જ્ઞાતિપ્રથાનું દૂષણ અને ઊંચનીચના ખ્યાલ દૂર થશે?

article by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Sep 30, 2018, 12:05 AM IST

જ્ઞાતિપ્રથાનાં દૂષણોનો પાર નથી અને નવા જમાનામાં નવાં પાપોનો ઉમેરો થતો રહે છે. જ્ઞાતિપ્રથાએ ઊંચનીચના ભેદ એટલા સજ્જડ બનાવ્યા છે કે લોકશાહી બંધારણ, સંખ્યાબંધ કાયદાઓ અને શિક્ષણના ફેલાવાનું ખાસ કશું પરિણામ આવ્યું નથી. ઊંચા કહેવાતાં વરણો મોઢાની વાતો ગમે તેટલી કરે પણ નીચી ગણાતી જ્ઞાતિઓનાં નવયુવાન-યુવતીઓને સમાનભાવે સ્વીકારવા અથવા તેમના અધિકાર કબૂલ કરવા તૈયાર થતા નથી. શિક્ષણ ક્ષેત્રે અને નોકરી-ધંધાના કારણે યુવાન હૈયાઓ વચ્ચે સંપર્ક વધ્યો છે પણ તેમની જોડેના લગ્નસંબંધો મંજૂરી મળતી નથી. આવાં લગ્નોથી પોતાની આબરૂને બટ્ટો લાગે છે તેવું સમજનાર માબાપો કે સગાંસંબંધીઓ મારામારી અને ખૂનામરકી પર ઊતરી આવે છે.

સમાજ સુધારણા માટે ધર્મશ્રદ્ધા કે ધાર્મિક આગેવાનોનો ઉપયોગ કરવામાં રહેલા મોટા જોખમનો ખ્યાલ પણ રાખવો જોઇએ

ભારત સરકારે તાજેતરમાં બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે છેલ્લાં ત્રણ વરસમાં ત્રણસો જેટલી હત્યાઓ થઇ છે. આવી હત્યાઓનો ભોગ બનનાર વ્યક્તિઓની સંખ્યા આપવામાં આવી નથી પણ દરેક ઘટનામાં એક હત્યા થઇ હોવાનું સ્વીકારીએ તો સરેરાશ દર અઠવાડિયે આવી બે હત્યાઓ થાય છે અને યુવાનોનું પરિણીત જીવન ખંડિત કરવામાં આવે છે. સામાજિક દબાણ અને માનસિક ત્રાસના પરિણામે કેટલાં લગ્નો તૂટતાં હશે અથવા અટકતાં હશે તેની તો કેવળ કલ્પના જ કરવાની રહે છે.


જ્ઞાતિપ્રથાનું દૂષણ અને ઊંચનીચના ખ્યાલ ભારતની દરેક કોમમાં છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખો સૈદ્ધાંતિક રીતે સમાનતાનો દાવો કરે છે પણ વહેવારમાં ઊંચનીચના ખ્યાલોથી પીડાય છે. આબરૂ ખાતર હત્યાના દાખલા દરેક કોમમાં બનતા રહ્યા છે.


સામાજિક દૂષણો અને વ્યસનો દૂર કરવા માટે સરકાર ગમે તેટલા કાયદાઓ ઘડે પણ તેનાથી લોકોની મનોભાવના બદલાતી નથી. આ ક્ષેત્રમાં ભારત સરકારે એક નવતર પ્રયોગનું આયોજન કર્યું છે અને સામાજિક દૂષણો, વ્યસનો અને અંધશ્રદ્ધાના ઉચ્ચાટન માટે ધાર્મિક આગેવાનોનો સહકાર લેવાનું ઠરાવ્યું છે. અંધશ્રદ્ધા નિવારણ અને વ્યસન મુક્તિના ક્ષેત્રે કામ કરી રહેલા સાધુઓ, સંતો, મહંતોને સરકારી યોજનાઓમાં સામેલ થઇને પોતાની સમાજ સુધારક પ્રવૃત્તિઓ વધારે વેગથી ચલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


ધર્મ માત્ર આધ્યાત્મિક બાબતો પૂરતો મર્યાદિત હોતો નથી. ઇસ્લામે શરાબની સખત મનાઇ ફરમાવી છે અને શરીરના જે ભાગને શરાબનું ટીપું અડી જાય તે ભાગને કાપી નાખવા જેવા ઉગ્ર પગલાનો અનુરોધ કર્યો છે. ખ્રિસ્તી ધર્મે ગુનેગારોને કરવામાં આવતી સખત સજાઓની મનાઇ ફરમાવીને શક્ય હોય તેટલા પ્રમાણમાં પાપ કરનારને માફી આપવાની જોગવાઇ કરી છે. શીખધર્મમાં તમાકુ સેવન અંગે સખત નફરત સેવવામાં આવે છે અને શીખોનાં તીર્થધામોમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જેહાદ ઘણાં વરસોથી ચાલી રહી છે.

તાજેતરમાં સ્થપાયેલા અને વિકસેલા લિંગાયત સંપ્રદાયના સ્થાપક બસવેશ્વરે જ્ઞાતિપ્રથાને નાબુદ કરીને લિંગાયતો વચ્ચે રોટી-બેટી વહેવારને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાતમાં લગભગ બસો વરસ અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદે કચ્છ-કાઠિયાવાડમાં વ્યસન નાબૂદીની ઉગ્ર ઝુંબેશ ઘણી સફળ રીતે ચલાવી હતી. દોઢસો વરસ અગાઉ સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલા આર્ય સમાજે સમાજ સુધારાના અનેક ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપ્યું છે. ભારતમાં આજે સાધુ-સંતોની સંખ્યા ઓછી નથી અને તેમના અનુયાયીઓને સમાજિક દૂષણો અને વ્યસનોથી મુક્ત કરવામાં તેમનો પ્રભાવ અને તેમની પ્રવૃત્તિ અતિશય ઉપયોગી થઇ પડે તેવો સંભવ છે. પણ સમાજ સુધારણા માટે ધર્મશ્રદ્ધા કે ધાર્મિક આગેવાનોનો ઉપયોગ કરવામાં રહેલા મોટા જોખમનો ખ્યાલ પણ રાખવો જોઇએ. આવા ધર્મ સ્થાપકો અને ધર્મસંસ્થાઓ નવા પ્રકારની શ્રદ્ધાઓને દૃઢ કરે છે અને અંધશ્રદ્ધાના પ્રકાર બદલાય છે પણ મૂળ રોગ જતો નથી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા એટલી સૂક્ષ્મ છે કે બંનેની સેળભેળ થયા સિવાય રહેતી નથી. જેમનાં નામ ગણાવ્યાં છે તે મોટા કે નાના સંપ્રદાયોએ આવા પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવીને નવાં દૂષણો પેદા કર્યાં છે.

અંધશ્રદ્ધાને ધર્મશ્રદ્ધાથી નાબૂદ કરવામાં બકરું કાઢતાં ઊંટ પેસી જવાનો સંભવ છે. સામાજિક દૂષણો અને વ્યસન મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય શિક્ષણ છે અને શિક્ષણનો ફેલાવો થાય તેમ તેમ આ બધાં દૂષણોનું નિવારણ થશે તેવી દલીલ વહેવારમાં ખોટી ઠરી છે.


અતિશય શિક્ષિત અને સમૃદ્ધ ગણાતા અમેરિકામાં વ્યસનોની જડ એટલી જામેલી છે કે હવે તેને દૂષણ લેખવામાં આવતું નથી પોતે નશાકારી ડ્રગ્સ વાપરે છે તેવું કહેવામાં કશી શરમ કે સંકોચ રહ્યાં નથી. સમાજ પોતાની ખામી અને નબળાઇઓ સમજતો થાય તો આ દૂષણો અને અંધશ્રદ્ધા આપમેળે નાબૂદ થઇ જાય તેવું કહેવાનું સહેલું છે પણ આવું કશું થતું નથી અને સામાજિક દૂષણો નિવારણનો કોઇ એક રાજમાર્ગ આપણી પાસે નથી તે કબૂલ કરી લેવું જોઇએ.
પણ આ બધા ઉપાયો, કાયદાઓ, ધર્મ, પ્રચાર, શિક્ષણ અને આત્મસંયમ જેવા બધા માર્ગોનો સામટો વપરાશ કરવામાં આવે તો કદાચ તેનાં પરિણામ આવી શકે. આવો અનેકમાર્ગી પ્રયોગ હજી સુધી કશે થયો નથી તેથી આ બાબતમાં આગાહી કરવાનું વધારે મુશ્કેલ છે.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી