નગીનદાસ સંઘવી / 2019ની લોકસભા ચૂંટણી વ્યક્તિલક્ષી બની જવાની!

article by nagindas sanghvai

તડ ને ફડ

Mar 20, 2019, 02:10 PM IST

2019ની લોકસભાની ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર થઈ ગયા પછી રાબેતા મુજબની બધી પ્રક્રિયાઓ ચાલુ થઈ છે અને આચારસંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી લોકસભા કે વિધાનસભાની ચીલાચાલુ ચૂંટણી નથી અને તેનાં પરિણામ માત્ર સત્તાના પરિવર્તન પૂરતાં મર્યાદિત રહેવાનાં નથી. અનેક પરિબળો અને પ્રવાહોના કારણે આ ચૂંટણી પછી ભારતીય રાજકારણનું સમગ્ર વાતાવરણ અને તેની પરિભાષામાં નોંધપાત્ર ફેરફાર થાય તેવી સંભાવના હોવાથી, આ ચૂંટણીને લાંબી નજરે જોવી અને મૂલવવી જરૂરી બની જાય છે.

આ ચૂંટણીમાં મહત્ત્વના જે મુદ્દાઓ ‘બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર’ અખબારો અને અભ્યાસીઓએ તારવી કાઢ્યા છે તે મુદ્દાઓ ઉપરાંત કેટલાક દુરગામી મુદ્દાઓ પણ તેમાં સંડોવાયા છે. આ ચૂંટણી રાજકીય પક્ષો વચ્ચેનો ટકરાવ નથી, પણ નરેન્દ્ર મોદી આ સમગ્ર ચૂંટણી ઝુંબેશમાં કેન્દ્રના સ્થાને છે. 1971ની ચૂંટણી ‘ઇન્દિરા હટાવ’ના મુદ્દા પર લડવામાં આવી તેમ 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હટાવનો મુદ્દો મુખ્ય મુદ્દો છે. ભાજપનું વલણ રામ માધવે સ્પષ્ટ કરી દીધું છે. ભાજપી મોરચાનો દાવો છે કે નરેન્દ્ર મોદી 2019 પછી વડાપ્રધાન ન બને તો દેશમાં અરાજકતા, અસ્થિરતા અને અંધાધૂંધી ફેલાશે. વિરોધ પક્ષો વિવિધ સૂરમાં એક જ વાત કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને પછાડવામાં ન આવે તો અનેક બંધારણીય સંસ્થાઓનો કચ્ચરઘાણ નીકળી જશે. આ સંસ્થાઓ, બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે, ભારતને ગાંધી જોઈએ કે ગોડસે જોઈએ તે મુદ્દે આ ચૂંટણી લડાઈ રહી છે.

  • 2019ની ચૂંટણી પક્ષ કે વિચારધારા અથવા વહીવટી મુદ્દાઓના આધારે લડવાના બદલે વ્યક્તિલક્ષી બની જવાની છે. બીજી રીતે કહીએ તો આવી ચૂંટણી એક જ વ્યક્તિની આસપાસ ઘૂમરાયા કરશે

આ બંને અભિગમ ભારતીય લોકશાહીએ ખોટા ઠરાવ્યા છે. ઇન્દિરા ગાંધી જીત્યાં પછી ભારતમાં અરાજકતાનો ફેલાવો વધારે થયો અને લોકશાહીનું ગળું ઘોંટી નાખે તેવી કટોકટી દોઢ વર્ષ સુધી ચાલતી રહી. નરેન્દ્ર મોદી ચૂંટાય તો દેશમાં રાજકીય અસ્થિરતા વધવાનો સંભવ છે, કારણ કે નરેન્દ્ર મોદીનો સર્વસ્વીકૃત પર્યાય હજુ મેદાનમાં દેખાતો નથી, પણ તેના કારણે અંધાધૂંધી કે અરાજકતા ફેલાશે તેવો ડર રાખવાનું કારણ નથી. ભારતમાં અનેક અસ્થિર મંત્રીમંડળો દેખાયાં છે, પણ આ અસ્થિરતા ભારતીય લોકશાહીએ પચાવી લીધી છે.
ટૂંકમાં, 2019ની ચૂંટણી પક્ષ કે વિચારધારા અથવા વહીવટી મુદ્દાઓના આધારે લડવાના બદલે વ્યક્તિલક્ષી બની જવાની છે. બીજી રીતે કહીએ તો આવી ચૂંટણી અમેરિકન પ્રમુખની ચૂંટણીની જેમ એક જ વ્યક્તિની આસપાસ ઘૂમરાયા કરશે. રાજ્યશાસ્ત્રીય ભાષામાં કહેવું હોય તો આવી ચૂંટણીને ‘ધોનાપાટિસ્ટ’ કહેવી જોઈએ. ફ્રાન્સના રાજકારણમાંથી અપનાવવામાં આવેલો આ શબ્દ હવે અલગ સંદર્ભમાં પણ વપરાય છે.

ભારતમાં બે મુખ્ય રાજકીય પક્ષો છે. ભાજપ અનેક પછડાટો ખમીને, એક વખત મરીને જીવતો થયેલો પક્ષ છે અને તેનું બળ અને પ્રભાવ ધીમે-ધીમે વધ્યાં છે. કોંગ્રેસ ધીમે-ધીમે નબળો પડી રહેલો પક્ષ છે અને ત્રણ વખત પછડાટ ખાધા પછી બેઠો થયેલો પક્ષ છે. કોંગ્રેસ પક્ષ માટે આ ચૂંટણી ચોથી અને સૌથી આકરી પરીક્ષા છે. નેહરુના જમાનાની સામુદાયિક આગેવાની ધરાવતી કોંગ્રેસને ઇન્દિરા ગાંધીએ પરિવારવાદી બનાવી દીધી. કોંગ્રેસ પક્ષ એક થાંભલા પર આધારિત પક્ષ છે અને થાંભલો મજબૂત ન હોય તો કોંગ્રેસ ટકી શકતી નથી. 2019ની ચૂંટણી ગાંધી પરિવારના મોભી રાહુલ ગાંધીની મજબૂતી અને આગેવાનીની કસોટી છે. કોંગ્રેસમાં અનેક સમર્થ આગેવાનો છે, પણ તેમાંથી કોઈને આગેવાની માટે આગળ કરવામાં આવતા નથી. કોંગ્રેસ કારોબારીની છેલ્લી બેઠક ગુજરાતમાં મળી ત્યારે રાહુલ-પ્રિયંકા જેવાં શીખાઉ આગેવાનોને જે પ્રખ્યાતિ મળી તે મનમોહનસિંહ કે દિગ્વિજય સિંહ જેવા પીઢ નેતાઓને આપવામાં આવી નથી.
2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આ સ્વરૂપની કસોટી થવાની છે. રાહુલ ગાંધી નોંધપાત્ર ફતેહ મેળવવામાં નિષ્ફળ જાય, તો કોંગ્રેસે ગાંધી પરિવારને વળગી રહેવું કે સામુદાયિક તંત્ર અપનાવી લેવું તે સવાલ ઊભો થશે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસમુક્ત ભારતનું આપેલું સૂત્ર સંસદીય લોકશાહીને નુકસાનકારક છે. સંસદીય લોકશાહીમાં એક જ પક્ષ છવાઈ જાય તો તે લોકશાહી દુ:ખી ન બની જાય? દરેક રાજકીય પક્ષ માટે પોતાની જીત જરૂરી હોય છે, પણ રાષ્ટ્ર માટે કોણ જીતે તેના કરતાં કેવો પક્ષ જીતે છે તે મહત્ત્વનું છે, તેથી નરેન્દ્ર મોદીનું વધારે સાચું સૂત્ર ‘પરિવારમુક્ત કોંગ્રેસ’ હોવું જોઈએ. નરેન્દ્ર મોદી પણ કોંગ્રેસ કરતાં પરિવારને જ ઉતારી પાડવાના તોપગોળા ફેંકે છે.

  • 1989 પછીની ભારતની તમામ રાષ્ટ્રીય સરકારો મોરચા સરકારો જ રહી છે. મોરચા સરકારોએ ઘણા પક્ષોનાં હિત જાળવવાનાં હોવાથી સરકાર હંમેશાં નબળી હોય છે

નબળી પડી ગયેલી કોંગ્રેસના રાજકીય સ્થાને બેસવા માટે તલપાપડ થયેલા પ્રાદેશિક પક્ષોએ નરેન્દ્ર મોદીને પછાડવા માટે એકજૂટ થવાની કવાયત શરૂ કરી અને બધાં પ્રાદેશિક પરિબળોએ ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષોને બાજુએ સારવીને રાષ્ટ્રીય લોકસભામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે મહાગઠબંધનનો પ્રયાસ શરૂ કર્યો, પણ તેમાં કશી સફળતા મળી નથી. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ અને વિશાળ રાષ્ટ્રમાં દરેક પ્રદેશની લાક્ષણિકતા પ્રગટ થાય અને તેની બધી જરૂરિયાતો સંતોષાય તે જરૂરી છે, તેથી રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો રચાયા છે અને જામ્યા છે. તમિલનાડુમાં 1977થી આજ સુધી દ્રમુક અને અન્નાદ્રમુક જેવા પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે અને ભાજપ-કોંગ્રેસ બંનેની બાદબાકી થઈ છે. બંગાળમાં 1977થી 2009 સુધી માર્ક્સવાદી પક્ષે એકહથ્થુ રાજસત્તા ભોગવી અને ત્યાર પછી મમતા બેનર્જીનો તૃણમૂલ પક્ષ સત્તાધીશ બન્યો.
આપણા રાજકીય ઇતિહાસમાં 1989 પછી નબળા પડી ગયેલા રાષ્ટ્રીય પક્ષો એકલા હાથે લોકસભામાં બહુમતી બેઠકો મેળવી શકે તેટલી શક્તિ ગુમાવી બેઠા હોવાથી, તેમણે પ્રાદેશિક પક્ષો જોડે મોરચાઓ રચવાની શરૂઆત કરી. 1989 પછીની ભારતની તમામ રાષ્ટ્રીય સરકારો મોરચા સરકારો જ રહી છે. મોરચા સરકારોએ ઘણા પક્ષોનાં હિત જાળવવાનાં હોવાથી અનેક સમાધાનો કરવાં પડે છે, તેથી મોરચા સરકાર હંમેશાં નબળી સરકાર હોય છે.

રાષ્ટ્રીય પક્ષો જેટલા નબળા પડે અને પ્રાદેશિક પરિબળો જેટલાં મજબૂત થાય, તેટલું રાષ્ટ્રીય એકતા પર જોખમ ઊભું થાય છે. પ્રાદેશિક આગેવાનોની રાષ્ટ્રભાવના ગમે તેટલી મજબૂત હોય, છતાં તેમનું વલણ અને વર્તાવ હંમેશાં પોતાના પ્રદેશનું મહત્ત્વ વધારવાનો હોય છે. ભારતમાં 29 રાજ્યો છે, પણ ભારત માત્ર 29 રાજ્યોનો સરવાળો માત્ર નથી, કારણ કે પ્રાદેશિક હિત ઉપરાંત રાષ્ટ્ર હિત પણ તદ્દન અલગ વિભાવના છે. બંધારણમાં ભારતને રાજ્યોનો સંઘ કહેવામાં આવ્યો છે, પણ ભારત રાજ્યોના સંઘ ઉપરાંત સવિશેષ રાષ્ટ્રભાવનાના નાજુક પણ મજબૂત તાંતણાથી બંધાયેલું છે.
આ રાષ્ટ્રભાવના ભારતીય જનતાના માનસમાં હજુ જોઈએ તેટલા રૂઢ થયા નથી. મોટી આફત કે કટોકટી વખતે, ચીની આક્રમણ વખતે, ત્રાસવાદીઓના હલ્લાઓ વખતે આખું રાષ્ટ્ર એકતા અનુભવે છે, પણ સામાન્ય રીતે ભારતીય જનતા પોતપોતાના પ્રદેશ માટે વધારે ઉત્કટ લાગણી અનુભવે છે. રાષ્ટ્રીયતા અને પ્રાદેશિક ભાવનાઓ વચ્ચેની સમતુલા જાળવવાનું કામ રાષ્ટ્રીય પક્ષો બજાવે છે. આઝાદી પછી ઊભી થયેલી અનેક કટોકટી વખતે ભારતની એકતા જાળવી રાખવાનું કામ કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષે બજાવ્યું છે. પ્રાદેશિક પક્ષોની હયાતી જરૂરી છે, પણ તે રાષ્ટ્રીય રાજકારણમાં છવાઈ જાય ત્યારે અસ્થિરતાનો યુગ શરૂ થાય છે. લોકસભાની કુલ બેઠકોમાંથી 8થી 70 ટકા બેઠકો રાષ્ટ્રીય પક્ષોના ફાળે જવી જોઈએ, જેથી રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક માનસિકતા બંનેનો સમન્વય થઈ શકે.

[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી