તડ ને ફડ / વિદાયવેળાએ ...

article by nagindash sanghavi

નગીનદાસ સંઘવી

Apr 10, 2019, 01:03 PM IST

પાંચ વર્ષે કલમ ઉપાડનાર ભાજપના એક સંસ્થાપક અને માર્ગદર્શક મંડળીના વરિષ્ઠ, પચાસ વર્ષ સુધી સંસદને ગજાવનાર અને નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન ભારતીય રાજકારણનો વિરલ નમૂનો છે. મોદીના વાલી અને વિરોધી તરીકેની બંને ભૂમિકા તેમણે સુપેરે ભજવી છે. ભાજપના સ્થાપનાદિનની સંધ્યાએ અડવાણીએ જે કંઈ કહ્યું છે તે બધું ગૌરવપૂર્ણ કહ્યું છે, પણ બધું સાચું કહ્યું નથી. ‘ભાજપે કદી પોતાના વિરોધીઓને દેશદ્રોહી ગણ્યા નથી.’ તે વાત અર્ધસત્ય છે. દેશદ્રોહી વિશેષણ વાપરવાનો જે મોકો નરેન્દ્ર મોદીને મળ્યો છે તેવા ભાજપને અગાઉ કદી મળ્યો નથી. પોતે હંમેશાં દેશને પહેલું, પક્ષને બીજું અને જાતને છેલ્લું સ્થાન આપ્યું છે તે તેમની રાષ્ટ્રભક્તિ દર્શાવે છે, પણ ભાજપે હિન્દુત્વની રક્ષા કરવામાં દેશની એકતાને ઘણી વાર જોખમમાં મૂકી છે અને 1992માં બાબરી ધ્વંસની ઘટના અડવાણીના રાજકીય જીવન માટે કદાચ સૌથી વધારે કમનસીબ અને સૌથી વધારે કલંકિત ઘટના ગણી શકાય.
આજે નરેન્દ્ર મોદીએ તેમની વંદના કરી છે, પણ તેમની રાજકીય કારકિર્દીની સમાપ્તિનું ગૌરવ જાળવ્યું નથી. અડવાણીને ચૂંટણીમાંથી ફારેગ કરવાનો નિર્ણય મોદી અથવા અમિત શાહે જાતે જઈને જણાવ્યો હોત તો આ ભીષ્મપિતામહનું માન વધારે સચવાયું હોત. રામલાલ જેવા ભાજપના મહામંત્રી અડવાણીને આ ખબર પહોંચાડે તેમાં વિવેકનો અભાવ છે.

  • અડવાણી તો ભાજપી આગેવાનોમાં સૌથી વધારે વિદ્વાન અને સૌથી મોટાગજાના વિચારપુરુષ છે

‘અડવાણીનું આ નિવેદન કોથળામાં વીંટેલી પાંચશેરી છે અને તેમણે નરેન્દ્ર મોદીને ફટકો માર્યો છે.’ તેવું ભાજપના એક વખતના પ્રવક્તા સુધીન્દ્ર કુલકર્ણીનું અર્થઘટન સાચું પણ નથી અને વાજબી પણ નથી. અડવાણીજી પોતાના વિચાર વારસ તરીકે નરેન્દ્ર મોદીને નહીં, પણ રાહુલ ગાંધીને પસંદ કરે છે તેવો ધ્વનિ આ નિવેદનમાંથી તારવી કાઢવામાં સુધીન્દ્રભાઈનો મોદીદ્વેષ વધારે જવાબદાર છે.
વીસ વર્ષ સુધી નરેન્દ્ર મોદીના રક્ષણહાર અને માર્ગદર્શક રહ્યા પછી અડવાણીજીએ પોતાનો અભિગમ બદલ્યો અને મોદીના ઉદયને અવરોધવા માટે તેમણે બધા રસ્તા અપનાવ્યા તે હકીકત જાણીતી છે. તેમને ઘેર બેસાડીને નરેન્દ્ર મોદીએ વેરની વસૂલાત કરી છે તેવો અર્થ કાઢી શકાય, પણ અતિ વૃદ્ધ આગેવાનોનું સ્થાન દરેક રાજકીય પક્ષ નવલોહિયાને આપવાની કોશિશ કરે છે અને નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકેલો આ નિયમ તેમને પોતાને લાગુ પાડવાનો અવસર બહુ દૂર નથી. તે વખતે મોદીની પરીક્ષા વધારે સારી રીતે થઈ શકે. આપણા દેશમાં યુવાનોને આગેવાની આપવાની ચર્ચા થાય છે તે આપણી અક્કલહીનતાની નિશાની છે. લોકશાહી રાજકારણમાં ઘડાતા, ટીપાતા અને આગેવાની માટે સજ્જ થવામાં ઘણાં વર્ષ નીકળી જાય છે. યુવાનો સિંહાસને ચડી બેસે તેવું માત્ર રાજાશાહીમાં જ બની શકે. રાજીવ ગાંધી એક છલાંગે અને કશા અનુભવ વગર વડાપ્રધાનપદે પહોંચ્યા તેના કારણે ભારતીય લોકશાહીને થયેલા નુકસાનની કથા ઘણી લાંબી અને કરુણ છે. વંશવાદના પ્રબળ પ્રવાહમાં આપણો ઇતિહાસ વિકૃતરૂપે રજૂ થાય છે, પણ વંશવાદ માટે કેવળ કોંગ્રેસને દોષ આપવો યોગ્ય ન ગણાય, કારણ કે આપણા સમાજમાં કૌટુંબિક ભાવના અતિ પ્રબળ છે. કશી જ કામગીરી કે કશી જ સિદ્ધિ જમા ખાતે ન હોવા છતાં પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના તમામ અનુભવી અને નિષ્ઠાવાન આગેવાનોને પાછળ બેસાડી શકે છે. દોષ વ્યક્તિનો નથી, સામાજિક પરંપરાનો છે.
અડવાણી કે વાજપેયી, નરેન્દ્ર મોદી કે મુરલી મનોહર જોષી વંશવાદથી હજુ સુધી બચ્યા છે, કારણ કે ભાજપી આગેવાનો પાસે વારસામાં આપવા જેવું કશું હતું નહીં. સત્તા પ્રાપ્ત થયાને લાંબો સમય થયો નથી, તેથી સત્તાની નબળી બાજુ હજી દેખાતી નથી. લક્ષ્મી અને સત્તાનાં દુષ્પરિણામ પ્રગટ થતાં સમય લાગે છે, પણ તેમાંથી બચી જવાનું લગભગ અશક્ય છે.
વાજપેયી અને અડવાણી જેવા કેટલાક મહાનુભાવો જ તેમાંથી બચે છે. અડવાણી તો ભાજપી આગેવાનોમાં સૌથી વધારે વિદ્વાન અને સૌથી મોટાગજાના વિચારપુરુષ છે. પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહનું ખરું સ્વરૂપ પારખવાનું અને તેની નિખાલસ કબૂલાત કરીને પોતાના તમામ સાથી, સંગાથીઓનો ગુસ્સો વહોરી લેવાનું સાહસ અડવાણી જેવા વિરલ પુરુષો જ કરી શકે છે.
અડવાણીના આ વિદાય પ્રવચનને નરેન્દ્ર મોદીએ વધાવ્યું છે અને પોતાની જાતને છેક છેલ્લે મૂકવાના અડવાણીના જીવનસિદ્ધાંતને પક્ષ માટે મહામંત્ર ગણાવ્યો છે. સત્તાલાલસાથી પીડાતા રાજકારણી આગેવાનો આ મંત્રનો જાપ કરશે, પણ તેનો અમલ કરવાના નથી. આવા સિદ્ધાંતોના ઉચ્ચારણ હંમેશાં સભામાં તાળીઓ પડાવવામાં ઉપયોગી થઈ પડે છે, પણ તેના અમલ વખતે અનેક પ્રકારની બહાનાબાજીનો વપરાશ કરવામાં આવે છે.
અડવાણીજીએ આપેલો આ મહામંત્ર છેલ્લાં એંશી વર્ષથી ભારતીય લશ્કરના અફસરોનો ધ્યાનમંત્ર છે અને તેને ચેટવૂડ મોટો કહેવાય છે. 1932માં દેહરાદૂનમાં સ્થપાયેલી ભારતીય મિલિટરી અકાદમી (IMA) દુનિયાની વિખ્યાત લશ્કરી તાલીમ સંસ્થાઓની હરોળમાં બેસે છે. આ અકાદમીના સ્થાપના પ્રસંગે તે વખતના ભારતીય લશ્કરના સરસેનાપતિ બેરન બેરોનેટ ફિલિપ ચેટવૂડે આપેલા પ્રવચનનો આ ભાગ આ લશ્કરી શાળાના પ્રવેશદ્વાર પર કોતરી રાખવામાં આવ્યો છે. ‘દેશની સુરક્ષા, શાન અને સુખાકારી હંમેશાં અને દર વખતે પહેલા નંબરે છે. તમારા હાથ નીચેના સૈનિકોની શાન, સુખાકારી અને સગવડ હંમેશાં ત્યાર પછી આવે છે. તમારા પોતાનો આરામ, એશ અને સલામતી હંમેશાં અને હરવખત છેલ્લા જ ગણવા.’
અંગ્રેજી ભાષામાં અપાયેલા આ પ્રવચન અને આ ધ્યાનમંત્ર(Motto)ના ઓજસ અને આવેશને ગુજરાતી ભાષામાં પ્રગટ કરવાનું કામ અતિશય અઘરું છે. આપણા દેશની આ વિશ્વખ્યાત અકાદમી અંગે આમ જનતા લગભગ કશું જાણતી નથી અને જાણવાની દરકાર પણ રાખતી નથી. સૈનિક મરે ત્યારે તેને શહીદ કહેવાથી આ અજ્ઞાન છુપાવી રાખવાનું શક્ય નથી.
[email protected]

X
article by nagindash sanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી