Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-12

સ્ત્રી હોય કે પુરુષ, લાભ લે છે એકબીજાની નબળાઈનો

  • પ્રકાશન તારીખ21 Oct 2018
  •  

પુરુષો તરફથી સહન કરવી પડતી પળોજણ, છેડતી ને બળાત્કારની ફરિયાદ વ્યવસાયમાં રોકાયેલો શિક્ષિત અને સ્વકમાણી પર નિર્ભર બહેનો સતત કરતી રહી છે અને હવે ભારતમાં પણ ઉઘાડે છોગે કરવા લાગી છે. મનોરંજનના ક્ષેત્રે સિનેમા નાટકોમાં કામ કરતી બહેનો અને પત્રકારત્વના ક્ષેત્રે આવી ફરિયાદોનું પ્રમાણ ઘણું વધારે છે. અશિક્ષિત અથવા કૌટુંબિક રીતે પરવશ બહેનોએ આવી છેડછાડ ઘણા વધારે પ્રમાણમાં ભોગવવી પડે છે પણ તેમની પરિસ્થિતિના કારણે તેમણે ચૂપ રહેવું પડે છે. પ્રતિષ્ઠિત એક્ટરો અને પત્રકારો સામે આવી ફરિયાદો ઘણાં વરસો પછી અને ક્યારેક તો દાયકાઓ પછી કરવામાં આવે છે અને નવા સુધારાયેલા કાયદા અનુસાર તેમની ગુનાખોરી અંગે પગલાં પણ ભરવામાં આવે છે.

ગમે તેટલાં આદર્શનાં વાજાં વાગે, પણ વ્યભિચારી સંબંધોનું પ્રમાણ આપણે માનીએ છીએ તેના કરતાં ઘણું વધારે છે

આ છેડછાડ અને પરેશાની આધુનિક જમાનામાં થાય છે અથવા માત્ર માનવ સમાજમાં જ થાય છે તેવું માની લેવાનું કારણ નથી. તમામ માનવસમાજમાં, પશુઓમાં અને પક્ષીઓમાં પણ નર તરફથી માદાઓને છેડવામાં આવે છે. આ બાબતમાં ઘણાં વરસ અગાઉ વિખ્યાત અંગ્રેજી નાટ્યલેખક બર્નાર્ડ શોએ પોતાના ‘પીગ્મેલિયન’ નાટકમાં એક સંવાદ લખ્યો છે. સ્ત્રીઓની બાબતમાં તમારું ચારિત્ર શુદ્ધ છે? તેવા સવાલનો જવાબ અપાયો છે કે સ્ત્રીઓની બાબતમાં શુદ્ધ ચરિત્ર હોય તેવો કોઇ પુરુષ તમે જોયો છે? મેં જોયો નથી. સ્ત્રી-પુરુષના દેહસંબંધ અંગેના આપણા ખ્યાલ ઘણા બદલાયા છે પણ આ બાબતમાં હજુ કશો ફેરફાર જોવા મળતો નથી.


વરસો સુધી અને વારંવાર આવી પરેશાની સહન કર્યા પછી ફરિયાદ કરનાર સ્ત્રીઓ પણ તદ્દન નિર્દોષ હોતી નથી. નોકરીધંધામાં બઢતી મેળવવા માટે, વધારે ઊંચા પગારની લાલચે અથવા વધારે પ્રતિષ્ઠિત કે સત્તાશીલ હોદ્દાઓ મેળવવા માટે સ્ત્રીઓ પોતાના શરીર જોડેનાં અડપલાં અંગે, અથવા શરીરની સોંપણી અંગે ચૂપ રહે છે અને ધાર્યા નિશાન સર કર્યા પછી વેરવૃત્તિ સંતોષવા માટે અથવા બીજા વધારે લાભ મેળવવા માટે જૂના પોપડા ઉખેળે છે. આ વાક્ય શિક્ષિત અને વ્યવસાયી બહેનોની બાબતમાં વધારે વ્યાપક રીતે લાગુ પાડી શકાય છે.


થોડા અપવાદ બાદ કરીએ તો આવી ફરિયાદો મોટાભાગે સાચી હોય છે અને સંસ્કારી સમાજના આદર્શ જોડે સુસંગત નથી. સ્ત્રીઓની આર્થિક નબળાઇ કે મહત્ત્વાકાંક્ષાનો ગેરલાભ લેનારને સજા થવી જોઇએ. તેમ આવી મહત્ત્વાકાંક્ષી મહિલાઓને પણ છેડછાડની ભાગીદાર ગણવી જોઇએ.


દરેક વ્યક્તિનું શરીર તેની પોતાની આગવી અસ્કયામત છે અને તેની ઇચ્છા કે મંજૂરી સિવાય તેનો ઉપભોગ કરી શકાય નહીં. તે બધી દલીલો તર્કશુદ્ધ હોવા છતાં વ્યવહાર જીવન તેના આધારે ચાલતું નથી. એકબીજાની નબળાઇઓનો લાભ સ્ત્રીઓ અને પુરુષો બંને લેતાં હોય છે. પોતાના આકર્ષણનો જાણીબૂઝીને દુરુપયોગ કરનાર સ્ત્રી-જાસૂસોએ અનેક માનવીઓના સંહારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.


દુનિયાના તમામ માનવસમાજમાં સ્ત્રીઓની તાબેદારીની અને પરવશતાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે અને આ પરંપરાથી સ્ત્રીઓનું માનસ પણ ઘડાયું છે. દેહસંબંધોમાં બંને પક્ષે સંમતિ અને જવાબદારી હોવા જોઇએ તે આદર્શના ગમે તેટલાં વાજાં વગડાવવામાં આવે પણ વ્યભિચારી સંબંધોનું પ્રમાણ આપણે માનીએ છીએ તેના કરતાં અનેક ગણું વધારે છે કારણ કે સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેની ભેદરેખા અતિશય પાતળી છે અને અતિશય અસ્થિર પણ છે. આ બાબતમાં કોઇ સર્વવ્યાપી અથવા સનાતન સિદ્ધાંતને વળગી રહેવાનું શક્ય નથી. બર્ટ્રાંડ રસેલ કહેતા તેમ નીતિ અંગેના નિયમો ભૌગોલિક છે અને દરેક વિસ્તારમાં, દરેક સમાજમાં અલગ અલગ હોય છે. આ બાબતમાં પોતાની વાત તદ્દન પ્રમાણિકતાપૂર્વક કહેનાર સ્ત્રી-પુરુષોની શોધ કરવી અઘરી થઇ પડે છે. આજે ફરિયાદ કરનાર બહેનો પણ પોતાની હકીકત પ્રમાણિકતાપૂર્વક કહેતી નથી. પોતાને પરેશાન કરનાર પુરુષોની બધી હકીકતોનું વર્ણન કરવામાં આવે છે પણ તે વખતની પોતાની મનોવૃત્તિ અથવા પોતાના પ્રતિભાવ કદાચ સાચી રીતે રજૂ કરવામાં આવતાં નથી. વારંવાર થતી આવી છેડછાડ અણગમતા મને સાંખી લેવાના બદલે આ પરિસ્થિતિથી મુક્ત થવાનું પગલું શા માટે ભરવામાં ન આવ્યું તે સવાલ નીતિસિદ્ધાંત અનુસાર તો પુછાવો જોઇએ કારણ કે છેડછાડ સાંખી લઇને પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરનાર સ્ત્રીઓ પણ આ દુષ્ટ વહેવાર માટે અંશત: જવાબદાર છે. છેડછાડ કરનારને તેમણે તાબડતોબ હડધૂત કેમ ન કર્યો. પોતાના શરીરનો દુરુપયોગ તેમણે શા માટે ચલાવી લીધો?

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP