Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 66)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

અદાલત ધાર્મિક નહીં, પણ જગ્યાની માલિકીના મુદ્દાને જ મહત્ત્વ આપશે!

  • પ્રકાશન તારીખ24 Oct 2018
  •  

અયોધ્યામાં રામનું મંદિર બાંધવા અંગેનો જે વિખવાદ-વિવાદ ચાલે છે તેમાં મંદિર મહત્ત્વનું નથી, પણ મંદિરના બાંધકામ અંગેની જગ્યા અને તેની માલિકી અંગે વિવાદ મહત્ત્વનો છે. આ લાંબા અને અતિશય ગૂંચવાયેલા ઝઘડાની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે અદાલત ધાર્મિક મુદ્દા અંગે નહીં પણ આ જગ્યાની માલિકીના મુદ્દાને જ મહત્ત્વ આપશે. બધા સનદી ખટલાઓમાં હંમેશાં બને છે તેમ આ ઝઘડો ફોજદારી ન હોવાથી વર્ષો સુધી લંબાયા કરે છે, કારણ કે તેમાં દસ્તાવેજો અને પરંપરા સવિશેષ મહત્ત્વનાં બની જાય છે અને આ બંને બાબતો હંમેશાં ઝઘડાળું હોય છે.

વિજયા દસમીના પ્રવચનમાં આર.એસ.એસ.ના સર સંઘ ચાલકે પણ રામ મંદિરની હિમાયત કરી છે અને તે બાબતમાં કાયદો ઘડવાની માગણી કરી છે. અદાલતમાં ચાલી રહેલા ખટલાની બાબતમાં કાયદો ઘડાય તે અદાલતી અપમાન ગણાય છે

વહેતી નદીમાં હાથ ધોઈ લેવાની લાલચે આ ઝઘડામાં કેટલાક તદ્દન નકામા પક્ષો અને આગેવાનોએ ઝુકાવ્યું છે. ભારતીય જનતા પક્ષ મંદિર બાંધવાની પોતાની અશક્તિ જાહેર કરે તો અમે આ મંદિર બાંધવા તૈયાર છીએ તેવી ઘોષણા કરીને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતા મહિનાની 25 તારીખે અયોધ્યા જવાના છે. શિવસેના મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં અતિશય મજબૂત અને પ્રતિષ્ઠિત રાજકીય પક્ષ છે, પણ બીજા કોઈ પ્રદેશમાં શિવસેનાને કોઈ ઓળખતું પણ નથી. અયોધ્યા જવાથી મંદિર બંધાઈ જવાનું નથી અને આ મુદ્દો અદાલતની નિગેરબાનીમાં હોવાથી તેમાં ભારત સરકાર પણ આંગળી મૂકી શકે તેમ નથી. ઉદ્ધવ ઠાકરે અયોધ્યાયાત્રા જરૂર કરી શકે, પણ બીજું કશું કરી શકે તેવી શક્યતા નથી અને અયોધ્યામાં કે ઉત્તરપ્રદેશમાં તેમને ઓળખે તેવા લોકો પણ ભાગ્યે જ જોવા મળશે.


વિજયા દસમીના પોતાના પ્રવચનમાં આર.એસ.એસ.ના સર સંઘ ચાલકે પણ રામ મંદિરની હિમાયત કરી છે અને તે બાબતમાં કાયદો ઘડવાની માગણી કરી છે. અદાલતમાં ચાલી રહેલા ખટલાની બાબતમાં કાયદો ઘડાય તે અદાલતી અપમાન ગણાય છે અને આવો કાયદો અદાલત ધારે ત્યારે રદબાતલ જાહેર કરી શકે છે. રાજકીય ધોરણે વધારે મહત્ત્વની બાબત એ છે કે આવો કે બીજા કોઈ પણ પ્રકારનો કાયદો ઘડવામાં દોઢ-બે વર્ષ લાગે છે. આ લોકસભાનું આયખું તો વર્ષનું પણ નથી અને લોકસભા બરખાસ્ત થાય તેની સાથોસાથ લોકસભાનાં તમામ અધૂરાં કામ આપોઆપ રદ થયાં ગણાય છે અને નવી લોકસભાએ નવેસરથી એકડો ઘૂંટવો પડે છે.


વળી કોઈ પણ કાયદો ઘડવાની મોદી સરકારની શક્તિ અતિશય મર્યાદિત છે. લોકસભામાં ખરડો મંજૂર સહેલાઈથી કરી શકાય, કારણ કે લોકસભામાં ભાજપ બહુમતી બેઠકો ધરાવે છે, પણ માત્ર લોકસભાની મંજૂરીથી ચાલવાનું નથી. આ કાયદો રાજ્યસભામાં પણ મંજૂર થવો જોઈએ. રાજ્યસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ છે, પણ બહુમતી પક્ષ નથી અને રાજ્યસભાની મંજૂરી સિવાય કોઈ પણ ખરડો કાયદો બની શકે નહીં. તમામ પક્ષો અને કોમોએ પાપી પ્રણાલી તરીકે કબૂલ રાખેલી ત્રિવાર તલાક નાબૂદ કરવા માટેનો કાયદો રાજ્યસભામાં અટવાઈ પડ્યો છે તે દાખલો ધ્યાનમાં લેવો જોઈએ.


રામમંદિર બાંધવાની ધાંધલ-ધમાલ કરવાના બદલે આ બાબતમાં સર્વોચ્ચ અદાલતના આખરી ફેંસલાની રાહ જોવાની બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આપેલી સલાહ સોનેરી છે અને કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચુકાદાની રાહ જોઈને બેઠા હોવાનો સંભવ છે. આ ચુકાદો આવ્યા પછી તેની ફેરચકાસણી (રિવ્યૂ) માટેની અરજી કરી શકાય છે અને બીજા ચાર-પાંચ વર્ષ આ ઝઘડાને લંબાવી શકાય છે.


આ આખુંય પરિસર જન્મસ્થાન તરીકે જ ઓળખાય છે અને બાબરી મસ્જિદ માટે પણ અંગ્રેજોના મહેસૂલી દફતરમાં ‘મસ્જિદ-ઈ-જન્મસ્થાન’ એવી ઓળખ આપવામાં આવી છે. આ પરંપરા ઘણા લાંબા સમયથી જામેલી છે, પણ આવી મોં-માથા વગરની અને મૌખિક પરંપરાના કારણે બાબરી મસ્જિદ હતી તે તમામ જગાની માલિકી મુસ્લિમ વકફ બોર્ડની છે તેવા દસ્તાવેજોને નકારી કાઢવાનું અદાલત માટે શક્ય નથી. કાયદાની નજરમાં પરંપરાની સરખામણી એ દસ્તાવેજો વધારે બંધનકર્તા છે.

રામમંદિર બાંધવાની ધાંધલ-ધમાલ કરવાના બદલે આ બાબતમાં સર્વોચ્ચ અદાલતના આખરી ફેંસલાની રાહ જોવાની બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આપેલી સલાહ સોનેરી છે

રામમંદિરનો આ સવાલ ઉકળતો રાખવાથી કોને ફાયદો થશે તે કહેવું ખૂબ જ અઘરું છે. લોકોની ઉશ્કેરણી કરીને મત મેળવી લેવાના લાલચુ રાજકીય આગેવાનો સિવાય બીજા બધા લોકો એક જમાનાના આ વિસ્ફોટક મુદ્દાને ભૂલી ગયા છે. આ રામમંદિર બાંધવાથી આર.એસ.એસ કે વિશ્વ હિંદુ પરિષદને કશો ફાયદો થવાનો નથી, કારણ કે મંદિરો કે ધર્મ સ્થાનો બાંધવા અને નિભાવવાનું કામ ભાજપ કે વિશ્વ હિંદુ પરિષદ અથવા આર.એસ.એસ પણ કરી શકે તેમ નથી.


આ ચૂંટણીના કારણે બધા પક્ષો અને આગેવાનોને ભાજપની ધાર્મિકતાનો ચેપ લાગ્યો છે. મંદિર, મસ્જિદ કે અન્ય ધર્મ સ્થાનોમાં કોઈ દિવસ પગ ન મૂકે તેવા કોંગ્રેસી પ્રમુખ મંદિરોમાં દર્શને જતા થયા છે અને કહેવાતા સંતો-મહંતોના આશીર્વાદ મેળવવા માટે તલપાપડ બની રહે છે. નાણાં અને પ્રતિષ્ઠા પાછળ ગાંડીઘેલી દોટ મૂકનાર આ સાધુઓ કે મઠાધીશોમાં સંતત્વનો છાંટો પણ નથી અને શ્રદ્ધાળુ લોકો તેમનો આદર સત્કાર કરે છે, પણ તેમની બધી સલાહ કે શિખામણ માનતા નથી. ગુજરાતમાં અગણિત મંદિરોની મુલાકાત છતાં કોંગ્રેસ આગેવાનોને સત્તા મળી નથી, પણ સત્તાના લોભિયા આગેવાનોના માહોલમાં ધાર્મિક ધુતારાઓ ચરી ખાય છે.


દુનિયાના દરેક ધર્મનાં સ્થાનકોમાંથી ધર્મ ક્યારનોય પરવારી ચૂક્યો છે અને ધર્મ સ્થાનો તો ધર્મની કબર જેવા બની ગયાં છે. ત્યાં ધર્મ છે, પણ મરેલી અવસ્થામાં દટાયેલો પડેલો છે. ભારતના રાજકારણમાં ધર્મ અને ધાર્મિકતાની આટલી સખત પકડના કારણે સમાજના અને રાષ્ટ્રના અનેક વધારે મહત્ત્વના પ્રશ્નો અને સમસ્યાઓ અંગેની ચર્ચાઓ અને તેના ઉકેલ શોધવાની પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP