પરિક્રમા / કોઈપણ દેશમાં સ્ત્રીઓને સમાન દરજ્જો પ્રાપ્ત થયો નથી

article by nagindas sanghvai

નગીનદાસ સંઘવી

Mar 17, 2019, 02:59 PM IST

વિશ્વ મહિલા દિન આખી દુનિયામાં ધામધૂમથી ઊજવાયો. ઉજવણી મોટાભાગે અખબારો અને વિજાણુ મીડિયામાં થઈ, કારણ કે આવી ઉજવણીથી સ્ત્રીઓની પરિસ્થિતિમાં કે સ્ત્રીઓના દરજ્જામાં ખાસ કશો ફેરફાર થવાનો કોઈ સંભવ નથી. આદી અનાદિકાળથી દુનિયાની તમામ સંસ્કૃતિઓમાં અને દરેક સમાજમાં સ્ત્રીઓનું સ્થાન હંમેશાં ઊતરતું જ ગણાયું છે અને આજથી લગભગ બારસો વરસ અગાઉ નીકિયા શહેરમાં ખ્રિસ્તીઓના વડા ધર્મગુરુઓ-બિશપોની પરિષદ મળેલી. ત્રણ દિવસ ચાલેલી આ મહાપરિષદ અતિ ગંભીર પ્રશ્નની ચર્ચા કરવા માટે મળી હતી. સવાલ હતો કે સ્ત્રીઓને આત્મા હોય છે કે હોતો નથી. ત્રણ દિવસનાં ભારેખમ પ્રવચનો અને ઉગ્ર વાદવિવાદ પછી નક્કી કરવામાં આવ્યું કે સ્ત્રીઓને આત્મા હોય છે.

  • સ્ત્રી સમાનતાની લડતને સવાસો-દોઢસો વરસ થયાં છે, પણ હજી તેના વૃક્ષને ફળ બેઠાં નથી. સ્ત્રીઓનું સ્થાન હીન જ રહ્યું

સ્ત્રી અને પુરુષ પ્રાણીઓમાં નર અને માદા સમાન હોય છે. હાથ-પગ, શરીરની આકૃતિ, લોહી, મગજ, હાડકાં કે સ્નાયુઓની બાબતમાં સ્ત્રી-પુરુષનાં અંગઉપાંગોમાં કશો તફાવત હોતો નથી. માત્ર લિંગભેદ હોય છે અને સ્ત્રીના શરીરમાં ગર્ભાશય અને પ્રજનન ક્રિયા જોડે સંકળાયેલાં ઉપાંગો હોય છે તેવા પુરુષના શરીરમાં હોતાં નથી. નર-માદાનો આ ભેદ કુદરતે વંશવૃદ્ધિ માટે ગોઠવ્યો છે અને માતૃશરીર હજારો અને કરોડો વરસથી પ્રાણી સૃષ્ટિને ટકાવી રાખવા માટે સક્ષમ પુરવાર થયું છે. નવા જીવને જન્મ આપવાની અને તેને પોષણ આપીને ઉછેરવાની શક્તિ કેવળ સ્ત્રીઓને મળેલું કુદરતી વરદાન છે, પણ આ વરદાનની હંમેશાં અવગણના કરવામાં આવી છે.

વિદ્યાની દેવી તરીકે સરસ્વતી, સંપત્તિની દેવી લક્ષ્મી અને શક્તિનું પ્રતીક દુર્ગાને પૂજનાર ભારતીય સમાજમાં સ્ત્રીઓને ભણતર, ધન અને શક્તિથી વંચિત રાખવામાં આવી, પણ આ બાબતમાં કેવળ ભારતને દોષ આપી શકાય તેમ નથી. જગતની અત્યાર સુધીની બાવીસ સંસ્કૃતિઓમાં સૌથી વધારે ઓજસ્વી ગ્રીક સંસ્કૃતિ જ્ઞાન, વિજ્ઞાન, કલાકૃતિ અને રમતગમતમાં મોખરે છે, પણ ત્યાં પણ સ્ત્રીઓનું સ્થાન અતિશય હીન રહ્યું, પણ સ્ત્રીઓની અવગણના અને દુર્દશા અંગેનો પહેલો અવાજ યુરીપીડીસનાં નાટકોમાં સંભળાય છે, પણ સ્ત્રીમુક્તિ અને સ્ત્રીઓના સશક્તિકરણ ઔદ્યોગિક ક્રાંતિની પેદાશ છે. યંત્રોના ઉપયોગથી પેદા થયેલી આમજનતાની ગરીબી ટાળવા માટે સ્ત્રીઓ કારખાનામાં જતી થઈ અને કામકાજનાં અન્ય ક્ષેત્રોમાં પણ તેનાં પગલાં પડ્યાં. પોતાની શક્તિ અને આવડત પુરુષ કરતાં તસુભાર ઊતરતાં નથી તેવી ખાતરીથી બંધાયેલા આત્મવિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના હક અને પોતાના અધિકાર માટે લડત ચલાવી અને ઇંગ્લેન્ડના રાજકારણમાં સ્ત્રીઓએ પોતાનો મતાધિકાર માગવા માટે ચલાવેલી લડત-(1904/10) સફ્રાજેટી મૂવમેન્ટે ગાંધીજીના સત્યાગ્રહનું કાઠું બાંધી આપ્યું. કાયદા તોડતા, જેલમાં જવું તે સ્ત્રીઓએ ગાંધીજીને શીખવ્યું.

સ્ત્રી સમાનતાની લડતને સવાસો-દોઢસો વરસ થયાં છે, પણ હજી તેના વૃક્ષને ફળ બેઠાં નથી. કોઈ દેશમાં હજી સુધી સ્ત્રીઓને સમાનતા અને સમાન દરજ્જો પ્રાપ્ત થયો નથી તેથી વિશ્વ મહિલાદિનની ઉજવણી નારીજાતિની ઉડાવવામાં આવતી ઘાતકી મશ્કરી છે. સ્ત્રીઓ પુરુષોનાં બધાં કામ તેના જેટલી જ ચપળતાથી બજાવી શકે છે, કારણ કે વિજ્ઞાને શારીરિક તાકાતમાં ભેદ ભૂંસી નાખ્યા છે. સ્ત્રીઓનાં શરીર કુદરતે થોડા નાજુક બનાવ્યાં છે અને સ્નાયુ શક્તિ સ્ત્રીઓમાં પુરુષો કરતાં ઓછી હોય છે. તેથી જૂના જમાનાનાં વજનદાર હથિયારો-તલવાર કે ભાલા સ્ત્રીઓ વાપરી શકે નહીં, પણ રિવોલ્વર કે રાઇફલમાં શક્તિ કરતાં ચપળતા વધારે જોઈએ અને પુરુષ કરતાં ઘણી વધારે ચપળતા ધરાવનાર સ્ત્રીઓ આ નવાં શસ્ત્રો વાપરવામાં પુરુષોથી ચડિયાતી સાબિત થઈ છે.

વિકાસની બાબતમાં સ્ત્રીઓ પાછળ પડી ગઈ તેનું બીજું મોટું કારણ બાળજન્મ છે. બાળક જન્મે તેના બે-ત્રણ મહિના અગાઉ અને બે-ત્રણ મહિના પછીના સ્ત્રીઓ શારીરિક રીતે દુર્બળ બની રહે છે અને માણસના બચ્ચાને મોટું કરવામાં વરસો લાગી જાય છે. ગાય ભેંસ કે સિંહ, હાથીનાં બચ્ચાં જન્મ્યા પછી તરત જ ઊભા થઈ જાય છે, પણ માણસનાં બચ્ચાં જન્મે ત્યારે તદ્દન નકામું અને બધી રીતે પાંગળું હોય છે. તેના ઉછેરમાં સ્ત્રીઓનો ઘણો સમય અને શક્તિ વપરાય છે.

જૂના જમાનામાં સુવાવડ પર કશો અંકુશ ન હોવાના કારણે સ્ત્રીઓએ જનાનખાનામાં પુરાઈ રહેવું પડતું, પણ વિજ્ઞાને બાળજન્મનો સમય લંબાવવાની અને ઠરાવવાની શક્તિ મેળવી આપી છે અને બાળજન્મનું સ્ત્રીઓ ધારે તે રીતે નિયમન કરી શકે છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક કારણસર સ્ત્રીઓએ વધારે બાળકોને જન્મ આપવો તેવી સલાહ કેટલાક મૂરખ જેવા આગેવાનો અને સાધુઓ આપે છે. તેમને યુરીપીડીસના ‘ટ્રોજન વિમેન’ નાટકના શબ્દો યાદ કરાવીએ. રાજા બડાઈ મારે છે કે અમે પુરુષો વધારે સમર્થ છીએ, કારણ કે અમે યુદ્ધના જખમ સહન કરીએ છીએ. રાણીનો જવાબ છે, ‘તું એક પ્રસૂતિની પીડા ભોગવી બતાવ તો હું તારા હજાર યુદ્ધના જખમ વેઠવા તૈયાર છું.’

લાંબા સમયની ગુલામીના કારણે સ્ત્રીઓને પોતાની પરાધીનતા પણ કોઠે પડી ગઈ છે. અંગ્રેજીમાં કહેવત છે કે ગુલામીની બેડી કઠે ત્યાં સુધી તમે ગુલામ નથી, પણ બેડીને બંગડી ગણીને શોભા-શણગાર ગણે તે માનસ ગુલામ છે.

[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી