પોતે કાયદાથી પર છે તેવો અહં ‘મોટાઈ’ની નિશાની છે!

article by nagindas shaghavi

નગીનદાસ સંઘવી

Dec 16, 2018, 12:05 AM IST

ભારતમાં- ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં મોટર અકસ્માત થતા નથી, કરવામાં આવે છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આવા અકસ્માતમાં ભોગ બનેલા લોકો દયા નહીં પણ સજાને પાત્ર છે. મોટર-બસ જેવાં વાહનો ઝાડ કે ઊભેલાં વાહનો જોડે અથડાય, નદી-નાળામાં કૂદી પડે, રેલિંગ તોડી પાડે તેવા તમામ અકસ્માતો આપણા પાગલપણાની નિશાની છે. વાહનો અવરજવર માટે, અને તેના માટે ઠરાવવામાં આવેલી વેગમર્યાદા પાળવામાં આવે તો આ પ્રકારના અકસ્માતો કદી થાય જ નહીં. ‘ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો’ તેવા હેવાલોમાં મહત્ત્વની હકીકત નજરઅંદાજ કરવામાં છે કે યોગ્ય વેગથી દોડતી ગાડી હંમેશાં ડ્રાઇવરના કાબૂમાં રહે છે. પણ અતિશય વધારે વેગથી દોડતી ગાડીને રોકવાનું કે વાળવાનું ક્યારેય શકય હોતું નથી.

અકસ્માતમાં મરનાર લોકોની સંખ્યા મોટી હોય ત્યારે હાહાકાર મચી જાય છે પણ તેનાં કારણોની તપાસ કદી કરવામાં આવતી નથી

અકસ્માતમાં મરનાર લોકોની સંખ્યા મોટી હોય અથવા તેમની ઉંમર નાની હોય ત્યારે હાહાકાર મચી જાય છે પણ તેનાં કારણો અને અકસ્માત માટે જવાબદારની તપાસ કદી કરવામાં આવતી નથી. ખરી રીતે તો દરેક અકસ્માત પછી આવી તપાસ ફરજિયાત રીતે થવી જોઇએ અને વધારે વેગથી દોડતાં વાહનો, ખોટી રીતે એકબીજાથી આગળ નીકળી જવાની હરીફાઇ અને ડ્રાઇવરનું ધ્યાનચૂક થાય તેવી ધાંધલ ધમાલ અકસ્માતો માટે જવાબદાર છે.


આવાં કારણોસર અકસ્માત થાય ત્યારે ડ્રાઇવર અને પેસેન્જરો જીવતા હોય તો તેમને સખત શિક્ષા કરવી જોઇએ કારણ કે તેઓ પોતાનો અને બીજા રાહદારીઓના જાન પણ જોખમમાં મૂકે છે. રેલવેના ફાટક વટાવતી વખતે સામેથી આવતી આગગાડીની દરકાર રાખ્યા વગર ગાડી દોડાવનારને તો જેટલી સજા કરીએ તેટલી ઓછી પડે.


વેગ માટેનું ગાંડપણ દુનિયાના દરેક દેશમાં અને દરેક સમાજમાં જોવા મળે છે અને તેથી માણસ કે પશુઓ કે મોટર ગાડીઓની દોડ સ્પર્ધાઓ યોજાય છે પણ આવી સ્પર્ધાઓ માટે અલગ અને સલામત જગાઓ ફાળવવામાં આવે છે કે જેથી બીજા લોકો પર કશું જોખમ આવી પડે નહીં. પણ રસ્તાઓ અવર-જવર માટે બનાવવામાં આવ્યા છે. મોટરોના વેગની સ્પર્ધા રસ્તામાં કરનાર ચાલકો અને માલિકો રસ્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.


વધારે નવાઇની વાત તો એ છે કે આટલી ઝડપે ગાડી દોડાવવા માટેનાં કોઇ કારણ હોતાં નથી. જાનજોખમમાં હોય તેવા દર્દીને ઇસ્પિતાલમાં લઇ જનાર એમ્બ્યુલન્સોને ગમે તેટલા વેગથી દોડવાની રજા અને સગવડ આપવી જોઇએ. અતિશય તાકીદની કામગીરી પણ બચાવ પક્ષે વાપરી શકાય પણ આપણે ત્યાં આટલી ઝડપે ગાડી દોડાવનાર લોકો પોતાના મુકામે પહોંચીને અઠવાડિયા અગાઉનાં છાપાં ઊથલાવવા સિવાય કે નકામી ગપ્પાંગોષ્ટિમાં સમયની બરબાદી કર્યા સિવાય બીજું કશું કામ કરતા નથી.


પરદેશમાં અને હવે તો આપણા દેશમાં પણ CCTV કેમેરાની સગવડ થઇ છે. વિકસિત દેશોમાં રસ્તાઓ પર અંતરે અંતરે આવા કેમેરાઓ ગોઠવવામાં આવે છે અને ઠરાવેલી મર્યાદા કરતાં વધારે વેગથી ચાલતાં વાહનોની નોંધ આપોઆપ થઇ જાય છે અને તેમના માલિકોએ મોટો દંડ ભરવો પડે છે. વારંવાર આ ગુનો કરનારના દંડની રકમ વધતી જાય છે.


આપણે ત્યાં પણ જોખમી વળાંકો કે માર્ગો પર આવા કેમેરાઓ ગોઠવવા જોઇએ. જોકે આપણા દેશમાં તો આવા કેમેરાની ચોરી થાય અથવા તેમના પર પટ્ટી લગાડીને તેમને નાકામયાબ બનાવી દેવામાં આવે તેવો સંભવ ઘણો વધારે છે પણ અકસ્માતોના નિવારણ અર્થે આવાં જોખમ ઉઠાવવાં લાજીમ છે.


અકસ્માતોનું બીજું મોટું કારણ ગરીબ ડ્રાઇવરનું શોષણ છે. ગરીબાઇને કારણે મોટી કંપનીઓમાં માલની લઇજા-લાવજા કરનાર ડ્રાઇવરો વધારે પડતા લાંબા સમય સુધી કામ ખેંચે છે. સ્નાયુઓની થકાવટ અને પૂરતી ઊંઘનો અભાવ તેમના માટે સર્વસામાન્ય બાબત છે. આવા થાક કે ઉજાગરાનો પ્રતિકાર કરવા માટે આ ડ્રાઇવર નશાખોરીના માર્ગે ચડી જાય છે અને અકસ્માતોના જોખમમાં ઉમેરો કરે છે.


વિકસિત સમાજની સરખામણીએ આપણા શ્રીમંતો, સત્તાધારીઓ અને ભદ્ર વર્ગો વધારે ગુનાખોર હોય છે. અને કાયદો તોડનારને વીર નર તરીકે પૂજાવામાં આપણે ગૌરવ ધરાવીએ છીએ. કાયદાનું પાલન કરવાના બદલે પોતે કાયદાથી પર છે તેવો અહંકાર મોટાઇની નિશાની ગણાય છે.


ભારત સરકારનાં આંકડા અનુસાર 2014ની સાલમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઆેની સંખ્યા લગભગ 12,000 કરતાં વધારે હતી અને એ પણ 2017માં વધીને 20,457 સુધી પહાેંચી ગઈ હતી.‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના એક રિપોર્ટ મુજબ ભારતમાં દરરોજ 1214 રોડ અકસ્માત થાય છે. દર મિનિટે એક રોડ અકસ્માત થાય છે અને દર ચાર મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં મોતને ભેટે છે. આપણી આંખો ક્યારે ખૂલશે?
[email protected]

X
article by nagindas shaghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી