ખૂંખાર પશુઓ પણ માનવી પાસે લાચાર!

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Nov 18, 2018, 12:05 AM IST

ઝડપથી ઘટતી જતી સંખ્યાના કારણે વાઘના સંરક્ષણ માટે ભારત સરકાર મોટી રકમ ખર્ચે છે અને કેટલાંક અભ્યારણ્યોમાં વાઘનો શિકાર કરવાની સખત મનાઇ છે પણ મહારાષ્ટ્રના યવનમાલ જિલ્લામાં માનવભક્ષી બની ગયેલી ‘અવની’ નામની વાઘણને પકડી લેવાના બધા પ્રયાસ નિષ્ફળ ગયા પછી તેને ઠાર કરવામાં આવી છે. બે બચ્ચાંને મૂકી ગયેલી અવનીની હત્યા માટે પર્યાવરણવાદીઓએ હોહલ્લા મચાવી છે પણ જે વિસ્તારમાં અવનીએ માનવ શિકાર કરેલા ત્યાંના લોકોએ આ મરણની ઉજવણી પણ કરી છે.

વન્યજીવન અને માનવસંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે અને તેમાં જંગલવાસી આદિવાસી અને પશુઓએ હંમેશાં સહન કરવું પડે છે

હાથી, સિંહ, વાઘ, રીંછ કે વરુની તુલનામાં માણસ શારીરિક રીતે નબળું પ્રાણી છે, પણ બુદ્ધિમત્તા અને સમાજજીવનને કારણે બધા પશુઓ-પંખીઓ માણસથી ડરતા થયાં છે. માણસે કરેલી પ્રગતિ અને તેણે વિકસાવેલાં સાધનો-શસ્ત્રોને કારણે માણસ ગમે તેવા મજબૂત પ્રાણીને આસાનીથી મારી શકે છે.


માનવ સંસ્કૃતિ ફેલાતી જાય છે અને વસતી વધતી જાય છે તેમ તેમ કુદરતી સંપત્તિનો અને જંગલ, વેરાન જગાઓ પર માણસ કબજો જમાવતો જાય છે અને પશુઓના રહેઠાણની જગાઓમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભૂખથી પીડાતાં પશુઓએ નાછૂટકે માનવ વસતીમાં ઘૂમવું પડે છે અને માણસનો શિકાર કરવો પડે છે. વાઘ, સિંહ જેવાં બળવાન પ્રાણીઓ પણ ભાગ્યે જ માનવભક્ષી બને છે પણ માણસની શારીરિક નબળાઇનો ખ્યાલ આવ્યા પછી આવા પ્રાણીઓ માણસ માટે ખતરનાક બની જાય છે.


વન્યસૃષ્ટિ અને પર્યાવરણની રક્ષા માટે સદાકાળ ઝૂઝનાર સંસ્થાઓ અને વ્યક્તિઓ પશુની હત્યા અંગે ગમે તેટલો કકળાટ કરે તોપણ પશુને મારી નાખવામાં ખૂન થયાનું ગણાતું નથી અને તેના માટે ફાંસીની સજા અપાતી નથી. પશુ અને માણસ બંને પોતપોતાની રક્ષા માટે એકબીજા પર આક્રમણ કરે છે અને તેમાં મોટાભાગે લાંબાગાળે પશુઓ જ મરે છે.
અવની વાઘણની હત્યા અંગેના ઊહાપોહમાં બે મુદ્દાઓનો સમાવેશ થાય છે. પોતાની અને પોતાનાં બચ્ચાંઓની ભૂખ સંતોષવા માટે વાઘણે કરેલી માનવહત્યા તેનો ગુનો નથી અને અવનીને ઠાર મારનાર લોકોએ એક સાથે ત્રણની હત્યા કરી છે, કારણ કે જંગલમાં નાનાં બચ્ચાઓ માતાના રક્ષણ વગર લાંબું જીવી શકતાં નથી. આ બચ્ચાંઓ શોધવા સાચવવાની જવાબદારી માટે ખાસ કશી વ્યવસ્થા કરવામાં આવી હોય તેવી જાણકારી નથી.


વન્યજીવન અને માનવસંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે અને તેમાં જંગલવાસી આદિવાસીઓ અને પશુઓએ હંમેશાં વધારે સહન કરવું પડે છે. યુરોપના આદિવાસીઓની સંહારકથા અતિશય જૂની હોવાને લીધે હવે ભુંસાઇ ગઇ છે પણ છેલ્લા 400 વર્ષમાં અમેરિકામાં જઇ ચડલાં વસાહતીઓએ આદિવાસીઓની જનજાતિઓને નામશેષ કરી નાખી છે. હજી આજે પણ ઇન્ડિયન નામે ઓળખાતા અમેરિકાના આદિવાસીઓ માત્ર મ્યુઝિયમમાં સચવાઇ રહ્યાં છે અથવા તો તેમના માટે ઠરાવવામાં આવેલા ટચુકડા વિસ્તારોમાં જ તેમણે રહેવું પડે છે.


ભારતમાં આદિવાસીઓને ફળદ્રુપ જમીનમાંથી હડસેલી કાઢવામાં આવ્યા છતાં તેમની સામૂહિક હત્યા કદી કરવામાં આવી નથી. આઝાદી પછી આદિવાસીઓ માટે ખાસ જોગવાઇઓ કરવામાં આવી અને અનામત બેઠકોનો લાભ મેળવીને કેટલીક આદિવાસી જાતિઓએ ઘણી પ્રગતિ સાધી છે. લોકશાહી રાજકારણના કારણે તેમનું મહત્ત્વ વધતું રહ્યું છે.
જંગલમાં રહેનાર માનવીઓને જે લાભ મળ્યો તે લાભ પશુઓને મળતો નથી કારણ કે માનવીના સામાજિક અથવા રાજકીય જીવતરમાં તેમનો કશો ઉપયોગ નથી.


કેટલાક સમજદાર અથવા દયાવંત લોકો પર્યાવરણ રક્ષા માટેની જહેમત કરે છે. તેમણે આ વન્ય પશુઓને પણ પર્યાવરણના અંગ તરીકે ગણ્યાં છે અને તેમના સંરક્ષણ અંગે ઝુંબેશ ચલાવી છે. સિંહ, વાઘ જેવા પશુઓ જંગલ જીવનના કારણે સલામત જીવન ગાળે છે તેમ જંગલ પણ આ પશુઓની હયાતીને કારણે જ બચ્યાં છે. પણ પશુઓનો રહેણાંક વિસ્તાર સતત ઘટતો જાય છે. કારણ કે જંગલો પણ માનવીની સગવડ અને આનંદ માટેનાં સ્થાન ગણાય છે. માનવીની સગવડ ખાતર જંગલમાં બંધાઇ રહેલા રસ્તા, ખનીજોનાં ખોદકામ અને વન્ય પેદાશોનો વેપાર આ પશુઓ માટે જોખમી બનતા જાય છે.


માણસની અંધશ્રદ્ધા અને માન્યતાઓ પણ પશુઓ માટે અતિશય જોખમી બની જાય છે. વાઘ, સિંહના દાંત અથવા નખ મેળવવા માટે, ગેંડાના મોઢા પરનું શીંગડું લેવા માટે હાથીદાંતના અતિશય નફાકારક ધંધા માટે તેમની મોટાપાયા પર હત્યા કરવામાં આવે છે.


આ બાબતમાં ગમે તેટલો ઊહાપોહ કરવામાં આવે પણ છેવટે તો બળીયાના બે ભાગનો નિયમ સંસારમાં સૌથી વધારે માન્ય રાખવામાં આવતો નિયમ છે અને શારીરિક બળમાં ચડિયાતાં પશુઓ પણ માનવીના બુદ્ધિ બળ પાસે લાચાર બની જાય છે.

[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી