામે જોયું. 'એ રિવોલ્વર તમે તિજોરીમાં સંતાડીને રાખો છો એવું આકાશભાઇ કહેતા હતા. એ વાત સાચી?'

તિજોરી તરફ સહેજ આગળ વધીને પ્રશાંતે પૂછ્યું. 'નાનાજી, પ્લીઝ, ખરેખર તમારી તિજોરીમાં રિવોલ્વર છે?'

'આકાશની વાત સો ટકા સાચી છે.' હરિવલ્લભદાસે હકારમાં માથું હલાવ્યું. 'હું વીસેક વર્ષનો હતો ત્યારે આ વિસ્તાર તો સાવ નિર્જન હતો. બંગલામાં ચોરી કરવા માટે ચોર આવેલા એ પછી મારા પપ્પાએ પોલીસને ફરિયાદ કરી. કમિશ્નર એમના મિત્ર હતા. વેરાન જગ્યાએ રહેતા ધનવાન આદમી પાસે સ્વરક્ષણ માટે હથિયાર તો હોવું જ જોઇએ, એવું એ માનતા હતા એટલે પપ્પાએ અરજી કરી કે તરત મારા નામે રિવોલ્વરનું લાયસન્સ એમણે આપી દીધું. પોઇન્ટ ફોર્ટી ફાઇવની આલાગ્રાન્ડ ઇંગ્લેન્ડની રિવોલ્વર છે, જેનો આજ સુધીમાં ક્યારેય ઉપયોગ નથી થયો.'

'નાનાજી, પ્લીઝ, બતાવો.' પ્રશાંત અને પરિધિ એકસાથે કરગર્યાં.

'ઓ.કે. માત્ર જોવા મળશે. અડવા નહીં મળે. રૂમનું બારણું બંધ કરો.' એમણે કહ્યું કે તરત પ્રશાંત બારણું બંધ કરી આવ્યો.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP