જીતવા માટે બધું નેવે મૂકી દેવાનું!

article by nagindas shangavi

નગીનદાસ સંઘવી

Dec 12, 2018, 12:55 PM IST

ચૂંટણી રાજકારણનું ધુળેટી પર્વ છે અને સહુ કોઈ એકબીજાનાં થોબડાં રંગી નાખવા માટે જીવ પર આવીને ઝઝૂમે છે. તફાવત એટલો છે કે ધુ‌ળેટી એક દિવસમાં પૂરી થઈ જાય છે. ચૂંટણીનાં પરિણામો 5 વર્ષ સુધીનો માહોલ ઠરાવી આપે છે. આ લખાય છે ત્યારે આપણે ચૂંટણી ઝુંબેશ પૂરી થવાના આરે પહોંચ્યા છીએ અને પ્રાદેશિક કક્ષાની સૌથી વધારે રસાકસી અને ગાળાગાળી આ વખતની ચૂંટણીમાં થઈ. પરિણામ મતદારોએ ઠરાવી આપ્યું છે અને આ પરિણામોની ચર્ચા પણ લાંબો વખત ચાલતી રહેશે.

ગાંધી, સરદાર, નહેરુનો સર્વધર્મ સમભાવ ભારતના સમાજે અને કોંગ્રેસે પૂરેપૂરો સ્વીકાર્યો નથી. રાજકીય પક્ષો ધાર્મિક, સામાજિક જૂથોને અને જ્ઞાતિઓને વોટબેન્ક તરીકે વાપરતા આવ્યા છે

આ ચૂંટણીમાં સતત વહેતા આંતરપ્રવાહના કારણે ભારતની અત્યાર સુધીની સામાજિક તસવીર બદલાઈ જવાનો સંભવ છે. 5 રાજ્યોમાં યોજાયેલી આ ચૂંટણીનાં પરિણામો 2019ની લોકસભાની ચૂંટણી પર કેટલો પ્રભાવ પાડી શકે તે આપણે જાણતાં નથી, પણ ભાજપની પ્રતિષ્ઠા અને કોંગ્રેસનું અસ્તિત્વ વચ્ચેની આ હોડના કારણે દેશમાં લાંબા વખતથી ચાલી રહેલી સેક્યુલરિઝમ અંગેની ચર્ચાનો અંત આવ્યો છે. ધાર્મિક ઝનૂન અને કોમવાદી સંઘર્ષના કારણે ભારતના ભાગલા પડ્યા અને મહાત્મા ગાંધીની હત્યા થઈ. આ કોમવાદી દ્વેષનો પ્રતિકાર કરવા માટે આપણે યુરોપમાંથી ઉછીનો આણેલો શબ્દ સેક્યુલરિઝમ આઝાદી પછીના 4 દાયકા સુધી ચર્ચામાં ફંગોળાતો રહ્યો. સેક્યુલરિઝમની વિભાવના આપણા વિચારવિશ્વમાં નથી અને તેથી ભારતની કોઈ પણ ભાષામાં સેક્યુલરિઝમનો પર્યાયવાચક શબ્દ નથી, પણ આજનું ભારત યુરોપના રંગે રંગાઈ ગયેલું હોવાથી આ શબ્દ અને આ ચર્ચા આપણને અજુગતાં લાગતાં નથી.


દેશની 82 ટકા જેટલી વસ્તી પોતાને હિન્દુ કહેવડાવે છે. તેમની ધર્મભાવનાની ઉશ્કેરણી કરીને અન્ય ધર્મ પાળતી કોમો તરફના દ્વેષભાવને ખાતર પાણી આપવામાં આવ્યાં અને ઊગીને કરમાઈ જતા અગણિત રાજકીય પક્ષોમાં જનસંઘ અર્થે ભારતીય જનતા પક્ષ અલગ તરી આવ્યો, કારણ કે સ્થાપના (1951) પછી અનેક વખત ચૂંટણીમાં કમરતોડ પછડાટ ખાવા છતાં ભારતીય જનતા પક્ષ કરમાયો નથી. 1984ની લોકસભામાં માત્ર બે બેઠક ધરાવતા ભારતીય જનતા પક્ષે 1989માં 85 બેઠકો જીતી લીધી.


ભાજપના હિન્દુત્વ સામે કોંગ્રેસી સેક્યુલરિઝમે લાંબો વખત ટક્કર ઝીલી છે, પણ સેક્યુલરિઝમનાં મૂળ ભારતીય જનતાના માનસમાં જામ્યા નહીં અને સતત ચાલતાં કોમી રમખાણો તેનો પુરાવો છે. ભારતની લોકશાહી હજુ આજની ઘડી સુધી લઘુમતીઓનો વિશ્વાસ જીતી શકી નથી અને મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતો ભારતમાં ઊંચા શ્વાસે જીવે છે અને ઉજાગરે સૂવે છે તે હકીકતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. પણ આમાં કશી નવાઈ નથી. દુનિયાના દરેક સમાજે લઘુમતીઓને સમરસ બનાવવા માટે લાંબા સમય સુધી મથામણ કરવી પડે છે. યુરોપમાં યહૂદીઓ, મુસ્લિમ રાજ્યોમાં શિયાઓ હજુ આજે પણ પૂરેપૂરા સમરસ થઈ શક્યા નથી. અમેરિકાની અગણિત ભાષાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓ પોતાની અસુરક્ષિતતા માટે ચિંતા સેવે છે. 1934-40માં જર્મનીએ યહૂદીઓ જોડે કરેલા અમાનુષી વર્તાવની કથા જાણીતી છે, પણ અમેરિકાએ 1941-45 દરમિયાન પોતાને ત્યાં વસવાટ કરતા જાપાનીઓની કરેલી અટકાયત અને અવદશાની કથા ઓછી ત્રાસદાયક નથી. ભારતમાં સામાજિક સમરસતા નથી તે વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ, પણ આ ખામી દૂર કરવાના પ્રયાસ પૂરતા પ્રમાણમાં થતા નથી તે ચિંતાનો વિષય ગણવો જોઈએ. આ સમસ્યા માટે આપણા દેશમાં સેક્યુલરિઝમ શબ્દ વપરાય છે. તેનો મૂળ અર્થ ખોટો છે, પણ બધા વાપરે-સમજે છે, તેથી સાચો બની જાય છે.


ગાંધી, સરદાર, નહેરુનો સર્વધર્મ સમભાવ ભારતના સમાજે અને કોંગ્રેસ પક્ષે પણ પૂરેપૂરો સ્વીકાર્યો નથી અને ભારતના રાજકીય પક્ષો ધાર્મિક, સામાજિક જૂથોને, કોમ અને જ્ઞાતિઓને પોતાની વોટબેન્ક તરીકે વાપરતા આવ્યા છે. રાજકીય પક્ષો આ બાબતમાં એકબીજા તરફ આંગળી ચીંધે છે, પણ હકીકતમાં તો બધાં પક્ષો આ બાબતમાં સરખા જ ગુનેગાર છે. જનસંઘ ભાજપે હિન્દુઓ માટે જે વલણ અપનાવ્યું તેવું જ વલણ કોંગ્રેસ પક્ષે મુસલમાનો માટે અપનાવ્યું.


પોતાના પક્ષને સેક્યુલર ગણાવતા કોંગ્રેસી આગેવાનો પણ હિન્દુત્વવાદી વલણ ધરાવવા માટે જાણીતા છે. 1949માં બાબરી મસ્જિદમાં ઘુસાડી દેવામાં આવેલી રામની મૂર્તિઓ તાબડતોબ હટાવી લેવાનો સરદાર પટેલનો આદેશ ઉત્તરપ્રદેશના કોંગ્રેસીઓએ પાળ્યો નહીં. 1986માં આ રામમૂર્તિ જ્યાં હતી તે મંદિરનાં તાળાં ઉઘાડી નાખવાની રાજનીતિ માટે રાજીવ ગાંધી અને અરુણ નેહરુને જવાબદાર ગણવામાં આવે છે, તેવું વિખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પોતાના ગ્રંથોમાં નોધ્યું છે. બાબરી મસ્જિદ તોડવાનું કામ ભાજપી આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળે કર્યું છે, પણ તેમને અટકાવવાની પોતાની જવાબદારી પાળવામાં કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે ગરબડ ગોટાળો કર્યો.


હિન્દુત્વ તરફનો આ કોંગ્રેસી ઝુકાવ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઝુંબેશમાં પહેલી વખત જોવા મળ્યો. સોમનાથના દર્શને ગયેલા રાહુલ ગાંધીએ જનોઈધારી શિવભક્ત હોવાનો દાવો કર્યો અને ત્યાર પછી પોતાની જ્ઞાતિ અને ગોત્રની જાહેરાત કરી. કેદારનાથની યાત્રા પણ કરી અને 5 રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મંદિરોની મુલાકાત લીધી છે અને સાધુઓનાં ચરણ સેવ્યાં છે. રાહુલ ગાંધીએ દરગાહો અને દેવળોની મુલાકાત લેવાનું ટાળ્યું છે તે ખાસ નોંધવું જોઈએ.


કોગ્રેસનું બદલાયેલું વલણ સમજાવવા માટે મૃદુ હિન્દુત્વ શબ્દ વપરાય છે, પણ ધર્મ, શ્રદ્ધા કે ધર્મયાત્રામાં મૃદુ ને તીવ્ર જેવી કોઈ ચીજ હોતી નથી. ધર્મશ્રદ્ધા સગર્ભાવસ્થા છે. સગર્ભાવસ્થા થોડી કે ઝાઝી હોતી નથી. કાં તો તમે સગર્ભા છો અથવા નથી. તેમ શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચેનો કોઈ પડાવ હોતો નથી.


સનાતની હિન્દુત્વ પરધર્મીઓનો સ્વીકાર કરતું નથી, તેથી રાહુલ ગાંધી હિન્દુ હોઈ શકે નહીં. તેમના દાદા
પારસી ફિરોઝ હતા અને તેમની અટક હિન્દુ નથી, પણ પારસી અટક છે. ઇન્દિરાજીએ ફિરોઝ ગાંધી સાથે લગ્ન પછી નેહરુ અટકી છોડીને પારસી અટક ગાંધી સ્વીકારી છે. ગાંધી અટક હિન્દુઓ, મુસ્લિમો અને પારસીઓમાં પણ વપરાય છે. રાહુલના માતા ખ્રિસ્તી છે અને તેમનાં બહેન પણ ખ્રિસ્તીને જ પરણ્યાં છે. આર્યસમાજી હિન્દુઓ પરધર્મીઓની શુદ્ધિ કરીને હિન્દુઓ બનાવે છે.

ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે આ ક્રિયાને ઘરવાપસી એવું નામ આપ્યું છે, પણ રાહુલ ગાંધીએ આવી કોઈ શુદ્ધિ ક્રિયા કરાવી નથી, તેથી પોતે હિન્દુ હોવાનો રાહુલ ગાંધીનો દાવો તે નર્યું રાજકીય ગતકડું છે. આ અભિગમથી કોંગ્રેસને લાભના બદલે નુકસાન થવાનો સંભવ છે. કારણ કે હિન્દુઓ તેમનો સ્વીકાર કરવાના નથી અને હિન્દુત્વની ઘોષણાથી મૂંઝાયેલા અને ગભરાયેલા મુસ્લિમો, ખ્રિસ્તીઓ કોંગ્રેસ વિશે અવઢવ અનુભવતા થશે.


તેથી મધ્યપ્રદેશના કોંગ્રેસ પ્રમુખ કમલનાથે સંત સમાજની આરાધના શરૂ કરી છે. ગૌશાળાઓ સ્થાપવાનું વચન આપ્યું છે અને રામ વનવાસ અંગે નવો અભિગમ અપનાવીને હિન્દુત્વનો અંચળો પૂરેપૂરો ઓઢી લીધો છે.
આ ચૂંટણી ઝુંબેશના પરિણામે બધા પક્ષો કોમવાદના ટેકેદાર બન્યા છે તે ભારતીય સમાજની સ્થિરતા અને વિકાસ માટે સૌથી મોટું જોખમી તત્ત્વ છે.
[email protected]

X
article by nagindas shangavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી