પરિક્રમા / શું લોકસભાની ચૂંટણીનો ચમત્કારી પ્રભાવ હોય છે?

article by nagindas sanghvai

નગીનદાસ સંઘવી

Apr 07, 2019, 03:44 PM IST

દુનિયામાં ચમત્કારો કદી બનતા જ નથી તેવું કહેનાર અને માનવાવાળા લોકોએ ભારતમાં આવીને એકાદ વખત ચૂંટણી કાળનો માહોલ પોતાની નરી આંખે નિહાળવો જોઈએ, તો ચૂંટણી ઝુંબેશનાં ચાર-પાંચ અઠવાડિયાંમાં, અગણિત ચમત્કારોનો તેને અનુભવ થશે.
બધા લોકશાહી દેશોની માફક ભારતમાં પણ ચૂંટણીનો અર્થ બધા માટે એકસરખો નથી. આગેવાનો માટે ચૂંટણી સત્તાપ્રાપ્તિનું પર્વ છે અને પાંચ વર્ષની બાદશાહી મેળવવા માટે પરસેવાે પાડવાનો અને કાળાં-ધોળાં નાણાં પાણીની માફક વહેવડાવવાનો વખત છે. આમ જનતા માટે પોતાના બધા ઉફાળા ઠાલવી નાખવાનો અવસર છે. ચૂંટણી વખતે બધા જ રાજકારણનાં પંડિત બની જાય છે.

  • સમજદાર નાગરિક માટે ચૂંટણીની ઉછળકૂદ રાજકારણના મંચ પર ખેંચાઈ રહેલું અત્યંત રસપ્રદ નાટક છે અને નાટક જેટલી જ ચૂંટણી ક્ષણભંગુર છે

ચૂંટણીનો ચમત્કાર કહો કે ન કહો, પણ આડા દિવસે જેમની સામે કોઈ નજર પણ ન કરે તેવા ટેણિયા મેણિયા લોકો પણ ચૂંટણી વખતે રાજા પાઠમાં આવી જાય છે અને ભલભલા મહાનુભાવોએ તેમની હામાં હા મેળવવી પડે છે. આગેવાનો માટે ચૂંટણીના દિવસો મહાત્રાસરૂપ હોય છે. ટિકિટ મેળવવાની કડાકૂટ અને ઉમેદવારી નોંધાવ્યા પછી મતદારોને રીઝવવાની માથાકૂટ ચૂંટણી વખતે આગેવાનોએ મતદારોની સીધી આડકતરી ખુશામત કરવી પડે છે. કોઈ પોતાને રીઝવવાની કોશિશ કરે તે દરેક સ્ત્રીને ગમે છે તેમ મતદારોને પણ આવી રીઝવણીનો નશો ચડે છે, કારણ કે મતદારોએ પોતાની મહત્તા દેખાડવાના આ દિવસો છે. ચૂંટણી કેટલાક નવા ધંધાઓનું સર્જન કરે છે. ઝંડાઓ, બેનરો, ટોપીઓ, પતાકડાંઓના ધંધાદારીઓને ચૂંટણીના વખતે મરવાની ફુરસદ હોતી નથી અને કોની કેટલી હાર-જીત થશે તેની સટ્ટાબાજી જોરશોરથી ચાલવા માંડે છે. ચૂંટણીના ચમત્કારી પ્રભાવના કારણે આગેવાનોએ લાચારી બતાવવી પડે છે અને મતદારો પોતાની મહત્તા દેખાડે છે. ‘હું મત માગવા આવ્યો નથી, પણ કોંગ્રેસને મત આપનો તેવો હુકમ કરવા આવ્યો છું’ તેવું કહેનાર સરદાર વલ્લભભાઈઓ અને હું થાંભલાને મત આપવાનું કહું તો થાંભલાને મત આપજો તેવી ગર્જના કરનાર જિન્નાહ સાહેબો હવે દેખાતા નથી. ઉમેદવારો અને મતદારો બંને જાણે છે કે ચાર દિવસની ચાંદની છે અને પરિણામ આવ્યા પછી જીતેલા ઉમેદવારના તોરતેવર બદલાઈ જવાના છે. પછીનાં પાંચ વર્ષ લોકોએ પોતાનાં કામ કરાવવા માટે પોતાના પ્રતિનિધિઓની જીહજૂરી કરવી પડે છે. ચપટી વગાડતામાં તો બદલાઈ જતાં આ સમીકરણો સમજીએ તો ચમત્કારી લાગે.
પણ આ લોકસભાની ચૂંટણીનો સૌથી મોટો ચમત્કાર રાજવંશી કુટુંબના વર્તાવમાં દેખાય છે. યુરોપ-અમેરિકાના રંગે રંગાયેલા ગાંધીકુટુંબે કોઈ દિવસ મંદિર કે તીર્થનાં પગથિયે પગ માંડ્યાનું કોઈએ જોયું નથી, પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પારસી-ખ્રિસ્તી વંશ વારસો વિસારીને પોતાને સવાયા હિન્દુ પુરવાર કરવાની તનતોડ મહેનત કરે છે અને મા-બાપને બાજુએ મૂકીને પર દાદાની જ્ઞાતિની આંગળી પકડી લીધી છે. ઇન્દિરા ગાંધી પારસીને પરણ્યાં અને રાજીવે ખ્રિસ્તી સન્નારી જોડે સંસાર માંડ્યો, પણ રાહુલે મોતીલાલ નેહરુની માફક જનાેઈધારી હિન્દુ હોવાનો દાવો કર્યો અને ઝબ્બાની બહાર જનાેઈ પહેરી કેદારનાથની યાત્રા કરી. બંને ભાઈ-બહેન મંદિરોમાં દર્શને જાય છે અને પૂજાપાઠ પણ કરે છે. આવું તો પોતાને ચુસ્ત સનાતની હિન્દુ કહેવડાવનાર ગાંધીએ કદી કર્યું નથી. ત્રણ દાયકામાં ગાંધીજી કદી મંદિરે ગયા નથી અને પૂજાપાઠ કર્યા નથી. (શરૂઆતનું પ્રવાસ વર્ષ અમદાવાદરૂપ છે.)
ભાજપી આગેવાનો કંઈ ઊણા ઊતરે તેવા નથી. ત્રણ વર્ષ સુધી આઝાદી અને રાષ્ટ્રધ્વજની અવગણના કરનાર સંઘ પરિવારના આ વારસદારો રાષ્ટ્રધ્વજની વંદના માટે મારફાડ કરે છે અને સંઘ પર પ્રતિબંધ મૂકીને ગુરુજીને જેલમાં બેસાડનાર વલ્લભભાઈ પટેલનાં પૂતળાં ઊભાં કરે છે. રામમંદિર બંધાશે તેવી આશા જગાવીને સિંહાસને બેઠેલા લોકોએ રામમંદિરનું નામ લેવાનું ટાળ્યું છે અને હિન્દુત્વના આ પ્રખર ઝંડાધારીઓ વિશ્વહિન્દુ પરિષદની એક માગણી પૂરી થવા દેતા નથી. સબકા સાથ, સબકા વિકાસના સૂત્રમાં કશું ખોટું-ખરાબ નથી, પણ આ સંઘ પરિવારની મૂળભૂત વિચારધારા તો નક્કર છે, પણ સત્તાપ્રાપ્તિની સાધના વખતે આવા વિરોધાભાસોની કશી નવાઈ નથી. સત્તા કે સિદ્ધાંત વચ્ચે પસંદગી કરવાની હોય તો રાજકીય આગેવાન હંમેશાં સત્તાને વળગે છે.
રાજકારણ સંતત્વનું સાધના ક્ષેત્ર નથી, પણ શક્તિનો અખાડો છે. જેનામાં શક્તિ ન હોય અને શક્તિનો દુરુપયોગ કરવાની તૈયારી ન હોય તેણે રાજકારણમાં જવું નહીં. અમેરિકાના પ્રમુખ લિન્ડેન જ્હોન્સન હંમેશાં કહેતા કે ગરમી સહન ન કરી શકે તેણે રસોયાનો ધંધો કરવો નહીં. સમજદાર નાગરિક માટે ચૂંટણીની ઉછળકૂદ રાજકારણના મંચ પર ખેંચાઈ રહેલું અત્યંત રસપ્રદ નાટક છે અને નાટક જેટલી જ ચૂંટણી ક્ષણભંગુર છે. નાટક અને ચૂંટણી પૂરાં થાય તે અગાઉનો અને ત્યાર પછીનો માહોલ તદ્દન જુદા હોય છે.
[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી