પરિક્રમા / ઘણા લોકોને અભદ્ર ભાષા બોલવામાં વિકૃત આનંદ મળે છે

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Apr 21, 2019, 03:46 PM IST

સહનશક્તિની હદ આવી જાય ત્યાં સુધી ચૂંટણીપંચે સલાહ, શિખામણનો વપરાશ કર્યો, પણ નામ કાઢી ગયેલા રાજકીય આગેવાનોએ ચૂંટણીપંચની હંમેશાં અવગણના કરી સર્વોચ્ચ અદાલતે ઠાલવેલા આક્રોશ પછી ચૂંટણીપંચે કોરડો વીંઝ્યો છે અને ચાર આગેવાનો-યોગી આદિત્યનાથ, માયાવતી, આઝમ ખાન અને મેનકા ગાંધીને બે કે ત્રણ દિવસ ચૂંટણીપ્રચારમાંથી બાકાત રાખ્યાં છે.
આ સજા પહેલી નજરે દેખાય તેવી હળવી સજા નથી. રાજકીય આગેવાનને બોલતો અટકાવવો તે નદીને વહેતી અટકાવવા જેવું છે. નદી તો પોતાનું વહેણ થોડું બદલીને વહેતી રહે છે, પણ રાજકીય આગેવાનોને મૂંગા રહેવાની ફરજ પડે તો ગૂંગળાઈને મરવા જેવી અકળામણ અનુભવે. બીજી ચૂંટણીપ્રચાર માટે આ આગેવાનોના કાર્યક્રમ અગાઉથી ઠરાવેલા હોય છે. સભાઓ, રેલીઓ અને બીજી અગણિત રીતે તેમના માટે જરૂરી ગોઠવણ કરી લેવામાં આવી હોય છે. આ બધી ગોઠવણ રદ કરવી પડે તો પક્ષને, કાર્યકરોને અને ઉમેદવારોને માતબર રકમનો ફટકો સહેવો પડે. એટલું જ નહીં, પણ તેમની પ્રચાર ઝુંબેશના ચૂંટણીપંચ સીધી કે આડકતરી દખલગીરી કરશે તેવા સંભવિત ડરના કારણે કાર્યકરો અને ઉમેદવારો તેમને બોલાવવાનું પસંદ કરે નહીં. પ્રચાર પર પ્રતિબંધ મૂક્યાની બદનામી તો ખરી જ, નાણાં-વ્યવસ્થાનું નુકસાન પણ ખરું જ, પણ તેમને બોલાવવાના જોખમના કારણે તેમની કામગીરીમાં કાપ મુકાય તે જોખમ સૌથી મોટું છે. ચૂંટણીપંચે બે-ત્રણ દિવસનું મૌન પાળવાની સજા કરી છે, પણ આ સજા લંબાવી શકાય છે અથવા ફરી વખત વારંવાર ગુનો કરવામાં આવે તો કાયમી પ્રતિબંધ પણ આવી શકે છે.

  • ચૂંટણીપંચે બે-ત્રણ દિવસનું મૌન પાળવાની સજા કરી છે. આ સજા લંબાવી શકાય અથવા વારંવાર ગુનો કરવામાં આવે તો કાયમી પ્રતિબંધ આવી શકે છે

જેને સજા થઈ છે તેણે તો પાઠ ભણવાનો જ છે, પણ આ દાખલો બીજા આગેવાનોને પણ સીધા દોર કરી શકે છે, કારણ કે પોતાની ભૂલચૂક થાય અથવા ચૂંટણીપંચે અમલી બનાવેલી આચારસંહિતાનું ઉલ્લંઘન નાના-મોટા દરેક કાર્યકરને લાગુ પાડી શકાય છે. જેમના બોલચાલના હેવાલો અખબારો અથવા વિજાણુ માધ્યમોમાં ગાજે છે તેમને સજા થઈ શકે, પણ છેક તળિયાના, પાયાના કાર્યકરો મતદારોની નાની-નાની સત્તાઓમાં જે ભાષા વાપરે છે, ધાકધમકી અને ગાળાગાળીનો વપરાશ કરે છે તેમને સજા કરી શકાતી નથી, કારણ કે આ બાબત માત્ર સ્થાનિક વિસ્તારમાં અથવા હાજર રહેલા લોકો જ જાણે અનુભવે છે. આપણા આગેવાનોમાં 30થી 35 ટકા જેટલા લોકો ગંભીર ગુનાઓમાં સંડોવાયા છે તે સહુ કોઈ
જાણે છે, પણ નીચલા સ્તરના કાર્યકરોની ગુનાખોરી અંગે આપણી પાસે કશી માહિતી હોતી નથી અને ખરેખરી ગુનાખોરી તો
નીચલા સ્તરે જોવા મળે છે. એકાદ મધુ શ્રીવાસ્તવ કોઈવાર અખબારી ઝટપમાં આવી જાય છે, પણ આવા અગણિત મુદ્દાઓ ચૂંટણી વખતે ચોમાસામાં દેડકીઓની માફક ઊભરાય છે.
ચૂંટણીપ્રચાર અનેક સ્તર પર સામટો ચાલે છે અને તેનો પૂરેપૂરો કે પાકો અંદાજ લગાવવાનું લગભગ અશક્ય છે, પણ આવું શા માટે થાય છે તેનાં કારણ જાણવાં-સમજવાં વધારે જરૂરી છે. ચૂંટણીમાં થતા અપપ્રચાર માટે, કોમવાદી અપીલ માટે, અભદ્ર ભાષાના ઉપયોગ માટે સૌથી મોટી જવાબદારી આપણા મતદારોની છે. મતદારોને આવો અપપ્રચાર ગમે છે. આપણા સમાજને અભદ્ર ભાષા બોલવા-સાંભળવામાં એક અનોખા પ્રકારનો માનસિક સંતોષ અને વિકૃત આનંદ મળે છે.
ગુનેગારો પોતાને સીધી રીતે કનડગત ન કરે ત્યાં સુધી લોકો ગુનેગારોને બહાદુર અથવા વીરનર તરીકે પૂજે છે. આ બાબતનો પુરાવો જોઈતો હોય તેમણે આપણાં ચલચિત્રો અને આપણાં સાહિત્યને જોઈ જવાં. ડાકુઓ-બહારવટિયાઓને મવાલી તરીકે ધિક્કારી કાઢવાના બદલે તેમના માટે અહોભાવ દર્શાવવામાં આવે છે.
પરદેશમાં ખાસ કરીને યુરોપ-અમેરિકામાં આપણાં ચલચિત્રો પર પ્રતિબંધ મુકાય છે. તે બિનજરૂરી અને ઘૃણાસ્પદ હિંસાખોરીના પ્રદર્શન માટે મુકાય છે.
મોટાભાગના લોકો જાતે હિંસાનું આચરણ કરી શકતા નથી, પણ સિનેમા અને સાહિત્ય દ્વારા આડકતરી રીતે આપણે હિંસાખોરીને અનુમોદન આપીએ છીએ. સાંભળવું-જાણવું ગમે નહીં, પણ ભારતીય સમાજ અતિશય હિંસાખોર સમાજ છે. એકલદોકલ માણસ પર ટોળાબંધ લોકો જે ઝનૂનથી તૂટી પડે છે, નજીવી બાબત માટે લોકો સતત અરસપરસ ઝઘડતા રહે છે.
માત્ર ભારતીય સમાજ હિંસાખોર છે અને બીજા સમાજોમાં હિંસા છે જ નહીં તેવું કહેવાનો દાવો નથી, પણ અન્ય સમાજોના પ્રમાણમાં આપણો સમાજ વધારે હિંસાખોર છે. પોતાનો દુશ્મન હોય અથવા દુશ્મન ગણવામાં આવતો હોય તેને મારી નાખવાનું બધા સમાજમાં બને છે, પણ આપણી મરજી કે સમાજની રીતરસમથી થોડા અળગા વેગળા ચાલનાર આપણાં સંતાનોને, આપણા મિત્રો અને સાથીઓને મારી નાખવાનો જે પાશવી આનંદ ભારત સમાજમાં જોવા મળે છે તે બીજે જોવા મળતો નથી. આવા આનંદને પાશવી આનંદ કહીએ તો પશુઓનું
અપમાન થાય, કારણ કે પશુઓ આવી
હત્યાઓ કરતાં નથી અને આવા બખેડાઓ પણ આચરતાં નથી.
ચૂંટણી દરમિયાન પ્રચારના કામે સમાજની બધી હલકી મનોવૃત્તિઓ સવિશેષ પ્રમાણમાં પ્રગટ થાય છે.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી