Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-23

લઘુમતીની સમસ્યા દરેક લોકશાહીમાં હોય છે

  • પ્રકાશન તારીખ03 Jan 2019
  •  

ભારતને ભાંડવા માટે પાકિસ્તાનના વડાપ્રધાને પાકિસ્તાનના પ્રણેતા મહંમદ અલી જિન્નાહનો ઊંટિયા તરીકે ઉપયોગ કર્યો છે. ગાંધીજી તરફથી કાયદે આઝમનું બિરુદ પામેલા જિન્નાહને સમજવાનું કામ અતિશય અઘરું છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેની લાંબા વખતની દુશ્મનાવટના કારણે આ કામ ભારતવાસીઓ માટે વધારે અઘરું છે.

યહૂદીઓને ખતમ કરનાર હિટલર થવું છે કે સર્વધર્મ સમભાવના ઉપાસક ગાંધીના રસ્તે ચાલવું છે તે ઠરાવી લેવામાં વિલંબ જોખમી છે

કોમવાદી ધોરણે અલગ અને સ્વતંત્ર રાષ્ટ્રની માગણી કરનાર જિન્નાહ (તેમની મૂળ અટક ઝીણા છે.) કોમવાદી અથવા ધર્માંધ મુસલમાન નથી. જિન્નાહને કોઈ ધર્મચુસ્ત મૌલવી કે મૌલાના મુસલમાન તરીકે સ્વીકારે નહીં. જિન્નાહ દારૂ પીવે, ખુલ્લી રીતે પોર્ક (ડુક્કરનું માંસ) ખાય, પારસીમાં પરણ્યા, કદી મસ્જિદમાં જાય નહીં અને નમાઝ કે કુરાનમાં તેમને કશો રસ નહીં. પોતાના જમાનાના સર્વશ્રેષ્ઠ બેરિસ્ટર જિન્નાહ એટલા ચુસ્ત, પ્રામાણિક કે અંગ્રેજો તેમને Incorruptible કહેતા. જિન્નાહને અપ્રામાણિક બનાવવાનું અશક્ય ગણાય.


લગભગ નાસ્તિક કહી શકાય તેવા જિન્નાહ પૂરેપૂરા દુન્યવી રંગે રંગાયેલા હોવા છતાં તેમણે કોમવાદી મુસ્લિમોનો સાથ લઈને પાકિસ્તાન જેવા મજહબી રાષ્ટ્રની સ્થાપના કરી. અતિશય ચુસ્ત ધાર્મિક મનોવૃત્તિ ધરાવનાર ગાંધીજી પૂરેપૂરા સેક્યુલર હતા તે ભારતીય ઇતિહાસની આશ્ચર્યજનક ઘટના છે. ગાંધીજી અને જિન્નાહ વચ્ચે શરૂઆતથી જ ઊંધા ગણેશ બેઠેલા હતા. ગાંધીજીએ ઉપાડેલી રાજકીય ચળવળની શરૂઆત અસહકારની લડતથી થઈ તેમ કહેવાય છે તે સાચું નથી.

ભારતમાં ગાંધીજીના જાહેર જીવનની શરૂઆત ખિલાફત ચળવળથી થઈ. દુનિયાના ઇતિહાસમાં ભાતભાતનાં આંદોલનો થયાં છે, પણ ખિલાફત જેવી તદ્દન બેવકૂફ ચ‌‌ળવળનો જોટો જડે તેમ નથી. હિન્દુ-મુસ્લિમ એકતા વગર સ્વરાજ અશક્ય છે તેવું સમજનાર ગાંધીજીએ મુસ્લિમોને આઝાદીની લડતમાં સામેલ કરવાના એકમાત્ર હેતુથી આ ચળવળ શરૂ કરેલી અને રૂઢિચુસ્ત મુલ્લા મૌલવીઓનો સાથ મેળવેલો.

જિન્નાહ જેવા સુધારક અને સમજદાર મુસ્લિમ નેતાઓ આ ચળવળથી હજાર ગાઉ દૂર રહેલા અને ગાંધીજી રૂઢિચુસ્તોને પ્રોત્સાહન આપે છે તેના કારણે ગાંધીવિરોધી પણ બનેલા. ખિલાફત આંદોલન એટલી હદે ભાંગી પડ્યું કે કોઈ ગાંધીવાદી તેને યાદ કરવા પણ તૈયાર નથી. આ પછડાટથી હતાશ થયેલા ધર્માંધ મુસલમાન નેતાઓ પણ ગાંધીવિરોધી બન્યા અને કોમવાદ વધારે પ્રખર બન્યો. ‘ઇસ્લામ સર્વશ્રેષ્ઠ ધર્મ છે અને તેથી કોઈ પણ મુસલમાન શરાબી હોય, વ્યભિચારી હોય છતાં ગાંધીજી કરતાં ચડિયાતો છે’ તેવું નિવેદન ગાંધીજીના એક વખતના સાથીદાર મૌલાના શૌકત અલીના નામ સાથે જોડાયેલું છે.


ગાંધીજીનું લોકપરસ્ત રાજકારણ તે જમાનામાં બીરબલ કહેવાતા આગેવાનોએ નકારી કાઢ્યું તેમાં જિન્નાહ પણ સામેલ હતા, પણ ગાંધીજીનો પ્રભાવ જામ્યો તેના કારણે જિન્નાહ રાજકારણમાંથી ફેંકાઈ ગયા અને છેવટે મુસ્લિમ લીગની આગેવાની તેમણે ઉપાડી લીધી.

પાકિસ્તાનની સ્થાપના વખતે જિન્નાહે કરેલું પ્રવચન પાકિસ્તાનીઓએ ઢાંકી દીધું છે અને વિસારે પાડ્યું છે તેવો લાલકૃષ્ણ અડવાણીનો મત સો ટકા સાચો છે. આ પ્રવચનમાં પાકિસ્તાન પ્રમુખ જિન્નાહે હિન્દુ-ખ્રિસ્તીઓ જેવી લઘુમતીઓને આપેલી બાંહેધરીનો અમે પૂરેપૂરો અમલ કરશું અને લઘુમતીઓની સાચવણ બાબતમાં ભારતને બોધપાઠ ભણાવશું તેવી હૈયાધારણ વડાપ્રધાન ઇમરાન ખાને આપી છે. ભારતમાં લઘુમતીઓ અસલામતી અનુભવે છે તેવું હવે પાકિસ્તાનમાં થવાનું નથી તેવી ખાતરી પણ તેમણે ઉચ્ચારી છે.


ઇમરાન ખાનનાં નિવેદનો સામે બધા હિન્દુત્વવાદીઓ ઉકળી ઊઠ્યા છે અને નસીરુદ્દીન તથા ઓવૈસી જેવા મુસ્લિમ આગેવાનોએ પણ ઇમરાન ખાનને ઘરઆંગણે ધ્યાન આપવાની સલાહ આપી છે.


ભારતમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો અસલામત હોવાની ફરિયાદ મુસ્લિમ આગેવાનો અવારનવાર કરતા રહે છે. તેના પર ધ્યાન આપીને આવી ફરિયાદ દૂર કરવાના બદલે તેમને ઉતારી પાડવામાં આવે છે. હૈદરાબાદમાં ચૂંટણી ઝુંબેશ વખતે ‘નિઝામ ભાગી ગયા તેમ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગી જવું પડશે’ તેવા યોગી આદિત્યનાથના ઉચ્ચારણને ઉતારી પાડવાના બદલે તેને વખાણવામાં આવે છે. ચૂંટણીમાં હારજીતના કારણે ઓવૈસીએ ભારત છોડવું પડે તો આપણી લોકશાહીએ લાજી મરવું પડે.


લઘુમતીની સમસ્યા દરેક રાષ્ટ્રમાં, ખાસ કરીને દરેક લોકશાહીમાં હોય છે અને તેનો ઉકેલ આણવો અને લઘુમતીઓને સમરસ કરવાનું કામ અતિશય અઘરું છે અને તેમાં ઘણો સમય લાગે છે. ઇંગ્લેન્ડમાં કેથોલિકોને યોગ્ય સ્થાન મેળવવામાં ત્રણસો વર્ષ લાગ્યાં. 1788માં સ્થપાયેલા અમેરિકામાં પહેલો કેથોલિક પ્રમુખ 1968માં ચૂંટાયો અને હબસી ઓબામાં તો 2012માં પ્રમુખ સ્થાને પહોંચ્યા.


ભારતમાં આવી કોઈ સમસ્યા છે જ નહીં અને મુસ્લિમો, ખ્રિસ્તીઓ, ભારતીય સમાજમાં એકરસ બની ગયા છે તેવો ભ્રમ ભારતની લોકશાહીને વહેલાસર ખતમ કરી નાખશે. પોતાનો અસંતોષ વ્યક્ત કરનાર મુસલમાનને કે મુસ્લિમોની વાત રજૂ કરનાર હિન્દુઓને પણ પાકિસ્તાન જતા રહેવાની શિખામણ આમ તો આપવામાં આવે છે. લઘુમતીઓની વફાદારી અંગે આશંકા સેવવામાં આવે છે.

કોઈ રોગીને વેદના થાય તેની ચીસ દર્દી જ પાડે છે, બીજું કોઈ પાડતું નથી. નસીરુદ્દીન શાહ કે આમિર ખાન જે કહે છે તે ધ્યાનથી સાંભળવું જોઈએ અને અત્યંત સહાનુભૂતિપૂર્વક તેનું સમાધાન કરવું જોઈએ. આપણો કોઈ દોષ જ નથી અને લઘુમતીઓને પંપાળવાની કોઈ જરૂર નથી. તેવો અભિગમ કોઈ સંસ્કારી રાજવટને છાજતો નથી.

યહૂદીઓને ખતમ કરનાર હિટલર થવું છે કે સર્વધર્મ સમભાવના ઉપાસક ગાંધીના રસ્તે ચાલવું છે તે ઠરાવી લેવામાં વિલંબ થાય તેટલું જોખમ વધે છે. પાકિસ્તાનની માગણીનો વિરોધ કરવા માટે ગાંધીજી જિન્નાહને મળ્યા ત્યારે જિન્નાહે ઉચ્ચારેલું વાક્ય મહત્ત્વનું છે. ‘ગાંધી બધા હિન્દુઓ તમારા જેવા હોય તો પાકિસ્તાનની માગણી કદી થાત જ નહીં, પણ બધા તમારા જેવા નથી, તેથી અલગ રાજ્ય માગીએ છીએ.’


મુસ્લિમોની ફરિયાદ વધારે પડતી લાગે તો પણ તેનું નિરાકરણ થવું જોઈએ. આગનો તણખો નાનો હોય, પણ ઉપેક્ષા કરવામાં આવે તો તેમાંથી દાવાનળ પ્રગટી શકે છે. લઘુમતીઓને સાચવવાની-સંભાળવાની ફરજ બહુમતી સમાજે બજાવવી પડે છે. આ ફરજની બજાવણી બરાબર થાય છે કે નહીં તે ઠરાવવાનું કામ બહુમતી નહીં, પણ લઘુમતીઓ જ કરી શકે. આપણું મૂલ્યાંકન બીજા કરે તે યોગ્ય ગણાય. જાતે કરેલું મૂલ્યાંકન કદાચ મિથ્યાભિમાન હોઈ શકે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP