Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-31

‘તમારો નહીં તો શેઠ હરિવલ્લભદાસના મોભાનો તો ખ્યાલ રાખો, સાહેબ!’

  • પ્રકાશન તારીખ13 Aug 2018
  •  

પ્રકરણઃ 31

સુભાષ રીતસર થથરી ગયો હતો. બાવીસ વર્ષ અગાઉ શાલિની સાથે લગ્ન કરીને એક શેઠ હરિવલ્લભદાસનો જમાઇ બન્યો હતો. બાવીસ વર્ષના સમયગાળામાં અનેક વાર એ બંગલે આવ્યો હતો અને દરેક વખતે પૂરા આદર સત્કાર સાથે જમાઇ તરીકે માન મળતું હતું. ખુદ હરિવલ્લભદાસ પણ એનું સન્માન જાળવતા હતા. વિભાકર, આદિત્ય અને ભાસ્કર ત્રણેય સાળાઓ ઉપરાંત આદિત્યની પત્ની અલકા અને ભાસ્કરની પત્ની ભાવિકા આ તમામે આજ સુધી એનો માનમરતબો જાળવ્યો હતો.

વિભાકર જેવા મહારથીએ મનમાં શું ધાર્યું હશે? ઉત્તરક્રિયાની વિધિ ચાલુ હતી અને એમાં જ એણે ફટાફટ જમવાનો આદેશ આપ્યો. સીધીસાદી રીતે ત્યાં તો એટલું જ કહ્યું કે આપણે એક જગ્યાએ જવાનું છે. કાર સ્ટાર્ટ કર્યા પછી તરત જ સાળાસાહેબના તેવર બદલાઇ ગયા. આટલી સખ્તાઇભરી ધમકી આપવાની હિંમત સાસરા પક્ષમાંથી કોઇએ અગાઉ ક્યારેય નહોતી કરી.

તો પછી આજે અચાનક શું થયું? વિભાકર જેવા મહારથીએ મનમાં શું ધાર્યું હશે? ઉત્તરક્રિયાની વિધિ ચાલુ હતી અને એમાં જ એણે ફટાફટ જમવાનો આદેશ આપ્યો. સીધીસાદી રીતે ત્યાં તો એટલું જ કહ્યું કે આપણે એક જગ્યાએ જવાનું છે. કાર સ્ટાર્ટ કર્યા પછી તરત જ સાળાસાહેબના તેવર બદલાઇ ગયા. આટલી સખ્તાઇભરી ધમકી આપવાની હિંમત સાસરા પક્ષમાંથી કોઇએ અગાઉ ક્યારેય નહોતી કરી. ડઘાઇને આંખો પહોળી કરીને એ વિભાકર સામે તાકી રહ્યો.

વિભાકરના હોઠ દૃઢતાથી બિડાયેલા હતા અને આંખોની ચમક અત્યારે સાવ અલગ હતી. એની સામે જોઇ રહેવાથી ફફડાટની માત્રા વધી જશે એવું લાગ્યું એટલે સુભાષે બારીનાં બહારનાં દૃશ્યો જોવાનું શરૂ કર્યું. આડેધડ ખોદકામ અને મસમોટી ટ્રકોને લીધે કારની ગતિ સાવ ધીમી હતી. પ્રેમ દરવાજા પાસે તો એટલે ગીચ ટ્રાફિક હતો કે કાર કીડીવેગે આગળ વધી રહી હતી. કાલુપુર રેલવે સ્ટેશન લઇ જઇને મારું શું કામ હશે? સુભાષ મનમાં વિચારતો હતો. એક શબ્દ પણ બોલવાની હવે હિંમત નહોતી એટલે જે થાય એ ચૂપચાપ જોવાનું જ હતું.

પ્રેમ દરવાજાનો ટ્રાફિક વટાવ્યા પછી ચોખા બજાર કબૂતર ખાના પાસે તો દશા એકદમ ખરાબ હતી. ટ્રકો, લોડિંગ રિક્ષાઓ, શાકભાજીની લારીઓ અને ખાનગી વાહનોથી રસ્તો એવો ભરચક હતો કે કાર આગળ કઇ રીતે વધશે એ અઘરો સવાલ હતો.

સહેજ જગ્યા મળી એટલે પાછળ આવતાં વાહનોની પરવા કર્યા વગર વિભાકરે જબરજસ્ત કુનેહથી કારને ડાબી તરફ વાળીને કબૂતરખાના તરફ અંદર ઘુસાડી.

એણે કારને ચાલાકીથી ત્યાંના પાર્કિંગ લોટમાં લીધી એની સાથે જ સુભાષનું હૃદય એક ધબકારો ચૂકી ગયું! વિભાકરની રમતનો આછોપાતળો અણસાર આવ્યો એની સાથે જ ચહેરો ફિક્કો પડી ગયો અને કપાળે પરસેવો વળી ગયો!

'ચાલો, ઉભા થાવ.' એની સામે જોઇને વિભાકરે ચપટી વગાડીને આદેશ આપ્યો. 'દસેક મિનિટનું એક કામ છે, એ પતાવી દઇએ.'

કબૂતરખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર બધી દુકાનો હતી જ્યાં આખા અમદાવાદ કરતાં સસ્તા ભાવે સાબુ, ટૂથપેસ્ટ અને એવી ચીજવસ્તુઓ વેચાતી હતી. જીર્ણશીર્ણ સીડી ચડીને પહેલે અને બીજે માળ જઇએ તો ત્યાં બાર બાય પંદરની ઓરડી જેવી વીસેક ઓફિસો હતી. પહેલી નજરે જોનાર નવાસવા માણસને ખ્યાલ ના આવે કે આ જગ્યાએ રોજ કરોડોનો કારોબાર થતો હશે. એ બધી શરાફી પેઢીઓ અમદાવાદ શહેર અને જિલ્લાના વેપારીઓ માટે આબરૂ બચાવવાનું સ્થાન હતું. વેપારી ચેક અને પ્રોમિસરી નોટ આપે એની સામે પેઢીમાંથી ઊભાં ઊભાં જ પૈસા મળી જતા. અલબત્ત, અજાણ્યાને તો અહીં ઊભા રહેવા પણ ના મળે. થોડોઘણો પરિચય અથવા સધ્ધર ઓળખાણ હોય તો કરોડો રૂપિયાની જરૂરિયાત પણ પૂરી થઇ જાય.

સુભાષના પગ પાણી પાણી થઇ ગયા હતા. નીચું જોઇને એ વિભાકરની સાથે મહાપ્રયત્ને પગ ઉપાડી રહ્યો હતો. સીડી ચડતી વખતે એની દશા કસાઇખાને જતી બકરી જેવી હતી.

પહેલે માળ પહોંચ્યા પછી વિભાકરે બધાં બોર્ડ ઉપર નજર ફેરવી. પી. ડી. ઠક્કર લખેલું પાટિયું જોઇને એની આંખ ચમકી. એણે ઝડપથી પગ ઉપાડ્યા. પગમાંથી બધી શક્તિ હણાઇ ગઇ હોય એવું સુભાષ અનુભવી રહ્યો હતો. એ ધીમો પડ્યો એટલે વિભાકરે ગરદન ઘુમાવીને તીખી નજરે પાછળ જોયું. એની નજરનો તાપ જીરવવાનું કામ કપરું હતું એને લીધે મન મક્કમ કરીને સુભાષે ઝડપ વધારી.

આ પ્રવીણ ઠક્કરને વિભાકર ઓળખતો નહોતો. જયરાજ અને જયંતીએ જબરજસ્ત મહેનત કરીને આ એક ઠેકાણું શોધી કાઢ્યું હતું અને એને રૂબરૂ મળીને ચર્ચા કરી હતી. વિભાકર હરિવલ્લભદાસનું નામ જયરાજ અને જયંતી માટે માસ્ટર કી જેવું હતું. એ નામ સાંભળ્યા પછી જ પ્રવીણ ઠક્કરે મોઢું ખોલીને સાચી માહિતી આપી હતી. અમારા શેઠ કદાચ તમને મળવા આવશે એવું પણ જયરાજે પ્રવીણને કહી રાખ્યું હતું.

'હું સાથે છું ને? ચિંતા નહીં કરવાની.' શરાફની ઓફિસના બારણે પહોંચ્યા ત્યારે સુભાષની હાલત દયાજનક હતી. આખા શરીરમાંથી બધું લોહી કોઇએ એક સાથે શોષી લીધું હોય એવી ફિક્કાશ ચહેરા પર પથરાઇ હતી. આંખોમાં ગભરાટ છલકાતો હતો. એની આ હાલત જોઇને વિભાકરે એનો હાથ પકડીને ધરપત આપી અને બંને અંદર પ્રવેશ્યા.

પ્રવીણ ઠક્કર ખુરસી પર બેસીને મોબાઇલ પર કોઇની સાથે વાત કરી રહ્યો હતો. આ બંનેને જોઇને 'પછી વાત કરું.' એમ કહીને મોબાઇલ ટેબલ પર મૂક્યો અને ખુરસીમાંથી ઊભો થઇ ગયો.

'તમારા જેવા મહાનુભાવનાં પગલાં પડ્યાં એટલે આજે મારી ઓફિસ ધન્ય થઇ ગઇ.' ઉમળકાથી વિભાકરને આવકાર આપીને એણે ખુરસી તરફ ઇશારો કર્યો. વિભાકર ખુરસીમાં બેઠો અને સુભાષને પણ પોતાની પાસેની ખુરશીમાં બેસવા ઇશારો કર્યો. એ બંને ખુરસીમાં બેઠા પછી પ્રવીણ પોતાની ખુરસીમાં બેઠો.

'તમે ચા- કોફી કે કંઇક ઠંડું...' એમ કહીને પ્રવીણે ઓર્ડર આપવા માટે મોબાઇલ હાથમાં લીધો કે તરત વિભાકરે એને અટકાવ્યો. 'ઠક્કરસાહેબ, માતુશ્રીની ઉત્તરક્રિયામાંથી ગૂટલી મારીને આવ્યો છું, એટલે જલ્દી ભાગવાનું છે. નો ફોર્માલિટી પ્લીઝ.' સુભાષ તરફ આંગળી ચીંધીને એણે પ્રવીણને કહ્યું. 'આ અમારા બનેવીસાહેબ વચ્ચે ભીંસમાં આવેલા ત્યારે તમારી મદદ લીધેલી. એ હિસાબ ક્લિયર કરવા માટે જ ધક્કો ખાધો છે.'

'બે મિનિટ.' ટેબલનું ડ્રોઅર ખોલીને પ્રવીણે એમાંથી ઘોડા ફાઇલ બહાર કાઢી. ફાઇલનાં પેપર્સ વચ્ચે એની આંગળીઓ ધંધાદારી કુશળતાથી ફરતી હતી. સુભાષે આપેલો તારીખ વગરનો ચેક, પ્રોમિસરી નોટ અને બીજો એક હિસાબનો કાગળ બહાર કાઢીને એણે ફાઇલ પાછી ડ્રોઅરમાં મૂકી દીધી.

કેલક્યુલેટરની મદદ વગર જ એણે ફટાફટ ગણતરી કરીને વિભાકરની સામે જોયું. 'ત્રણ મહિના અને ચાર દિવસ પહેલાં એમણે બાર લાખ રૂપિયા લીધેલા. ત્રણ મહિનાનું વ્યાજ એક લાખ આઠ હજાર થાય અને તમે આવ્યા છો એટલે ચાર દિવસના ઉચક બે હજાર ઉમેરીએ તો ટોટલ તેર લાખ દસ હજાર આપવાના થાય.'

ઝભ્ભાના ખિસ્સામાંથી વિભાકરે ચેકબુક બહાર કાઢી. 'તમે ખાલી યસ કહીને કબૂલી લો તોય ચાલે. આ ચેકની કોઇ ઉતાવળ નથી.' પ્રવીણે વિવેક કર્યો.

'અડબોથની ઉધારી ના હોય, ઠક્કરસાહેબ, તમારી આ ઓફિસમાં તો કલાકે કલાકના વ્યાજની ગણતરી થતી હોય છે એનો મને ખ્યાલ છે.' વિભાકરે હસીને કહ્યું અને ચેક લખીને પ્રવીણની સામે ધર્યો.

પ્રવીણે ચેક ટેબલ પર મૂક્યો. સુભાષે આપેલ ચેક અને પ્રોમિસરી નોટ પાછી આપવા માટે એણે લંબાવી કે તરત સુભાષે પોતાનો હાથ લંબાવ્યો. એ જ વખતે વીંધી નાખે એવી નજરે વિભાકરે સુભાષ સામે જોયું એટલે ભોંઠા પડેલા સુભાષે તરત પોતાનો હાથ પાછો ખેંચી લીધો. 'આ મસાલો મારી પાસે રહેશે.' પ્રવીણ પાસેથી એ પેપર્સ લઇને ઝભ્ભાના ખિસ્સામાં મૂકતી વખતે વિભાકરે હળવેથી સુભાષને કહી દીધું.

'ઠક્કરસાહેબ, થેંક્યુ... થેંક્યુ વેરી મચ.'' વિભાકરે ઊભા થઇને કહ્યું એટલે પ્રવીણ પોતાની ખુરસી છોડીને વિભાકર પાસે આવ્યો અને એની સાથે હાથ મિલાવ્યો. 'તમે ચા- કોફી કંઇ ના લીધું એ ગમ્યું તો નથી, પણ ફરી વાર ક્યારેક ચોક્કસ આવજો.'

'શ્યોર.' વિભાકરે ખાતરી આપીને એની આખી ઓફિસમાં નજર ફેરવી. 'તમારી ચીવટ અને હિસાબની ચોખ્ખાઇ જોઇને આનંદ થયો.' સહેજ વિચારીને એણે પ્રવીણના ખભે હાથ મૂક્યો. 'આ ધંધામાં તમારી મોટા ભાગની મૂડી તો સરક્યુલેશનમાં જ ફરતી હશે. ક્યારેક કોઇ એકદમ મોટો ક્લાયન્ટ આવી જાય અને તકલીફ જેવું લાગે તો વિના સંકોચે મને મળજો.' એણે હસીને ઉમેર્યું. 'મારો ધંધો શરાફનો નથી, પણ તમારી પડખે ઊભો રહીશ.'

'થેંક્યુ. શેઠ, થેંક્યુ.' પ્રવીણે ગળગળા અવાજે કહ્યું અને છેક બારણાં સુધી મૂકવા આવ્યો.

સીડી ઊતરીને બંને કાર સુધી પહોંચ્યા ત્યાં સુધી વિભાકરે સુભાષ સામે નજર પણ ના કરી. કાર પાસે પહોંચ્યા પછી ડોર ખોલ્યા વગર વિભાકર બહાર જ ઊભો રહ્યો.

'બનેવીસાહેબ, આખી ચેકબુક સાથે લઇને જ આવ્યો છું.' સુભાષ સામે જોઇને એકેએક શબ્દ ઉપર ભાર મૂકીને એણે કહ્યું. 'બીજા કોઇની ઉધારી કરી હોય તો બોલી જાવ. આ આખી વાત આપણા બે વચ્ચે જ રહેશે. બી ફ્રેન્ક એન્ડ બી હેપી! તમારી સાથે આવીને તમારું તમામ દેવું ચૂકવી દેવાની મારી તૈયારી છે. બોલો, બીજે ક્યાં જવાનું છે?'

ડઘાયેલા સુભાષનું ગળું સૂકાતું હતું. ગળામાં તીવ્ર શોષ પડ્યો હતો અને કશુંય બોલવાની તાકાત એનામાં બચી નહોતી. 'તમારો નહીં તો શેઠ હરિવલ્લભદાસના મોભાનો તો ખ્યાલ રાખો, સાહેબ! શેઠનો જમાઇ બાર-પંદર લાખ માટે શરાફને પ્રોમિસરી નોટ આપે એ સારું લાગે? તમારું આ વર્તન શોભાસ્પદ છે ખરું?' અવાજની આક્રમકતા ઓછી કરીને એણે પ્રેમથી કહ્યું. 'વન્સ એન્ડ ફોર ઓલ. તમારું જેટલું પણ દેવું હોય એ બોલી જાવ. અત્યારે ને અત્યારે એ ચૂકવી આપવા તૈયાર છું. જરાયે સંકોચ વગર બોલી નાખો. આ વાતની પપ્પા, આદિત્યભાઇ કે ભાસ્કરને જાણ નહીં કરું. શાલુને તો ગંધ પણ નહીં આવે. બોલો, હવે કોને ત્યાં જવાનું છે?'

વિભાકરના બંને હાથ સુભાષે પોતાના હાથમાં જકડી લીધા.

'હવે ક્યાંય નથી જવાનું. આ એક ઠક્કરનું જ ટેન્શન હતું.' એ ધ્રૂજતા અવાજે બબડ્યો. 'આ સિવાય બીજું કોઇ દેવું નથી.' વિભાકરે જે ખેલ પાડ્યો અને એ પછી અત્યારે એ જે ઉદારતા દેખાડી રહ્યો હતો એ જોઇને એણે થોડીક હિંમત કરીને પૂછ્યું. 'આ ઠક્કરની માહિતી તમને કઇ રીતે મળી એ નવાઇ લાગે છે.'

'અડબોથની ઉધારી ના હોય, ઠક્કરસાહેબ, તમારી આ ઓફિસમાં તો કલાકે કલાકના વ્યાજની ગણતરી થતી હોય છે એનો મને ખ્યાલ છે.'

'વાત તો નદી બનીને મારા સુધી પહોંચે છે, સુભાષકુમાર!' વિભાકરે હસીને એના ખભે હાથ મૂકીને કહ્યું. 'છેલ્લી વાર ચાન્સ આપું છું. ચેકબુક ખિસ્સામાં છે. તમારી સાથે તમે કહો ત્યાં આવીને તમારું દેવું ચૂકવવા તૈયાર છું. બોલો છે કોઇ લેણદાર?'

'બાય ગોડ! હવે કોઇ દેવું નથી.' સુભાષે ખાતરી આપી. વિભાકરે ડોર ખોલ્યું બંને કારમાં બેઠા અને વિભાકરે કાર ભગાવી. ઘડિયાળ સામે નજર કરીને એણે કહ્યું. 'હજુ તો ત્યાં જમવાનું ચાલુ જ હશે. હું અધૂરું જમ્યો ને તમને પણ ઉતાવળ કરાવેલી. એટલે જઇને તરત બીજા રાઉન્ડમાં બધાની સાથે જોડાઇ જઇએ.' વિભાકરની વાત સાચી હતી એટલે સુભાષે હકારમાં માથું હલાવ્યું.

બંગલે કાર પાર્ક કરીને બંને મંડપ તરફ આગળ વધ્યા. 'સુભાષકુમાર, છેલ્લી વાત સાંભળી લો.' રસ્તામાં ઊભા રહીને વિભાકરે રણકતા અવાજે આદેશ આપ્યો. કાલે તમે અને શાલુ પપ્પાને મળવાના છો એ કાર્યક્રમ હવે કેન્સલ કરી નાખજો. દેવું તો છે નહીં, એટલે દોઢ કરોડ માટે ડ્રામા કરવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડ?'

ગાલ પર સણસણતો તમાચો પડ્યો હોય એમ સુભાષ હચમચી ઊઠ્યો.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP