Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-30

'એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ મારી સાથે આવવાનું છે, ધેટ્સ ઓલ!'

  • પ્રકાશન તારીખ12 Aug 2018
  •  

પ્રકરણઃ30
શુક્રવારે સવારથી જ હરિવલ્લભ બંગલામાં ધમાલ હતી. જે તદ્દન નજીકનાં સગાં- સંબંધીઓ હતાં એ બધાં નવ વાગ્યા સુધીમાં આવી ચૂક્યાં હતાં. એ પછી ધંધાદારી સંબંધવાળા માણસો પણ ધીમે ધીમે આવી રહ્યા હતા.

હરિવલ્લભદાસે સવારે ચા પીતી વખતે જ ત્રણેય પુત્રો અને બંને વહુઓને સૂચના આપી દીધી હતી કે તમારે તમારા મહેમાનોને સાચવી લેવાના. ભાસ્કરની પત્ની ભાવિકાને ખાસ કહ્યું હતું કે ભાસ્કર તો વિધિમાં રોકાયેલો હશે એટલે તારા પિયરમાંથી જે લોકો આવે એમની સંભાળ તારે રાખવાની. આદિત્ય અને અલકાને પણ એ પ્રકારની સૂચના આપી હતી.

'આ બધુંય આપીશું તોય શાલુબહેનને સંતોષ નહીં થાય. એમનો જીવ તો પેલા પન્નાના હારમાં જ અટવાયેલો રહેશે.'

'તારા વસંતમામા અને કમલેશમામા જૂનવાણી વિચાર ધરાવે છે.' હરિવલ્લભદાસે વિભાકરને કહ્યું હતું. 'એ લોકો છેક ગારિયાધારથી અહીં આવશે પણ આપણા ઘેર જમવાનું પસંદ નહીં કરે. શક્ય હોય તો એમને મનાવજે. બેસણાના બીજે દિવસે એ પાંચેક માણસો આવેલા ત્યારે મેં આગ્રહ કરેલો પણ એ માન્ય નહોતા. આજે તારી રીતે તું પ્રયત્ન કરજે. છેક ત્યાંથી આવે અને આપણે ત્યાંથી ભૂખ્યા જ જાય એ સારું ના લાગે.'

'પ્રયત્ન કરીશ.' વિભાકરે ખાતરી આપી. 'છેલ્લે મારા સોગન આપીશ તો એ લોકો વિચાર બદલશે.' એના જવાબથી સંતોષ પામીને હરિવલ્લભદાસે સુભાષની સામે જોયેલું. 'તમારા ફેમિલીમાંથી જે આવે એમાંથી કોઇ જમ્યા વગર ના જાય એ તમારી જવાબદારી.'

'જી... જી...' સુભાષે આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ તરત જવાબ આપ્યો.

અલકા અને ભાવિકા કાશીબાની મદદ લઇને સજ્યાદાન માટેની મંગાવેલી નાની-મોટી તમામ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી રહ્યા હતા. એક નાની ટ્રક ભરાય એટલી વસ્તુઓમાં સ્માર્ટ એચ.ડી. ટીવી, ફ્રીજ ઉપરાંત સોના-ચાંદીના દાગીના પણ હતા. આ દાન દીકરી તરીકે શાલિનીને જ આપવાનું હતું.

'આ બધુંય આપીશું તોય શાલુબહેનને સંતોષ નહીં થાય.' શાલિની ખાસ્સી દૂર ઊભી હતી એટલે બધી વસ્તુઓ ગોઠવતી વખતે ભાવિકાએ હળવેથી અલકાને કહ્યું. 'એમનો જીવ તો પેલા પન્નાના હારમાં જ અટવાયેલો રહેશે.' દેરાણી- જેઠાણી એકમેકને તાળી આપીને એક સાથે હસી પડ્યાં.

ગોર મહારાજે વિધિ શરૂ કરી દીધી હતી. ખુલ્લા શરીરે માત્ર ધોતિયું પહેરીને ભાસ્કર એમની સામે બેઠો હતો અને ગોરજી જે આદેશ આપે એ મુજબ વિધિ કરતો હતો. આદિત્ય અને વિભાકર થોડી થોડી વારે ત્યાં ચક્કર મારતા હતા.

સુભાષે તો દૃઢ નિર્ધાર કર્યો હતો એટલે એ હરિવલ્લભદાસની આસપાસ ત્રણ ફૂટની ત્રિજ્યામાં જ રહેવા પ્રયત્ન કરતો હતો. બાળકો બગીચામાં ગોઠવાયેલી ખુરસીઓની આજુબાજુ એમની ધીંગામસ્તીમાં ખોવાયેલાં હતાં.

હરિવલ્લભદાસના ત્રણેય મિત્રો ભાસ્કર અને ગોર મહારાજની સામે ખુરસીમાં બેસીને અલકમલકની વાતો કરી રહ્યા હતા. હાથમાં ડાયરી પકડીને જિતુભાઇ પતંગિયાની જેમ ઉડાઉડ કરતા હતા. કેટરિંગનો કોન્ટ્રાક્ટ જેને આપ્યો હતો એના ઉપર ધ્યાન રાખવા માટે થોડી થોડી વારે પાછળ રસોડામાં પણ આંટો મારી આવતા હતા. એ સિવાય જે મહેમાનો આવે એમનું સ્વાગત કરીને એ હરિવલ્લભદાસ સુધી દોરી જતા હતા. સુભાષનો નાનો ભાઇ, એની પત્ની અને બાળકો આવી ગયાં હતાં એટલે સુભાષે થોડી વાર એમની સાથે વાતો કરી એ પછી એમનો હવાલો શાલિનીને સોંપીને એ પાછો હરિવલ્લભદાસ પાસે આવી ગયો હતો. આ વિધિમાં બીજા કોઇને ખાસ રસ ના હોય એટલે મહેમાનો પોતપોતાના ગ્રૂપમાં બેઠક જમાવીને ખુરસીઓ ઉપર બેઠા હતા. જે કોઇ ગ્રૂપમાં નહોતા એ બધા પોતપોતાના મોબાઇલમાં મસ્ત હતા.

વિભાકરે કાંડા ઘડિયાળમાં જોયું. અગિયાર વાગી ગયા હતા. બંગલાનો મુખ્ય દરવાજો સેટેલાઇટ રોડ પર હતો. આખો પ્લોટ આઠ હજાર વારનો હતો એટલે ગેટથી અંદર આવીને પોતાનું વાહન પાર્કિંગની જગ્યામાં મૂકીને અહીં સુધી આવવા માટે ખાસ્સું ચાલવું પડે. એ રસ્તા ઉપર નજર રાખીને વિભાકર પ્રતીક્ષા કરી રહ્યો હતો. ગારિયાધારથી વસંતમામા અને કમલેશમામા જલ્દી આવી જાય તો સારું. એણે મોબાઇલ કાઢીને વસંતમામાનો નંબર જોડ્યો. 'મામા, ક્યાં પહોંચ્યા?'

'તારા બંગલાના ગેટમાંથી અંદર આવી ગયા છીએ. ડ્રાઇવર પાર્કિંગ માટે જગ્યા શોધે છે.' એમણે તરત કહ્યું. 'બસ, હવે નીચે ઊતરીને આવીએ છીએ.'

વિભાકરે પગ ઉપાડ્યા અને પાર્કિંગ તરફ આગળ વધ્યો. ભાણાને સામે આવેલો જોઇને બંને મામાના ચહેરા પર ખુશી પથરાઇ. વિભાકરે ઝૂકીને વસંતમામાનો ચરણસ્પર્શ કર્યો તો એમણે વિભાકરને બાથમાં ભીંસી લીધો. નાના કમલેશમામાએ પણ એવો જ પ્રેમ વરસાવ્યો. એ બંનેની સાથે બીજા બે પિતરાઇઓ પણ હતા. એ બધાને વિભાકર હરિવલ્લભદાસ પાસે લઇ ગયો. 'આટલે દૂરથી આવીને પણ તમે વ્યવહાર સાચવો છો એ બહુ મોટી વાત છે.' હરિવલ્લભદાસે ભીના અવાજે આવકાર આપીને કહ્યું. 'આજે તમારો હવાલો તમારા ભાણિયાને જ આપી દીધો છે. એનું કહ્યું માનશો તો મને પણ આનંદ થશે.' જવાબમાં એ ચારેય એમની સામે હાથ જોડીને ઊભા રહ્યા. હું એમને સંભાળી લઇશ. આંખોથી જ વિભાકરે પિતાને સંદેશો આપ્યો અને ચારેયને લઇને એ પૂજાવિધિ ચાલતી હતી ત્યાં પહોંચ્યા.

એ વખતે જિતુભાઇએ રસોડામાંથી આવીને શેઠને જાણ કરી કે ટેબલ ગોઠવાઇ ગયાં છે, મહેમાનોને જમવા મોકલો. હરિવલ્લભદાસે સુભાષ અને આદિત્યને સૂચના આપી એટલે એ બંને વારાફરતી બધા મહેમાનો પાસે જઇને હાથ જોડીને જમવાના પંડાલ તરફ જવાનો રસ્તો બતાવતા હતા.

એક પછી એક ગ્રૂપ ઊભાં થઇને બાંધેલા મંડપ તરફ આગળ વધ્યાં અને ભોજન સમારંભ શરૂ થઇ ગયો.

'મામા, આજે મારા સોગન છે, તમારે જમવું જ પડશે.' બંને મામા સામે હાથ જોડીને વિભાકર કરગર્યો. 'પ્લીઝ, આ વખતે મારું માન રાખો. સમ આપ્યા છે એટલું યાદ રાખજો.' બંને મામાએ એકબીજાની સામે જોયું. ભાણિયાના સોગન તોડવાની એમનામાં હિંમત નહોતી એટલે પરાજય સ્વીકારી લીધો.

વિભાકર એમને લઇને મંડપમાં ગયો. બંને મામાએ જમવાનું શરૂ કર્યું એ પછી એણે નજર ફેરવી. દૂર ઊભેલા સુભાષને હાથના ઇશારાથી બોલાવ્યો. વિભાને સાચવી લેજો. પત્નીએ આપેલી સોનેરી સલાહ બરાબર યાદ હતી એટલે ઝડપથી પગ ઉપાડીને એ વિભાકર પાસે આવ્યો. 'તમે જમ્યા?' જવાબ ખબર હતી છતાં વિભાકરે એને પૂછ્યું. સુભાષે ડોકું ધુણાવીને ના પાડી. 'આપણે તો છેલ્લે જમીશુંને?' એણે પૂછ્યું.

'એક અરજન્ટ કામ આવી ગયું છે એટલે આપણે બંનેએ જમી લેવું પડશે.' હળવા આદેશની જેમ વિભાકરે કહ્યું. 'જમીને તરત એક જગ્યાએ જવાનું છે. ગેટ રેડી.'

સુભાષે વિભાકરની સાથે જ પ્લેટ હાથમાં લીધી. વિભાકરની ઝડપ વધારે હતી એટલે એણે પણ ફટાફટ કોળિયા ગળે ઉતારવા પડ્યા.

'બીજા કોઇ રોકે એ પહેલાં ચૂપચાપ સરકી જઇએ.' સુભાષનો હાથ પકડીને વિભાકરે પગ ઉપડ્યા. મોટા સાળાનો હુકમ માન્યા વગર આજે છૂટકો નહોતો એટલે કશું પૂછ્યા વગર એ વિભાકરની સાથે કારમાં ગોઠવાઇ ગયો.

એક આંચકા સાથે વિભાકરે કાર સ્ટાર્ટ કરી. ગેટ પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે સલામ કરી એની સામે હાથ હલાવીને વિભાકરે એની સલામની નોંધ લીધી. આ એની કાયમની આદત હતી. એણે અમુક શેઠિયાઓનું ઉદ્ધત વર્તન જોયેલું હતું. કામ કરનારો કોઇ નાનો માણસ આદરભાવથી સલામ કરે કે પ્રમાણ કરે, તો એની સામે નજર પણ કર્યા વગર જતા રહે. નાનામાં નાના માણસની લાગણીની કદર કરીને એને યોગ્ય પ્રતિભાવ આપવાની વિભાકરને ટેવ હતી. એને લીધે સચિવાલયમાં મહેસૂલ વિભાગના પટાવાળાઓ પણ એને આદરથી જોતા હતા.

'આપણે ક્યાં જવાનું છે?' વિભાકરે કારની ગતિ વધારી એટલે સુભાષે હિંમત કરીને હળવેથી પૂછ્યું અને ઉમેર્યું. 'ત્યાં પપ્પાજીને એ લોકો આપણને શોધતા હશે તો?'

'હું સાથે છું એટલે એવી કોઇ ચિંતા નહીં કરવાની.' માત્ર એટલો જવાબ આપીને વિભાકરે કારને આશ્રમ રોડ તરફ લીધી. સુભાષ ગૂંચવાયો હતો. વિભાકરના જવાબમાં લગીર સખ્તાઇનો રણકો હતો એ પારખીને એ થોડી વાર માટે ચૂપ થઇ ગયો.

ગેટ પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે સલામ કરી એની સામે હાથ હલાવીને વિભાકરે એની સલામની નોંધ લીધી. આ એની કાયમની આદત હતી. એણે અમુક શેઠિયાઓનું ઉદ્ધત વર્તન જોયેલું હતું. કામ કરનારો કોઇ નાનો માણસ આદરભાવથી સલામ કરે કે પ્રમાણ કરે, તો એની સામે નજર પણ કર્યા વગર જતા રહે. નાનામાં નાના માણસની લાગણીની કદર કરીને એને યોગ્ય પ્રતિભાવ આપવાની વિભાકરને ટેવ હતી.

ઇન્કમટેક્સ ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઇને વિભાકરે કારને દિલ્હી દરવાજા તરફ વાળી એટલે ફરી સુભાષની જિજ્ઞાસા સળવળી. વિભાકરે જે રીતે લુખ્ખો જવાબ આપ્યો હતો એ સાંભળ્યા પછી ફરીથી કંઇ પૂછવાની હિંમત નહોતી થતી. એ છતાં, પ્રત્યેક પળે જિજ્ઞાસા વધુ તીવ્ર બનતી હતી. ચાલુ સમારંભમાં ફટાફટ જમાડી લીધા પછી આ સળાસાહેબ પોતાને ક્યાં લઇ જાય છે એ એને સમજાતું નહોતું.

દિલ્હી દરવાજા બહારના ચાર રસ્તે પહોંચ્યા પછી ડાબે કે જમણી તરફ વાળ્યા વગર વિભાકરે કારને સીધી કાલુપુર તરફના રસ્તે આગળ લીધી ત્યારે સુભાષની ધીરજ ખૂટી. હિંમત તો નહોતી થતી પણ જિજ્ઞાસા એટલી તીવ્ર બની ચૂકી હતી કે હવે ચૂપ રહેવાનું શક્ય નહોતું. મહામુશ્કેલીએ હિંમત ભેગી કરીને એણે પૂછ્યું. 'આપણે રેલવે સ્ટેશન જવાનું છે?'

જોરદાર બ્રેક મારી વિભાકરે કારને એવી રીતે રોકી કે સુભાષને આંચકો લાગ્યો. એ શારીરિક આંચકાના આઘાતમાંથી એ બહાર આવે એ અગાઉ વિભાકરે કરડી નજરે એની સામે જોઇને 'શી... શી... શી...' કહીને નાક ઉપર આંગળી મૂકીને ચૂપ રહેવાનો આદેશ આપ્યો. સુભાષ ડઘાઇ ગયો.

'લિસન...' વિભાકરના અવાજમાં સાંભળનારને વહેરી નાખે એવી ધાર હતી. 'એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ મારી સાથે આવવાનું છે, ધેટ્સ ઓલ!'

કાપો તો લોહી ના નીકળે એવી દશામાં સુભાષ એની સામે તાકી રહ્યો. એની સામે જોયા વગર જોરદાર ઝાટકા સાથે વિભાકરે કાર સ્ટાર્ટ કરી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP