Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-31

માત્ર જુસ્સો નહીં, શાંત સમાલોચના મળે એ પણ જરૂરી

  • પ્રકાશન તારીખ17 Feb 2019
  •  

એકાદ સમર્થ રાજકીય ररઆગેવાનના જવાથી લોકશાહીના જીવનમાં જેવી ઊથલપાથલ મચે છે તેવી જ ઊથલપાથલ એકાદ સમર્થ કે સજાગ પત્રકારના અવસાનથી પણ મચે છે, કારણ કે આધુનિક વિશ્વમાં પત્રકાર સમાજ માટે વહીવંચાનું કામ બજાવે છે અને તેણે સાચવેલા દસ્તાવેજો, તેમણે તારવેલી હકીકતો અને ઘટનાઓનો સંબંધ જોડતી કડીઓના આધારે જ ભાવિ પેઢીને ભૂતકાળનું જ્ઞાન કરાવનાર ઇતિહાસ ગ્રંથોમાં લખાય છે. પત્રકારત્વ માટે અંગ્રેજી ભાષામાં ઘડાઈ રહેલો ઇતિહાસ કહેવાય છે.
પત્રકારત્વને લોકશાહીની ચોથી જાગીર તરીકે પણ ઓળખવામાં અાવે છે, જે સામાન્ય પ્રજાની મુશ્કેલીઓને સમજે છે અને તેને વાચા આપે છે. સત્તાના ત્રણેય સૂત્રો ઉપર તે નજર રાખે છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજીના આ યુગમાં હવે તો અનેક માધ્યમો વાચકોને માહિતી પીરસવા માટે તત્પર છે, એક ક્લિક કરતાની સાથે જ ઈન્ટરનેટ દુનિયાભરનું નોલેજ આપણી સામે ઠાલવી દે છે. જોકે, આ બધાં માધ્યમો હોવા છતાં પણ વર્તમાનપત્રોનો વિકાસ થંભી નથી ગયો.

  • આપણા દેશની બૌદ્ધિક કમનસીબી છે કે આપણાં શ્રેષ્ઠ પુસ્તકો, સામયિકો અંગ્રેજી ભાષામાં છપાય છે અને નેવું ટકા લોકો તે વાંચી શકતા નથી

પત્રકારત્વ ભાવિ પેઢી માટે જ નહીં, પણ સમકાલીન પેઢી માટે પણ મહત્ત્વ ધરાવે છે. આપણે જે જગતમાં જીવીએ છીએ તે એટલું વિશાળ છે અને એટલું સંકુલ છે કે બની રહેલી અતિશય મહત્ત્વની ઘટનાઓ વિશે પણ જાણકારી મેળવવાનું આમજનતા માટે શક્ય નથી. ચોતરફ બની રહેલી અને બની ગયેલી ઘટનાઓ અંગે શક્ય તેટલી વિગતો ચોમેરથી એકઠી કરીને, સુસંકલિત કરીને, આગળ પાછળના સંદર્ભનો ઉલ્લેખ કરીને પત્રકારો આપણી સમક્ષ રજૂ કરે છે.
આ બધાં વિશેષણો બધા પત્રકારો માટે વાપરી શકાય નહીં, પણ ભારતના જોધારમલ્લ કુલદીપ નાયર માટે આવું કહેવાનું શક્ય છે અને અડધા સૈકાના પત્રકારત્વને કુલદીપ નાયરે મરણ પછી પણ ઊજળું કરી બતાવ્યું છે. તેમણે પોતાના અનુભવ અને જાણકારીના આધારે ભારતના અત્યાર સુધીના નેહરુથી નરેન્દ્ર મોદીનું શબ્દચિત્રો આલેખતું પુસ્તક (On Leaders and Icons from Jinnah to Modi) લખ્યું છે અને તેમના વંશજોએ પ્રસિદ્ધ કર્યું છે.
આ પુસ્તક લોકો કે સરકારના હાથ સુધી પહોંચે તે પહેલાં અતિશય ચર્ચાસ્પદ બની ગયું છે અને તેના ઉદ્્ઘાટન સમારંભમાં હાજર રહેવાની માજી વડાપ્રધાન મનમોહન સિંહે ઘસીને ના પાડી દીધી છે.
પોતાના ઇન્કારનું કારણ પણ ડો. મનમોહનસિંહે સ્પષ્ટ કરી દીધું છે. 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસી મોરચાને બહુમતી મળી છતાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પોતે સિંહાસન પર બેસવાના બદલે ડો. મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા અને દસ વરસ સુધી આ સંબંધ ટકી રહ્યો.
આ દસ વરસ દરમિયાન ડો. સિંહ માત્ર ઢીંગલું બની રહ્યા અને સરકારની તમામ મહત્ત્વની ફાઇલો સોનિયા ગાંધીને મોકલવી પડતી અને આખરી નિર્ણય વડાપ્રધાન નહીં પણ કોંગ્રેસી મોરચાના અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી કરતાં હતાં.
કુલદીપ નાયરે કરેલી આ વાત એક ઝાટકે નકારી શકાય તેમ નથી અને એક ઝાટકે કબૂલ પણ રાખી શકાય નહીં. આવું દસ વરસ ચાલ્યું હશે? પણ આવું એકાદ વખત થયું હોત તો ભારતના બંધારણનો ચૂંટણીઓનો અને લોકશાહીનો વીંટો વળી ગયો તેમ કહેવું પડે. વહીવટી ધારાધોરણ અનુસાર સરકારી ફાઇલો ખાનગી દસ્તાવેજો છે અને સરકારી કચેરીઓ કે પ્રધાનોનાં કાર્યાલયોમાંથી આ ફાઇલોને બહાર કાઢી શકાતી નથી. આ બાબતમાં મનમોહનસિંહનો બોલ પણ મહત્ત્વનો ગણાવો જોઈએ. કમનસીબે ડો. મનમોહનસિંહ 2014થી મૌની બાબા બની ગયા છે.
આવું સતત ન બન્યું હોય, કોઈ કોઈ વાર બન્યું હોય, એકાદ વાર બન્યું હોય તો પણ તેની ગંભીરતા ઓછી થતી નથી. સામાન્ય રીતે આવો આક્ષેપ કોઈ સાંભળે કે સ્વીકારે નહીં, પણ ડો. મનમોહનસિંહના સત્તાકાળે બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. સંજય બારુ નામના વડાપ્રધાનના અખબારી સલાહકારે અકસ્માતી વડાપ્રધાન (The Accidental Prime Minister) નામના પુસ્તકમાં સોનિયા ગાંધી અને રાજકુટુંબ તરફથી ડો. મનમોહનસિંહનું અપમાન થવાના અનેક દાખલાઓ નોંધાયા છે.
એક વખત તો મનમોહનસિંહની દીકરીએ ‘પપ્પા તમે રાજીનામું કેમ આપી દેતા નથી?’ તેવું પૂછ્યાનું ખુદ મનમોહનસિંહે જ કહ્યું છે.
બીજું પુસ્તક માર્ગરેટ આલ્વાનું છે અને સોનિયા ગાંધીની જોહુકમીના થોડા નમૂનાઓ અપાયા છે.
આપણા દેશની બૌદ્ધિક કમનસીબી છે કે આપણાં શ્રેષ્ઠ પુસ્તકો, સામયિકો અંગ્રેજી ભાષામાં છપાય છે અને નેવું ટકા લોકો તે વાંચી શકતા નથી. રાજકારણની ચર્ચા માટે ગુજરાતી ભાષા તો મરાઠી, તમિલ, બંગાળી કરતાં પણ નબળી હોવાનું કહેવાય છે.
આપણે જ્ઞાનપ્રાપ્તિની ભૂખ અને તેનો આનંદ બંને ગુમાવી બેઠા છીએ અને તેથી જ કદાચ આપણી રાજકીય ચર્ચાબાજી નરી ગાળાગાળી બની રહે છે. ચોમાસાની મેઘગર્જનામાં વાદળના ગડગડાટ અને વીજળીના પ્રકાશનો લાભ મળે છે. આપણી ચર્ચાઓ નર્યો ગડગડાટ જ હોય છે તેમાં જાણવા સમજવા જેવું બહુ ઓછું હોય છે.
કુલદીપ નાયર જેવા પ્રામાણિક પત્રકારનો વારસો આપણને ફળે અને જોશભરી દલીલોની જોડે થોડી શાંત સમાલોચના મળતી થાય તો નાયરજીનો વારસો શોભે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP