યુદ્ધનો અભાવ તે શાંતિ નથી

article by nagindas shangavi

નગીનદાસ સંઘવી

Dec 05, 2018, 12:05 AM IST

ફટકાબાજી માટે મશહૂર ક્રિકેટર ઇમરાન ખાને વડાપ્રધાન બન્યા પછી રાજકીય ફટકાબાજીનો આરંભ કર્યો છે, પણ અગિયારની ટીમના બદલે તેમણે એકલા હાથે રમત રમવાની છે. ગુરુ નાનકના નિવાસસ્થાનથી તેમના આખરી મુકામ સુધીના ચાર કિલોમીટરની ધાર્મિક કોરીડોરની યોજના જાહેર કરીને તેમણે પહેલો ગોલ જીતી લીધો છે અને ભારત સરકારે અણગમતા મને પણ તેમાં સહભાગી થવું પડ્યું છે. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે તેમ નવાઝ શરીફની ઓચિંતી મુલાકાતમાં દાઝેલા નરેન્દ્ર મોદી ઇમરાન ખાનને મળવામાં થોડો ખચકાટ અનુભવે છે. સાત પાડોશી દેશોની સહકારી સંસ્થા સાર્ક (SAARC) પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના અણબનાવથી મરણના આરે પહોંચી ગઈ છે.

સામાન્ય માણસો રોજીરોટી અને બીબી-બચ્ચાંમાં જ રસ ધરાવે છે. ઝનૂન કે જેહાદમાં હંમેશાં મુઠ્ઠીભર માથાફરેલા લોકો જ સંડોવાયા હોય છે અને બૂમબરાડાથી આખો સમાજ પોતાની જોડે સામેલ છે તેવી તદ્દન ખોટી છાપ ઊભી કરવામાં આવે છે

ઇમરાન ખાને ભારત જોડે ગાઢ અને સૌજન્યભરી મૈત્રીની ઇચ્છા દર્શાવી છે, પણ તેમાં વચ્ચેની આડખીલીથી ઇમરાન ખાન અજાણ નથી. ભારતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપનાર લશ્કર પણ આ મૈત્રી સંબંધમાં સામેલ છે, તેવી ચોખવટ તેમણે કરવી પડી છે. લોકશાહી દેશોમાં લશ્કરને વિદેશી સંબંધોમાં માથું મારવાનો હક્ક હોતો નથી, પણ પાકિસ્તાનની વાત અલગ છે અને તેથી ઇમરાન ખાને સેનાપતિની હાજરીમાં લશ્કરનો ખાસ ઉલ્લેખ કરવો પડ્યો છે.


ઇમરાન ખાનની ભાવના અને જાહેરાતનું સ્વાગત કરવું જોઈએ, પણ ત્રાસવાદનો મુદ્દો ઇમરાન ખાન ચાતરી ગયા છે. મુંબઈ પરના હલ્લાનો મુખ્ય સંયોજક પાકિસ્તાન છૂટો ફરતો હોય ત્યાં સુધી ભારત કેવી રીતે ભરોસો રાખી શકે! અંગ્રેજીમાં કહેવત છે તેમ ટનબંધ શબ્દો કરતાં તોલા જેટલો અમલ વધારે વજનદાર હોય છે. ત્રાસવાદના મુદ્દાના કારણે તો પાકિસ્તાનનું ટેકેદાર અમેરિકા પણ પોતાની નારાજગી દર્શાવી રહ્યું છે અને પાકિસ્તાન આ મુદ્દાના પરિણામે દુનિયાભરમાં બદનામ પણ થયું છે.


પાકિસ્તાન ત્રાસવાદનું સમર્થન કરે છે કે ત્રાસવાદનો ભોગ બન્યું છે તે બાબતે ઘણી ચર્ચા થઈ શકે. ઘણાં વર્ષોથી પાકિસ્તાનની સરકાર આ બાબતમાં પોતાનો બચાવ કરતી આવી છે. પાકિસ્તાનની સરકાર કે સેના ત્રાસવાદીઓની ટેકેદાર નથી અને બધા બિનસરકારી ખેલાડીઓ છે તેવી દલીલ છેલ્લાં દસ વર્ષથી કરવામાં આવે છે, પણ અલકાયદાના સર્વોચ્ચ નેતા વર્ષો સુધી પાકિસ્તાનના લશ્કરી કેન્દ્રમાં છુપાઈ રહ્યા. અફઘાનિસ્તાનમાં તાલિબાનો પાકિસ્તાનના ઇશારે નાચે છે. હક્કાની બંધુઓનું આતંકવાદી નેટવર્ક હજી સુધી ખતમ કરવામાં આવ્યું નથી. આઝાદ કાશ્મીરમાં ત્રાસવાદીઓના તાલીમ કેન્દ્રનો સફાયો કરવા માટે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડી. આટલી વ્યાપક અને આટલી ખતરનાક પ્રવૃત્તિઓ દેશમાં ચાલતી હોય અને સરકાર તેના વિશે તદ્દન બેખબર હોય તે વાત દુનિયામાં કોઈના ગળે ઊતરતી નથી.


પાકિસ્તાનની પ્રજા કટ્ટરપંથી છે અને તેના કારણે સરકાર ત્રાસવાદીઓ કે ત્રાસવાદી સંસ્થાઓની વિરુદ્ધમાં કશી કારવાઈ કરી શકતી નથી, તેવી દલીલ પણ કરવામાં આવે છે. દુનિયાના કોઈ દેશમાં, કોઈ જમાનામાં આમજનતા કદી કટ્ટરપંથી હોતી જ નથી. સામાન્ય માણસો તો પોતાની રોજીરોટી અને બીબી-બચ્ચાંમાં જ રસ ધરાવે છે. ઝનૂન કે જેહાદમાં હંમેશાં મુઠ્ઠીભર માથાફરેલા લોકો જ સંડોવાયા હોય છે અને પોતાના બૂમબરાડાથી આખો સમાજ પોતાની જોડે સામેલ છે તેવી તદ્દન ખોટી છાપ ઊભી કરવામાં આવે છે. લોકોની બાબતમાં યાદ રાખવું જોઈએ કે મોટા ડુંગર ચડવા કરતાં જોડામાંની કાંકરી વધારે ત્રાસરૂપ હોય છે.


બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલીએ કહેલું તેમ People are a beast લોકો તો પશુ છે એટલે કે ખાવું, ઊંઘવું અને શરીર ભોગ ભોગવવા સિવાયની બીજી બાબતોમાં આમજનતાને કશો રસ કદી હોતો જ નથી. પાકિસ્તાની જનતા ત્રાસવાદની ટેકેદાર છે અને તેથી પાકિસ્તાનની સરકાર લાચાર બની ગઈ છે તે નર્યું જુઠ્ઠાણું છે. આ જુઠ્ઠાણું વારંવાર બોલાયું હોવાના કારણે સત્ય બની ગયું છે. ગોબેલ્સ કહેતો તેમ જુઠ્ઠી વાત હજાર વખત બોલાય તો તે સત્ય બની જાય છે.


અખબારી મુલાકાતમાં અને પત્રકાર પરિષદમાં ઇમરાન ખાને કરેલો બચાવ ગળે ઊતરે તેવો નથી. ત્રાસવાદને પ્રોત્સાહન આપવું તે પાકિસ્તાનના હિતમાં નથી તેવું તેમણે કહ્યું છે, પણ ત્રણ મહિનામાં આવું પ્રોત્સાહન ઘટવાના કે બંધ થવાના કોઈ નક્કર પુરાવા કે પરિણામ નથી. દાઉદ ઇબ્રાહિમ કે સૈયદ મહંમદ માટે ઇમરાન ખાન દોષિત નથી, પણ તેમની ધરપકડ હજી કરવામાં આવી નથી તેનાં કારણ તેમણે આપ્યાં નથી. ભૂતકાળમાં જીવી શકાય નહીં તેવી તેમની દલીલ સાચી છે, પણ દાઉદ અને સૈયદ છુટ્ટા ફરે છે તે વર્તમાન કાળ છે. પોતે મોદી જોડે વાતો કરવા તૈયાર છે તે ખરું, પણ મોદી કે ભારત સરકાર કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ નાબૂદ ન થાય ત્યાં સુધી તેમની જોડે વાત કરવા તૈયાર નથી. દોસ્તી ઠુકરાવવાથી ભારતને લાભ થવાનો નથી, પણ હાથ મિલાવીને પેટમાં કટાર ઘુસાડે તેનાં કરતાં દૂર રહેવું વધારે હિતાવહ છે.
પાકિસ્તાનના બચાવમાં ઇમરાન ખાને તદ્દન વાહિયાત દલીલ કરી છે. દાઉદ ઇબ્રાહિમ અને સૈયદ હાફીઝ મહંમદ ભારતના ગુનેગાર છે તેમ ઘણા પાકિસ્તાનના ગુનેગારો ભારતમાં સંતાઈ બેઠા છે. પણ આ બંને વચ્ચે ઘણો મહત્ત્વનો તફાવત છે. દાઉદ-સૈયદ ત્રાસવાદી છે. જ્યારે ભારતમાં બેઠેલા પાકિસ્તાનના ગુનેગારો માત્ર ફોજદારી ગુનાના આરોપી છે.


ઇમરાન ખાને કાશ્મીરની સમસ્યાનો ખાસ ઉલ્લેખ કર્યો છે. માણસ ચાંદ પર પહોંચી ગયો છે તો કાશ્મીરની સમસ્યા કેમ ન ઉકેલી શકાય તેવો સવાલ તેમણે પૂછ્યો છે. ગુજરાતી ભાષાના પ્રખર ચિંતક ગુણવંતભાઈ શાહે લખ્યું છે તે ઇમરાન ખાને વાંચવું જોઈએ કે હજારો ઉપગ્રહ છોડવા કરતાં એક પૂર્વગ્રહ છોડવાનું કામ વધારે અઘરું છે. કાશ્મીરની બાબતમાં પાકિસ્તાન અને ભારત બંનેના અભિગમ ખોટા છે


અને પોતાની બાજુએ પોતે ખેંચતાણ કરવામાં કાશ્મીરની પ્રજાનું હિત કે ઇચ્છા પારખવા-સ્વીકારવા માટે બેમાંથી કોઈ તૈયાર નથી. કાશ્મીર-ભારત-પાકિસ્તાન બંને માટે દૂઝતો જખમ છે અને હવે તો લગભગ ગેંગ્રીન જેવો બની ગયો છે. કોઈ દવા કામ લાગે તેમ નથી તેની સર્જરી જ કરવી પડે અને કાશ્મીરના કટકા જ કરવા પડે.


યુનોના પ્રતિનિધિ એડમીરલ નિમિત્ઝે અઢી દાયકા અગાઉ કહ્યું છે તેમ કાશ્મીર, જમ્મુ, લદાખનું વિભાજન કરીને જમ્મુ-લદાખ ભારતને આપી દેવા જોઈએ. કાશ્મીરમાં નરેન્દ્ર મોદીએ અપનાવેલો અભિગમ પાકિસ્તાન માટે ઘણો વધારે જોખમી છે, કારણ કે પાકિસ્તાની નદીઓનાં ઉદ્્ગમસ્થાન કાશ્મીરમાં છે. પાણીની વહેંચણીમાં ભારત-પાકિસ્તાન બંને સિંધુ પાણી કરારથી બંધાયેલા


છે અને ભારત સરકાર આ કરારની ઉપેક્ષા કરે તો આંતરરાષ્ટ્રીય કાયદાની સૌથી જૂની કલમો Riparian Rightsનું ઉલંઘન થાય.


ઇમરાન ખાને જર્મની અને ફ્રાન્સનો દાખલો આપ્યો છે તે તદ્દન અસંગત ઉદાહરણ છે. અલ્સાસ લો રેઇન જિલ્લાઓ માટે ફ્રાન્સ અને જર્મની વચ્ચે 1845થી 1960 સુધીમાં અનેક અથડામણો થઈ છે, પણ આ બંને વચ્ચેની એકતા યુરોમીટર યુનિયનના ભાગરૂપે થઈ છે. બંને દેશો આ સંઘમાં સામેલ થયા છે અને બંને દેશો લડાઈથી થાક્યા પણ છે. બંને વચ્ચે લડાઈ નથી, પણ શાંતિ પણ નથી. યુદ્ધનો અભાવ તે શાંતિ નથી, તેવું રાજદ્વારીઓ વારંવાર કહેતા રહે છે અને ડિપ્લોમસીને વગર શસ્ત્રે લડવામાં આવતી લડાઈ છે તેવું પણ કહેવાય છે.


ભારત-પાકિસ્તાન વચ્ચે ફ્રાન્સ-જર્મની જેવી તહકુબી કરતાં અમેરિકા-કેનેડા વચ્ચેના રાજકીય સેતુની વધારે જરૂર છે. આ બંને મહાકાય દેશો વચ્ચે હજારો માઇલ લાંબી સરહદ છેલ્લાં સવાસો વર્ષથી ઉઘાડી સરહદ છે અને બંને દેશ એકબીજાનો મલાજો સાચવે છે. નાયગ્રાનો ધોધ અડધો અમેરિકામાં અને અડધો કેનેડામાં છે, પણ સહેલાણીઓ તદ્દન સહેલાઈથી બંને દેશોમાં હરફર કરીને ધોધનું સૌંદર્યદર્શન કરી શકે છે.
[email protected]

X
article by nagindas shangavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી