નગીનદાસ સંઘવી / બફાટ કરવામાં નેતાઓ ક્યારેય ખચકાતા નથી!

article by nagindas sanghavi

પરિક્રમા

Apr 14, 2019, 04:01 PM IST

ચૂંટણી ઝુંબેશનાં ભાષણો વાંચીએ ત્યારે આપણા આગેવાનો મૂરખ છે કે આમ જનતા અણસમજુ છે, તેની વિમાસણ થયા વગર રહેતી નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના માન્ય પ્રચારક યોગી આદિત્યનાથે ભારતીય સેના માટે ‘મોદીજી કી સેના’ શબ્દપ્રયોગ કરીને વંટોળ જમાવ્યો છે.

  • સેનાની વાત જવા દઈએ, પણ સરકાર પણ મોદીની નથી. મોદી સરકાર કહીએ, લખીએ છીએ તે કેવળ સગવડ ખાતર છે

ખરી રીતે તો આ વાક્યમાં બે બફાટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ત્રાસવાદીઓને બિરયાની ખવડાવે છે ત્યારે મોદીજીની સેના તેમને ગોળી અને બોમ્બથી ખતમ કરે છે. બિરયાનીનો સંદર્ભ વિસારે પડી ગયો છે. 2008માં મુંબઈ પરના ત્રાસવાદી હુમલા વખતે જીવતા પકડાયેલા કસાબને ફાંસી આપતા પહેલાં તેની માગણી અનુસાર બિરયાની અપાયાના હેવાલો અખબારોમાં પ્રગટ થયા હતા. ફાંસીની સજા પામેલો ગુનેગાર ત્રાસવાદી હોય કે ન હોય, પણ તેની છેલ્લી માગણી હંમેશાં માન્ય રાખવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ત્રાસવાદીઓ સામે વધારે કડક હાથે કામ લેવાની નીતિ અપનાવી તે વાત ખરી છે, પણ મોદીજીની સેના કહેવામાં યોગી આદિત્યનાથે બંધારણની બાબતમાં પોતાનું અજ્ઞાન છતું કર્યું છે. સેનાની વાત જવા દઈએ, પણ સરકાર પણ મોદીની નથી. મોદી સરકાર કહીએ, લખીએ છીએ તે કેવળ સગવડ ખાતર છે. રાષ્ટ્રપતિ કે ભારત પ્રમુખ કહેવાય છે તે પણ બંધારણની રીતે ખોટું છે. ભારત રાજ્ય નથી, પણ રાજ્યોનો સંઘ છે અને આ સંઘના વડા-સંઘપ્રમુખ સરકાર અને સેના બંનેના સર્વોચ્ચ વડા છે. સંઘનો પ્રમુખ સેનાનો સરસેનાપતિ છે અને સૈનિકો તથા અફસરો તેને વફાદાર રહેવાના શપથ લે છે. સરકાર પણ પ્રમુખની સરકાર છે અને પ્રમુખ પાર્લામેન્ટમાં પ્રવચન કરે ત્યારે હંમેશાં ‘મારી સરકાર’ તેવો શબ્દપ્રયોગ કરે છે. યોગીજીએ ‘પ્રમુખની સેના’ શબ્દ વાપર્યો હોત તો કોઈથી વાંધો લઈ શકાય નહીં. સંઘનો પ્રમુખ હંમેશાં વડાપ્રધાનની પસંદગી કરે છે અને ભારતના કોઈ પણ નાગરિકને પ્રમુખ વડો પ્રધાન બનાવી શકે છે. ભારતનો પ્રમુખ વડાપ્રધાનને બરતરફ કરી શકે કે નહીં તે બાબતમાં ઘણી ચર્ચાઓ થઈ છે. ‘પ્રમુખ સંજીવ રેડ્ડી અને વિરોધ પક્ષો સાથે મળીને મને બરતરફ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.’ તેવો આરોપ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જાહેર પત્રકાર પરિષદમાં કર્યો હતો. આ આક્ષેપ બિનપાયાદાર હતો, પણ ઇન્દિરા ગાંધીને હરહંમેશ ચોતરફ કાવતરાખોરો જ નજરે ચડે તેવું તેમનું માનસ ઘડાયું હતું, પણ આ ડરના કારણે તેમણે ઝૈલસિંહ જેવા ખુશામતખોર અને કોમવાદીને સંઘપ્રમુખ બનાવ્યા (1982). ‘ઇન્દિરાજી આદેશ આપે તો હું ઝાડુ લગાવવા તૈયાર છું’ તેવી જાહેરાત પણ તેમણે કરેલી. રાજીવ ગાંધી અને ઝૈલસિંહ વચ્ચેનો અણબનાવ જાણીતો છે અને તેના કારણે વડાપ્રધાન રાજીવ ગાંધીએ ‘જુઠ્ઠાડા’ (Liar) હોવાનો આક્ષેપ સહન કરવો પડેલો. 1988માં ઝૈલસિંહ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી તરીકે બરતરફ કરશે તેવી અફવા જોરશોરથી ચાલેલી. અફવા તદ્દન ખોટી ન હતી, પણ બંધારણમાં પ્રમુખને વડાપ્રધાન નીમવાની સત્તા છે, બરતરફ કરવાની સત્તા આપવામાં આવી નથી. તેથી સરકાર અને સેના ભારતીય રાષ્ટ્રની બે પાંખ વહીવટી અને લશ્કરી બંને પ્રમુખના તાબેદાર છે. લશ્કરને રાજકારણથી, પક્ષાપક્ષીથી વેગળું રાખવામાં આવે છે.
રાજકારણના અભ્યાસ માટે ગુજરાતી ભાષામાં જરૂરી શબ્દો નથી, પણ અંગ્રેજી ભાષામાં રાજ્ય માટે State અને સરકાર માટે Government શબ્દ વપરાતો હોવાથી વૈચારિક સ્પષ્ટતાનો લાભ મળે છે. આપણે રાષ્ટ્ર શબ્દ પણ ખોટી રીતે વાપરીએ છીએ. રાષ્ટ્ર માટે અંગ્રેજી ભાષામાં Nation શબ્દનો તરજુમો છે અને રાષ્ટ્રને રાજ્ય અને સરકાર બંનેથી અલગ સમજવું જરૂરી છે. આ ભેદ લોકોના સ્વાતંત્ર્ય માટે જરૂરી છે. આપણે ત્યાં હમણાંથી કાશ્મીરી આગેવાનોને અથવા હાર્દિક પટેલને રાજ્યદ્રોહના આરોપી બનાવાયા છે. તેમણે સરકારનો દ્રોહ કર્યો છે, પણ રાજ્યનો દ્રોહ કર્યો નથી, કારણ કે રાજ્ય કાયમી, શાશ્વત અને સતત જીવંત રહેતી સંસ્થા છે. સરકારો તો જાય અને આવે છે. ભારત રાજ્ય છે.
મોદીનું પ્રધાનમંડળ સરકાર છે અને આ બંને કાયદેસર અને તાર્કિક દૃષ્ટિએ અલગ છે. સરકાર રાજ્યના વતી કામ કરે છે અને દેશો જોડે ભારત સરકાર જે કરાર કરે, ખરીદી કરે, જવાબદારી સ્વીકારે તે રાજ્યની ગણાય છે અને બીજી કોઈ સરકાર આવે તે પણ તેનાથી બંધાયેલી છે. આંતરરાષ્ટ્રીય વહેવારો સરકાર વચ્ચે થાય છે, પણ તે રાજ્યના વતી કરવામાં આવેલા ગણાય છે. મોદી સરકારે રાફેલ વિમાનોની ખરીદી કરી છે. હવે પછી તેમની કે બીજા કોઈની સરકાર આવે તો પણ આ ખરીદી અને બંધણી તેણે કબૂલ રાખવી પડે છે.
આપણા રાજકીય આગેવાનો મોટાભાગે અજાણ હોય છે, તેથી યોગી આદિત્યનાથ પાસેથી આ બધી તાત્ત્વિક જાણકારીની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેમના માટે વડાપ્રધાન મોદી દરેક ક્ષેત્રમાં વડા છે અને તેથી તેમણે ‘મોદીજીની સેના’ જેવો શબ્દપ્રયોગ કદાચ કર્યો હશે.

[email protected]

X
article by nagindas sanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી