તડ ને ફડ / સંરક્ષણ સોદાનું રાજકારણ

article by nagindas shangavi

નગીનદાસ સંઘવી

Feb 20, 2019, 12:04 PM IST

લશ્કરી શસ્ત્રો અને સામગ્રીની ખરીદી ભારતીય રાજકારણનો કાયમી સ્ફોટક મુદ્દો છે અને રાફેલ વિમાનોનો સોદો 2019ની ચૂંટણી ઝુંબેશમાં મુખ્ય મુદ્દો બનાવવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કરી લીધો જણાય છે. છેલ્લા આઠ-બાર મહિનાથી દેશના રાજકારણમાં બીજું કશું સાંભળવા મળતું નથી. આ ચર્ચા કદી બંધ થવાની નથી. રાજકીય આગેવાનોને સાચું શું છે તે જાણવામાં રસ હોતો નથી. તેમને તો કંઈ પણ મુદ્દો મળે તો બીજાને ગાળ આપીને ઉતારી પાડવા છે.
બંધારણ કાયદો અને સમજદારીની દૃષ્ટિએ આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને ઓડિટરના રિપોર્ટ પછી ચર્ચાને અવકાશ રહેતો નથી. આપણું બંધારણ, આપણું વહીવટી તંત્ર રાજતંત્ર ચલાવવાના દુનિયાએ ઘડી કાઢેલા નિયમો બધા ખોટ્ટા અને અમારો આગેવાન જે કહે તે જ સાચું-તેવું વલણ અપનાવવામાં સમજદારીનો અભાવ છે.

  • રાફેલ સોદાને અઢી વરસ પૂરાં થવા આવશે. ભ્રષ્ટાચાર કે રુશ્વતખોરીની કોઈ નક્કર હકીકત કશે છપાઈ નથી. રાહુલ ગાંધી દેશના ચોકીદાર હોવાનો દાવો કરનાર વડાપ્રધાન માટે ચોર વિશેષણ વાપરે છે તે માત્ર માન્યતા છે. આ બાબતનો કશો પુરાવો કોઈએ આપ્યો નથી

આ ઓડિટર અથવા કેગ દુનિયાની તમામ લોકશાહીએ અપનાવેલો રસ્તો છે. દરેક મોટી વેપારી પેઢીમાં રોજબરોજ હિસાબના ચોપડા લખાય છે. બિલ, નાણાં આપ્યાની નોંધ, પહોંચ, દસ્તાવેજો બધું ફાઇલોમાં રખાય છે. દર વરસે એપ્રિલમાં નવું વરસ શરૂ થાય ત્યારે સરકારનું ઓડિટર ખાતું આ બધા ચોપડાઓની વિગત નોંધે છે. દસ્તાવેજો જોડે તાળો મેળવે છે.
આ કામ સરકારી અધિકારીઓ કરતા નથી. પોતપોતાનાં કામ બજાવવા માટે બંધારણમાં કેટલીક સ્વતંત્ર વ્યવસ્થા છે. ન્યાય તોળવા માટે અને કાયદાના અમલ માટે અદાલતો છે, ચૂંટણીકામ કરવા માટે ચૂંટણીપંચ છે. સરકારી નોકરિયાતોની ચકાસણી અને નિમણૂક માટે સરકારી નોકરીપંચ છે. કેન્દ્ર સરકાર પાસે વધારાની રકમ રાજ્યોને ફાળવવા માટે દર પાંચ વરસે નાણાપંચ નિમાય છે. આ બધા સ્વાયત્ત તંત્રો છે તેમાં કેન્દ્ર કે રાજ્યની સરકારો, પ્રધાનો દખલગીરી કરી શકતા નથી.
સરકારી હિસાબો તપાસવા માટેના તંત્રને અંગ્રેજી ભાષામાં Comptroller and Auditor General અથવા ટૂંકાણમાં CAG કહેવાય છે. આ કેગની પ્રામાણિકતા અને તટસ્થતા વિશે શંકા ઉઠાવવી તે પાપ છે. ઓડિટનું કામ કરનાર ખાતું હિસાબો તપાસીને પછી મુખ્ય ઓડિટર તેનો અહેવાલ તૈયાર કરે છે અને આ અહેવાલ પાર્લામેન્ટમાં રજૂ કરવો પડે છે.
ત્યાર પછી પાર્લામેન્ટમાં બંને ગૃહોના તમામ પક્ષોના સભાસદોવાળી સમિતિ નીમવામાં આવે છે, તેને પબ્લિક એકાઉન્ટ કમિટી કહેવાય છે. કેગના અહેવાલના આધારે પાર્લામેન્ટની આ સર્વપક્ષીય સમિતિ બધા હિસાબો ઝીણવટથી તપાસે છે, ફાઇલો ચકાસે છે. અમલદારો અને અધિકારીઓને બોલાવીને ખખડાવે છે. પૈસા કેમ આપ્યા, કોને આપ્યા, કેટલા આપ્યા, વધારે આપાયા છે, માલ આવ્યો છે, ખાતામાં વપરાયો છે- આ બધું પુછાય છે અને અમલદારોના માથાનો પરસેવો પાનીએ ઊતરે છે. આ સમિતિના અધ્યક્ષસ્થાને સરકારી પક્ષ નથી, પણ વિરોધી પક્ષનો આગેવાન હોય છે તેથી સરકારની બધી એબ, બધી ખરાબી, બધી ભૂલ જાહેરમાં લાવવાની મથામણ કરે છે. આ સમિતિનો અહેવાલ પાર્લામેન્ટમાં ચર્ચાય છે અને ત્યાર પછી છેવટે હિસાબ પૂરા થયા ગણાય છે.
રફાલ સોદાની અરજી સર્વોચ્ચ અદાલતમાં થઈ ત્યારે અદાલતે કહેલું કે અમને આ સોદામાં કશું ખોટું થયેલું દેખાતું નથી, પણ કેગના હેવાલની રાહ જોવી જોઈએ. હવે કેગનો રિપોર્ટ પાર્લામેન્ટમાં મુકાયો છે. રાફેલ વિમાનોની ખરીદીમાં ભાજપી સરકારે નવ ટકાનો ફાયદો કર્યો તેવી રજૂઆત કેગે સ્વીકારી નથી. કેગના કહેવા મુજબ માત્ર 2.86 ટકાનો ફાયદો છે. માલની ડિલિવરી મળી છે અને બધું રાબેતા મુજબ નિયમ મુજબ થયું છે.
વહીવટ કેવી રીતે ચાલે છે તેની ખરખબર ન હોય તેવા લોકો આ અહેવાલને સરકારી દસ્તાવેજ ગણીને તેમાં શંકાકુશંકાઓ ઉઠાવે, પણ તેમના અજ્ઞાનના કારણે તેમનો મત બંધનકર્તા નથી. સિત્તેર વરસથી જે કાર્યાલયનો દરેક વરસનો અહેવાલ ભારતમાં સહુ કોઈએ કબૂલ રાખ્યો છે. તે કાર્યાલય આ વરસે જ પૂરેપૂરું નાકામયાબ અને બિનભરોસાલાયક બની ગયું છે તેવું કેવી રીતે કહી શકાય? આ કાર્યાલયોમાં સેંકડો અને હજારો માણસો કામ કરતા હોય છે. તે બધા માણસો એકાએક પક્ષપાતી અને લુચ્ચા બની ગયા તેવું કહે તે મૂરખ અને સાંભળે તે પણ મૂરખ ગણાય.
2019ની લોકસભાની ચૂંટણીની સૌથી મોટી કરુણતા એ છે કે તેમાં સરકાર પાસે કે વિરોધપક્ષો પાસે લોકોને જાગૃત-ઉત્તેજિત કરી શકે તેવો કોઈ મુદ્દો જ નથી અને આવા મુદ્દા ન હોય ત્યારે એકબીજાને ગાળો ભાંડવા સિવાયનું બીજું કોઈ કામ બાકી રહેતું નથી.
1989માં રાજીવ ગાંધીએ સ્વિડનની બોફોર્સ કંપની પાસેથી તોપોની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દા પર ચૂંટણી લડાઈ હતી. 1989ની ચૂંટણી બોફોર્સ ચૂંટણી કહેવાય છે તેમ 2019ની ચૂંટણી પણ રાફેલ ચૂંટણી કહેવાશે. આ બંને ઘટનાઓ એકબીજાથી ઘણી રીતે અલગ પડી જાય છે. બોફોર્સનો સોદો થયાને વરસ પૂરું થવા આવ્યું ત્યારે સ્વિડનના રેડિયોએ 64 કરોડ રૂપિયાની રુશ્વત અપાયાનું જાહેર કર્યું. સ્વિડનના કેગે રુશ્વત અપાઈ હોવાનું કબૂલ કર્યું. આ નાણાં સ્વિટ્ઝર્લેન્ડની બેન્કમાં કમળ (રાજીવ) ખાતામાં અપાયાનું જણાઈ આવ્યું. આ નાણાં કોને ક્યારે, કોણે આપ્યા તેની બધી વિગત આપવા માટે બોફોર્સ કંપનીએ પોતાના પ્રતિનિધિમંડળ મોકલવાની તૈયારી કરી મુલાકાતની તારીખ નક્કી થયા પછી રાજીવ ગાંધીએ ખાસ સંદેશ મોકલીને મુલાકાત રદ કરાવી. 1992માં નરસિંહરાવ પ્રધાનમંડળના વિદેશમંત્રી માધવસિંહ સોલંકીએ સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ પ્રધાનને બોફોર્સની તપાસ ન ચલાવવાની ચિઠ્ઠી લખી. આ ચિઠ્ઠી પકડાઈ અને યુરોપના લગભગ દરેક અખબારમાં છપાઈ. આ છબરડાનું વેર સોનિયા ગાંધીએ નરસિંહરાવના મડદા પર વાળ્યું અને તેમનું શબ કોંગ્રેસ ભવનની બહારના ફૂટપાથ પર પડી રહ્યું છતાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ દફતરના દરવાજા ન ખોલ્યા તે ન જ ખોલ્યા.
રાફેલ સોદાને અઢી વરસ પૂરાં થવા આવશે. ભ્રષ્ટાચાર કે રુશ્વતખોરીની કોઈ નક્કર હકીકત કશે છપાઈ નથી. રાહુલ ગાંધી દેશના ચોકીદાર હોવાનો દાવો કરનાર વડાપ્રધાન માટે ચોર વિશેષણ વાપરે છે તે માત્ર માન્યતા છે. આ બાબતનો કશો પુરાવો કોઈએ આપ્યો નથી.
આ ચર્ચામાં અનિલ અંબાણીનો ઘોડો નાહકનો વચ્ચે કૂદી આવ્યો છે. લશ્કરી ઉત્પાદન બિનસરકારી પેઢીઓ કરે તે રિવાજ આખી દુનિયામાં છે. આપણે ત્યાં લશ્કરી ઉત્પાદન સરકારી પેઢીઓના હાથમાં હોવાથી આપણે આ બાબતમાં અતિશય પાછળ પડી ગયા છીએ. ભારતે પોતાનું લશ્કરી ઉત્પાદન જાતે જ કરવું જોઈએ તેવો આગ્રહ ભારતના સંરક્ષણમંત્રી વી. કે. કૃષ્ણમેનને 1960થી શરૂ કર્યો હતો, પણ આ બાબતમાં કશું નક્કર કામ થયું નથી. અનિલ અંબાણી રાફેલ વિમાનોના કેટલાક ટુકડાઓ બનાવવાના છે. અંબાણીને આ કામનો અનુભવ નથી અને આપણી પાસે જોઈએ તેવા હોશિયાર ઇજનેરો પણ નથી, પણ કોઈ કામ શરૂ કરીએ ત્યારે અનુભવ હોતો નથી. આવાં કામ પડતાં આખડતાં જ શીખવાં પડે છે. નાની દીકરી રોટલી વણતા શીખે ત્યારે વાંકીચૂંકી જ થાય.

રાફેલ વિમાનોની ખરીદીમાં ભાજપી સરકારે નવ ટકાનો ફાયદો કર્યો તેવી રજૂઆત કેગે સ્વીકારી નથી

કેગના કહેવા મુજબ માત્ર
2.86 ટકાનો ફાયદો છે

[email protected]

X
article by nagindas shangavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી