Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-29

‘એટલો મસાલો મારા માટે કાફી છે. એક દીવાસળી સળગે એ પછી એમાંથી તો ઘણું બધું સળગાવી શકાય...’

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

પ્રકરણઃ29

જયરાજ અને જયંતીને જરૂરી સૂચનાઓ આપીને વિભાકરે વિદાય કર્યા. એ પછી એ પોતાના ઓરડામાંથી બહાર આવ્યો. એને એમ હતું કે આદિત્ય અને ભાસ્કર અત્યારે ડ્રોઇંગરૂમમાં જ બેઠા હશે. પણ ત્યાં હરિવલ્લભદાસ અને એમના વડીલો મિત્રો જ બેઠા હતા.

'તું હજુ નાહ્યો નથી?' હરિવલ્લભદાસે વિભાકર સામે જોઇને કહ્યું. 'પેલા બંનેને મેં બેસવાનું કહ્યું તો કહે કે મૂંડન કરાવ્યા પછી સ્નાન બાકી છે. એમ કહીને એ પોત પોતાના રૂમમાં ગયા. સુભાષકુમાર પણ ગયા.'

'ચાલો, હું પણ એ કામ પતાવી દઉં.' વિભાકર પાછો પોતાના રૂમમાં જઇને બાથરૂમમાં ઘૂસ્યો. સાવ નાનો હતો ત્યારે બાબરી ઊતરાવી હશે એ સમયે ટકો કરાવ્યો હશે. સ્નાન કરતી વખતે માથા ઉપર હાથ ફરે ત્યારે વિચિત્ર અનુભૂતિ થતી હતી. સમજણા થયા પછી પહેલીવાર માથું સાવ સફાચટ કરાવ્યું હતં એટલે જાણે કંઇક ખૂટતું હોય એવું લાગતું હતું.

'સૌથી પહેલાં વિભાનો જન્મ થયો ત્યારે હું ને નિમુ મીઠી મૂંઝવણમાં હતાં. પઠ્ઠા જેવું શરીર, ગોરો ગોરો અને મોઢું તો જાણે ઝગારા મારે. નિમુએ તો નક્કી કરી નાખ્યું કે આ દીકરો આપણા જીવનમાં અજવાળું પાથરશે. એવો તેજસ્વી છે કે એનું નામ સૂરજ જ રાખવું છે.’

ટીશર્ટ અને જિન્સ પહેરીને એ બહાર આવ્યો. આદિત્ય અને ભાસ્કર પણ ડ્રોઇંગરૂમમાં આવી ગયા હતા. ગોરધન મહારાજે રસોડામાંથી ત્યાં આવીને પૂછ્યું કે રોટલી શરૂ કરું? હરિવલ્લભદાસે માથું હલાવીને હા પાડી અને ત્રણેય પુત્રોની સામે જોયું. બધાં ઊભા થઇને ડાઇનિંગ ટેબલ પાસે ગયા. એ દરમિયાન સુભાષ પણ આવી ગયો.

હરિવલ્લભદાસના ત્રણેય મિત્રો પણ જમવામાં એમની સાથે જ હતા. મંજુબાના અવસાન પછી એ ત્રણેય દરરોજ બંગલે આવીને હરિવલ્લભદાસની પાસે ખાસ્સો સમય વીતાવતા. એને લીધે જમવાના સમયે પણ એમને કોઇ આગ્રહ કરવાની જરૂર ના પડતી. મંજુલા જીવતી હતી ત્યારે પણ આ ત્રણેય મહિને એકાદ વખત તો અહીં જમતા જ હતા.

ડાઇનિંગ ટેબલ પર હરિવલ્લભદાસની જમણી તરફ વિભાકર બેઠો હતો. ડાબી તરફની ખુરસીઓમાં આદિત્ય અને ભાસ્કર બેઠા હતા. એ ચારેયની સામે સુભાષ, ડૉક્ટર દિનુભાઇ, હિંમતલાલ અને જીવણભાઇ બેઠા હતા. ગોરધન મહારાજનો સહાયક આવીને દરેકની સામે થાળીઓ ગોઠવીને એમાં બંને શાક, સલાડ અને પાપડ પીરસી ગયો. દાળ માટે વાટકીઓ મૂકીને એમાં ગરમ દાળ એ રેડતો હતો એ જ વખતે પ્રશાંત ત્યાં આવ્યો.

'પપ્પા, પેલા લોકોને અત્યારે નથી જમવું.' એણે સુભાષને કહ્યું. 'એમણે તો દાબીને નાસ્તો કરેલો એટલે મોડા જમવાનું કહે છે, પણ મને ભૂખ લાગી છે.'

સુભાષ પોતાના વીસ વર્ષના દીકરાને કંઇ જવાબ આપે એ અગાઉ હરિવલ્લભદાસે એને પ્રેમથી ધમકાવ્યો. 'અલ્યા ગાંડા, એમાં પૂછવાનું હોય? આ તારું જ ઘર છે. વટથી બેસી જવાનું.' એમણે આંગળી ચીંધીને સુભાષની પાસેની ખાલી ખુરસી તરફ ઇશારો કર્યો એટલે પ્રશાંત ત્યાં બેસી ગયો.

રસોડામાંથી ગરમાગરમ રોટલી લઇને મહારાજનો સહાયક ઝડપથી આપી જતો હતો અને બધા જમતા હતા. નાનાજીની સાથે રહેવાનો શાલિનીએ જે આદેશ આપ્યો હતો એનો પ્રશાંત દિલથી અમલ કરતો હતો. એથી જ એ અત્યારે પણ અહીં આવી ગયો હતો.

'એક વણમાગી સલાહ આપું?' બાજુમાં બેઠેલા સુભાષ અને સામે બેઠેલા વિભાકર, આદિત્ય અને ભાસ્કર સામે જોઇને ડૉક્ટર દિનુભાઇએ કહ્યું. 'તમે ચારેય ટકામૂંડામાં પણ સોહામણા લાગો છે. એ છતાં, જલ્દી વાળ ઉગાડવા હોય તો દરરોજ કચકચાવીને માથામાં દિવેલ ઘસવાનું.'

'દિવેલ?' સુભાષે આશ્ચર્યથી પૂછ્યું.

'યસ, કેસ્ટર ઓઇલ, એરંડિયુ કે દિવેલ- તમે એને જે નામથી ઓળખતા હો એ.' પોતાના અનુભવના આધારે દિનુભાઇએ ખાતરી આપી. 'એને લીધે એકદમ ભરાવદાર અને ઘાટા વાળ ઝડપથી ઊગશે. ઘઉં મોવા માટે જે દિવેલ વપરાય છે એ સાવ સાદું દિવેલ પણ ચમત્કારિક રિઝલ્ટ આપશે.'

'હું તો આમેય ટૂંકા ક્રૂ કટ વાળ જ રાખતો હતો.' વિભાકરે હસીને કહ્યું. 'એમાં આજે મૂંડન પછી તો માથું હળવુંફૂલ લાગે છે.'

'મામા, આમેય તમારું સ્ટાઉટ બોડી છે અને ફેઇસ પણ એકદમ મોટો છે એટલે તમારી પર્સનાલિટી તો ટકલામાં પણ વધુ પાવરફૂલ લાગે છે!' પ્રશાંતે આદરભાવથી કહ્યું. 'સાચું કહું છું, મારા! હોલિવૂડના હીરો વિન ડિઝલ અને ‘ધ રૉક’ એટલે કે ડ્વેન જ્હોન્સન તો કાયમ ટકલું જ હોય છે.' એણે પોતાના ફિલ્મી જ્ઞાનનું પ્રદર્શન કર્યું એટલે સુભાષે ઠપકાભરેલી નજરે દીકરા સામે જોયું.

'વડીલો બેસીને વાતો કરતા હોય ત્યારે વચ્ચે ના બોલાય. એ સારી મેનર ના કહેવાય.' એણે પ્રશાંતને કહ્યું. 'જમવા બેસી ગયો એનો વાંધો નહીં, પણ વચ્ચે ડબકું નહીં મૂકવાનું.'

'સોરી.' પ્રશાંત ધીમેથી બબડ્યો અને નીચું જોઇને ચૂપચાપ જમવા લાગ્યો.

'હરિ, મંજુબહેનના બેસણાંની જાહેરાતમાં તારા ત્રણેય દીકરાઓનાં નામ એકસાથે જોઇને મારા એક ભાઇબંધે કહ્યું કે શેઠે દીકરાઓનાં નામ સરસ શોધી કાઢેલાં છે!' વાતાવરણ હળવું બનાવવા માટે હિંમતલાલે વાત બદલીને હરિવલ્લભદાસ સામે જોયું. 'વિભાકર, આદિત્ય અને ભાસ્કર ત્રણેય નામ અલગ પણ અર્થ એક જ, સૂર્ય! ત્રણેય દીકરાઓ માટે ભગવાન સૂર્યનારાયણનાં નામ તેં પસંદ કર્યાં છે.'

'સૌથી પહેલાં વિભાનો જન્મ થયો ત્યારે હું ને નિમુ મીઠી મૂંઝવણમાં હતાં. પઠ્ઠા જેવું શરીર, ગોરો ગોરો અને મોઢું તો જાણે ઝગારા મારે.' ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઇને હરિવલ્લભદાસ યાદ કરીને બોલતા હતા. ‘નિમુએ તો નક્કી કરી નાખ્યું કે આ દીકરો આપણા જીવનમાં અજવાળું પાથરશે. એવો તેજસ્વી છે કે એનું નામ સૂરજ જ રાખવું છે. એ વખતે એક પ્રોફેસર મિત્ર ઘેર આવેલા, એમણે તરત કહ્યું કે ભાભી, અત્યારે સૂરજ નામનું એક પિક્ચર પણ આવ્યું છે. બહારો ફૂલ બરસાઓવાળું. એટલે જો સૂરજ રાખશો તો એ સાવ પિક્ચરિયું નામ લાગશે. પછી એમણે જ વિભાકર નામ કહ્યું ને અમને ગમી ગયું.'

હાથમાં હતો એ કોળિયો મોઢામાં મૂકીને એ લગીર અટક્યા. 'પોતાના વિભાકરનો ઝળહળાટ જોવાનું બિચારી નિમુના નસીબમાં નહોતું એટલે એ અનંતની યાત્રાએ ઊપડી ગઇ. મંજુને પહેલે ખોળે દીકરી આવી એનું નામ તો મંજુએ જ નક્કી કરી રાખેલું. શાલિનીના જન્મ પછી દીકરો આવ્યો ત્યારે મેં એ પ્રોફેસર મિત્રની મદદ માગી. આદિત્ય એમણે કહ્યું એ નામ તરત ગમી ગયું. એ પછી ભાસ્કર નામ પણ એમણે જ સૂચવેલું.'


કંઇક યાદ આવ્યું એટલે એ અટગી ગયા. હોઠ પર મલકાટ પથરાયો એટલે બધા જિજ્ઞાસાથી એમની સામે તાકી રહ્યા. 'સૂર્યના નામની જ પરંપરા ત્રણેય પુત્રોનાં નામમાં જાળવી હતી એટલે ભાસ્કરનું નામ સૂચવ્યા પછી એ મિત્ર હસીને કહેલું કે હવે પછી તારે ત્યાં દીકરો આવે તો મને પૂછવા ના આવશો. એનું નામ રવિ પાડજે. પણ એ નોબત ના આવી!'

બધા હસી પડ્યા. 'ગ્રેટ!' આટલું બોલીને પ્રશાંત અટકી ગયો. પપ્પાની સૂચના યાદ આવી એટલે આગળ બોલવાની એણે હિંમત ના કરી. હરિવલ્લભદાસે હસીને એની સામે જોયું. 'શું કહેવાનું હતું તારે? બોલ. તારા પપ્પા નહીં લડે.'

પ્રશાંતે સુભાષ સામે જોયું. એણે આંખોથી સંમતિ આપી. 'ગ્રેટ!' પ્રશાંતે આશ્ચર્યથી કહ્યું. 'ઇંગ્લીશ મિડિયમમાં ભણ્યો એટલે મામાઓનાં નામનો શો અર્થ થાય એની ખબર જ નહોતી. આજે ફોર ધ ફર્સ્ટ ટાઇમ ખબર પડી કે આ ત્રણેય ગ્રેટ મામાઓનાં નામોનો અર્થ પણ ગ્રેટ જ છે! અંગ્રેજીમાં તો સન એટલે સૂર્ય, એ એક જ મિનિંગ પણ ગુજરાતીમાં તો સૂર્યનાં કેટલાં બધાં નામ!'

દીકરો અહીં બેસીને વડીલો ઉપર પ્રભાવ પાડી રહ્યો છે એ વિચારથી સુભાષ મનોમન હરખાતો હતો. પણ હકીકત એવી હતી કે બાળકોએ વિભાકરની સૂચનાનો અમલ કર્યો હતો. એકાદ કલાક અગાઉ બધા ઉપરના ઓરડામાં સાથે રમતા હતા એમાં પ્રશાંત દાદાગીરી કરવા ગયો. એને લીધી આકાશ, ભૌમિક, આકાંક્ષા અને ભૈરવી ચારેય એક થઇ ગયા. પ્રશાંતની બહેન પરિધિ પણ એ ચારેયની સાથે જોડાઇ ગઇ. એ પાંચેયની ટૂકડીએ પ્રશાંતની કિટ્ટા કરીને એને ભગાડી મૂક્યો હતો એટલે એ અહીં દોડી આવ્યો હતો!

આડીઅવળી અને હસીમજાકની વાતો વચ્ચે જમવાનું પૂરું થયું. જમ્યા પછી બધાં ડ્રોઇંગરૂમમાં બેઠા.

***

ગુરૂવારે રાત્રે ગેસ્ટરૂમમાં સુભાષની નજર ટીવી સામે હતી અને એનો જમણો હાથ માથા ઉપર ફરી રહ્યો હતો. બે દિવસમાં મૂંડન કરાવેલા માથા ઉપર વાળના જે કાંટા ફૂટી નીકળ્યા હતા એના ઉપર હાથ ફેરવવાથી ખરબચડા સ્પર્શની આછી ગલીપચી થતી હતી એમાં એને મજા આવતી હતી.

પ્રશાંતે કરગરીને બધાં બાળકોની માફી માગી લીધી હતી એટલે અત્યાર એ અને પરિધિ બંગલાના ગાર્ડનમાં પેલા ચારેયની સાથે રમી રહ્યા હતા. બીજા દિવસે સવારે બધી વિધિ હતી એટલે એ માટે બગીચામાં ખુરસીઓ ગોઠવાઇ ગઇ હતી અને માણસો કામ કરી રહ્યા હતા. હેલોજન લાઇટથી બગીચો ઝળહળી રહ્યો હતો.

સુભાષ ટીવી જોતો હતો. એમાંથી નજર હટાવીને એણે શાલિની સામે જોયું. 'મૂંડન તો કરાવ્યું અને મારી કોઇ જરૂર નથી તોય વિધિમાં તારા ભાઇઓની સાથે ખડેપગે ઊભો રહીશ.' એણે પત્ની સામે આંખ મિંચકારી 'પરમ દિવસે વાત કરવાની છે એટલે કાલે આખો દિવસ સસુરજીની આંખ સામે રહેવું પડશે. જમાઇ હીરો જેવો છે એવું એમને લાગવું જોઇએ.'

'પપ્પાનું તો સમજ્યા. હું બોલીશ એટલે એ પીગળી જશે.' શાલિનીએ તાકીદ કરી. 'તમે વિભાને સાચવી લેજો. મૂંડનમાં જ તમે જોયુંને? એણે કહ્યું એટલે ભાસ્કર અને આદિત્ય તૈયાર થઇ ગયા. એ આડો ફાટશે તો ઉપાધિ થશે.'

'વિભાકરને વશમાં કરી લઇશ.' સુભાષે આત્મવિશ્વાસથી કહ્યું. 'એ વટનો કટકો છે. મનેકમને એ જે કહે એ માની લઇશ એટલે એ રાજી રહેશે.'

'તમે ધારો છો એટલું એ કામ સરળ નથી. વિભાને અન્ડર એસ્ટિમેટ કરવાની ભૂલ ના કરતા.' શાલિનીએ પતિને સચ્ચાઇનું ભાન કરાવ્યું. 'હું તો એની સાથે રહીને મોટી થઇ છું એટલે એની રગેરગને ઓળખું છું. વિશ્વાસ પડે તો વરસી પડે. હું એની માજણી બહેન નથી, સાવકી બહેન છું તોય એણે મને ફૂલની જેમ સાચવેલી. નાનપણમાં ધીંગામસ્તીમાં આદિત્ય અને ભાસ્કર મને હેરાન કરે ત્યારે વિભો મારી ઢાલ બનીને ઊભો રહેતો, પણ ખિજાય ત્યારે આખું ઘર માથે લેતો હતો.'

'એ સુખભર્યા દિવસો ગયા. તમારે પનારે પડી એટલે આટલાં વર્ષેય પાપ કરવું પડશે. તમારા પાપે પપ્પા સાથેના પ્રપંચમાં પરાણે પાર્ટનર બનવું પડશે.'

નિસાસો નાખીને એણે સુભાષ સામે જોયું. 'એ સુખભર્યા દિવસો ગયા. તમારે પનારે પડી એટલે આટલાં વર્ષેય પાપ કરવું પડશે. તમારા પાપે પપ્પા સાથેના પ્રપંચમાં પરાણે પાર્ટનર બનવું પડશે.'


એના અવાજમાં હવે જે કડવાશ ઉમેરાઇ હતી એ પારખી લીધા પછી સુભાષે મૌન ધારણ કરી લીધું અને ટીવીના સ્ક્રીન ઉપર નજર સ્થિર કરી.

બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર હરિવલ્લભદાસનો રૂમ હતો. એ પછીનો ઓરડો વિભાકરનો હતો. વિભાકરના ઓરડા પછી મહેમાનો માટેના જે બે રૂમ હતા, એમાંથી એક રૂમમાં સુભાષ અને શાલિની અત્યારે વાતો કરી રહ્યા હતા. બીજા રૂમમાં પ્રશાંત અને પરિધિ ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા.

વિભાકરના ઓરડામાં જયરાજ અને જયંતી વારાફરતી જે બોલી રહ્યા હતા એ વિભાકર ધ્યાનથી સાંભળતો હતો.

'વેલ ડન!' પૂરેપૂરો સંતોષ નહોતો થયો એ છતાં એ બંનેના પ્રયત્નોને વિભાકરે બિરદાવ્યા. 'ભાગતા ભૂતની ચોટલી તો ચોટલી. તમે જે મહેનત કરી એમાંથી નક્કર તો એક જ મુદ્દો છે. એની વે, એટલો મસાલો મારા માટે કાફી છે. એક દીવાસળી સળગે એ પછી એમાંથી તો ઘણું બધું સળગાવી શકાય. દીવાથી માંડીને દાવાનળ સુધી બધુંય થઇ શકે.' એણે ઊભા થઇને વારાફરતી બંને સાથે હાથ મિલાવ્યો. 'થેંક્યુ વેરી મચ... એન્ડ ગુડનાઇટ... સવારે સમયસર આવી જજો.'
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP