ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષોના અભિગમ બદલાઈ ગયા છે

article by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Oct 17, 2018, 06:13 PM IST

પાંચ રાજ્યોની વિધાનસભાઓ માટેની ચૂંટણીમાં મતદાનની અને પરિણામોની તારીખ જાહેર થઈ ચૂકી છે અને આ ચૂંટણીનું ગરમાગરમ વાતાવરણ લોકસભાની ચૂંટણીઓનાં પરિણામ આવે ત્યાં સુધી ઉકળાટભર્યું જ રહેવાનું છે. લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે કરવાનું વડાપ્રધાન નરેન્દ્રનું સ્વપ્ન 2024 સુધી તો અમલમાં આવી શકે તેમ નથી. મતદાનયંત્રો ભરોસામંદ નથી અને તેથી જૂની પદ્ધતિએ મતદાર પત્રકોથી ચૂંટણી થવી જોઈએ, તેવી વિરોધપક્ષોની માગણી પણ ચૂંટણીપંચે ફગાવી દીધી છે.

આ ચૂંટણીઓના કારણે બંને રાષ્ટ્રીય પક્ષોના અભિગમમાં અતિશય મહત્ત્વનો ફેરફાર થયો છે. ભાજપના આગેવાનો અને ખુદ વડાપ્રધાન લઘુમતીઓને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે

હવે પછીની બધી ચૂંટણીઓમાં વિરોધપક્ષો એકજૂટ થશે, મહાગઠબંધન સ્થપાશે અને ભાજપને પછાડવા માટે કમરતૂટ પ્રયાસ કરવામાં આવશે તેવી આશા નાબૂદ થઈ છે. વિરોધપક્ષોની એકતાના બે ધુરંધર સાથીઓ- માયાવતીના બહુજન સમાજપક્ષ અને સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ આ પાંચ રાજ્યોની ચૂંટણીઓ પોતપોતાના બળથી લડશે તેવી જાહેરાત થઈ છે. આ જાહેરાતનો કશો અર્થ નથી, કારણ કે ઉત્તર પ્રદેશમાં મહત્ત્વ ધરાવતા આ બંને પક્ષો અત્યાર સુધીમાં આ રાજ્યોમાં ખાસ કશો પ્રભાવ પાડી શક્યા નથી. માયાવતી પોતાને દલિતોનાં ખેરખાં સમજે છે, પણ મધ્યપ્રદેશ, રાજસ્થાનના દલિતો તેમને મત આપતા નથી અને આ બંને રાજ્યોમાં દલિતો માટે અનામત રખાયેલી બેઠકોમાંથી રડીખડી બેઠક બહુજન સમાજના ફાળે આવી છે.


ચૂંટણી લડનાર દરેક પક્ષ અને દરેક ઉમેદવાર જીતી જવાની બાંગ પોકારે છે, પણ તેનાથી દોરવાઈ જવાનું કારણ નથી. રાજકીય આગેવાનો ખોટું બોલવા માટે અને ખોટાં બણગાં ફૂંકવા માટે જાણીતા છે. આ પાંચમાંથી ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખવાની છે. તેલંગાણામાં કોંગ્રેસ કે ભાજપનો કશો ભાવ પૂછાતો નથી. મિઝોરામ એટલું ટચૂકડું રાજ્ય છે કે તેમાં સત્તાપલટો થાય, ન થાય તેની કશી કિંમત નથી.


આ ચૂંટણી પછી થોડા મહિનામાં જ લોકસભાની ચૂંટણી થવાની છે, તેથી આ બંને પ્રક્રિયાઓને જોડી દેવાની લાલચ અભ્યાસીઓ રોકી શકે નહીં, પણ પાંચે રાજ્યોના રાજકીય પ્રવાહો અને અને તોલકાટલાં તદ્દન જુદાં હોવાથી તેમને એકસાથે મૂકવાની અથવા તેના પરિણામની વ્યાપક અસર અંગે આગાહી કરવાનું વાજબી ન થાય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં પરિણામો અંગેના સર્વે અખબારોમાં પ્રસિદ્ધ થયા છે અને ભાજપને આ ત્રણે રાજ્યોમાં પરાજય મળશે તેવી આગાહી કરવામાં આવી છે.


આ સર્વે થોડો વહેલો કરવામાં આવ્યો છે અને સર્વેનાં તારણ અને પરિણામો વચ્ચે કશો મેળ હોતો નથી તેવું ભૂતકાળના અનુભવે આપણે જાણીએ છીએ. રાજકીય આગેવાનોની કોઠાસૂઝ વધારે વિશ્વાસની હોય છે અને કોંગ્રેસની જીત થવાની આશા દેખાતી હોય તો માયાવતી અને અખિલેશ યાદવ જેવા રીઢા ખેલાડીઓ કોંગ્રેસ સાથે જોડાઈ જવા તલપાપડ થઈ જાય. તેમણે સંબંધ છોડ્યો છે તેનો અર્થ એ છે કે તેમને કોંગ્રેસનો વિજય થવાની સંભાવના દેખાતી નથી.


આ ચૂંટણીઓના કારણે બંને રાષ્ટ્રીય પક્ષોના અભિગમમાં અતિશય મહત્ત્વનો ફેરફાર થયો છે. અત્યાર સુધી મુસ્લિમો અને લઘુમતીઓથી દૂર ભાજપના આગેવાનો અને ખુદ વડાપ્રધાન લઘુમતીઓને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે. ભાજપની માતૃસંસ્થા આર.એસ.એસ.ના સર્વોચ્ચ આગેવાને દાયકાઓ જૂનો અભિગમ પડતો મૂક્યો છે. મુસ્લિમો અને કોંગ્રેસ પક્ષના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે સર્વસંમતિ પર ભાર મૂક્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્દોરમાં વહોરાના ધર્મગુરુ સૈયદના સાહેબને
સલામ-દુઆ કર્યાં છે.

કોંગ્રેસે પોતાની કરવટ બદલી છે અને હવે પછી બંને રાષ્ટ્રીય પક્ષો, કોંગ્રેસ અને ભાજપ હિન્દુત્વના ઉપાસકો બન્યા હોવાથી તેમની વચ્ચે પસંદગી કરવાની રહેતી નથી, પણ આ વૈચારિક પલટાના કારણે દેશની ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ઇસાઈઓ, પોતાનો મતપ્રવાહ બદલશે. દેખીતી રીતે જ આ રાજનીતિ કોંગ્રેસને કેટલી લાભદાયી નીવડશે તે કહેવું મુશ્કેલ છે. હિન્દુત્વનાં નવાં કપડાંમાં કોંગ્રેસને હિન્દુઓ સ્વીકારશે કે નહીં તે ખબર નથી, પણ મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોના મનમાં ઘણી આશંકા પેદા થશે

સૌથી મોટો ફેરફાર કોંગ્રેસમાં થયો છે. પોતાની જાતને સેક્યુલર અને લઘુમતીઓના હિતરક્ષક ગણાવનાર કોંગ્રેસી આગેવાનો પોતાના હિન્દુપણા અંગે જોરશોરથી ગાજી રહ્યા છે. કોંગ્રેસના DNAમાં બ્રાહ્મણવાદ હોવાનો દાવો કરવામાં આવે છે. રાહુલ ગાંધી શિવભક્ત ગણાવાય છે અને જાત્રાઓ કરે છે, મંદિરોમાં દર્શને જાય છે. રાહુલ ગાંધીના દાદા પારસી હતા અને તેમની માતા ખ્રિસ્તી છે તે હકીકત પર પડદો પાડી દેવામાં આવ્યો છે. હિન્દુ શ્રદ્ધાળુઓને અતિશય અણગમતો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે અને કેરળના સબરીમાલાના અયપ્પા મંદિરમાં રજોદર્શન ઉંમરની સ્ત્રીઓને પણ પ્રવેશની છૂટ આપી છે.


આ ચુકાદાનો વિરોધી ભાજપી આગેવાનો કરે તે સમજી શકાય તેવી બાબત છે, પણ આ વિરોધમાં કોંગ્રેસ પક્ષ પણ જોડાયો છે. મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસી આગેવાનોએ હદ વટાવી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કલમનાયે હિન્દુ સાધુ-સંતોને એકઠા કરીને આશીર્વાદ માગ્યા છે અને વનવાસ જતી વખતે રામે ચિત્રકૂટથી પંચવટી સુધીના જે સ્થળોની મુલાકાત લીધાનું રામાયણમાં કહેવાયું છે તે બધાં સ્થાનોની પૂજા-યાત્રા- રામ વનગમનસ્થાન યાત્રાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કંઈ પાછળ રહ્યા નથી અને રામ વનવાસ અંગેનાં સ્થાનો ઠરાવવા માટે વિદ્વાનોની સમિતિ સ્થાપીને તેને મોટી રકમનું ભંડોળ આપ્યું છે. મધ્યપ્રદેશની ચૂંટણી ઝુંબેશમાં પરંપરાગત રામનો સાધન તરીકે વપરાશ કરવામાં બંને રાષ્ટ્રીય પક્ષો એકબીજાની હરીફાઈ કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે રાજકારણી આગેવાનો સગાં માબાપને વેચી નાખવામાં ખચકાટ અનુભવતા નથી તો પછી રામનું નામ વાપરવામાં આ સત્તા ભૂખ્યા લોકો સંકોચ અનુભવે તેવો સંભવ નથી. તેમને ધરમ-કરમ જોડે કશી લેવાદેવા
હોતી નથી.


કોંગ્રેસે પોતાની કરવટ બદલી છે અને હવે પછી બંને રાષ્ટ્રીય પક્ષો, કોંગ્રેસ અને ભાજપ હિન્દુત્વના ઉપાસકો બન્યા હોવાથી તેમની વચ્ચે પસંદગી કરવાની રહેતી નથી, પણ આ વૈચારિક પલટાના કારણે દેશની ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ઇસાઈઓ, પોતાનો મતપ્રવાહ બદલશે. દેખીતી રીતે જ આ રાજનીતિ કોંગ્રેસને કેટલી લાભદાયી નીવડશે તે કહેવું મુશ્કેલ છે. હિન્દુત્વનાં નવાં કપડાંમાં કોંગ્રેસને હિન્દુઓ સ્વીકારશે કે નહીં તે ખબર નથી, પણ મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોના મનમાં ઘણી આશંકા પેદા થશે.
રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષ ઘણો વધારે મજબૂત છે અને આ રાજ્યમાં અવારનવાર સત્તાપલટો થવાની પરંપરા પણ છે, પણ મધ્યપ્રદેશમાં ભાજપનો પગ ઘણો વધારે મજબૂત છે. છત્તીસગઢમાં માજી કોંગ્રેસી આગેવાન અજિત જોગી ઘણો પ્રભાવશાળી ગણાય છે અને માયાવતી સાથે હાથ મિલાવીને તેણે પોતાનો પ્રભાવ વધાર્યો છે. આ ચૂંટણીમાં એક નવાઈની હકીકત એ પણ છે કે રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં આદિવાસીઓની સંખ્યા ગુજરાત કરતાં પણ ઘણી વધારે છે. રાજસ્થાનમાં 25 અને મધ્યપ્રદેશમાં 47 બેઠકો આદિવાસી મતદારો માટે અનામત રાખવામાં આવી છે છતાં આદિવાસીઓ માટેનો કોઈ સંગઠિત પક્ષ આ રાજ્યોમાં સ્થપાયો નથી.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી