પરિક્રમા / લોકપાલ નીમવાથી ભ્રષ્ટાચાર અટકી જશે? ઓછો થઈ જશે?

article by nagindash shanghavi

નગીનદાસ સંઘવી

Apr 01, 2019, 03:08 PM IST

ભ્રષ્ટાચાર આપણા સમાજ અને આપણી લોકશાહીનો ખતરનાક દુશ્મન છે. ભ્રષ્ટાચારને વગોવનાર અને તેને નાબૂદ કરવાની ઘોષણા કરનાર આપણા રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો જ ભ્રષ્ટાચારમાં સંડોવાયા છે અને તેના આધારે ટકી રહ્યા છે.
ભ્રષ્ટાચારની સમસ્યા ઓછા વધતા બધા દેશોમાં છે અને તે નાબૂદ કરવા માટેના અનેક ઉપાયો દેશપરદેશમાં કરવામાં આવે છે. રકેન્ડીનેવિયન દેશોમાં ઓમ્બુડ્ઝમેન (ombudsman) નીમવામાં આવે છે. તેનું અનુકરણ કરીને આપણે પણ રાષ્ટ્રીય કક્ષાએ લોકપાલ અને પ્રાદેશિક કક્ષાએ લોકાયુક્ત અધિકારીઓની નિમણૂક કરવાની ચર્ચા ઘણાં વરસ પહેલાં શરૂ થઈ અને ઘણી લાંબી ચાલી, કેટલાંક રાજ્યોમાં લોકાયુક્તો નિમાયા પણ ખરા. રાષ્ટ્રીય કક્ષાએ લોકપાલ કાયદો 2013માં ઘડાયો, પણ ભારત સરકારે ઠાગાઠૈયા કરવામાં પાંચ વરસ કાઢી નાખ્યાં અને છેવટે આ માર્ચ મહિનાની વીસ તારીખે ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષ લોકપાલ તરીકે નિમાયાની જાહેરાત થઈ.

  • ભારતીય સમાજમાં નીતિ-અનીતિનાં ચોકઠાં વિચિત્ર રીતે ગોઠવાયેલાં છે સમર્થ હોય, સત્તાવાન હોય, ધનવાન હોય તેના દોષ જોવામાં આવતા નથી

આ જાહેરાત થોડી ગેરસમજ ઊભી કરે છે. ઘોષ લોકપાલ નહીં પણ લોકપાલના અધ્યક્ષ ચેરમેન નિમાયા છે અને તેમની સાથે આઠ બીજી વ્યક્તિઓની નિમણૂક થઈ છે. લોકપાલ વ્યક્તિવાચક નામ નથી, પણ સમૂહ નામ છે અને એક સંસ્થા છે. અધ્યક્ષ અને આઠ સભાસદો ઉપરાંત લોકપાલમાં તપાસણી માટે અને અદાલત કામ માટે અલગ એજન્સીઓ રાખવામાં આવી છે.

લોકપાલનું કામ વડાપ્રધાન, પ્રધાનો, સાંસદના સભાસદો, વરિષ્ઠ અધિકારીઓના ભ્રષ્ટાચારની ફરિયાદો સાંભળવાનું અને તેનો નિકાલ આણવાનું છે, પણ વિદેશી સંબંધો લશ્કરી તથા અન્ય પ્રકારની સુરક્ષાવ્યવસ્થા, અણુશક્તિ અને અવકાશયાન જેવી બાબતો અંગેની ફરિયાદ આવે ત્યારે નવ જણના આખા બોર્ડ પાસે રજૂ થાય છે અને તેમાંથી બે તૃતીયાંશ એટલે છ સભાસદોની મંજૂરી મળે તો તપાસનું તથા અદાલતી સુનાવણીનું કામ આગળ ચાલે છે. આ ફરિયાદ અને તેનું બધું કામ ખાનગી રાહે થાય છે. ફરિયાદ સાચી ઠરે તો તેનો હેવાલ જાહેર કરવામાં આવે છે, પણ ફરિયાદ ખોટી ઠરે તો તેની કારવાઈ હંમેશ માટે ખાનગી જ રાખવામાં આવે છે. ખોટી ફરિયાદ કરનાર સામે લોકપાલ જરૂરી પગલાં ભરે છે. અન્ય ફરિયાદોની બાબતમાં અધ્યક્ષ પ્રાથમિક તપાસણી કરાવે છે. આ કામ માટે લોકપાલનું તપાસણી કેન્દ્ર અથવા બીજી કોઈ પણ તપાસ સંસ્થા અથવા CBIને કામ સોંપી શકાય છે અને પ્રાથમિક તપાસ લોકપાલ બોર્ડના ત્રણ સભાસદોની બેઠકમાં રજૂ થાય છે. જરૂર દેખાય તો અદાલતોમાં આરોપી સામે ખટલો ચલાવવામાં આવે છે.

આ લોકપાલ ઘણો ખર્ચાળ ધોળો હાથી છે અને છેવટે ફરિયાદનો નિકાલ તો અદાલતો જ કરવાની છે તેથી લોકપાલ જેવા વચેટિયાની દખલગીરી બિનજરૂરી દેખાય છે.
લોકપાલ નીમવાથી ભ્રષ્ટાચાર અટકી જશે અથવા ઓછો થઈ જશે તેવું માની લેવાનું કારણ નથી. ભ્રષ્ટાચાર સમાજ અને રાજકારણની નીતિમત્તા સાથે સંકળાયેલો છે અને નૈતિક સમસ્યાઓ અધિકારીઓ ઉકેલી શકે છે. જે રાજ્યોમાં લોકાયુક્તો નિમાયા છે ત્યાં અનીતિ કે ભ્રષ્ટાચાર તસુભાર પણ ઓછો થયાે નથી તે હકીકત પણ ખ્યાલમાં રાખવી જોઈએ.

રાજકારણી ભ્રષ્ટાચાર અંગે ચોતરફથી હોહલ્લા મચાવવામાં આવે છે, પણ ભારતીય સમાજના કયા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નથી તે સવાલ પુછાવો જોઈએ. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, વેપાર, ઉદ્યોગધંધા કે આરોગ્ય સેવા અને ખુદ અદાલતોમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે. આપણા દેશના ખ્યાતનામ અને વરિષ્ઠ કાયદાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે સર્વોચ્ચ અદાલતમાં ભ્રષ્ટાચારી ન્યાયાધીશોનાં નામ સીલબંધ કવરમાં વડા-ન્યાયાધીશને સોંપ્યાં હતાં તેનું કશું થયું નથી. એક પણ ન્યાયાધીશને સજા થઈ નથી. નીતિ અને પવિત્રતાનો ઇજારો લઈને ફરનાર આપણા ધાર્મિક આગેવાનો, ધર્મસ્થાનો અને ધર્મના ઉપદેશકો કહેવાતા સંતો, મહંતો, મઠાધીશો કદાચ સૌથી વધારે ભ્રષ્ટાચારી અને દુરાચારી છે. ભોળિયા સમાજની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવાયાના કિસ્સાઓ અખબારોમાં રોજના ડઝનબંધ છપાય છે અને કહેવાતા સંતો સામે તપાસ થઈ ત્યારે હંમેશાં તેમની ગુનાખોરી પુરવાર થઈ છે.

ભારતીય સમાજમાં નીતિ-અનીતિનાં ચોકઠાં બહુ વિચિત્ર રીતે ગોઠવાયેલાં છે અને સમર્થ હોય, સત્તાવાન હોય, ધનવાન હોય તેના દોષ જોવામાં આવતા નથી. ખરી રીતે તો આ માપદંડો ઊલટા હોવા જોઈએ. પથરામાં ગમે તેટલી ધૂળ માટી હોય તેનાથી ભ્રષ્ટાચાર તો દુનિયાના બધા સમાજમાં છે, પણ આધ્યાત્મિક વારસાનું ગૌરવભેર ગુણગાન કરનાર ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી વધારે હોવાનું સહુ કોઈ કબૂલ કરે છે. આ વિરોધાભાસ ટાળવો જરૂરી છે. કાં તો આપણું આધ્યાત્મ નરી ઢોંગબાજી છે અને કાં તો આપણા નીતિનિયમોના મૂળમાં જ કશી ખરાબી છે.
[email protected]

X
article by nagindash shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી