Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-27

'બે બે જગ્યાએથી મોતની અશુભ આગાહી સાંભળ્યા પછી શાંત કઇ રીતે રહેવાય?'

  • પ્રકાશન તારીખ09 Aug 2018
  •  

પ્રકરણઃ27

હિંમતલાલ, જીવણભાઇ અને ડૉક્ટર દિનકર એ ત્રણેય હરિવલ્લભદાસના વર્ષો જૂના અંગત મિત્રો હતા. ક્યારેક મન ભરાઇ આવે એકબીજાની પાસે નિખાલસતાથી ઊભરો ઠાલવવાનો આ ચારેય મિત્રો વચ્ચે સંબંધ હતો.

આજે પેલા ત્રણ મિત્રોમાંથી એકેય પાસે નહોતો અને મન ઉપર ભાર લાગતો હતો એટલે આટલાં વર્ષોમાં પહેલી વાર જિતુભાઇ પાસે હૈયું ઠાલવ્યું. જિતુભાઇની ઉંમર લગભગ હરિવલ્લભદાસ જેટલી જ હતી. એ પોતે વીસ વર્ષના હતા ત્યારથી એ આ પરિવારની પેઢીમાં નોકરી કરી રહ્યા હતા. સૌથી જૂના અને સૌથી વધુ વિશ્વાસુ કર્મચારી તરીકે બધાને એમના માટે માન હતું. એ ખુદ અત્યારે આશ્ચર્યનો ઝાટકો અનુભવી રહ્યા હતા. શેઠ પાસે કરોડો રૂપિયા છે પણ એ ભગવાન નથી, મારી જેમ કાળા માથાનો માનવી જ છે. હૈયામાં મૂંઝારો થાય અને મોઢું ખોલ્યા વગર ના રહેવાય એવી અસહ્ય ભીંસ હોય ત્યારે માણસના મગજ ઉપરથી મોભાનો ભાર આપમેળે જ ઊતરી જાય છે એ સચ્ચાઇની એમની આજે અનુભૂતિ થતી હતી. વચ્ચે એક શબ્દ પણ બોલ્યા વગર પૂરી સહાનુભૂતિથી એ શેઠની પીડા સાંભળી રહ્યા હતા.

'ક્યાં એ મા અને ક્યાં આ દીકરો? નિમુનું એક રુંવાડુંયે વિભાને વારસામાં નથી મળ્યું. સાસુ ક્યારેક કંઇક બોલે કે તરત નિમુની આંખમાં શ્રાવણ- ભાદરવો વરસવાનું શરૂ થઇ જાય. એવી પોચકી માનો આ છોકરો નીંભર પાણા જેવો!'

સામા પક્ષે લગીર સ્વસ્થ થઇને હરિવલ્લભદાસે જાત ઉપર કાબૂ મેળવી લીધો. ભાવાવેશમાં આવીને જિતુભાઇ પાસે વધુ પડતું બોલાઇ ગયું છે એનું ભાન થયું એટલે જે વાત અધૂરી હતી એનો ઝડપથી વીંટો વાળી દેવાનું એમણે નક્કી કર્યું.

આ તરફ ગોળનું ગાડું મળવાની આશાએ વધુ સાંભળવા માટે તત્પર થઇને જિતુભાઇ એમની સામે તાકી રહ્યા હતા.

'આદિત્ય અને ભાસ્કર બંને આમ તો ચાલાક અને હોંશિયાર, પણ વિભા જેવું ઝનૂન કે તાકાત એમનામાં જોવા ના મળે.' હળવે રહીને હરિવલ્લભદાસે વાતને બીજો વળાંક આપી દીધો. વિભાકરની આરતી ઉતારતા હોય એ રીતે એ બોલતા હતા.

'વિભો સાવ નાનો હતો ત્યારથી જ ખુદ્દાર. બે વર્ષનો હતો ત્યારેય એની આંખમાં એવી ખુમારી ઝળકે કે હું અને નિમુ તો ટગર ટગર તાકી જ રહીએ. કાલું ઘેલું બોલે તોય એવા રૂઆબથી ઊભો રહીને બોલો કે એમને નવાઇ લાગે.'

વર્ષો જૂની સ્મૃતિઓનું સ્મરણ કરીને એ બોલતા હતા. શેઠના મોઢે આવું બધું પહેલી વાર સાંભળવા મળ્યું હતું એટલે જિતુભાઇ અભિભૂત થઇને બેઠા હતા.

'એ ઉંમરેય એ જે વટથી વર્તન કરે એ જોઇને બિચારાં કાશીબા દર બે-ત્રણ દિવસે એની નજર ઉતારે. જૂનવાણી વિચારવાળાં હતાં એટલે મનમાં દહેશત રહે કે આવા રાજકુંવર જેવા છોકરાને તો મા-બાપની મીઠી નજર પણ લાગી જાય! નિમુ તો એક મિનિટ માટેય એને આંખથી અળગો ના કરે.'

અચાનક એમના અવાજમાં પીડા ભળી. 'બિચારી નિમુ! વિભા માટે અનહદ માયા એના મનમાં હતી પણ ઇશ્વરે એને વધુ સમય ના આપ્યો. સાડા ત્રણ વર્ષ સુધી વિભાને વહાલથી રમાડીને એ ખુદ રવાના થઇ ગઇ!'

ગળામાં ડૂમો ભરાઇ આવ્યો હોય એમ એ અટકી ગયા. ટિપોઇ પરથી પાણીનો ગ્લાસ લઇને જિતુભાઇએ એમના હાથમાં આપ્યો. પાણી પીધા પછી બે-ચાર મિનિટ એ ચૂપચાપ બેસી રહ્યા.

'નિમુ તો બિચારી ગરીબ ગાય જેવી હતી. બેસ કહીએ તો બેસી જાય અને ઊભા થવાનું કહીએ તો તરત ઊભી થઇ જાય એવો ગભરૂ સ્વભાવ હતો એનો. કોઇની સાથે ચાલાકી કરવાની તો એનામાં આવડત જ નહોતી. બીજો કોઇ છેતરી જાય ત્યારે પેલાની ચાલાકીની ખબર હોય તોય મોટું મન રાખીને એને જતો કરે એવો ઉદાર સ્વાભવ હતો.'

એમણે જિતુભાઇ સામે જોયું. 'ક્યાં એ મા અને ક્યાં આ દીકરો? નિમુનું એક રુંવાડુંયે વિભાને વારસામાં નથી મળ્યું. નિમુ પરણીને આ ઘરમાં આવી ત્યારે તો મારાં બા-બાપા હયાત હતાં. જૂનવાણી સાસુ એટલે વહુને ટોકવાનો એમનો સ્વભાવ. ક્યારેક એ કંઇક બોલે કે તરત નિમુની આંખમાં શ્રાવણ- ભાદરવો વરસવાનું શરૂ થઇ જાય. એવી પોચકી માનો આ છોકરો નીંભર પાણા જેવો!'

ગર્વના રણકાર સાથે એમનો અવાજ અનાયાસે જ થોડો મોટો થઇ ગયો. 'ભલભલા ચમરબંધીની સાથે વાત કરતી વખતે પણ વિભો ઘીસ ના ખાય. પેલાના પ્રભાવમાં અંજાયા વગર પોતાને જે કહેવાનું હોય એ બિન્દાસ કહી દે. અમારા ધંધામાં નાની- મોટી ચાલાકી અને તિકડમ કરવા પડે એની તો તમનેય ખબર છે. મારો, આદિત્યનો ને ભાસ્કરનો પનો ટૂંકો પડે એવા કેસમાં વિભો વટથી કામ પતાવી દે. તમને કલ્પના પણ ના હોય એવી કોઠાસૂઝથી એ કરતબ કરી બતાવે. હેવાન જેવા હરીફો સામે હિંમતથી ટક્કર લઇને એમને હાંસિયામાં હડસેલી દે.'

સહેજ અટકીને એ છત પર લટકતા વિશાળ ઝુમ્મર સામે તાકી રહ્યા. એ જ દશામાં જાણે મનોમન બોલતા હોય એમ ધીમા અવાજે બબડ્યા. 'નિમુના ગરીબડા સ્વભાવનો એક અંશ પણ એનામાં નથી. એનામાં જે હૈયાઉકલત અને હિંમત છે, એવી આક્રમકતા તો મારામાંય નથી. ઇશ્વરે જ એને આવી અપાર શક્તિ આપીને અમારે ત્યાં મોકલ્યો છે.'


એ બોલતા હતા ત્યારે એમના મોબાઇલની રિંગ વાગી રહી હતી એ છતાં એમનું એ તરફ ધ્યાન નહોતું. જિતુભાઇએ ઊભા થઇને ફોન હાથમાં લીધો અને એમને આપ્યો.

'બોલો...' આટલું કહ્યા પછી સામા છેડેથી જે કહેવાતું હતું એ સાંભળ્યા પછી એમણે બહુ સંયત અવાજે સામાવાળાને સમજાવ્યું. 'તમારી બધી વાત સાચી, શેઠિયા, પણ સોમવાર સુધી કશું નહીં. જે જમીન છે, એ જ્યાં છે ત્યાંથી એકેય ઇંચ આઘીપાછી નથી થવાની. અમારે શુક્રવારે વિધિ પતે એ પછી શનિ- રવિમાં બાકીનાં પારિવારિક કામ નિપટાવવાં પડશે. સોમવારે સવારે અગિયાર વાગ્યા વિભાકર ઓફિસે આવી જશે ત્યારે એની સાથે વાત કરી લેજો. એ તમને જે કહે એને મારો આદેશ જ માનવાનો. એ જે કરે એ ફાઇનલ.'

મોબાઇલ ઉપર એ વાત પૂરી કરે એ અગાઉ ડૉક્ટર દિનુભાઇ, હિંમતલાલ અને જીવણભાઇની ત્રિપુટી આવી પહોંચી. એ લોકો આવ્યા એટલે જિતુભાઇ ઊભા થયા. કાશીબાએ આવીને શેઠને પૂછ્યું કે ચા મોકલાવું? હરિવલ્લભદાસે માથું હલાવીને હા પાડી અને ઊભા થયેલા જિતુભાઇને ચા પીવા માટે પાછા બેસાડી દીધા.

આદિત્ય અને ભાસ્કર વિભાકરની સાથે મૂંડન કરાવવા ગયા એ પછી ઓરડામાં અલકા અને ભાવિકા એકલાં જ બેઠાં હતાં.

હરિવલ્લભદાસે વિલની જે વાત કરી હતી એની વિભાકરને અગાઉ જાણ નહોતી. અલકાએ અને ભાવિકાએ આદિત્ય અને ભાસ્કરને માહિતી આપી હતી. આ ઘટનાના સંદર્ભમાં આજે વિભાકરે હળવાશથી છતાં ગંભીર ફરિયાદ કરીને કહેલું કે ઘરમાં કોઇ ઘટના બને તો એટલિસ્ટ મને જાણ તો કરો. આદિત્ય અને ભાસ્કરને તો સ્પષ્ટ કહેલું કે તમારી આ ફરજ તમે ચૂક્યા છો.

અલકા એના વોર્ડરોબમાંથી કંઇક શોધી રહી હતી એ વખતે ભાવિકાનું મગજ વિચારોના આટાપાટામાં અટવાયેલું હતું. જબરજસ્ત દ્વિધામાં અટવાયા પછી શું કરવું એનો નિર્ણય લેવામાં એ ગૂંચવાયેલી હતી.

સ્વામી હરિહરાનંદે જે ભયાનક આગાહી કરી હતી એ સાંભળ્યા પછી હરિવલ્લભદાસે અલકા, ભાવિકા અને શાલિનીને સ્પષ્ટ સૂચના આપેલી કે આ વાત તમારે કોઇને કહેવાની નથી. અલકાએ આદિત્યને અને શાલિનીએ સુભાષકુમારને કહી દીધું હશે એવી ધારણ કરીને ભાવિકાએ એ વાત ભાસ્કરને કહી દીધી હતી.

થોડી વાર અગાઉ વિભાકરે જે બળાપો કાઢ્યો એ સાંભળ્યા પછી ભાવિકા ગૂંચવાઇ હતી. સ્વામીજીએ જે રીતે આગાહી કરી હતી એ આખું દૃશ્ય ફરીથી આંખ સામે તરવરી ઊઠ્યા પછી એને લાગ્યું કે આવી ગંભીર વાતની વિભાકરભાઇને જાણ તો કરવી જ જોઇએ. ધારો કે પરિવાર ઉપર કોઇ આપત્તિ આવવાની હોય તો પૂરી તાકાતથી એનો મુકાબલો કરવા માટે એ સમર્થ છે એટલે એમને અંધારામાં રાખવાનું યોગ્ય નથી.

ભાસ્કરને જાણકારી આપીને પોતે સસરાના આદેશનો ભંગ કર્યો છે. અલકાએ ધારો કે આદિત્યને જાણ કરી જ ના હોય તો પછી પોતે કબૂલાત કરીને મૂરખ બનવાની જરૂર છે ખરી? ભાવિકા વિચારતી હતી. જો વિભાકરભાઇને આ માહિતી આપવી હોય તો અત્યારે અલકા પાસે કબૂલાત કર્યા વગર છૂટકો નથી.

'મોટી બહેન, અહીં બેસો.' મન મક્કમ કરીને એણે મોં ખોલવાની હિંમત કરી. વોર્ડરોબનું કામ અધૂરું મૂકીને અલકા એની પાસે બેઠી.

'મોટી બહેન, તમે આદિત્યભાઇને કહ્યું છે કે નહીં એ હું નથી જાણતી, પણ મેં ભૂલ કરી છે.' એણે નિખાલસતાથી કબૂલાત કરી. 'પેલા સ્વામીજીની આગાહી સાંભળ્યા પછી મનમાં ઉચાટ રહેતો હતો. બીક લાગતી હતી અને ચિંતા થતી હતી એટલે મેં આખી વાત ભાસ્કરને કહી દીધી. સાચું કહું? મને એણ હતું કે તમે આદિત્યભાઇના કાને વાત નાખી હશે એટલે મારાથી ના રહેવાયું.' જેઠાણીની આંખોમાં આંખો પરોવીને એમે પૂછ્યું. 'તમે વાત કરી છે?'

'વિપત્તિની વેળાએ ઢાલ બનીને ઊભા રહેવાની શક્તિ વિભાભાઇ પાસે છે. તમે ભૂલી ગયા? તમારા ભાઇ-ભાભીને ભાડવાત ધમકી આપતો હતો ત્યારે વિભાભાઇએ તમારા પિયર જઇને એ ભાડવાતને સીધો નેતર જેવો કરી નાખ્યો હતો એ યાદ નથી?'

અલકાએ જમણા હાથની હથેળી આડી કરીને ગરદન પર મૂકીને સોગન ખાધા. 'બાય ગોડ, એક અક્ષર પણ નથી કહ્યો.' છોભીલી પડેલી ભાવિકાએ એણે સમજાવ્યું. 'ભાસ્કરભાઈ મોઢું ખોલે એવા નથી એટલે તારાથી કહેવાઇ ગયું તો પણ કશો વાંધો નહીં. બધાને ચેતવણી આપવા માટે સ્વામીજીએ તો બધાની વચ્ચે જ કહ્યું હતુંને? એમણે ક્યાં કોઇની મનાઇ કરી હતી? પપ્પાજી આવામાં માનતા નથી એટલે એમણે ના પાડેલી. તેં કહી દીધું તો કશો વાંધો નહીં. ખોટી ચિંતા નહીં કરવાની.'

'મારી વાત સાંભળો, મોટી બહેન!' ભાવિકા મૂળ વાત પર આવી. 'કલાક પહેલાં વિભાભાઇએ આપણને ચારેયને તતડાવીને ફરિયાદ કરી કે ઘરમાં બંને એ ઘટનાની એમને જાણકારી મળતી નથી. એમની વાતમાં વજૂદ છે. સ્વામીજીની વાત તમને ગંભીર નથી લાગતી? વળી, વિપત્તિની વેળાએ ઢાલ બનીને ઊભા રહેવાની શક્તિ વિભાભાઇ પાસે છે. તમે ભૂલી ગયા? તમારા ભાઇ-ભાભીને ભાડવાત ધમકી આપતો હતો ત્યારે વિભાભાઇએ તમારા પિયર જઇને એ ભાડવાતને સીધો નેતર જેવો કરી નાખ્યો હતો એ યાદ નથી?' એણે જેઠાણીને સમજાવ્યું. 'હમણાં ત્રણેય ભાઇઓ મૂંડન કરાવીને આવશે. એ લોકો આવે ત્યારે એમને આ વાત કહેવામાં તમને કંઇ વાંધો છે?' અલકાના મોઢા પરની અવઢવ પારખીને એણે ઉમેર્યું. 'પપ્પાજીએ ભલે ના પાડી પણ તમે વિચારો. પરિવારમાંથી બીજા કોઇનો વારો ટૂંક સમયમાં આવશે એવું સ્વામીજીએ પૂરી ગંભીરતાથી કહેલું. પરિવારમાં પપ્પાજી, આ ત્રણ ભાઇઓ, આપણે બે અને આપણાં બાળકો સિવાય બીજું કોણ છે? એ મહાત્માએ એમની દિવ્ય દૃષ્ટિથી આગોતરી જાણ કરી, એ પછી ઘરના મોભીઓને અંધારામાં રાખવાની કોઇ જરૂર ખરી?'

અલકાના ખભે હાથ મૂકીને એણે યાદ કરાવ્યું. 'એ દિવસે સિદ્ધપુરમાં પેલા અઘોરીએ શાપ આપેલો કે એક મહિનાની અંદર બીજો અસ્થિકુંભ લઇને તમારે આવવું પડશે. એ પછી આ સંતપુરુષે ચોખ્ખું કહ્યું કે તમારા પરિવારમાં કોઇકના માથે મોત ભમે છે. બે બે જગ્યાએથી આવી અશુભ આગાહી સાંભળ્યા પછી શાંત કઇ રીતે રહેવાય? પપ્પાજીએ ભલે ના પાડી, આપણે આપણી રીતે તો જાણ કરાયને?'

ભાવિકાની તર્કબદ્ધ દલીલનો અલકા પાસે કોઇ જવાબ નહોતો. એનો હાથ પોતાના હાથમાં જકડીને એણે માથું હલાવીને સંમતિ આપી.
(ક્રમશઃ)
mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP