નબળા કાયદાથી ગુનેગારોને ફાયદા

article by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Sep 19, 2018, 03:15 PM IST

સામાન્ય ચોર-ડાકુ તો નજીવી રકમની ધાડ, લૂંટ કે ચોરી કરે છે, પણ લોકોએ બેન્કમાં થાપણ તરીકે મૂકેલાં નાણાંમાંથી કરોડોની ઉચાપત કરીને અબજોપતિઓ પરદેશ ભાગી છૂટે તેવા કિસ્સાઓ ભારતમાં અને ચીનમાં સતત બનતા રહ્યા છે. આવા ગુનેગારોને પાછા લાવવાના પ્રયાસમાં અગાઉની સરકારોને કશી સફળતા મળી નથી. નવ હજાર કરોડની બેન્કચોરીમાં સંડોવાયેલા વિજય માલ્યાને ગુનેગાર તરીકે પાછો લાવવાનો ખટલો પહેલી જ વખત જોરશોરથી ચલાવવામાં આવ્યો છે.

ચુકાદો તો ત્રણ મહિના પછી, ડિસેમ્બરની દસ તારીખે આવવાનો છે, પણ ઇંગ્લેન્ડની અદાલતે અત્યાર સુધી દર્શાવેલા વલણના આધારે ચાલીએ તો કદાચ ભારત સરકારના પ્રયાસ સફળ થાય તેવાં ચિહ્્નો દેખાય છે. સફળતા મળે તો આ પહેલો જ ગુનેગાર પાછો આણવામાં આવશે અને તેના માટે જેલની કોટડી પણ તૈયાર રાખવામાં આવી છે. વિજય માલ્યાની જોડાજોડ નીરવ મોદી સામે પણ કારવાઈ શરૂ થઈ છે. આવા બે-ચાર કિસ્સામાં સફળતા મળે તો આવા કરોડોપતિ ડાકુઓ પરદેશ જતા અગાઉ વિચાર કરતા થશે. નીરવ મોદી અને ચોક્સીએ તો ભાગવાની પૂર્વતૈયારી રૂપે પરદેશી નાગરિકત્વ પણ લઈ લીધું છે, પણ આ લુચ્ચાઈ તેમને બચાવી શકશે કે નહીં તેનો આધાર આંતરરાષ્ટ્રીય કાયદા પર છે.

નવ્વાણું ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા
થવી ન જોઈએ. આ સૂત્ર સમાજ માટેે નુકસાનકારક છે. એક નિર્દોષને બચાવવા જતાં નવ્વાણું ગુનેગારો સમાજમાં મોકળા
મૂકી દેવાય તો સમાજ ગુનાખોરીથી ઊભરાઈ રહે અને આજે આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. સમાજમાં વિવિધ ગુનાખોરીનો ફેલાવો એટલો વધ્યો છે કે સજ્જન માણસોને લોકો મૂરખ
ગણતા થયા છે

પકડાયા પછી અને કદાચ ભારતમાં પાછા ફરીને જેલમાં જવું પડશે તેવી સંભાવના દેખાવા લાગી ત્યારથી વિજય માલ્યાએ જાતભાતના સૂર અને આલાપ શરૂ કર્યા છે. પોતે નાહકના બદનામ થઈ રહ્યા છે, નાણાં ચૂકવી આપવાની પોતાની પૂરી તૈયારી પોતે બેંગ્લુરુ અદાલતમાં બતાવી હતી. પોતાની સામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે. એવાં અનેક નિવેદનોમાં પોતે ભાગેડુ નથી અને ભારતના નાણામંત્રી અરુણ જેટલીને જાણ કરીને રીતસરના ધોરણે લંડન આવ્યા છે તેવી તેમની જાહેરાતથી ચૂંટણીના રાજકારણમાં નવા ગરમાવાનું ઉમેરણ થયું છે.

ભાજપ સરકારે જ માલ્યાને ભાગવામાં સહાય કરી, તેથી અરુણ જેટલીએ રાજીનામું આપવું જોઈએ અને આ પ્રકરણની પૂરી ચકાસણી પાર્લામેન્ટની કમિટીએ કરવી જોઈએ તેવી માગણી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જોરશોરથી કરી છે. તે માટેના પુરાવારૂપે સીબીઆઇ(CBI)ના પરિપત્રને ટાંકવામાં આવ્યો છે. માલ્યા સામે પ્રથમદર્શી ફરિયાદ (FIR) દાખલ થઈ ત્યારે CBIએ પરિપત્ર કાઢીને માલ્યાને પરદેશ જતો રોકવાનો આદેશ આપેલો. પાછળથી આ આદેશ ફેરવાયો અને રોકવાના બદલે માલ્યા પરદેશ જાય તેના ખબર આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો અને ચોપન જેટલા દરદાગીના સાથે વિજય માલ્યા લંડન જઈ શક્યા. આદેશની ફેરવણી કરીને ભાજપી સરકારે માલ્યાને પરદેશ ગમનમાં મદદ કરી તેવો આરોપ રાહુલ ગાંધીએ મૂક્યો છે.
પણ CBIએ ચોખવટ કરી છે કે રોકવાનો આદેશ ભૂલથી અપાયો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે જેની સામે આરોપનામું ઘડાયું હોય અથવા જેની સામે બિનજામીનપાત્ર વોરંટ હોય તેવા માણસને જ રોકી શકાય. માલ્યા સામે આરોપનામું ન હતું અને વોરંટ પણ કાઢવામાં આવ્યું ન હોવાથી સીબીઆઇ માલ્યાને પરદેશ જતા રોકી શકે નહીં અથવા તેનો પાસપોર્ટ જપ્ત કરી શકે નહીં. ભારતના કાયદા કેટલા નબળા છે અને કાયદાની બારીક ગૂંચવણો ગુનેગારોને કેટલી લાભદાયી થઈ પડે છે તેનો આ એક નમૂનો છે.


ચીનમાં લોકશાહી નથી અને કાયદાનું રાજ પણ નથી અને છતાં સેંકડો ચીનાઓ નાણાંની ઉચાપત કરીને પરદેશ જઈ શક્યા છે. ભારત સરકારે તાજેતરમાં કાયદાઓ સુધાર્યા છે. કોઈ પણ ગુનેગારને ભાગેડુ જાહેર કરવામાં આવે તો તેની માલમિલકત ટાંચમાં લેવાનો કાયદો ઘડાયો છે. આવા ગુનેગારોનાં સગાંસંબંધીઓ પણ આવી લૂંટનાં નાણાંનો લાભ ઓછા વધતા પ્રમાણમાં મેળવતાં હોય છે. કાયદાની દૃષ્ટિએ તેઓ ગુનેગાર નથી, પણ હકીકત અને વહેવારમાં તો લૂંટનો લાભ લેવાના કારણે તેમને પણ ગુનાના ભાગીદાર ગણવા જોઈએ. તેમને સજા કરવાનું શક્ય નથી, પણ તેમને મળેલી મિલકતને ચોરીનો માલ ગણીને જપ્તીમાં લેવાવો જોઈએ. ચોરીનો માલ તદ્દન અજાણતાંમાં ખરીદ કરનાર લોકોએ પણ આ માલ પાછો આપી દેવો પડે છે. જ્યારે શરાફી લૂંટનો લાભ લેનાર લોકો તો આ લૂંટબાજીથી તદ્દન અજાણ હોતા નથી. સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવી હોય તો ગુનાખોરીનું તલમાત્ર પણ સખત હાથે ઉખેડી નાખવું જરૂરી છે. ગુનેગાર માટે ઉદારતા કે દયા બતાવનાર માણસ ભલો નથી નપાવટ છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે જેની સામે આરોપનામું ઘડાયું હોય અથવા જેની સામે બિનજામીનપાત્ર વોરંટ હોય તેવા માણસને જ રોકી શકાય. માલ્યા સામે આરોપનામું ન હતું અને વોરંટ પણ કાઢવામાં આવ્યું ન હોવાથી સીબીઆઇ માલ્યાને પરદેશ જતા રોકી શકે નહીં અથવા તેનો પાસપોર્ટ જપ્ત કરી શકે નહીં. ભારતના કાયદા નબળા છે અને કાયદાની બારીક ગૂંચવણો ગુનેગારોને કેટલી લાભદાયી થઈ પડે છે

કોઈ પણ નાગરિકને ગુનેગાર કે ગુનાનો ભાગીદાર ઠરાવતા અગાઉ પૂરી ઝીણવટથી તપાસ થવી જોઈએ. વગર કારણે કોઈ નિર્દોષ માણસ દંડાય તે સમાજ માટે લાંછનરૂપ બની જાય, પણ આ બાબતમાં ભારતની પરંપરાગત દંડનીતિનું એક સૂત્ર ફરીથી અમલમાં મૂકવું જરૂરી છે. કોઈ નિર્દોષ માણસને સજા કરવાથી રાજાને જેટલું પાપ લાગે તેટલું જ પાપ ગુનેગારને જતો કરવાથી પણ લાગે છે. એક પણ ગુનેગાર સજા વગર રહે નહીં તેટલી કડક વ્યવસ્થા સમાજહિતમાં જરૂરી છે, તેથી ભારતીય પરંપરામાં રાજાએ ‘ઉગ્રદંડ’ રહેવાનો આદેશ અપાયો છે. સજા હંમેશાં શક્ય હોય અને જરૂરી હોય તેટલી કડક હોવી જોઈએ.


આ બાબતમાં અત્યારે પ્રચલિત ન્યાયપદ્ધતિના સર્વસ્વીકૃત નિયમની પણ ફેર વિચારણા થવી જોઈએ. અત્યારે જ્યાં જઈએ ત્યાં સાંભળીએ છીએ કે નવ્વાણું ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા થવી ન જોઈએ. આ સૂત્ર વ્યક્તિના લાભ માટે છે, પણ સમાજને નુકસાનકારક છે. એક નિર્દોષ માણસને બચાવવા જતાં નવ્વાણું ગુનેગારો સમાજમાં મોકળા મૂકી દેવાય તો સમાજ ગુનાખોરીથી ઊભરાઈ રહે અને આજે આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. સમાજમાં વિવિધ ગુનાખોરીનો ફેલાવો એટલો વધ્યો છે કે સજ્જન માણસોને લોકો મૂરખ ગણતા થયા છે. ખાસ કરીને શરાફી લૂંટ ચલાવનારને આમ જનતા ગુનેગાર નહીં, પણ હોશિયાર ગણે છે. આવકવેરાની ચોરી આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગુનો હોય તેવું લોકો સ્વીકારતા નથી. લોકો ગુનેગારોને ધિક્કારતા નથી, પણ પૂજે છે. તેના પરિણામે આપણી સંસદો અને ધારાસભાઓ ગુનેગારોથી ખીચોખીચ ભરેલી છે.

[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી