તડ ને ફડ / મોદી માટે આગળ કૂવો પાછળ ખીણ જેવી સ્થિતિ

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Feb 06, 2019, 12:27 PM IST

વરસ સુધી અભરાઈ પર ચડાવી દેવામાં આવેલા રામમંદિરનો મુદ્દો ભાજપી સરકારે ફરી પાછો સક્રિય બનાવ્યો છે. મોદી સરકારના જાહેર થયેલા અન્ય કાર્યક્રમો ચૂંટણીલક્ષી છે કે નથી તેવી ચર્ચા ચાલે છે અને કરી શકાય તેમ છે, પણ રામમંદિરનો મુદ્દો કેવળ ચૂંટણીલક્ષી છે તે બાબતમાં મતભેદને સ્થાન નથી. આ મુદ્દા અંગે હિન્દુ અને મુસ્લિમ, બંને સમાજની લાગણી ઘણી આળી છે અને 30 વર્ષના ઝઘડાના કારણે વધારે આળી બની ગઈ છે, તેથી રામમંદિર બાંધવાના કોઈ પણ પ્રયાસથી કોમી વૈમનસ્યમાં વધારો જ થશે તેમાં શક નથી. પણ મંદિર બાંધવાની જમીન અંગે મોદી અને સંઘ પરિવાર વચ્ચે રહેલા મહત્ત્વનો તફાવત ધ્યાનમાં રાખવો જરૂરી છે.

બાબરી મસ્જિદની માલિકીની 2.77 એકર જમીનમાં રામજન્મ થયાની બિનપાયાદાર માન્યતાના કારણે આ સ્થાન લાંબા વખતથી જન્મસ્થળ તરીકે ઓળખાય છે અને 1949માં મસ્જિદમાં રામની મૂર્તિઓ મુકી દેવામાં આવી. 1987માં રાજીવ સરકારે આ મંદિરનાં તાળાં ખોલાવી નાખ્યાં અને મંદિર-મસ્જિદના ઝઘડામાં હોળી પેટાવવામાં આવી. આ હોળી પેટાવવાના પાયામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના આગેવાનો સરખા જ જવાબદાર છે. ભાજપે મસ્જિદ તોડવાનું કામ કર્યું અને કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે મસ્જિદ તોડફોડ અટકાવવાની સત્તા વાપરી નહીં. તેમણે આંગળી પણ ઊંચી કરી હોત તો મસ્જિદ તોડવાની શક્તિ વિશ્વ હિન્દુ પરિષદના કોદાળીધારી સ્વયંસેવકોમાં હતી નહીં.
1947 પછી બિહારના હિન્દુ હુલ્લડખોરોને વિખેરવા માટે બોંબમારો કરવામાં આવેલાે. 1992માં લશ્કરી બળનો પ્રયોગ થવો જોઈતો હતો. મસ્જિદ તોડવા માટે ભાજપ અને ચૂપ બેસવા માટે કોંગ્રેસ જવાબદાર છે. ગુનો થતો હોય તેને અટકાવવાની જવાબદારી ધરાવતો હોદ્દેદાર ચૂપ બેસે તો તેને પક્ષકાર (Accomplice) ગણીને કાયદેસર સજા થાય છે. ખેર, ગયું તે બધું ગંગામાં ગયું.

  • નરેન્દ્ર મોદી ખરેખરા સાણસામાં સપડાયા છે. અદાલતનો અનાદર કરવામાં આવે તો મોદી સરકાર પોતાની બંધારણીય જવાબદારીની ઉપેક્ષા કરે છે તેવું પુરવાર થાય અને કટ્ટરપંથીઓ નારાજ થાય તો ચૂંટણીમાં પરાજય અને સત્તા ગુમાવવાની સંભાવના ઊભી થાય

1993 પછી કલ્યાણસિંહ સરકારે મસ્જિદની બાજુની લગભગ 7 એકર જમીન કબજામાં લીધી અને આ સરકારી બનેલી જમીન વિશ્વ હિન્દુ પરિષદને સોંપી દેવામાં આવી હતી. આ જમીનમાં મંદિર બાંધવા માટેની મોદીની દરખાસ્ત વિશ્વ હિન્દુ પરિષદ કે હિન્દુત્વવાદીઓ માનવાના નથી, કારણ કે આ સરકારી જમીન રામજન્મભૂમિ હોવાનો દાવો કદી કરવામાં આવ્યો નથી. બાબરી મસ્જિદની જમીન મુસ્લિમ બોર્ડને સોંપવાનો રસ્તો ખુલ્લો કરીને મોદી મુસ્લિમ સમાજની લાગણીને પોષણ આપે છે અને મંદિર બાંધવાની હિન્દુઓની માંગણીને પણ પોષવામાં આવી છે. આ પગલું બંને પક્ષને થોડું અણગમતું અને થોડું ગમતું છે.

કાયદાશાસ્ત્રમાં ન્યાયની આ વ્યાખ્યા આપવામાં આવી છે કે ચુકાદાથી બંને પક્ષ અસંતોષી બને તે ચુકાદો વધારે ન્યાયી હોવો જોઈએ.(That decision is best when both parties would feel to be just more and less injust) કોઈ ઝઘડો એકપક્ષી હોતો જ નથી, તેથી એક જ પક્ષ રાજી થાય તો બીજાને અન્યાય થતો હોવો જોઈએ.

સમાજને ન્યાયની કશી પડી નથી. મોટેભાગે વકીલોને પૈસા જોઈએ છે અને લોકોને પોતાનું ધાર્યું થવું જોઈએ એ ખેંચાખેંચીમાં ન્યાયને ખાડામાં નાખવામાં આવે છે. ન્યાય ન થતો હોય તો ઝઘડા જ થાય છે, હુલ્લડો થાય છે, યુદ્ધો થાય છે. તેમાં હંમેશાં બંને પક્ષો અન્યાયી હોય છે. ન્યાય અન્યાયના પ્રમાણમાં ફેરફાર હોય છે ખરો, પણ હરકોઈ પોતાને જ ન્યાયી ઠરાવવાની મહેનત કરે છે અને જાહેરાત કરે છે, પણ બે હાથ વગર તાળી પડતી નથી. આપણા ધાર્મિક ઝઘડાઓ અંગે વિનોબા ભાવેએ કહ્યું છે તેમ બે બાજુ ધર્મ હોય ત્યાં ઝઘડા હોતા નથી, કારણ કે ઝઘડા બે ધર્મો વચ્ચે થતા નથી. બે અધર્મો વચ્ચે જ ઝઘડા થાય છે. ધર્મના નામે અને ધર્મની ઓથ લઈને જેટલા ઝઘડા થયા, જેટલા અન્યાય થયા, જેટલી હિંસા થઈ તેટલું બીજા કોઈ કારણસર થયું નથી. ધર્મનું ખોટું અને સ્વાર્થપ્રેરિત અર્થઘટન દુનિયાના ઇતિહાસનું સૌથી મોટું અનિષ્ટ છે.
રામમંદિર બાંધણી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચવેલા ઉપાયનું ઊલટું પરિણામ આવ્યું છે. કટ્ટરપંથી હિન્દુત્વવાદીઓએ મંદિરના શિલાન્યાસની તારીખ (21મી ફેબ્રુઆરી) ઠરાવી લીધી છે અને જન્મભૂમિના સ્થાને એટલે કે બાબરી મસ્જિદના પ્રાંગણમાં શિલાન્યાસની જગ્યા પણ જાહેર કરી દીધી છે.

નરેન્દ્ર મોદીએ બિનવિવાદિત જમીન પર મંદિર બાંધકામનો પ્રસ્તાવ મૂક્યો છે અને અત્યારે આ જમીન પણ સર્વોચ્ચ અદાલતના કબજામાં છે તે છૂટી થાય તેવી અરજી કરી છે. અત્યારે વિવાદિત અને બિનવિવાદિત બધી જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા અંગે સર્વોચ્ચ અદાલતે મનાઈ હુકમ આપ્યો છે. હિન્દુત્વવાદી પરિબળો સર્વોચ્ચ અદાલતની સત્તા અને આદેશની અવગણના કરવા તૈયાર છે. પણ ભારત સરકાર અદાલતના આદેશ માનવા અને પાળવા માટે બંધાયેલી છે.

21મી ફેબ્રુઆરી સુધીમાં સર્વોચ્ચ અદાલત આ જમીન છૂટી ન કરે તો તેમાં શિલાન્યાસ કરી શકાય નહીં. નરેન્દ્ર મોદીના રાજકારણમાં સૌથી મોટો અવરોધ તેમના જ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા લોકો દ્વારા થઈ રહ્યો છે અને બંને પક્ષો પોતપોતાની જીદ પકડી રાખે તો સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા વચ્ચે સંઘર્ષ થયા સિવાય રહે નહીં. આવા સંઘર્ષથી સરકારે ડરવાનું કે ગભરાવવાનું કોઈ કારણ નથી. લોકશ્રદ્ધાનો લાભ ઉઠાવીને વૈભવમાં આળોટી રહેલા આ સંતો અને સાધુઓ કોઈ પણ પ્રકારનું કષ્ટ વેઠી શકે નહીં અને સરકાર અદાલતી આદેશનો અમલ કરવાની પોતાની ફરજની બાબતમાં મક્કમતા દાખવે તો આ સંતમંડળી કશું કરવાની નથી, પણ આવાં પગલાં ભરવાની બાબતમાં ચૂંટણીનો મુદ્દો ગાજે છે. માથા પર ચૂંટણી હોવાથી નરેન્દ્ર મોદી વિશ્વ હિન્દુ પરિષદ કે સંઘ પરિવારના કાર્યકરોને નારાજ કરી શકે તેમ નથી. આ સ્વયંસેવકો બિનપગારી પ્રચારકો છે અને ઘેર ઘેર પહોંચી જાય તેવા ઉત્સાહી પણ છે.

તેથી નરેન્દ્ર મોદી ખરેખરા સાણસામાં સપડાયા છે અને જે બાજુ ફરે તે બાજુ તેમણે માર સહન કરવો પડે તેમ છે. અદાલતનો અનાદર કરવામાં આવે તો મોદી સરકાર પોતાની બંધારણીય જવાબદારીની ઉપેક્ષા કરે છે તેવું પુરવાર થાય અને કટ્ટરપંથીઓ નારાજ થાય તો ચૂંટણીમાં પરાજય અને સત્તા ગુમાવવાની સંભાવના ઊભી થાય.

આ બેવડા સંકટમાંથી એક જ ઉગારો દેખાય છે. સર્વોચ્ચ અદાલત બિનવિવાદિત જમીનનો કબજો છોડી દેવાની સરકારી વિનંતીનો સ્વીકાર કરે અને હિન્દુત્વવાદીઓ શિલાન્યાસનું સ્થળ બદલીને જન્મભૂમિના સ્થાનની માલિકી અંગે સર્વોચ્ચ અદાલતનો આદેશ આવતા સુધી રાહ જોવા તૈયાર થાય.

આપણો સમાજ કાયદા પાળવા માટે ટેવાયેલો નથી. જેટલા કાયદા પાળવામાં આવે છે તે સ્વેચ્છાએ નહીં, પણ સજા થવાના ડરથી પાળવામાં અાવે છે. શ્રીમંત હોય, સત્તાધારી હોય કે સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો હોય તેવાે દરેક ભારતીય નાગરિક જે પોતાને કાયદાથી પર સમજે છે અને તેનું વર્તન પણ અાવી માન્યતા પર આધારિત હોય છે. કાયદાનો આવો અનાદર અને લોકશાહી બંને એકસાથે લાંબો વખત ટકી શકતાં નથી. કાં તો લોકો કાયદાને આધીન થતા શીખે છે અથવા તો લોકશાહીનું અવસાન થાય છે. અત્યાર સુધીમાં દુનિયાના ઇતિહાસમાં જેટલી લોકશાહીઓ મરણ પામી છે તે બધાની બાબતમાં આ દ્વંદ્વ જવાબદાર હતો. જો આપણે લોકશાહી બચાવવી હશે તો કાયદાને અનુસરતા શીખવું પડશે.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી