સંરક્ષણ સોદાઓમાં કૌભાંડ સત્તા ગુમાવવાનું કારણ બની શકે છે

article by nagindas shangvi

નગીનદાસ સંઘવી

Nov 21, 2018, 12:05 AM IST

વતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં કદાચ રાફેલ વિમાન ખરીદીનો મુદ્દો મુખ્ય મુદ્દો બની જાય તેવો માહોલ રચાઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતમાં ચર્ચા ચાલી રહી છે. પાર્લામેન્ટમાં આ ખરીદીની કથા એક યા બીજી રીતે શરૂ કરવામાં આવે છે. રાહુલ ગાંધી સતત રાફેલ સાથે સંકળાયેલી બાબતો ઉખેડ્યા કરે છે. આ વિમાનનું વેચાણ કરનાર કંપનીના વડા મેનેજરે કરેલી ચોખવટને બનાવટી ગણાવીને હસી કાઢવામાં આવી છે.


આ ખ્યાલ સાચો ઠરે અને આવતી ચૂંટણી ‘રાફેલ’ ચૂંટણી બની જાય તો થોડી જૂની ઘટનાનું પુનરાવર્તન થશે. સંરક્ષણ સામગ્રીની ખરીદી 1989ની ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો અને આ ચૂંટણી ‘બોફોર્સ’ ચૂંટણી કહેવાય છે. સ્વિડનની બોફોર્સ કંપની પાસેથી ખરીદાયેલી તોપના સોદામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાના કારણે રાજીવ ગાંધી પોતાના જીવતરની છેલ્લી ચૂંટણી હાર્યા અને 1991ની ચૂંટણી અધૂરી હતી ત્યારે તેમની હત્યા થઈ.

ભારતમાં સરકારી પેઢીનો આગ્રહ રાખવાના કારણે આપણે પાછળ પડી ગયા છીએ. મોદી સરકારે બિનસરકારી પેઢીઓને આ કામ સોંપવાની નીતિ જાહેર કરી છે

સરખામણી હંમેશાં અધૂરી અને ખોટી હોય છે, પણ માણસનું મન આગળ પાછળની સરખામણી હંમેશાં કર્યા જ કરે છે અને ઇન્દિરાના વંશજ રાજીવ ગાંધી આ કુટુંબના છેલ્લા વડાપ્રધાન હોવાથી સરખામણી વધારે રસપ્રદ બની જાય છે. 1986ના માર્ચમાં વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વિડનની બોફોર્સ કંપનીએ બનાવેલી 410 તોપ ખરીદવાનો સોદો પાકો કરીને 14367 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો. બરાબર એક વરસ પછી સ્વિડનના એકો રેડિયોએ સમાચાર આપ્યા કે બોફોર્સ કંપનીએ 64 કરોડ રૂપિયાની લાંચ આપી છે અને સ્વિટ્ઝર્લેડના ત્રણ ખાતાંમાં આ નાણાં ચૂકવવામાં આવ્યાં છે. આ ખાતાંઓનું ગુપ્ત (code) નામ ‘કમળ’ (Lotus: રાજીવ) રાખવામાં આવ્યું છે.


આખા દેશમાં હોહા થઈ પડી. રાજીવ ગાંધીએ પાર્લામેન્ટમાં પોતાનો બચાવ કર્યો અને સમાચાર તદ્દન ખોટા હોવાનો આક્રોશ ઠાલવ્યો. બોફોર્સ કંપનીએ ખુલાસો કર્યો અને લાંચ આપવાનું કબૂલ કર્યું, પણ નામ ન આપ્યાં. સ્વિડનના સરકારી હિસાબનીસે નાણાં લેનારનાં નામ પોતાની સરકારને આપ્યાં, પણ તે કદી જાહેર કરવામાં આવ્યાં નથી. ચેન્નાઈના વિખ્યાત ‘હિન્દુ’ અખબારમાં ચિત્રા સુબ્રમણ્યમ અને રામે લેખમાળા લખી અને કેટલાંક કમિશન ચુકવાયાના દસ્તાવેજો છાપ્યા.


બોફોર્સના માલિક નોબેલ કંપનીએ ભારત સરકારને બધી વિગત આપવાની તૈયારી બતાવી અને નોબેલના પ્રતિનિધિમંડળને સંરક્ષણ ખાતાના નાયબ પ્રધાન અરુણ સિંહે આમંત્રણ આપ્યું, પણ વડાપ્રધાને આમંત્રણ રદ કરાવ્યું. સ્વિડનના પોલીસ ખાતાના સ્ટેન લીંગસ્ટોર્મ તો હજુ આજે પણ બધી માહિતી આપવાની તૈયારી બતાવે છે.


આખું વરસ બોફોર્સ કૌભાંડ ભારતના અગ્રગણ્ય અખબારોના પહેલા પાને મથાળામાં ગાજતું રહ્યું, પણ ભારત સરકારને કશી તટસ્થ અને તલસ્પર્શી તપાસ થવા દીધી નથી. 1992માં કોંગ્રેસી પ્રધાનમંડળના વિદેશમંત્રી માધવસિંહ સોલંકીએ સ્વિટ્ઝર્લેન્ડના વિદેશપ્રધાનને બોફોર્સ અંગે કશું ન કહેવાની લેખિત વિનંતી કરી. આ ચિઠ્ઠી પકડાઈ ગઈ અને માધવસિંહે રાજીનામું આપીને જાહેર જીવનમાંથી વનવાસ લીધો. આ બાબતમાં કોઈ કશું બોલવા તૈયાર નથી અને વીસેક વરસ તપાસ કર્યા પછી સીબીઆઇએ કેસ સંકેલી લીધો. પણ 1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીને પરાજય આપનાર વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે આપેલી અખબારી મુલાકાતોમાં અનેક કૌભાંડોની માહિતી આપી છે. બોફોર્સ કંપનીએ લાંચ આપ્યાનું સાબિત થયું છે. લાંચ લેનાર લોકોમાં અનેક નામ ઉછાળવામાં આવ્યાં છે, પણ આ ચોસઠ કરોડ નાણાં ક્યાં પહોંચ્યાં અને કોને મળ્યાં તેનો કોઈ પુરાવો આજે પણ આપણી પાસે નથી.


ત્રણ દાયકા પછી ભારતની વાયુસેનાને સફળ બનાવવા માટે ફ્રાન્સની ડિસોલ્ટ કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલાં વિમાનોમાં અનેક ગણી વધારે કિંમત ચૂકવવામાં આવી અને તેમાં ભ્રષ્ટાચાર થયાનું કોંગ્રેસી આગેવાનો અને રાહુલ ગાંધી કહે છે, પણ તેમના નિવેદનને ડિસોલ્ટ કંપનીના મેનેજરે નકારી કાઢ્યું છે. આ સોદામાં ભ્રષ્ટાચાર થવાની વાતને બીજા કોઈ અખબાર કે સંસ્થાએ ટેકો આપ્યો નથી.


આ વિમાનોના સ્પેરપાર્ટ બનાવવા માટે અનિલ અંબાણીને અપાયેલા લાઇસન્સ અંગે ઘણો ઊહાપોહ કરવામાં આવે છે. દુનિયાના તમામ દેશોમાં શસ્ત્રો અને સરંજામ બિનસરકારી પેઢીઓ જ બનાવે છે. ભારતમાં સરકારી પેઢીનો આગ્રહ રાખવાના કારણે આપણે પાછળ પડી ગયા છીએ. મોદી સરકારે બિનસરકારી પેઢીઓને આ કામ સોંપવાની નીતિ જાહેર કરી છે. અનિલ અંબાણીની પેઢીને લશ્કરી વિમાનના સ્પેરપાર્ટ બનાવવાનો કશો અનુભવ નથી, કારણ કે આપણે કોઈ પેઢીને કામ જ સોપ્યું નથી. નવી નીતિની શરૂઆત થાય ત્યારે બિનઅનુભવીને જ કામ આપવું પડે અને શરૂઆતમાં જે કામ થશે તેમાં ઘણી ખામી હોવાની છે, કારણ કે આપણી પાસે આ કામના અનુભવી ઇજનેરો નથી. જાપાનમાં આ કામ 1880થી શરૂ થયું ત્યારે જાપાની હથિયારો હાંસીપાત્ર ગણાતાં હતાં. 1919 પછી રશિયાએ બધાં શસ્ત્રો અને બધા સરંજામ બનાવવાનો આરંભ કર્યો. 1940 સુધી રુસી હથિયારો અને સરંજામ અતિશય ઊતરતી કક્ષાનાં જ હતાં.


નવો વિદ્યાર્થી એકડા ઘૂંટે ત્યારે વાંકાચૂકા જ ઘૂંટાય. નવું કામ, નવો અનુભવ હંમેશાં દુ:ખદાયી જ હોય છે. બાળક ચાલતા શીખે ત્યારે પડતાં આખડતાં જ શીખે છે, પણ અસ્થિરતાના કારણે બાળકને ચાલવા ન દઈએ તો જિંદગી આખી પાંગળું બની જાય.
અવકાશી યાનો અને ઉપગ્રહો છોડવાની શરૂઆતમાં અમેરિકા-રશિયાનાં કેટલાં યાનો નિષ્ફળ ગયાં અને તેમાં કેટલાય લોકો જીવતા બળી મૂવા. નિષ્ફળતા અને અણઆવડતથી ડરીને કે ગભરાઈ કામ પડતું મૂકે અથવા કામ ન કરે તે માણસ અને તે સમાજ મોટો મૂરખ જ ગણાય. ધીરજથી કામમાં મંડ્યા રહીએ તો જ સારાં કામ થઈ શકે.


રાજકારણીઓ પોતાના લાભ માટે ચૂંટણી જીતવા માટે અટપટા અનેક દાવપેચ લગાડે છે. તેમાં કશી નવાઈ નથી, પણ આમજનતાએ તેનાથી દોરવાઈ જવાનું કારણ નથી. આમજનતાએ કોઈ પણ પક્ષ પછી તે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ જૂથ હોય તેને ચોંટી વળગીને બેસી જવાની જરૂર નથી. આમજનતાએ દેશહિત દેખાય તેને મત આપવો જરૂરી છે. આમજનતાની ભૂલ થાય તેમાં કશો વાંધો નથી. ભૂલ દરેક માણસ દરેક બાબતમાં કરતો જ હોય છે. ભૂલ ન કરે તે માણસ જિંદગીમાં કશું શીખતો નથી અને કશું કરતો પણ નથી. ભૂલ ન કરે તે મૂરખ અને એકની એક ભૂલ કર્યા જ કરે તે પણ મૂરખ.
[email protected]

X
article by nagindas shangvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી