પરિક્રમા / બળાત્કારની સમસ્યા માનવ જાતિને પજવતી સમસ્યા છે!

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Mar 04, 2019, 03:48 PM IST

આજે દુનિયામાં સૌથી વધારે અનુયાયીઓની સંખ્યા ધરાવતા રોમન કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ શાસક અને માર્ગદર્શક પોપ ફ્રાન્સીસે સંપ્રદાયમાં પ્રવર્તતી સમસ્યાના ઉકેલ માટે બોલાવેલી વિશ્વના આગેવાન બીશપોની પરિષદ પૂરી થઈ. બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લેનાર રોમન કેથોલિક પાદરીઓ અને ધર્માચાર્યોએ કિશોરીઓ પર કરેલા બળાત્કારોની ફરિયાદો વર્ષે વર્ષે વધતી જાય છે અને તેના પ્રતિકાર રૂપે ખાસ કશાં નક્કર પગલાં ભરવામાં આવતાં નથી તેવી ફરિયાદોના ઉકેલ માટે વેટિકનમાં આ પરિષદ મળી અને નામદાર પોપ ફ્રાન્સીસે તેના સમાપન પ્રવચનમાં આ પાપની નાબૂદી માટે જોરદાર અનુરોધ કર્યો. નાની ઉંમરની છોકરીઓ પર કરવામાં આવતા બળાત્કાર માનવ બલિદાન જેવું મહાપાપ છે તેવું પણ પોપે કહ્યું, પણ આવી બળાત્કારની ઘટનાઓ અટકાવવા માટે કે ઓછી કરવા માટે તેમણે કોઈ ચોક્કસ અને નક્કર ઉપાયો બનાવ્યા નથી.

  • ધર્મો અને ધાર્મિક આગેવાનો એકબીજા પાસેથી અને એકબીજાના આધારે અલગ રીતે ચાલતા થાય તેમાં અનેક પ્રકારના ફાયદા છે

આ સમસ્યા રોમન કેથોલિક સંપ્રદાય પૂરતી મર્યાદિત નથી, પણ બ્રહ્મચર્ય વ્રતનો આગ્રહ રાખનાર દરેક જૈન સ્વામી નારાયણ, કેથોલિક સંપ્રદાયને પજવતી અને મૂંઝવતી સમસ્યા છે. આવી સમસ્યાની હયાતી સ્વીકારવી અને તે બાબતની જાહેરમાં ચર્ચા કરવી તે સાંપ્રદાયિક આગેવાનોની પ્રામાણિકતા અને નૈતિક હિંમતનો પુરાવો છે. દરેક સંસ્થા અને દરેક સંપ્રદાય પોતાની ઊણપ અને પોતાનાં પાપ સંતાડી રાખે છે. બળાત્કારની સમસ્યા માનવ જાતિને પજવતી સમસ્યા છે, પણ ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયોમાં આવા પાપકર્મ માટે ધર્મશ્રદ્ધાનો વપરાશ કરવામાં આવે છે. વ્રતબંધનનો દાવો કરનાર પોતાના અનુયાયીઓને ખાસ કરીને અણસમજુ કિશોરો અને બાળકોના ભોળપણનો અને તેમની ભક્તિભાવનો દુરુપયોગ કરે છે. બીજી રીતે કહીએ તો પોપની પરિષદે વૈશ્વિક સમસ્યા તરફ આંગળી ચીંધી છે અને અન્ય ધર્મોના અને સંપ્રદાયોના આગેવાનોને તેના ઉકેલમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો છે. પોતે જેને પાપ અથવા ગેરવર્તન સમજે છે તે થઈ ગયા પછી તેને છુપાવવું તે વધારે મોટું પાપ છે અને આપણા દેશના દરેક સંપ્રદાયના અગ્રણીઓ આ પાપકર્મના ભાગીદાર છે.
ધાર્મિક અને સાંપ્રદાયિક સંસ્થાઓમાં બ્રહ્મચર્ય અને બળાત્કાર એકબીજા સાથે સંકળાયેલા છે. બ્રહ્મચારીનો દાવો કરનાર મોટાભાગના 90 ટકા જેટલા લોકો તદ્દન બિનપાયાદાર દાવો કરી રહ્યા છે. સ્ત્રી-પુરુષના શારીરિક આવેગ ઉંમર થતી જાય તેમ ઘટતા જાય છે, પણ નાબૂદ તો કદાપિ થતા નથી. સંબંધ બાંધવાની શારીરિક શક્તિ ઓછી થાય, પણ માનસિક ભૂખ તો જેમની તેમ ટકી રહે છે.
બ્રહ્મચર્ય પાલન ખરી રીતે ઈશ્વર અને કુદરતનો વિરોધી પ્રયોગ ગણાવો જોઈએ. ઈશ્વર આખા જગતનું સંચાલન કરે છે અને જગત તેના આધારે ચાલે છે તેવું માનતા હોઈએ તો શરીર સંબંધની ભૂખ અને જરૂરિયાત કુદરત પ્રેરિત હોવાથી ઈશ્વરીય ગણવા જોઈએ. છતાં આવા સંબંધમાં કશુંક અશુભ, ખરાબ હોવાની માન્યતા આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે અને દિવ્ય પુરુષો અને પયગંબરો આવા સંબંધ સિવાય જન્મ્યા હોવાનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે.
બ્રહ્મચર્ય જેવા અશક્ય આદર્શનું પાલન કરવાનો જબરદસ્તીથી કરવામાં આવેલા પ્રયાસ વ્યક્તિ અને સમાજ બંને માટે નુકસાનકારી ઠરે છે.
પરંપરાગત માન્યતાઓના આધારે આવા આદર્શનું પાલન કરાવવાનો આગ્રહ છોડીને માનવીને પોતાની સ્વાભાવિક ચર્યા પ્રમાણે જીવવાની અને વર્તવાની છૂટ આપવામાં આવે તો ધાર્મિક સંસ્થાઓના કેટલાક વિકટ સવાલો આપોઆપ ઉકલી જાય છે, કારણ કે ધાર્મિક નિયમો અને સામાજિક કાયદાઓ કુદરતે ઘડ્યા નથી, પણ માણસોએ ઘડ્યા છે અને દરેક સમાજ અને દરેક ધર્મમાં અલગ અલગ હોય છે. દાખલો લઈએ તો પોતાના સંપ્રદાયમાં ધાર્મિક હોદ્દા અને સત્તા ધરાવનાર લોકો માટે બ્રહ્મચર્ય પાલનની સખતાઈ સેવનાર કેથોલિક સંપ્રદાયમાં બળાત્કારની સમસ્યા જેટલી ઉગ્ર છે તેટલી લગ્નજીવનની છૂટ આપનાર પ્રોસ્ટેટંટ પંથોમાં હોતી નથી.
માનવીના કુદરતી આવેગોને રોકવાના પ્રયાસથી ફાયદો કશો મળતો નથી અને નુકસાન પારાવાર થાય છે. તેથી પુરાતન માન્યતાઓને જડતાપૂર્વક વળગી રહેવાના બદલે તેમાં જમાના અને જરૂરિયાત મુજબના સુધારાવધારા થવા જોઈએ. જીવન વહેવારના દરેક ક્ષેત્રમાં આવા ફેરફારો સતત થતા રહે છે તો જીવનવહેવારના એક પાસા સમાન ધર્મ, ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિક આદર્શોમાં ફેરફાર કરવા જરૂરી બની જાય છે. કોઈ નિયમ, કોઈ પદ્ધતિ, કોઈ ખ્યાલ, કોઈ સિદ્ધાંત કાયમી હોતો નથી અને પોતપોતાની જડ માન્યતાઓને વળગી રહેવાના બદલે ધર્મો અને ધાર્મિક આગેવાનો એકબીજા પાસેથી અને એકબીજાના આધારે અલગ રીતે ચાલતા થાય તેમાં અનેક પ્રકારના ફાયદા છે.
અમે જ સાચા છીએ તેવા અહંકારી ખ્યાલના સ્થાને બધા ધર્મો વધારે લવચીક અને વધારે વહેવારુ બને તેવો સંભવ છે.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી